કંકાવટી/​​ભે-બારશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
​​ભે-બારશ
[અભય બારશ]

શ્રાવણ મહિને ઊતરતે, અંધારી અગિયારશની રાતે દીકરીની મા ઢેબરાં કરે. વળતે દા’ડે બારશ. તેને ભે-બારશ કહે. દીકરાની મા ભે-બારશ કરે, નાહીધોઈને આરો પૂજે. શેનો આરો? નદીનો આરો, તળાવનો આરો, વાવનો આરો, કૂવાનો આરો, ગામપાદરે જે કોઈ નવાણ હોય એનો આરો પૂજે. શા માટે પૂજે? ગામનું નવાણ સજીવન રહે તે માટે પૂજે. પ્રથમ પૂજ્યો’તો એક દીકરાની માએ. વે’વારિયો વાણિયો હતો. વે’વારિયો વાણિયો તળાવ ગળાવે પણ મે તો કાંઈ વરસે ​નહિ. તળાવમાં પાણી ભરાય નહિ. ગામલોકોને ગામનાં ઢોર, ગામનાં પશુ ને પંખી પાણી વિના દુઃખી થાય. વે’વારિયે વાણિયે જોષી તેડાવ્યાં. જોષી! જોષી! જોષ જુઓ. નવાણે નીર કેમ કરી આવે? જોષીડો કે’ કે બત્રીસો ચડાવ્ય. કોણ બત્રીસો? તારો દીકરો, દીકરાનો દીકરો. વે’વારિયા વાણિયાને તો કંપારી વછૂટી. એક વરસ ગયું, બે વરસ ગયાં, ત્રણ ને ચાર વરસ ગયાં. વે’વારિયા વાણિયાનું તો હૈયું હાલે નહિ. ચોથે વરસે દીકરાની વહુ પિયર ગઈ છે. ચાર વરસનો તો એનો દીકરો છે. વહુ દીકરાને દાદાજી કને રાખીને ગઈ છે. રાત પડી. પરિયાણ કર્યાં. પેટી આણી. પેટીમાં તો દીકરાને પોઢાડ્યો છે. સુખડી ભરીને થાળ પણ જોડે મૂક્યો છે. માંહી ઘીનો બળતો દીવો મૂક્યો છે. પેટી લઈ જઈને તળાવમાં દાટી છે. દાટી કરીને પાછાં વળે તો ત્યાં તો આભ તૂટી પડે છે. ગા઼જવીજ ને કડાકા થાય છે. અનરાધાર મે વરસે છે. વે’વારિયા વાણિયાનું તળાવ તો ચારેય કાંઠે છલકી હાલ્યું છે. સવાર પડી છે. ગામલોક તો હલક્યું છે. હાલો, ભાઇ, હાલો! વે’વારિયા વાણિયાનું તળાવ હલક્યું. હાલો હાલો; ના’વા હાલો. ગામેગામ વાવડ થયા છે. વે’વારિયા વાણિયાનું તળાવ છલ્યું છે. વહુનેય પિયરમાં જાણ થઈ છે. બાઈ બાઈ, તારા સાસરાનું તળાવ ભરાણું છે. લોક બધું ના’વા હલક્યું છે. મારા સાસરાનું તળાવ છલ્યું? હુંય તો તો ના’વા જાઉં છું. બાઇએ તો દોટ દીધી છે. તળાવની પાસે પહોંચી છે. લોક તો ક્યાંય માતું નથી. ખસો, ખસો, મને ના’વાનો મારગ આપો. મારા સાસરાનું તળાવ ભરાણું છે. એલા ભાઈ! તળાવમાં એક પેટી તરતી આવે છે! એક કહે કે એ પેટી મેં દીઠી, એટલે એ મારી છે. બીજો કહે કે મારી છે. સહુ કહે કે અમારી છે. વહુ કહે, ખસો ખસો, એ પેટી તો મારી કહેવાય. એ તો મારા સાસરાનાં તળાવમાંથી નીકળી છે. એલા ભાઈ, કોઈની નહિ. તરતી તરતી જેની પાસે આવે તેની એ પેટી! સાચું, ભાઈ, સાચું. પેટી તો તરતી તરતી વહુની પાસે આવે છે. પેટી તો વહુની, પેટી તો વહુની! વહુએ તો પેટી ઉઘાડી છે. માંય તો દીકરો બેઠો છે. સુખડીનો થાળ પડ્યો છે. ઘીનો દીવો બળે છે. દીકરો તો હડફાં ખૂંદીને ઉઠ્યો છે. માને ગળે તો બાઝી પડ્યો છે. દીકરા, દીકરા! તું આમાં ક્યાંથી? મા મા, મને આમાં દાદાએ સુવાડ્યો’તો. એ પછીની મને ખબર નથી. વહુ તો દીકરાને લઈને હરખે ભરી ઘેરે જાય છે. બારણાં તો માલીપાથી બંધ કરેલાં છે. અરે બાઈજી! બારણાં બંધ કરીને કાં બેઠાં છો? આપણું તો તળાવ ભરાણું છે. મનખો તો ના’વા મળ્યો છે. ને તમે કેમ બારણાં બંધ કરી બેઠાં છો? ઉઘાડો રે ઉઘાડો. ઘરમાં તો સૌ સૂનમૂન છે. વહુ આવી, તેને શો જવાબ દેશું? એના દીકરાની તો આપણે હત્યા કરી છે. ઉઘાડો, બાઈજી, ઉઘાડો! ઉઘાડો, સસરાજી, ઉઘાડો! ઘરમાં નાની દીકરી હતી. દીકરી દીકરી, તરડમાંથી જોઈ તો આવ, બેટા! વહુ છે કે કોણ છે? દીકરી તો જોઈ આવી છે. મા, દાદા, ભાભી આવી છે, ને ભેળો છોકરો ય ઊભો છે. વિસ્મે થઈને બારણું ઉઘાડે છે. વહુને છોકરો બેય દેખ્યાં છે, વે’વારિયા વાણિયાની તો આંખમાંથી આંસુની ધાર થઈ છે. વહુ, દીકરી! અમે તો અમારું કાળું કરી ચૂક્યાં’તાં, પણ તારા સત તે તળાવ ભરાણું તારાં સત તે દીકરો જીવ્યો. વહુને તો વે’વારિયો વાણિયો પગે પડ્યો છે. ભે-બારશ રે’નારી સ્ત્રીઓ જમી કરીને આ વાર્તા કહે છે.