કથાવિચાર/ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ

આજનો આપણો વિષય – ‘ગુજરાતી નવલકથાનો રૂપવિકાસ’. ખરેખર તો, ઘણો જટિલ અને વિશાળ વિષય છે. ઐતિહાસિક અને સૈદ્ધાંતિક એમ બંને બાજુએથી એ છણાવટ માગે છે. પણ, એટલી વિગતે ચર્ચા કરવાને અહીં અવકાશ નથી એટલે આ અંગેનાં મુખ્યમુખ્ય વિકાસવલણોનો ટૂંકો નિર્દેશ કરીને સંતોષ લઈશું.

એ તો સુવિદિત છે કે, નવલકથાએ એના ટૂંકા ઇતિહાસમાંયે આકાર, રચનારીતિ અને શૈલીના અપારવિધ ઉન્મેષો પ્રગટાવ્યા છે. પણ તેથી તો એના રૂપની વિભાવના બાંધવાનું અતિ મુશ્કેલ બની ગયું છે અને, એ કારણે, ગુજરાતી નવલકથાના રૂપવિકાસની ચર્ચાના સંદર્ભે, રૂપનિર્મિતિ વિશેની સામાન્ય તાત્ત્વિક ભૂમિકાને અહીં સ્પર્શી લેવાનું અત્યંત આવશ્યક લાગે છે. પહેલી વાત તો એ કે નવલકથાની કળા વિશેની ભૂમિકા બદલાતી રહી છે. નવલકથાએ એના ઉદ્‌ભવકાળમાં સમાજજીવનના પ્રશ્નો સાથે સીધું કામ પાડ્યું છે. વાસ્તવવાદી રીતિની નવલકથાઓ એ રીતે પ્રથમ મહત્ત્વનો તબક્કો રચે છે. પણ એ પછી આધુનિક કળાઓના પ્રભાવ નીચે નવી નવી રીતિની ‘કળાત્મક’ નવલકથાઓ લખાવા માંડી. એમાં વર્ણ્યવિષયનો શૈલી દ્વારા લોપ કરવાની અપેક્ષા રહી છે. અને, વાસ્તવમાં નવલકથાની રૂપનિર્મિતિ એ તેના લેખક માટે કોઈ યાદૃચ્છિક બાબત પણ નથી. માનવીય વાસ્તવિકતા વિશેનો લેખકનો નિજી દૃષ્ટિકોણ એમાં એક મહત્ત્વનું નિર્ણાયક તત્ત્વ બની રહે છે. મોટા ગજાનો કોઈ પણ નવલકથાકાર લો : તેની કથાસૃષ્ટિ આગવા ‘વિશ્વદર્શન’ પર મંડાયેલી હોય છે. જે અનુભવવિશ્વ સાથે તે કામ પાડે છે, તેમાં પ્રગટ કે પ્રચ્છન્નપણે તેની અમુક ધારણાઓ રહી હોય છે, એ રીતે, અનુભવખંડમાં નિહિત રહેલી સંકુલતાઓ, સંદિગ્ધતાઓ અને આંતરવિરોધોનો પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી તે મુકાબલો કરે છે. અનુભવની અંતર્ગત રહેલા ઈર્‌રેશનલ અંશોને, રૂપરચનાની સુરેખતા અને સરળતા સિદ્ધ કરવાના પ્રયત્નમાં તેણે ગાળી કાઢવાના નથી. મૂળભૂત પ્રશ્ન, અનુભવોના હાર્દમાં જઈને વાસ્તવનું કૂટ રૂપ પકડવાનો છે. આદર્શવાદ કે સુધારાવાદના પ્રભાવ નીચે જે લેખક એક કાલ્પનિક જગત ઊભું કરે છે, તેની કળા ક્યાંક મૂળથી જ કુંઠિત થાય છે. નવલકથાનું સ્વરૂપ, ખરેખર તો સામાજિક-સાંસ્કૃતિક ઉથલપાથલો વચ્ચે જન્મ્યું અને વિકસ્યું છે. પરંપરાગત જીવનવ્યવસ્થા અને મૂલ્યોની ચોક્કસ સરણિ આજે ટકી રહ્યાં નથી. એવા સંજોગોમાં નવલકથાકાર, પોતાની લેખનપ્રવૃત્તિ દ્વારા, નવેસરથી મૂલ્યોની ઓળખ કરવા મથે છે. માર્ક શોરર દર્શાવે છે તેમ, ‘ટેકનિક’ જ અનુભવની કાચી સામગ્રીને વસ્તુલક્ષી રૂપ અર્પે છે; એટલું જ નહિ, ‘ટેકનિક’ જ અનુભવની એ સામગ્રીમાંથી મૂલ્યોનું નિર્માણ કરી આપે છે. રચનારીતિની વિદગ્ધતા એ રીતે મહત્ત્વની ઠરે છે. વાસ્તવબોધની અંતર્ગત જ માનવસંયોગો (Human Condition) અને માનવપ્રતિમા (Human Image) વિશેની લેખકની અમુક ધારણાઓ સમાઈ જાય છે. વ્યક્તિ લેખે માનવીની શક્તિ કઈ, મર્યાદાઓ કઈ, સમાજમાં તેમ વિશ્વજીવનના ક્રમમાં તેનું સ્થાન ક્યાં, ઇતિહાસ અને સમયની ગતિવિધિઓ સાથે તેનું અનુસંધાન કેટલું, તેની નિયતિ શી – એવા અનેક પ્રશ્નો એમાં સંકળાયેલા છે. દોસ્તોએવ્સ્કી, ફ્લૉબેર, ટૉલ્સ્ટૉય, જોયસ, વુલ્ફ, કામૂ, સાર્ત્ર, કાફકા, બેકેટ – કોઈ પણ મહાન લેખકની કથાસૃષ્ટિ જુઓ : માનવસંયોગો વિશેની એ દરેકની દૃષ્ટિ ભિન્ન છે. તેમની નવલકથાના રૂપનિર્માણમાં વત્તેઓછે અંશે, એ દૃષ્ટિ વિધાયક બળ બની છે. પણ રૂપનિર્માણના પ્રશ્નો આટલા સરળ નથી. નવલકથાનું કળાસ્વરૂપ, તેનું વિશિષ્ટ કાર્ય, રચનારીતિ અને શૈલીનો ખ્યાલ, ઉપરાંત લેખક તરીકે સમાજ પરત્વે પોતાની ભૂમિકા, સામાજિક નિસ્બત, ઉત્તરદાયિત્વ, પ્રતિબદ્ધતા – એ સર્વ બાબતોનેય સાથે સાથે લક્ષમાં લેવાની રહે છે. વાસ્તવવાદી, પ્રતીકવાદી કે ફૅન્ટસીની રીતિ – એ કંઈ એના લેખક માટે સર્વથા યાદૃચ્છિક બાબત નથી જ. માનવીય વાસ્તવિકતાનો જે રીતનો ખ્યાલ તેણે કેળવ્યો છે, અથવા વાસ્તવિકતાને જે સ્તરેથી તે ભેદવા ચાહે છે, તે બાબત પણ અહીં એટલી જ નિર્ણાયક બને છે. અંતે, નવલકથામાં રૂપનિર્માણનો પ્રશ્ન તેના સર્જકની ગંભીરતા, સચ્ચાઈ અને પ્રામાણિકતાનો પ્રશ્ન બને છે. જે લેખક, મુખ્યત્વે, કથારસ બહલાવવામાં રાચતો રહે છે અને જે રોમાંચક રંજકતત્ત્વોને આશ્રયે ચાલે છે, તેની કથાસૃષ્ટિને કળાત્મક રૂપની સાથે ખરેખર કોઈ જ નિસ્બત નથી.

સોએક કે તેથી કંઈક વધુ વર્ષોની ગુજરાતી નવલકથાની લેખનપ્રવૃત્તિ પર નજર કરતાં તરત સ્પષ્ટ થશે કે, સંખ્યાદૃષ્ટિએ એનો ફાલ નાનોસૂનો નથી. સામાજિક/જાનપદી, ઐતિહાસિક, પૌરાણિક – એમ અનેક પ્રકારના કથાવિષયો એમાં ખેડાતા રહ્યા છે. એની મુખ્ય ધારામાં સાક્ષરશ્રી ગોવર્ધનરામ, મુનશી, ર. વ. દેસાઈ, મેઘાણી, પન્નાલાલ, મડિયા અને દર્શક જેવા લેખકોની લેખનપ્રવૃત્તિ વિશેષ ધ્યાન ખેંચે છે. એ ધારાની સામે ‘કળાત્મક નવલકથા’નો અમુક ઝાંખોપાંખો ખ્યાલ સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આપણે ત્યાં પ્રચારમાં આવ્યો. એ તો સ્પષ્ટ છે કે, પાશ્ચાત્ય આધુનિક સાહિત્યની એમાં પ્રેરણા રહી છે. આ સમયે આપણા તરુણ પેઢીના અનેક તેજસ્વી લેખકોએ આધુનિક વિચારવલણો ઝીલીને, આ સ્વરૂપમાં આકાર, રચનારીતિ અને શૈલીના અવનવા પ્રયોગો કરવાનું બળવાન વલણ દાખવ્યું. જો કે આધુનિક વલણોની, આપણી કવિતા અને આપણી ટૂંકી વાર્તા પર જેટલી વ્યાપક અને ઊંડી અસર પડી, તેટલી વ્યાપક અને ઊંડી અસર આ ગાળાની આપણી નવલકથાઓ પર પડી નથી. હકીકતમાં નવી શૈલીની અને પ્રયોગાત્મક સ્વરૂપની એ નવલકથાઓની સમાંતરે પરંપરાગત રીતિની નવલકથાઓ મોટા જથ્થામાં લખાતી રહી. જો કે, જૂની કે નવી રીતિની, સર્વ નવલકથાઓમાં મહાન પ્રશિષ્ટ કોટિની નવલકથાઓ તો ઘણી જૂજ મળે છે. સ્વચ્છ સુરેખ અને સૌષ્ઠવપૂર્ણ આકાર રચવાની અણીશુદ્ધ કળાત્મક રૂપ નિપજાવવાની, સર્જકવૃત્તિ એમાં વિરલ જ છે. આપણી નવલકથાની આ ઊણપો પ્રત્યે આપણે હવે ગંભીરતાથી વિચારવાનું રહે છે. પ્રશ્ન, પશ્ચિમના કે અન્ય વિસ્તારના, આ કે તે સર્જકની રૂપનિર્મિતિનું અંધ અનુકરણ કરવાનો નથી. નવલકથા માટે કોઈ પણ તૈયાર ખોખું સ્વીકારી લેવાની વાત જ નથી. આપણા સર્જકે પોતાના અનુભવખંડને અર્થસંપન્ન રૂપ આપવા આગવી રીતિ અને આગવી શૈલી નિર્માણ કરી લેવાની છે.’ પણ, મુશ્કેલી મૂળ એ વાતની છે કે, નવલકથાની કલાત્મકતા વિશે, તેની રચનાપ્રક્રિયા વિશે અને વાસ્તવિકતા સાથે કામ પડવાની તેની પદ્ધતિઓ વિશે આપણે ત્યાં અત્યાર સુધી ઝાઝું માર્મિક વિવેચન મળ્યું નથી અને સુરેશ જોષી અને બીજા કેટલાક તરુણ અભ્યાસીઓએ આ વિશે કેટલીક ચર્ચાઓ વિકસાવવાના પ્રયત્નો કર્યા, તે છતાંય આ સ્વરૂપનું તાત્ત્વિક વિવેચન અને કૃતિવિવેચન પણ, હજીયે પ્રાથમિક દશાથી ભાગ્યે જ આગળ વધ્યું છે. આપણી નવલકથાના રૂપવિકાસના સંદર્ભે ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)ની રૂપનિર્મિતિની તપાસ ઘણી દ્યોતક નીવડે એમ છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામે એમના સમયના પ્રાણપ્રશ્નો વિશે જે કંઈ ચિંતન કર્યું હતું, તેને રસિક કથાના તાણાવાણામાં ગૂંથી લેવાનો તેમણે સ્પષ્ટ આશય રાખ્યો હતો. નવલકથા, દેખીતી રીતે જ, તેમને માટે વધુ તો વિચારોના વાહન જેવી રહી છે. જો કે પહેલા અને બીજા ભાગમાં તેમણે સંસારજીવનનાં કેટલાંક વાસ્તવલક્ષી ચિત્રો રજૂ કર્યાં છે અને એ પછી ત્રીજા અને ચોથા ભાગમાં પોતાને ઇષ્ટ વિચારણાઓ અને ભાવનાઓ ગૂંથી લેવાનું તેમણે સ્વીકાર્યું છે. સ્પષ્ટ છે કે સર્જક ગોવર્ધનરામ પર સાક્ષર અને સમાજહિતચિંતક ગોવર્ધનરામનો વિજય થયો છે. સરસ્વતીચંદ્ર અને બીજાં પાત્રો દ્વારા સમકાલીન સમાજની કઠોર વિષમ વાસ્તવિકતા તાગી લેવા પૂરતો જ તેમનો રસ નથી : યુગના પ્રશ્નોના નિરાકરણ સમા વિચારો રજૂ કરવામાં તેમણે સાર્થકતા જોઈ છે. એ કારણે ત્રીજા-ચોથા ભાગમાં તેઓ ભાવનાજગતનાં વિભિન્ન ચિત્રો આંકી દેવા પ્રેરાયા છે. અલબત્ત, આખાય યુગની ઉથલપાથલ વચ્ચે, એના પ્રાણપ્રશ્નો સાથેની તેમની ગાઢ નિસ્બત એમાં છતી થાય છે અને એ વાતનું આપણે મન અનોખું મૂલ્ય છે. ‘સરસ્વતીચંદ્ર’ (ભા. ૧-૪)માં સરસ્વતીચંદ્ર અને કુમુદના સ્નેહસંબંધની કથા કેન્દ્રસ્થાને રાખીને લેખકે બીજાં અનેક પાત્રોની, અનેક કુટુંબોની, કથા એની સાથે સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ બધા વૃત્તાંતોનું સંકલન વત્તેઓછે અંશે શિથિલ રહી ગયું છે. પણ, રૂપનિર્માણની દૃષ્ટિએ, વધુ ગંભીર પ્રશ્નોનો સામનો તો પાત્રનિર્માણ અને પાત્રવિકાસના સંદર્ભે કરવાનો આવે છે. લેખકે સરસ્વતીચંદ્ર અને કુમુદ જેવાં મુખ્ય પાત્રોના જીવનમાં, વિચારો અને લાગણીઓના મંથનની ક્ષણો ઊભી કરી છે ત્યાં, તેમના ચારિત્રની સંકુલતાનો સંતપર્ક પરિચય થાય છે; પણ, એકંદરે, આ બૃહદ્‌ કથાનાં પાત્રો અમુક ગુણ કે અવગુણની મૂર્તિ શાં વધુ લાગે છે. પરંપરાગત રૂપકગ્રંથિ (એલિગરી)ની રચનારીતિની એમાં અમુક છાયા પડેલી છે. વળી સરસ્વતીચંદ્ર, કુમુદ, અલકકિશોરી, પ્રમાદધન, શઠરાય આદિ ભિન્ન ભિન્ન સંસ્કારવાળાં પાત્રોની જીવનગતિ પણ લેખકને પોતાને ઇષ્ટ નૈતિક વલણોથી નિયંત્રિત થયેલી છે. ત્રીજા-ચોથા ભાગમાં સંવાદો, આત્મસંભાષણો, કે પત્રોના રૂપમાં, અથવા સીધેસીધી, પોતાને ઇષ્ટ વિચારણાઓ તેમણે ગૂંથી લીધી છે. એ રીતે, સરસ્વતીચંદ્ર, આખીયે કથામાં એક ક્રિયાશીલ વ્યક્તિ કરતાંય વધુ તો આસપાસના જગતના સાક્ષી જેવો પ્રતીત થાય છે. એ કથાનાયક – પોતાની જીવન – વિચારણાને વ્યવહારમાં મૂર્ત કરવા સક્રિય બનતો, નૈતિક સંઘર્ષોમાંથી ગુજરતો, પોતાના જ ‘સ્વત્વ’ની ઓળખ અર્થે નિજી ‘સ્વાતંત્ર્ય’ની ખોજમાં પ્રવૃત્ત બનતો – રજૂ થયો હોત, તો એ પાત્રને અને આખીય કથાને કળાકૃતિ લેખે અનન્ય મૂલ્ય પ્રાપ્ત થયું હોત. મુનશી, રમણલાલ, મેઘાણી, પન્નાલાલ, મડિયા અને દર્શક આદિ આપણા પ્રતિષ્ઠિત લેખકોએ નવલકથાની આગવી કથનશૈલી ખડી કરી છે, પણ તેમની કળાદૃષ્ટિ એક યા બીજી રીતે કુંઠિત થયેલી છે. તેમની સૌની મૂળભૂત નિર્બળતા એ કે નવલકથાને, જાણ્યે અજાણ્યેય, તેમણે કથારસના વાહન લેખે સ્વીકારી છે; અને એ માટે રોમાંચક કથાનક ઊભું કરી તેમાં રંજનલક્ષી તત્ત્વો ભેળવવાની વૃત્તિ તેઓ કેળવી રહ્યા છે. નવલકથામાં જીવનનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રહસ્યોનો તાગ લેવાનું અને શુદ્ધ કળાતત્ત્વોની માવજત કરવાનું, એટલું જાગ્રત વલણ તેઓ બતાવી શક્યા નથી. અટપટા પ્લૉટોની ગૂંચ અને તેનો ઉકેલ, રોમેન્ટિક પ્રણયકથા, સાહસ પરાક્રમ અને ભેદી સૃષ્ટિ – એ બધી યુક્તિઓથી તેઓ મુક્ત થઈ શક્યા નથી અને નાયકનાયિકાના ચિત્રણમાં વળી તેમનાં અમુક ભાવનાવાદી વલણો કે નૈતિક અભિગ્રહો પ્રગટ કે પ્રચ્છન્નપણે કામ કરતાં રહ્યાં છે. કહેવાતી જાનપદી નવલકથાઓમાં, તેમ ઐતિહાસિક/પૌરાણિક કથાઓમાંય, રંગદર્શી કલ્પનાનું વિશ્વ રચવા તરફની વૃત્તિ એટલી જ પ્રબળપણે કામ કરે છે. નકરા કઠોર સામાજિક વાસ્તવનું અનુસંધાન કેળવીને ચાલવાનું, કે ઐતિહાસિક વાસ્તવની યથાર્થ ભૂમિકા રચવાનું, એમાં ભાગ્યે જ બન્યું છે. પશ્ચિમમાં વાસ્તવવાદ કે પ્રકૃતિવાદ, જે રીતે આત્યંતિક વલણો સાથે નવલકથામાં પ્રગટ થયો, તેવા વાદ કે તેવી રીતિના અનુકરણની અપેક્ષા આપણે ન રાખીએ, પણ નવલકથામાં કળાતત્ત્વની ઉપલબ્ધિ અર્થે નક્કર સ્પર્શક્ષમ વાસ્તવિકતાનું દર્શન અને વર્ણન તો બિલકુલ અનિવાર્ય છે. અલબત્ત, એ માટે નવલકથાનું જગત લેખકની મૂળભૂત સંવેદના (prime sensibility)માંથી પાંગરવું જોઈએ. મુનશીની સામાજિક નવલકથાઓ ‘વેરની વસૂલાત’ અને ‘સ્વપ્નદૃષ્ટા’; રમણલાલની ‘ગ્રામલક્ષ્મી’ (૧-૪), ‘કોકિલા’, ‘દિવ્યચક્ષુ’; મેઘાણીની ‘તુલસીક્યારો’, ‘વેવિશાળ’; મડિયાની ‘વેળાવેળાની છાંયડી’ – આ પ્રકારની કથાઓમાં હજીય કથાતત્ત્વનું પ્રાધાન્ય, અટપટા પ્લૉટ અને તેના નાટકીય અંત, લેખકના નૈતિક અભિગ્રહો કે એવી બીજી કુંઠાઓ વિઘાતક બની રહેતી જણાય છે. અલબત્ત, પન્નાલાલ ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’માં, અસંપ્રજ્ઞપણે જ કદાચ, સર્જક તરીકેની વિરલ ભૂમિકા ભજવી શક્યા છે. આપણી નવલકથાના રૂપવિકાસની દૃષ્ટિએ એ કૃતિઓ ખાસ ધ્યાનપાત્ર છે. જીવન મને ‘કરોળિયાના જાળા’ જેવું લાગે છે એમ કહેતા પન્નાલાલે, ગ્રામજીવનની સીમિત ભૂમિકામાંયે, માનવજીવનની કઠોર વિષમ વાસ્તવિકતાનો સઘનપણે સ્પર્શ કર્યો છે. દુરીતની કૂૂટ અને દુર્નિવાર સત્તા તેમણે અહીં પકડમાં લીધી છે. ગામડાંનાં માણસોની કથા કહેતાં તેમના જીવનની પ્રાકૃતતાઓ, કુત્સિતતાઓ, ક્ષુદ્રતાઓ – સર્વનો તેમણે સ્વીકાર કર્યો છે. વળી, એક બાજુ સામાજિક વાસ્તવ સાથે, તેમ બીજી બાજુ માનવમનના વાસ્તવ સાથે, તેઓ ગંભીરતાથી કામ પાડતા રહ્યા છે. અહીં ઘટનાઓનો આધાર તેમણે લીધો છે, પણ એ તો માનવમનની અજબ લીલા માટે નિમિત્ત જેવી છે. જે પ્રદેશની કથા કહેવા પ્રેરાય છે, તેના સાંસ્કૃતિક પરિવેશનેય તેમણે જીવંત રૂપમાં જાળવ્યો છે. તેમની ગ્રહણશીલ દૃષ્ટિ –Perceptive eye – અનુભવજગતના પદાર્થોને નક્કર અને સ્પર્શક્ષમ રૂપમાં તાદૃશ કરી લે છે. એ રીતે પ્રકૃતિ અને માનવમનની વાસ્તવિકતા સુધી તેઓ વિસ્તરતા રહ્યા છે અને, એય નોંધવું જોઈએ કે, આંતરમનના વ્યાપારો આલેખવામાં તેમણે અહીં વિરલ સૂઝ દાખવી છે. વળી, પાત્રોની જીવનગતિ આલેખવામાં કોઈ નૈતિક અભિગ્રહ કે સુધારાવાદી વૃત્તિ તેમને ખાસ અવરોધક બની નથી. પાછળની ઘણીએક નવલકથાઓ એવી કળાત્મક સિદ્ધિ મેળવી શકી નથી, તેનું મુખ્ય કારણ એ છે કે એમાં રોમાંચક કથા ખિલવવાને વારંવાર કૃત્રિમ પ્લૉટ અને સસ્તી તદબીરોનો તેઓ આશ્રય લેતા રહ્યા છે. પન્નાલાલ આદિએ ખેડેલી સામાજિક નવલકથાની ધારા, આમ જુઓ તો, અત્યાર સુધી વિશાળપણે વહેતી રહી છે. એમાં રૂઢ રીતિએ કથાકથન કરવાની પ્રવૃત્તિ ચાલતી રહી છે, તો કેટલાંક દૃષ્ટાંતોમાં નવી નવલકથાનાં અમુક કળાતત્ત્વો સ્વીકારીને ચાલવાનું વલણ પણ દેખાય છે. સમગ્રતયા એમ લાગે કે, સમાજજીવનની અનેકવિધ સમસ્યાઓ તરફ આપણા લેખકોનું ધ્યાન વિસ્તર્યું છે, છતાં એ કથાઓ એક યા બીજા કારણસર કુંઠિત રહી ગઈ છે. લગ્નજીવનની વિષમતાઓ, પરસ્ત્રી સાથેના મુક્ત સંબંધો, સંતાનોની સમસ્યાઓ, અનુરાગ અને વિરતિ – એવા કેટલાક પ્રશ્નો સાથે જ આપણા લેખકોએ વધુ નિસ્બત દાખવી છે; પણ તેમનું સંવેદનવિશ્વ એ રીતે ઝાઝું વિસ્તરી શક્યું નથી એમ સમજાશે. આજે આપણે આપણા પ્રજાજીવનમાં ભારે સંક્ષોભ અને ઉથલપાથલો જોઈ રહ્યા છીએ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ, માનવસંહાર, જુલ્મ, શોષણ, સંઘર્ષ, યાતના એ બધું પરવશપણે નિહાળી રહ્યા છીએ. જૂની જીવનવ્યવસ્થા તૂટી રહી છે. જૂનાં મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે. પણ નવી વ્યવસ્થા અને નવી મૂલ્યરચના ઊભી થઈ શકી નથી. તો આપણા નવલકથાકારો આ આખીય વિષમ પરિસ્થિતિનો તાગ લેવા પ્રેરાયા છે ખરા? આપણા સર્જકો પાસે સમાજજીવન વિશે કોઈ એક યા બીજું ‘દર્શન’ છે? મૂલ્યોની ઓળખ અર્થે તે કેટલો સજગ બન્યો છે? – એવા એવા પ્રશ્નોને અવકાશ રહે જ છે. નવલકથામાં રૂપનિર્માણ વિશેની સભાનતા, આગળ નિર્દેશ કર્યો તેમ, આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મી. આધુનિક વિચારવલણોની એમાં ઘણી પ્રેરણા રહી છે. વાસ્તવવાદી નવલકથા અને વાસ્તવવાદી રીતિનો એમાં મૂળથી જ અસ્વીકાર થયો. સુરેશ જોષી જેવા સર્જકે એમ કહ્યું કે બહારની વાસ્તવિકતા ઘણી છીછરી અને ચપટી છે. સર્જકે એનો માત્ર કાચી સામગ્રી તરીકે જ ઉપયોગ કરવાનો છે. નવલકથાનું ખરું જીવિત એની રૂપનિર્મિતિ છે અને આવી વૈચારિક આબોહવામાં આપણા તરુણ પેઢીના લેખકો આ સ્વરૂપમાં આકાર, શૈલી અને ભાષા-વિધાનના સ્તરેથી અવનવા પ્રયોગો કરવા પ્રેરાયા. જુદીજુદી દિશાના એ પ્રયોગો છે. સુરેશ જોષીની કૃતિઓ ‘છિન્નપત્ર’ અને ‘મરણોત્તર’, મધુ રાયની ‘ચહેરા’, ‘કામિની’ વગેરે, ચંદ્રકાંત બક્ષીની ‘આકાર’ અને ‘એક અને એક’, દિગીશની ‘આપણો ઘડીક સંગ’, હરીન્દ્ર દવેની ‘પળનાં પ્રતિબિંબ’, રઘુવીરની ‘અમૃતા’, ‘આવરણ’, રાધેશ્યામની ‘ફેરો’ અને ‘સ્વપ્નતીર્થ’, મુકુંદની ‘મહાભિનિષ્ક્રમણ’, શ્રીકાંતની ‘અસ્તી’, કિશોર જાદવની ‘નિશાચક્ર’, ભગવતીકુમારની ‘સમયદ્વીપ’ અને ‘ઊર્ધ્વમૂલ’, જ્યોતિષ જાનીની ‘ચાખડીએ ચઢી ચાલ્યા હસમુખલાલ’, રાવજીની ‘ઝંઝા’, ધીરેન્દ્રની ‘ચિહ્ન’, વીનેશની ‘પલાશવન’ અને એવી બીજી અનેક રચનાઓમાં વત્તેઓછે અંશે રૂપવાદી સંચલનો કામ કરતાં જોઈ શકાશે. નોંધપાત્ર છે કે આ તરુણ સર્જકો પૈકીના અનેકે આધુનિક કવિતાના ક્ષેત્રે આગવી રીતે અર્પણ કર્યું છે. તેમની રચનાઓમાં કવિત્વમય સંવેદના સ્વયંસ્રોત બની છે. અલબત્ત, માનવીય વાસ્તવિકતાને આ નવી નવલકથા જુદી જુદી રીતે આલેખવા મથે છે. આ તરુણ લેખકોનો એકંદર ઝોક માનવપરિસ્થિતિનો સીમિત સંદર્ભ લઈને કથાનાયકનું ભાવજગત ખુલ્લું કરવા તરફનો છે. કળા વિશે તેમણે જે જાતનો ખ્યાલ કેળવ્યો છે તેમાં સમાજજીવનની નકરી વાસ્તવિકતાને રજૂ કરવાની અપેક્ષા નથી. જે રીતે અટપટા પ્લૉટ નહિ, ઘટનાઓની લાંબી ઘટમાળ નહિ, વિવિધ પ્રકૃતિનાં માણસોનાં ચિત્રણો નહિ; મુખ્ય પાત્રને આશ્રયે ભાવસંવેદનાને મૂર્ત કરતાં જવું એ તેમની મુખ્ય વૃત્તિ રહી છે. બીજી રીતે કહીએ તો ‘સ્વ’ની બહાર રહેલા માનવસંદર્ભને, તેની સમગ્ર ઐતિહાસિક પ્રક્રિયા સમેત, સ્વીકારવાનું તેમનું વલણ ઓછું છે. સુરેશ જોષીની કૃતિ ‘મરણોત્તર’ આ પ્રકારનું આત્યંતિક દૃષ્ટાંત છે. એમાં કથાનાયકની અસ્તિત્વ૫૨ક સંવેદનાનું આલેખન છે અને કથાનાયકના આત્મનિવેદન રૂપે એ રજૂ થઈ છે. પણ અહીં સામાજિક ઐતિહાસિક વાસ્તવિકતાનો લોપ કરવામાં આવ્યો છે. માનવસંયોગો વિશે એમાં કેટલાક સંદર્ભો કેવળ પ્રતીકાત્મક રીતિએ ઉલ્લેખાયા છે ખરા પણ અહીં નક્કર વાસ્તવિક્તાની ભોંય ખડી થતી નથી. કલ્પનો, પ્રતીકો અને મિથનાં તત્ત્વોથી એમાં એક સંવેદનનું વિશ્વ ઊભું થાય છે પણ એમાં એના કથાનાયકની પૂરી છબી પણ રચાતી નથી. મધુ રાયની કૃતિ ‘ચહેરા’ વળી જુદી જ રીતિનો પ્રયોગ છે. એમાં આપણા પરિચયમાં આવતા મહાનગરની પરિસ્થિતિનું અને તેની વચ્ચે ચહેરા ખોઈ બેસતા માણસોનું ચિત્રણ કરવાનો ઉપક્રમ છે. પણ અહીં કથાનાયકની ક્રિયાશૂન્યતા તેને આગવી મુદ્રા રચી આપે છે. રઘુવીરની ‘અમૃતા’માં પાત્રો અને પ્રસંગોને પ્રતીકાત્મક ઊઠાવ આપવાનો અને એમાં પાત્રોની જીવનવિચારણાઓને ટકરાવવાનો અનોખો પ્રયોગ જોવા મળે છે. ભગવતીકુમારની ‘સમયદ્વીપ’માં કથાનાયકની સાંસ્કૃતિક કટોકટીનો સંદર્ભ છે, એ માટે લેખકે અવનવું રચનાવિધાન કરવાનો પ્રયત્ન કર્યો છે. આ જાતના રૂપનિર્માણના પ્રયોગોની સાર્થકતા કે સફળતા-નિષ્ફળતાનો, ખરેખર તો અલગ અલગ વિચાર કરવાનું પ્રાપ્ત થાય છે. અદ્યતન વિચારવલણોથી પ્રેરાઈને તરુણ સર્જકોએ આ સ્વરૂપમાં જે પ્રયોગો કર્યા અને આકાર, રચનારીતિ અને શૈલીમાં જે નવા ઉન્મેષો પ્રગટાવ્યા, તેની સંગીન અને વેધક દૃષ્ટિની સમીક્ષા આજે અનિવાર્ય છે. ખરેખર એમાં કેટલાક મૂળભૂત પ્રશ્નો આપણી નવલકથાના વિકાસના સંદર્ભે ઊભા થાય એમ છે. નવલકથામાં કથાતત્ત્વની ઉપાસના સર્જક કરે એની સામે તો કોઈને વાંધો ન હોય, પણ એ કળાનો ખ્યાલ તેને ઊર્મિકથામાં સીમિત કરી દે, કે માત્ર પ્રતીકાત્મક વિશ્વમાં વિહરવા દે, એ પર્યાપ્ત છે? નવલકથા એના ઉદ્‌ભવકાળથી જ બદલાતા માનવસંયોગો સાથે કામ પાડતી રહી છે, તો આપણો સર્જક આજના માનવસંયોગોને ઐતિહાસિક ભૂમિકા સાથે શા માટે ન સ્વીકારે? પ્રશ્ન સમાજ, સંસ્કૃતિ, ઇતિહાસ અને દર્શન સાથેની ગાઢ નિસ્બતનો છે. લેખકની વિચારસંપત્તિ વિશાળ હશે, અનુભવનું વિશ્વ વિશાળ હશે, માનવઇતિહાસ અને માનવનિયતિ માટે નિસ્બત કેળવી હશે, તો તેણે આગવી રીતે આગવી ભૂમિકાએથી રૂપની આગવી ખોજ કરવાની આવશે.