કાંચનજંઘા/પ્રાસ્તાવિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રાસ્તાવિક

ભોળાભાઈ પટેલ

સને ૧૯૮૧માં ‘લોકસત્તા’ની પરિવારપૂર્તિમાં ‘દિશા-વિદિશા’ સ્તંભ હેઠળ લખાયેલા નિબંધોમાંથી કેટલાક પરિમાર્જિત કરીને અહીં લીધા છે. તો કેટલાક ૧૯૮૩-૮૪ના વર્ષ દરમિયાન શાંતિનિકેતનમાં લખાયેલા છે. જોકે ત્યાં લખાયેલા નિબંધોમાંથી હજુ ઘણા અપ્રકટ છે. ઇચ્છા તો એવી હતી કે એ સ્થળ-સમયની માનસિકતાને પ્રકટ કરતા નિબંધોનો અલગ જ સંચય કરવો. હવે ભવિષ્યમાં.

‘ચિંતનમુદ્રા’ આકાશવાણી પરથી પ્રસારિત વાર્તાલાપો છે, જે પછીથી સુરતથી પ્રકટ થતા ‘કંકાવટી’માં પ્રકટ થયા હતા.

અત્રે કૃતજ્ઞ ભાવે કેટલાક સહયાત્રી મિત્રોનું સ્મરણ કરું છું, તેમાં પણ અસમિયા મિત્ર સુનીલકુમાર દત્તનું વિશેષ ભાવે, ઉપરાંત ‘લોકસત્તા’ના શ્રી જતિન વૈદ્ય, આકાશવાણીના શ્રી લલિતકુમાર શાસ્ત્રી અને ‘કંકાવટી’ના શ્રી રતિલાલ અનિલનો આભાર માનું છું. શ્રી ભગતભાઈ શેઠનો પણ આ નિબંધસંગ્રહ પ્રકટ કરવા માટે ખૂબ આભારી છું.


અમદાવાદ
ભોળાભાઈ પટેલ
૪ માર્ચ, ૧૯૮૫

બીજી આવૃત્તિ પ્રસંગે

‘કાંચનજંઘા’ની આ બીજી આવૃત્તિમાં કેટલાક નિબંધોમાં શાબ્દિક પરિવર્તનો કર્યાં છે, કેટલાક નિબંધોમાં ક્યાંક પંક્તિઓ ઉમેરી છે. ‘આ ફૂલનું નામ શું?’ એ નિબંધ તો આખો ઉમેર્યો છે. અહીં એનું સ્થાન છે. બીજી આવૃત્તિ માટે શ્રી ભગતભાઈ શેઠનો આભારી છું.

ભોળાભાઈ પટેલ
અષાઢી બીજ
૧૯૯૦