કાંચનજંઘા/માઝુલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માઝુલી

ભોળાભાઈ પટેલ

માઝુલી એટલે અસમનો હૃદયદ્વીપ. માઝુલી એટલે અસમનો સંસ્કૃતિ-દીપ.

બ્રહ્મપુત્રના વિરાટ પ્રવાહ મધ્યે જગતનો સૌથી મોટો નદીનો આ દ્વીપ ધીરે ધીરે ઓગળતો જાય છે. આજે લગભગ નવસો ચોરસ કિલોમીટરનું અસ્તિત્વ ધરાવતો આ દ્વીપ આથી પણ વિશાળ હતો. બ્રહ્મપુત્રના પ્રચંડ પ્રવાહે આ દ્વીપનું સર્જન કર્યું છે, એ પ્રવાહ આજે એક રીતે તેનું પોષણ કરે છે, એ જ પ્રવાહ એનું વિસર્જન પણ કરી શકે. વરસાદના દિવસોમાં એવી ભીતિ થઈ આવે. ચારેકોર વધતાં પાણી એને ગળી તો નહિ જાય? માઝુલીમાં રહેતાં લાખેક લોકોના મોઢા પરનું સ્મિત એ દિવસોમાં વિલાઈ જાય.

પછી વરસાદ નમી જાય, નીતરતા પર્વતો અને વ્યાઘ્રગજાદિસેવિત અરણ્યો કોરાં પાડવા માંડે પછી દ્વીપ ખૂલતો જાય. પણ એની થોડી ભૂગોળ બદલાઈ ગઈ હોય. માઝુલીની મરેલી નદીઓ વહેતી હોય, ઠેર ઠેર સરોવર થઈ ગયાં હોય. સરોવરો રેત બની ગયાં હોય. કેટલાક ખૂણાઓ તણાઈ ગયા હોય, કેટલાક ખૂણાઓ નવા ઊપસી આવ્યા હોય. લોકો કામધંધે વળગી ગયા હોય. આવું તો વરસોવરસ. માઝુલીના લોકો માઝુલી છોડીને જતા નથી. માઝુલી જાણે કહે છે, ભલે જળમાં ડૂબી જાઉં, પણ હું તો છું. રહીશ. તમે પણ રહો. જળ એ તો માના હેતનો જુવાળ.

વ્યાસને આપણે દ્વૈપાયન કહીએ છીએ. એ દ્વીપ પર જન્મ્યા હશે એટલે કે પછી એ દ્વીપવાસી થયા હશે એટલે? ખબર નથી. માઝુલીનો દ્વીપ બ્રહ્મપુત્રે ક્યારે રચ્યો હશે? ત્યાં જઈને માણસો ક્યારે વસ્યા હશે? ખબર નથી. પણ પંદરમી-સોળમી સદીમાં ત્યાં જઈને વસ્યો ધર્મ. અસમનો વૈષ્ણવ ધર્મ.

મહાપુરુષ શંકરદેવ (૧૪૪૯-૧૫૬૯) અને એમના શિષ્ય માધવદેવ (૧૪૯૨-૧૫૯૬) અસમના ધાર્મિક-સાંસ્કૃતિક જીવનના શલાકા પુરુષો. શંકરદેવે એકશરણિયા વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી, શાક્ત અને તાંત્રિક વિધિવિધાનમાં ડૂબેલા અસમને ધર્મનો શીળો પ્રકાશ આપ્યો. માધવદેવે એ ધર્મને એક વ્યવસ્થા આપી. કહે છે, શંકરદેવ અને માધવદેવનું પ્રથમ મિલન આ માઝુલી દ્વીપ ઉપર.

માઝુલીમાં વૈષ્ણવસત્ર સ્થાપવાની કલ્પના ધર્મપુરુષોને આવે એમાં આશ્ચર્ય નથી. અહીં વૈષ્ણવ મઠો સ્થપાતા ગયા. થોડા થોડા મતફેરને કારણે એ મઠોની સંખ્યા વધતી ગઈ, પણ સમગ્રપણે શંકરદેવના વિચારોનું સંવર્ધન થતું રહ્યું છે, દૂર-સુદૂર અસમના જનજીવનમાં માઝુલી પ્રકાશ પાથરતું રહ્યું છે.

અનેક વાર કલ્પનામાં માઝુલીનું ચિત્ર આવતું, પણ ત્યાં ઓછું પહોંચી જવાય છે? પહેલી વાર અસમ ગયો ત્યારે ઘણી ઈચ્છા છતાં માઝુલી જવાનું ન બન્યું. પછી બહુ પસ્તાવો થયા કર્યો. બીજી વાર અસમ જવાના વિચારમાં માઝુલી કેન્દ્રમાં હતું. જે વૈષ્ણવ ધર્મે અસમની પ્રજાને દૃઢ પ્રશાન્ત આંદોલનની ભૂમિકા આપી છે, એનો થોડોય સંસ્પર્શ પામવો હોય તો માઝુલી જવું રહ્યું.

શાન્તિનિકેતનથી માઝુલીના બે વૈષ્ણવ મઠોના સત્રાધિકાર ગોસાંઈજીઓ પર તો પત્રો પણ લખ્યા. પત્ર સુનીલે લખ્યા હતા. એ અસમના. માઝુલીના આઉનીઆટી સત્રના અધિકાર નીચેના વૈષ્ણવમતાનુયાયી. સત્રાધિકારના જવાબોથી અમારો ઉત્સાહ વધ્યો.

ઑક્ટોબર છતાં વરસાદ થંભ્યો નહોતો. શાંતિનિકેતન – વીરભૂમના આછા વરસાદના વિસ્તારમાં તો અવશ્ય ઓછો હતો, પણ અસમના પશ્ચિમ વિસ્તારોમાં પુષ્કળ હતો. અમારી તારીખો નક્કી હતી, તો વરસાદની પોતાની પણ. શાંતિનિકેતનથી નીકળવાને આગલે દિવસે ચિંતાપૂર્વક આકાશવાણીના સમાચાર સાંભળ્યા. બ્રહ્મપુત્ર અને તેની શાખાઓ ભયસપાટીની ઉપર વહી રહી છે. ‘અસમ’ દેશથી અલગ પડી ગયું છે. રેલવ્યવહાર બંધ છે, માર્ગવ્યવહાર બંધ છે. બધે જળબંબાકાર છે. સુનીલે કહ્યું – આ સમાચાર તો રહેવાના, અમારે તો ચારે માસ લગભગ આવું.

વીફરેલ બ્રહ્મપુત્રના આક્રમક જળથી વીંટાળાયેલા માઝુલીને કલ્પનામાં જોઈ રહ્યો. બ્રહ્મપુત્રનાં જળ ટાપુને ગળતાં જાય છે, ટાપુ નાનો થતો જાય છે. માણસો, ઢોરઢાંખર, વન્ય, પ્રાણી, સર્પાદિ સૌને ખદેડતાં પાણી ભરડો લેતાં જાય છે, ટાપુને કોઈ કોટકિલ્લો નથી અને હોય તોય શું? બ્રહ્મપુત્રનાં પ્રલયકારી જળ આગળ એની શી વિસાત? ટાપુ નાનો નાનો થતો જાય છે, હજી નાનો હજી નાનો. હવે ક્યાંય જમીન નથી, હવે માત્ર હિંસ્ર મટમેલાં પાણી વહી રહ્યાં છે. માત્ર પાણી, આદિમ પાણી…

પછી તો સવારે સ્ટેશને ગયા, પણ ટિકિટો રદ કરાવવા.

થોડાક દિવસો ગયા. ત્યાં ફરી માઝુલીનો સાદ સંભળાયો. હવે તો જવું રહ્યું.

એક વહેલી સવારે ડાંગરનાં ખેતરો વચ્ચે અને પુરાતા જતા સરોવરને કાંઠે વસેલા, ગાઢ ધુમ્મસનો અંચળો ઓઢીને સૂતેલા અસમના એક નાના પણ ઇતિહાસપ્રસિદ્ધ ગામથી માઝુલી જવા નીકળ્યા. દિવાળીની એ સવાર હતી. અસમ આવ્યે અઠવાડિયાથી વધારે સમય થયો હતો. અભયારણ્ય માનસ અને બરપેટાના વૈષ્ણવસત્રમાં ગાળેલા દિવસોનો મધુર આનંદ ચિત્તમાં હતો. આજે માઝુલી ભણી. ધુમ્મસને ભેદીને સૂર્ય ઉદિત થયો. રાણી જયમતીની સ્મૃતિમાં બંધાયેલ જયસાગરની બાજુમાંથી અમારી પગરિક્ષા જતી હતી. આખો વિસ્તાર ‘જેરંગા પથાર’ (મેદાન, ખેતર) કહેવાય છે. જયદોલ મંદિરનું બંધુર છાયાચિત્ર ધુમ્મસના પરદા પાછળ રમ્ય લાગતું હતું. ધુમ્મસ અમને ભીના કરતું હતું. એટલામાં કોઈના ચાલવાનો લયબદ્ધ તાલ કાને પડ્યો. ધુમ્મસની પાર જોયું તો સડક પર જરા આગળ એક કન્યા ચાલી જતી હતી. ધુમ્મસના આવરણને લીધે સ્વપ્નિલ છવિ. અમારી રિક્ષા તેની નજીક આવી. એની ચાલ એ જ હતી. એકદમ ગોરું ઈષત્ લાલ મોઢું. સુનીલે કહ્યું – અહોમ કન્યા. અહોમ મૂળે તાઈ અથવા શાનપ્રજા છે. તેરમી સદીમાં અહોમ અસમમાં પ્રવેશ્યા અને અસમ પર શાસન ચલાવ્યું. અહોમોએ પછી હિન્દુ ધર્મ અંગીકાર કર્યો, અસમિયા સંસ્કૃતિના મુખ્ય પ્રવાહમાં ભળી ગયા. પણ તે સાથે પોતાની સંસ્કૃતિ તથા સભ્યતાની વિશિષ્ટ છાપ પણ જાળવી. આ અહોમ કન્યા પણ શિવસાગર જતી લાગી. રિક્ષા એને વટાવી ગઈ પણ ક્યાંય સુધી એની ચાલનો લયબદ્ધ અવાજ પાછળથી કાન ખેંચતો રહ્યો.

શિવસાગરથી બસમાં જોરહાટ – જોરહાટથી બીજી બસ પકડી નિમાતિઘાટ. દિવાળીપર્વ નિમિત્તે આજે સૌ ઘરે, દુકાને કેળના તોરણસ્તંભ ઊભા કરે. અસમમાં કેળ શુભોત્તમ ગણાય છે. આજે હજારોની સંખ્યામાં કેળ કપાઈ હશે. ગાડાંનાં ગાડાં ભરી આખી ને આખી કેળો લઈ જવાતી હતી. આ કદલીસંહાર જોઈ દુઃખી થવાયું.

નિમાતિઘાટ પહોંચતાં જ બ્રહ્મપુત્રનો વિશાળ જળપ્રવાહ દેખાયો. એ પ્રવાહ મધ્યે અનેક રેતના ટાપુ હતા, પણ એ કંઈ માઝુલી હોય? માઝુલી જવા માટે ભીડ ભરેલી એક મોટી બોટમાં બેસી ગયા. બોટનું નામ ‘પાનેઈ.’

આ પાનેઈ તે અસમિયા નવલકથાકાર રજનીકાન્ત બરદલૈની બ્રહ્મપુત્ર અને સુવણસિરિ નદીવિસ્તારના આદિવાસી મીરી જનજીવન પર આધારિત ગઈ સદીમાં લખાયેલી નવલકથા ‘મીરી જીયરી’ (મીરી કન્યા) નવલકથાની કરુણ નાયિકા.

બ્રહ્મપુત્રના પ્રવાહ પર પાનેઈ સરવા લાગી, પૂર ઊતર્યા પછીના તરતના દિવસો હતા. પ્રવાહની બંને બાજુએ રેતના ઊંચા પટ હતા. આ પટને અસમિયામાં ‘ચાપરિ’ કહે છે. ચાપરિ પર ઘાસ બહુ પાણી પી જવાથી આડું પડ્યું છે. બ્રહ્મપુત્રનો દૂર દૂર સુધી તડકામાં દેખાતો પ્રવાહ મંથર ગતિથી વહે છે. તેમાં નાની હોડીઓ શઢ ફુલાવીને ફરે છે.

નિમાતિઘાટથી કમલાવાડી પહોંચવાનું હતું. કમલાવાડી માઝુલીની મધ્યમાં આવેલું ગામ છે. માઝુલીનો વિસ્તાર એ પહેલાં શરૂ થઈ જાય. કમલાવાડી પહોંચવા બ્રહ્મપુત્રને સામે કાંઠે ઊતરી ત્યાંથી બસ પકડવી પડે. પણ હજી સામેના ઘાટથી બસ શરૂ થઈ નહોતી. રસ્તે મરેલી નદીઓ જીવતી થઈ ગઈ હતી. સામે ઘાટ ઊતર્યા પછી એકાદ કિલોમીટર ચાલવાનું આવ્યું. રસ્તે ઊંચું ઊંચું ઘાસ. આ ઘાસને હાથી ઘાસ કહે છે. અંદરથી હાથી પસાર થતો હોય તોપણ ન દેખાય. ઘાસની બાજુમાં રેતાળ માર્ગ.

વચ્ચે એક નદી આવી. નાની પણ ઊંડી. મીરી કિશોરો હોડીઓ લઈ રાહ જોતા હતા. સવારીઓ લેવા પડાપડી. એક હોડીમાં નદી પાર કરી સામે તીર ઊતર્યા. ત્યાં બસ ઊભી હતી. બસમાં ભારે ભીડ, છતાંય બસ ગણકારે નહિ. છેલ્લી સીટો પર બેઠેલા અમે ઊછળી ઊછળી છાપરે અડી જતા! માઝુલીનો વનરાજીથી રમણીય લાગતો વિસ્તાર શરૂ થઈ ગયો હતો.

કમલાવાડી આવી પહોંચ્યા પછી એવું લાગે કે આપણે કોઈ ટાપુ પર નથી. પાકી, અલબત્ત પૂરથી અહીંતહીં ઊખડી ગયેલી સડક, ઈંટનાં પાકાં મકાન, નાનું એવું બજાર, હાઈસ્કૂલ વગેરે ઇમારતો.

અહીંથી અમારે આઉનીઆટીના પ્રસિદ્ધ વૈષ્ણવસત્રમાં જવાનું હતું. એક સમય હતો લગભગ બીજા વિશ્વયુદ્ધ સુધી, જ્યારે માઝુલી ટાપુ ઉપર એક સ્થળેથી બીજા સ્થળે હાથીની સવારી મળે. પણ હવે તો બધી જાતનાં યાંત્રિક વાહનો આવી ગયાં છે. એકદમ નવીનકોર ભાડે ફરતી મોટરગાડી જોઈ આશ્ચર્ય થયું. એમાં સવાર થઈ ગયા. રસ્તો ઊંચાઈ પર. રસ્તાની બંને બાજુ નીચાણમાં ખેતરો. બ્રહ્મપુત્રનો પ્રવાહ ક્યાંય દૂરેય દેખાતો નહોતો. પણ ભારે વરસાદના દિવસોમાં બ્રહ્મપુત્રનાં જળ આ ખેતરોને પણ આપ્લાવિત કરી દેતાં હશે. અત્યારે તો રસ્તાની બાજુએ ક્યાંક ખેતરમાં વાંસ, કેળ, નાળિયેરીનાં ઝુંડ નીચે વાંસનાં આઠ-દસ ઘરવાળી વસ્તી જોવા મળી. જરા દૂર નજર ગઈ તો અરુણાચલની એટલે પૂર્વી હિમાલયની ગિરિમાળાની રૂપરેખ.

આઉનીઆટી વૈષ્ણવસત્રના પ્રવેશદ્વારે પહોંચ્યા. ખ્યાલ આવી ગયો કે સત્રનો વિસ્તાર ઘણો મોટો છે. પણ સત્રના દરવાજામાં પ્રવેશો એટલે પગરખાં પગમાં ન રાખી શકાય. સત્રની આખી ભૂમિ પવિત્ર.

સુનીલ પણ પહેલી વાર આવતો હતો. એમનું કુટુંબ આ સત્રનું અનુયાયી હતું. સુનીલની નાની બહેને આ સત્રમાં ભેટ ધરવા દિવસરાત મહેનત કરી એક સુંદર ચંદરવો પોતે સાળ ઉપર વણ્યો હતો. સુનીલના મોટા કાકા આ સત્રમાં કેવલિયા સંન્યાસી થઈને વર્ષોથી રહેતા હતા. અમે તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે તેઓ ઘરે નહોતા. ત્રણચાર બ્રહ્મચારી શિષ્યો હતા. એક જણ દૂરની ‘ચાપરિ’એ ગોધનની સંભાળ માટે ગયેલા આતાને બોલાવવા ગયા.

અમને રહેવા માટે એક ઓરડો કાઢી આપ્યો. વાંસની દીવાલો, ઘાસનું છાપરું. પણ બધી સગવડ. આતાના આ નિવાસની હારોહાર બીજા કેવલિયા ભક્તોના આવાસો હતા. કેવલિયા ભક્ત સંઘની સ્થાપના શંકરદેવના શિષ્ય માધવદેવે કરેલી, કેવલિયા એટલે આજીવન બ્રહ્મચારી.

અમે ગોસાંઈજીને મળવા ગયા. બરપેટા વૈષ્ણવસત્રના ગોસાંઈજી ગૃહસ્થ હતા. ત્યાં તો અમે એમને ઘેર ઊતરેલા અને એમના પરિવારનો પ્રેમ પામ્યા હતા. સદ્ભાગ્યે એ ગોસાંઈજીની એક પુત્રી મલયાદેવી ગૌહાટીમાં સુનીલની સહપાઠિણી નીકળી – સુનીલને પણ ખબર નહિ. એમના અભિજ્ઞાન-દૃશ્યથી અમને પણ આનંદ થયો, ગોસાંઈજીની અને તેમના નાના ભાઈની બે કન્યાઓએ તે રાતે મન ભરીને વૈષ્ણવ બર-ગીતો સંભળાવ્યાં હતાં. પણ આઉનીઆટીમાં એવી કોઈ સંભાવના નહોતી. આ તો કેવલિયા ભક્તોનો મઠ હતો. સ્ત્રીઓને અહીં પ્રવેશ હતો, પણ સત્રના વિસ્તારમાં તેઓ રાત રહી શકે નહિ.

ગોસાંઈજીને મળવા જવું હોય કે નામઘરમાં જવું હોય તો પાટલૂન, પાયજામો પહેરીને ન જવાય. અમે ધોતી-ઝભ્ભા પહેરીને તેમને મળવા ગયા. ગોસાંઈજી જ્યાં રહેતા હતા તે સ્થળ વિશાળ અને પરિષ્કૃત હતું. અમે પ્રણામ કરીને બેસી ગયા. તે વખતે બીજા સત્સંગીઓ, સંન્યાસીઓ સાથે ‘પ્રભુ’નો વાર્તાલાપ ચાલતો હતો. પ્રભુ એટલે ગોસાંઈજી. ગોસાંઈજી જોડે અસમના વૈષ્ણવ ધર્મના સ્વરૂપ અંગે ચર્ચા થઈ. બરપેટાના વૈષ્ણવ-સત્રના ગોસાંઈજી મુકુન્દમાધવની મૂર્તિની પૂજા પોતાના પારિવારિક નામઘરમાં કરતા. સામાન્ય રીતે શંકરદેવના આ વૈષ્ણવ ધર્મમાં મૂર્તિપૂજા નથી. ગોસાંઈજીએ કહ્યું કે અમે ભાગવતની પૂજા કરીએ છીએ, ભાગવત એ ભગવાનનું વાઙ્‌મય રૂપ છે. અસમનાં નામઘરોમાં મણિકૂટ હોય છે. મણિકૂટમાં ભાગવત આદિ ધર્મગ્રંથો રાખવામાં આવે છે. રોજ સાંજે ભાગવતી નામઘરમાં ભાગવતનો પરંપરાગત રીતે આનુષ્ઠાનિક પાઠ કરે. બરપેટામાં આવા એક અનુષ્ઠાનમાં વિશિષ્ટ અતિથિ તરીકે અમને સ્થાન મળ્યું હતું.

આઉનીઆટી સત્ર અસમના વૈષ્ણવસત્રોમાં ઘણું પ્રભાવશાળી છે. અહીં શતાધિક કેવલિયા સાધુ અલગ અલગ આવાસોમાં રહે છે. અસમનાં કેટલાંક વૈષ્ણવ કુટુંબો પોતાનાં સંતાનોમાંથી એકાદને આ કેવલિયા સંન્યાસીઓની નિશ્રામાં મૂકી જાય છે. દરેક સંન્યાસીને ત્યાં ચારપાંચ કિશોરો સંતાનવત્ રહેતા હોય છે. સત્રમાં ભણવા ઉપરાંત માઝુલીની હાઈસ્કૂલમાં ભણવા જાય, કેટલાક તો માઝુલીના ક્ષેત્ર બહારની કૉલેજમાં પણ જાય. બધી જવાબદારી સંન્યાસીની, પછી સત્રની.

ભણી રહ્યા પછી તે બ્રહ્મચારીને ગૃહસ્થાશ્રમમાં જવું કે ગુરુપિતાને પગલે ચાલી કેવલિયા બનવું એનો નિર્ણય એ કરે. પરંતુ પરણ્યા પછી એ સત્રમાં રહી શકે નહિ.

આ સત્ર પરંપરાગત અંકિયા નાટ, ભાવના અને રાસ માટે જાણીતું છે. શંકરદેવે ઘણાં ધર્મભાવઅંકિત નાટકો લખ્યાં છે અને આજે પણ એ નાટકો આ સત્રો દ્વારા પ્રજાજનો સમક્ષ રજૂઆત પામે છે. વૈષ્ણવોને એનો ઘણો મહિમા છે. અમે નામઘર પાસેથી પસાર થયા ત્યાં ગાન અને વાદ્યનો અવાજ સંભળાયો. જઈને જોયું તો રાસલીલાના પૂર્વપ્રયોગો ચાલતા હતા. આ કિશોરોમાંથી એક કૃષ્ણ બનશે, અન્ય ગોપીઓ બનશે. (શંકરદેવના વૈષ્ણવ ધર્મમાં તો રાધા તો છે નહિ) તેમને ગાન અને નર્તનની તાલીમ અપાઈ રહી હતી. થોડાક દિવસો પછી કાર્તિક પૂર્ણિમા આવશે ત્યારે નાટક અને રાસ રજૂ થશે. ત્રણ દિવસ આઉનીઆટી વૈષ્ણવભક્તોથી ભરાઈ જશે.

નામઘરની બહાર નીકળી જરાક આગળ ગયા કે ઊંચા ઊંચા એકસરખા વાંસ પર આકાશદીપોની સુંદર ગોઠવણી જોઈ. રાતે બધા ઝગમગી ઊઠશે.

અમે ઉતારે પહોંચ્યા. આતા આવી ગયા હતા. વિનમ્ર વૃદ્ધ સંન્યાસીને અમે પ્રણામ કર્યા. તેમના શિષ્યોએ અમારે માટે ભોજન તૈયાર કર્યું હતું. પ્રેમથી ફાનસના અજવાળે અમને જમાડ્યા.

રાત્રે જ્યારે દિવાળીની અમાવાસ્યાનો અંધકાર ઊતરી આવ્યો ત્યારે સત્રના પ્રાંગણમાં આકાશદીપો અને આકાશમાં તારા વીજળીના પ્રકાશના અંતરાય વિના પ્રકટી ઊઠ્યા. સાચે જ દીપ-આવલિ. શાન્ત એવા આ વૈષ્ણવમઠમાં જ્યારે સૌ જંપી ગયા, ત્યારે મને એ વિચાર આવતો હતો કે અત્યારે આ ટાપુની ચારેકોર બ્રહ્મપુત્રનાં જળ તો વહી જ રહ્યાં હશે ને? શંકરદેવ, માધવદેવ અને એમની શિષ્યપરંપરાએ અસમના ધાર્મિક અને સામાજિક જીવનને પણ સીંચતી જે વૈષ્ણવધારા વહાવી તેનાં ફલ્ગુજળ હજી આવા મઠોમાં વહી રહ્યાં છે. ક્યાં સુધી વહેતાં રહેશે?

સવારમાં સૂર્ય અહીં વહેલો ઊગે છે. અસમનું બીજું નામ એટલે તો પ્રાગ્‌જ્યોતિષપુર છે. આજે તો વિક્રમના નવવર્ષનો પ્રથમ દિવસ. અસમમાં એનો એટલો મહિમા નથી. એમનું નવું વર્ષ વૈશાખમાં બેસે. નવ વર્ષના સૂર્યનું અભિવાદન કરી મેં દૂર રહેલા સૌ સ્નેહીઓને મનોમન શુભેચ્છાઓ પાઠવી.

સવારમાં નજર પડી આતાના નિવાસના પ્રાંગણમાં. ઝાડના આખા થડમાંથી કોતરી કાઢેલી હોડીઓ પડી છે. મેં પૂછ્યું – અહીં હોડીઓ? કહે — વરસાદના દિવસોમાં સત્રની ચારેબાજુ પાણી આવી જાય છે. માઝુલીના ઊંચા રસ્તાઓ અને ઊંચા ઓટલે આવેલી ઇમારતો સિવાય બધો વિસ્તાર પાણી નીચે આવી જાય છે. ત્યારે એક સ્થળેથી બીજે સ્થળે જવા આ હોડીઓ. તે વખતે આખો માઝુલી એટલે બ્રહ્મપુત્રનો જળવિસ્તાર. વળી આઉનીઆટીના સંતો હોડીઓ કોતરવામાં પણ કુશળ છે. માઝુલી અને એની બહાર પણ એમની હોડીઓ જાય.

આજે કમલાવાડી સત્રની મુલાકાત લેવી હતી. અમને ખબર નહિ કે કમલાવાડી સત્ર બે છે – ઉત્તર કમલાવાડી અને નતુન કમલાવાડી સત્ર. અમે ઉત્તર કમલાવાડી સત્રમાં જઈ પહોંચ્યા. એ રસ્તે થોડા આગળ વધીએ તો બ્રહ્મપુત્રની ઉત્તરી શાખા સુવર્ણસિરિ આવે, અને એ પાર કરીએ એટલે ઉત્તર લખીમપુર, અને પછી અરુણાચલની નવી રાજધાની ઈટાનગર.

ઉત્તર કમલાવાડી સત્રના સત્રાધિકાર ગોસાંઈજી કમલાકાન્તદેવ વધારે ઉષ્માપૂર્ણ અને અનૌપચારિક લાગ્યા. અમે જતાં જ એમના શિષ્યમંડળને એકઠું કર્યું. આ બધા પણ કેવલિયા ભક્તો. ગોસાંઈજીએ ઉત્તર કમલાવાડી સત્રનો ઇતિહાસ રજૂ કર્યો. આ સત્ર પહેલાં બીજે સ્થળે હતું, પણ એક વાર બ્રહ્મપુત્રના પૂરમાં તે તણાઈ ગયું, એટલે નતુન કમલાવાડીની સાથે સાથે આ પણ નવેસરથી વસાવ્યું છે. તેમણે ગર્વપૂર્વક કહ્યું કે શંકરદેવે રચેલા ભાગવતના દશમસ્કંધની મૂળ હસ્તપ્રત અહીં છે.

વૈષ્ણવ ધર્મની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્તર કમલાવાડી સત્ર બધાં સત્રોમાં આગળ છે. આ મઠની રાસમંડળી અને નાટ્યમંડળીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અમારી ઇચ્છા શંકરદેવનાં બરગીતો સાંભળવાની હતી. તેમના ગાયનબાદન (ગાયકો અને વાદકો) અમારી વિનંતી સાંભળી રાજી થયા. મૃદંગ ખોલ, કરતાલ બજી ઊઠ્યાં. શંકર દેવનું બરગીત ગુંજી ઊઠ્યુંઃ

મધુર મુરતિ મુરારુ, મન દેખો હૃદયે હામારુ રૂપે અનંગ સંગ તુલના તન, કોટિ સુરજ ઉજિયારું…

હે મારા મન, મુરારિની મધુર મૂર્તિને હૃદયમાં જો…. ગીતનો ભક્તિભાવ સ્પર્શી રહ્યો. ભણિતાનું અંતિમ સ્મરણ ‘ભક્ત પરમધન તાહે મજોક મન શંકર એહુ અભિલાસા’ આવતાં આવતાં મન સાચે જ એ ભક્તિભાવમાં (મજોક) મજ્જિત થઈ ગયું.

પછી ગોસાંઈજીએ જલપાન માટે આગ્રહ કર્યો. અમને બાજુના ખંડમાં તેમના શિષ્યો દોરી ગયા. કાંસાના વાસણમાં દહીં અને આતપચાવલ તથા ખજૂરીનો ગોળ બ્રહ્મચારીઓએ અત્યંત પ્રેમથી પીરસ્યાં. સત્રોમાં દહીં અને આતપચાવલ એક સમ્માન ગણાય છે. અમે તો એને ગોસાંઈજીનો અનુગ્રહ માન્યો. બેસતા વર્ષના શુભ દિને એથી વધારે કઈ ઉપલબ્ધિ હોય!

સત્રનું નામઘર જોયું, ભક્તોના આવાસો જોયા. સ્વચ્છ છતાં જાણે ઝાંખા ઝાંખા. સત્રોનો વૈભવ હવે ઓસમાતો જાય છે એવું લાગ્યું. અહીંના આવાસો અહીંના સાધુઓ જાતે જ તૈયાર કરતા હોય છે. સત્રનાં નાનાંમોટાં કામ પણ તેઓ જ સંભાળતાં હોય છે.

સત્રમાંથી અમે નીકળ્યાં ત્યારે ગોસાંઈજી સિવાયની બધી ભક્તમંડળી અમારી સાથે ચાલી. આ થોડા કલાકોમાં અમને આત્મીય ગણ્યા હતા. મારું મન કેવું તો ભાવભીનું બની ગયું! સ્મૃતિ રૂપે સૌની એક તસવીર ખેંચી. તસવીરમાં જરા સજી (?)ને આવવા માટે બે નાના બટુકોએ જે પ્રસન્નકર દોડધામ કરેલી તે હજીય યાદ છે.

નતુન કમલાવાડી સત્ર ગામની દક્ષિણે છે. આ સત્ર માઝુલી પર વહેતી એક ટુની નઈ (નદી)ને કાંઠે છે. એક સત્ર તરીકે તો આદર્શ પરિસર નતુન કમલાવાડીનો લાગ્યો. અમે કમલાવાડીના ગોસાંઈજીને જે પત્ર લખેલો તે અહીં મળેલો. સત્રાધિકાર શ્રી નયનચંદ્રદેવ ગોસ્વામી સંસ્કૃતના વિદ્વાન છે. તેમની સાથેની વાતચીતમાંથી એક ચિંતા તરી રહી – અસમની આ વૈષ્ણવ સંસ્કૃતિનો વારસો કેમ સચવાશે?

માઝુલીનાં આ વૈષ્ણવસત્રોએ રાષ્ટ્રીય આંદોલનોમાં પણ ભાગ લીધેલા છે. અંગ્રેજ સરકારના વખતમાં ઘણાં વૈષ્ણવસત્રોને એ કારણે સોસવું પણ પડેલું. એકબે સત્રોના ગોસાંઈઓને તો સરકારે કારાવાસમાં પણ પૂરેલા.

મને વિચારો આવતા હતા. આજે પણ વૈષ્ણવસત્રોને અસમની પોતાની સરકારની નારાજગીના ભાજન બનવાની સ્થિતિ છે. થોડા દિવસ પહેલાં બરપેટાથી ગૌહાટી બસમાં આવતાં જોયું હતું કે બધા વિસ્તારો બાંગ્લાદેશથી આવેલા ‘અતિથિ’ઓથી છલકાયા છે. રાજમાર્ગની બાજુમાં નવી મસ્જિદો બની ગઈ છે. નવી રીતનો ભય અસમની વૈષ્ણવ સંસ્કૃતિ પર અનુભવાય છે. સરકારનો જાણે તેમાં સહકાર લાગે. અસમમાં તળ અસમિયા પ્રજા લઘુમતીમાં આવી જાય એવા દિવસો દૂર નથી.

શ્રી નયનચંદ્રદેવે પણ દહીં અને આતપચાવલ દ્વારા અમારું સ્વાગત કર્યું. સત્રની અન્ય પ્રવૃત્તિઓ પણ બતાવી. આ સત્રો પાસે પહેલાં ઘણી બધી જમીનો હતી, તેમાંથી સત્રો ચાલતાં. નવા જમીનધારાથી સત્રોની આવક સીમિત થઈ ગઈ છે. અને, સામાન્યપણે પ્રજાનો ભક્તિભાવ આ નવા યુગમાં ઓસરતો તો જાય છે. ટુની નદીએ અમને મોહિત કર્યા. ઢળતા કાંઠે ગીચ ઝાડી હતી. શાન્ત પાણી વહી જતાં હતાં. આ નદી કોઈ પહાડમાંથી નીકળી નથી. બ્રહ્મપુત્રની જ એક ધારામાંથી નીકળી માઝુલી વચ્ચેથી વહેતી બીજી ધારામાં ભળી જાય. ટુની જેવી ઘણી નદીઓ.

સાંજ પડવામાં હતી. નદીમાં એક હોડી સરતી હતી અને તેમાં બે મીરી કિશોરો અને તેમનાથી મોટી ઉમ્મરની એક કન્યા માછલાં પકડતાં હતાં. આજે ભીને કપડે વાને શ્યામ આ કન્યા થોડી પ્રગલ્ભ પણ લાગી. રહી રહીને ખડખડાટ હસતી હતી. હોડીમાંથી પાણીમાં અને પાણીમાંથી હોડી પર એની ચંચલગતિ હતી. એનામાં મને ‘મીરી જીયરી’ નવલકથાની પાનેઈની કિશોરાવસ્થા દેખાઈ. પાનેઈ પણ મીરી કન્યા, અને આ પણ. શિવસાગર ભણીથી અહીં આવવા નીકળ્યા ત્યારે પેલી ગોરી સુસંસ્કૃત અહોમ કન્યાનો લયાન્વિત પદચાપ મનમાં જડાઈ ગયો હતો. અહીં આ આદિવાસી શ્યામ મીરી કન્યાના મુક્ત અટ્ટહાસ્યનો ફુવારો. સુનીલે એ કિશોરીને કહ્યું, અમને હોડીમાં જરા ફેરવ. જવાબમાં એ માત્ર ખડખડાટ હસી.

એટલે કાંઠે ખાલી પડેલી એક નાવને સુનીલે ધક્કો મારી પાણીમાં લીધી. પણ હલેસાં નહિ. સત્રનો એક બટુક ત્યાં ઊભો હતો. સુનીલે એને કહ્યું, ક્યાંકથી હલેસાં લઈ આવ. એણે અમને સત્રાધિકાર સાથે જોયેલા. એટલે વિલંબ કર્યા વિના ઢાળ ચઢી સત્રમાંથી હલેસાં લઈ આવ્યો. અમે નદીને સામે કાંઠે પહોંચ્યા. પેલો સત્રનો કિશોર પણ હોડીમાં આવી ગયો હતો. આ કાંઠે મીરીઓના આવાસો હતા. આવાસો એટલે કે લાંબાં ઝૂંપડાં.

સાંજ. ઝાડીઢાંકી નદીના પાણીમાં અમારી હોડી, પેલી મીરી કન્યાની હોડી — આ સિવાય જાણે કોઈ નથી, કશું નથી. છપ્ છપ્ હલેસાંનો અવાજ માત્ર. વાર્તા લખતા હોઈએ તો અવશ્ય કશુંક રોમાંચક બની શકે.

પરંતુ એટલામાં અમારી હોડીમાંનો કિશોર શિયાવિયા થઈ ગયો. અમે જોયું કે એક સાધુ ઢાળ ઊતરતા આવી રહ્યા હતા. હોડીમાંથી ભૂસકો મારી પેલો કિશોર સ્નાન કરવાનો દેખાવ કરવા લાગ્યો. આ એના સાધુપિતા હતા. એને નદીકાંઠે વિલંબ થયો જાણી ખબર કાઢવા આવ્યા હતા. અમે કહ્યું – અમે એને રોકી રાખ્યો છે. અમે સત્રના અતિથિ હતા. એમણે કશું કહ્યું નહિ, પણ ચુપચાપ સ્નાન કરવાનો દેખાવ કરતા કિશોરની પ્રત્યુન્નમતિથી હસી પડ્યા.

જતાં જતાં અમે કિશોરને ‘નોટ પેન્સિલ લાવવા’ બે રૂપિયા આપ્યા. એ ગુરુ સામે જુએ, અમારી સામે જુએ. નોટ લે નહિ. ગુરુ કહે – આપવાના હોય નહિ. અમે કહ્યું – નોટ પેન્સિલ લેવા માટે. એમણે સંમતિ આપી. એ કિશોર હાથમાં બે રૂપિયાની નોટ લઈ, ખભે હલેસું મૂકી ભીને કપડે ઢાળ ચઢી સત્રને માર્ગે જે દોડ્યો છે, જે દોડ્યો છે!

અંધારું થતાં સુધીમાં તો અમે પાછા આઉનીઆટી સત્રમાં.

રાત્રે જમ્યા પછી આતા સાથે અનેક વાતો થઈ. તેમના એક શિષ્ય જગત બરુવા અહીંની કમલાવાડી હાઈસ્કૂલમાં શિક્ષક છે. તેઓ હવે થોડા દિવસમાં સત્રની બહાર રહેવા જશે. આ સત્રમાં આતાની નિશ્રામાં બ્રહ્મચારી તરીકે મોટા થયા હતા, ભણ્યા હતા. તેઓ સત્રની વ્યવસ્થામાં તો રસ લે છે, પણ માઝુલીના જાહેરજીવનમાં પણ રસ લે છે. તેમણે કેવલિયા બનવાનું સ્વીકાર્યું નથી. સંસારી થશે.

જગત બરુવાએ અસમની વૈષ્ણવ સંસ્કૃતિ અને આજના અસમની વિષમ પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી. આ ટાપુ પર રહેતા છતાં અસમના વર્તમાનથી તેઓ વિખૂટા પડી ગયા નથી. વળી માઝુલીના પોતાના પ્રશ્નો પણ છે. આ ટાપુ પર અનેક નાની મોટી વસ્તીઓ છે, શાળાઓ છે, સરકારી કાર્યાલયો પણ છે. છતાં માઝુલી એટલે વૈષ્ણવ સંસ્કૃતિની રખેવાળી કરતાં સત્રોની તીર્થભૂમિ. કેટલાંક સત્રો ભલે જુનવાણી રહ્યાં હશે, પણ કેટલાંક સમયની સાથે છે.

થોડાએક દિવસ વધારે રોકાવાય તો બીજાં પ્રસિદ્ધ સત્રો ગડમુર, દક્ષિણપાટ વગેરે સત્રોમાં જવાય. ગડમર તો ૧૯૪૨ની ચળવળમાં આગળ પડતું હતું. તે વખતના તેમના સત્રાધિકારીને સરકારે કેદ પકડેલા. જવાહરલાલ માઝુલી ગયેલા ત્યારે ગડમુરના મહેમાન થયેલા. મને ઇચ્છા હતી કે માઝુલની ઉત્તરે જઈ સુવર્ણસિરિ પાર કરવી. સુવર્ણશ્રી એવું નામ હશે. એની રેતમાંથી સોનું નીકળતું! સુવર્ણસિરિ ઊતરી પછી અરુણાચલના ઈટાનગર.

પણ જવાયું નહિ.

વિદાયની સવારે જગત બરુવાએ અહીંના સંન્યાસીઓએ તૈયાર કરેલો વાંસની પાતળી ઝીણી ચીપોનો ગૂંથેલો સરસ હાથપંખો ભેટ આપ્યો. અને રેશમી ગમછો ગળામાં વીંટાળ્યો. બરપેટાના વૈષ્ણવ સત્રાધિકાર ગોસાંઈના ઘેરથી લીધેલી વિદાય યાદ આવી ત્યાં ગોસાંઈને પ્રણામ કરી જેવા નીકળવા જઈએ કે ગોસાંઈજીની વચેટ દીકરી રૂપાદેવીએ આવી એકાએક ગમછો ઉકેલી અમારે ગળે વીંટાળી દઈ પ્રણામ કર્યા હતા. ગમછો એટલે જીવંત અસમ.

ઉત્તરમાં અરુણાચલની ગિરિમાળા બોલાવતી રહી ગઈ, અને બસ પકડી અમે બ્રહ્મપુત્રના ઘાટ ભણી નીકળી ગયા. દક્ષિણપાટ સત્ર રસ્તામાં આવ્યું. બસમાં પરંપરાગત રેશમી મેખલા, ચાદરના અસમિયા પરિધાનમાં સજ્જ કન્યાઓનું એક દલ હતું, તે અહીં ઊતરી ગયું. સત્રના કોઈ ઉત્સવમાં ભાગ લેવા. અમારી બસ ઘાટે પહોંચી. અહીં બ્રહ્મપુત્રનું રમ્ય રૂપ હતું. નદીસંસ્કૃતિ એટલે શું તે સમજાય. ઘાટ પર આવતા-જતા મુસાફરો, માલસામાન, હોડીઓની આવનજાવન. આ વખતે બોટના ઉપરના ભાગ પર બેસવાનું ગોઠવ્યું, અનાજની ગુણો ઉપર.

થોડા સમય સુધી અમે માઝુલીને કાંઠે કાંઠે જતા હતા. બોટ એક ઘાટથી બીજે ઘાટ ઊભી રહેતી જાય. માઝુલીની થોડી પરિક્રમા પછી ધીરે ધીરે અમે દૂર થતા ગયા.

હવે માત્ર માઝુલીની લીલી લકીર… તે પછી આંખથી ઓઝલ. બ્રહ્મપુત્રના પ્રવાહની બીજી ધારામાં અમે પ્રવેશ કર્યો હતો. પંચવટી
શાંતિનિકેતન
૧૯૮૩