કાંચનજંઘા/સપ્તપર્ણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સપ્તપર્ણ

ભોળાભાઈ પટેલ

ક્યારેક કોઈ ચોપડી કે વીત્યાં વર્ષોની કોઈ ડાયરી ઉઘાડતાં તેનાં પાનાં વચ્ચે કોઈ સુકાયેલું પાંદડું કે ફૂલ ડોકાઈ જાય કે નીચે પડી જાય. તે જોઈએ કે નીચા વળીને લેવા જઈએ, તે કેટલીક ક્ષણોમાં તો કેટલો બધો ભૂતકાળ વર્તમાનમાં ફેરવાઈ જાય છે!?

કોઈએ મન કરીને આપેલું કે ઇચ્છા કરી જાતે ડાળી પરથી તોડેલું ફૂલ ઘણી વાર હાથમાં ને હાથમાં ચીમળાવા છતાં ફેંકી દેતાં જીવ ચાલતો નથી. એને સાચવી રાખવાનું મન થાય છે. એટલે કોઈ ચોપડી કે ડાયરીના બેવંટામાં એ મૂકી રાખું છું. એવી રીતે ઘણી વાર કોઈ સ્થળવિશેષમાં જવાનું થયું હોય ત્યારે તેના સંભારણા તરીકે ત્યાંના કોઈ વૃક્ષવેલીનાં પાંદડાં તોડી લઈ ડાયરી કે ચોપડીમાં સાચવી રાખું છું.

ચોપડીનાં પાનાં વચ્ચે તો આજે પણ જેને ‘વિદ્યા’ નામે ઓળખું છું, તે વનસ્પતિનાં જાળીદાર પાંદડાં મૂકવાની ટેવ નિશાળમાં ભણતો ત્યારની છે, અને હજી પણ એ જાળીદાર પાંદડાં ચોપડીમાં મૂકવાં ગમે છે. પહેલાં તો એવી શ્રદ્ધાથી મૂકતો કે તેનાથી વિદ્યા આવે. હવે મૂકું છું એ પાંદડાંની જાળીદાર આકૃતિ ગમે છે માટે. સુકાઈ ગયા પછી પણ તેના રંગ અને આકાર લગભગ એવા ને એવા રહે છે.

પાંદડાંનું થોડુંક એવું છે કે સુકાયા પછી પણ એમનો ‘આકાર’ જળવાઈ રહે, એટલું જ નહીં તેની નસેનસની સુરમ્ય ડિઝાઇન પણ ઊપસી આવે. પણ જો જરાક બરછટ સ્પર્શ કર્યો તો પુરાણી ચોપડીનાં જીરણ પાનાંની જેમ એ બટકી જાય. એમને જરા સાચવવાં પડે. આ બધાં પાંદડાંમાં સુકાયા પછી જે રમ્યતર બની રહે છે, તે તો પીપળાનાં પાન.

આ પીપળાનું સંસ્કૃતમાં એક બીજું નામ તે ‘અશ્વત્થ’. અશ્વત્થ કહો એટલે ગીતાઉપનિષદના સંસ્કાર જાગે. ‘જેનાં મૂળ ઉપર છે અને ડાળીઓ નીચે છે…’ એવાં એ અશ્વત્થનાં પાંદડાંને શ્રીકૃષ્ણ છંદો (વેદો)ની ઉપમા આપી છે. પણ પીપળો કહો ત્યારે જુદા સંસ્કાર જાગે. એ વૃક્ષ સાથે જોડાયેલી પવિત્રતા તો દૂર, ઊલટાનો અમંગલનો બોધ જાગે. કોઈનું નિર્વંશ જાય ત્યારે કહેશે એને ત્યાં ‘પીપળો ઊગ્યો.’ વળી જો બહુ બ્રાહ્મણો પણ ભેગા થઈ જાય ત્યારે કહેશે ‘પીપળો ફાટ્યો.’ બહુ બ્રાહ્મણો ભેગા થાય એ ભીતિજનક તો છે જ! પરંતુ આ પીપળાના પાનનો એક શૃંગારી અધ્યાસ છે. કાવ્યકલાકોવિદોને તેની ખબર છે. નળદમયંતીને તેની ખબર હતી. નળરાજાએ દમયંતીને અભિલાષપૂર્વક પીપળાનું પાન બતાવ્યું હતું અને દમયંતી એકદમ શરમાઈને નીચું જોઈ ગઈ હતી!

ચોપડીમાં મૂકેલાં ફૂલનું જરા જુદું છે. પાંદડાં દ્વિપરિમાણી હોય છે. એટલે ચોપડીના બેવંટામાં તેમનો આકાર સચવાય છે. વળી પાંદડાંનો મોટે ભાગે રંગ પણ એક લીલો, કે લીલાશ પડતો. પણ ફૂલ તો ત્રિપરિમાણી અને રંગોની તો વાત જ શી કરવી? ચોપડી કે ડાયરીમાં મૂકીને તે બંધ કરવાનો જીવ ન ચાલે. બંધ કરીએ એટલે ફૂલ દબાઈ જાય, આકાર વિકૃત થઈ જાય છે, ધીરે ધીરે રંગ ઊપટી જાય. સુગંધ પણ અળપાઈ જાય અને એ પણ લગભગ દ્વિપરિમાણી બની જાય.

કોઈએ જ્યારે હાથમાં આપ્યું હોય ત્યારે ગુલાબ કે શિરીષ, કદંબ કે ચંપો કે કોઈ પણ ફૂલ કેવું શોભતું હોય છે! પણ પછી એ ફૂલ કોઈ જૂની ચોપડીનાં પાનાં વચ્ચે વર્ષો પછી ડોકાઈ જાય ત્યારે? એનાં ઘાટઘૂટ, રૂપરંગ? પણ એ વખત આપણે તે સુકાયેલું ફૂલ ક્યાં જોતાં હોઈએ છીએ? એ ફૂલ તો જાણે ‘સ્પ્રિંગબોર્ડ’. એકદમ ઊછળતાંક ને મન દેશકાળને ઓળંગી જાય છે, અને દૂરના ભૂતકાળને ક્ષણમાં સજીવ કરી ‘વર્તમાન’ બનાવી દે છે.

એ સુકાયેલા ફૂલમાં કોઈ સ્નેહસિક્ત હાથ, સ્મિતસભર આનન પ્રકટી રહે છે. પછી તો ફૂલનો પરિપૂર્ણ ત્રિપરિમાણી આકાર, એનો તાજ-બ-તાજ રંગ અને એની સુગંધ બધુંય સ્ફુરી રહે અને જે અપ્રકટ છે, અદૃશ્ય છે એવો ભાવસ્પંદ પણ ધબકી રહે. થોડી વાર ખોવાઈ જઈએ. આવું ખોવાવાનું નસીબમાં વારે વારે ક્યાં આવે છે?

શું પર્ણ કે શું પુષ્પ – ચિરંતન ક્ષણોનાં સ્મૃતિસહાયકો છે. તેમની સાથે ઘણી વાર તો આખો લોક પ્રગટે છે. એક વાર ડાયરીમાંથી એક લાંબું-પાતળું-અણીદાર કરેણનું પાન નીકળ્યું. એ જોતાં જ ખજુરાહોનો આખો સૌન્દર્યલોક અને એ રમ્ય સાંજ નજર સામે ઊઘડી ગયાં. એ સાંજે આખો દિવસ ખજુરાહોનાં મનોરમ શિલ્પો જોયા પછી મંદિરો પાસેની હરિયાળી ભૂમિ પર અમે બેઠાં હતાં. પાસે જ ઊગી હતી લાલ કરેણ. રમતરમતમાં તેનું એક પાન તોડી લીધેલું તે. એ શુષ્ક પણ હરિયાળા સ્મૃતિલોકમાં લઈ ગયું.

એક નાની જૂની ખિસ્સાડાયરીમાં એક શુષ્ક પર્ણ, પર્ણ નહીં શુષ્ક કૂંપળ (શુષ્ક અને કૂંપળ વચ્ચે વિશેષણ-વિશેષ્યનો સંબંધ પાસે પાસે તેમને મૂકવા છતાં, વ્યાકરણ શુદ્ધ છતાં અડવો લાગે છે.) છે. ઓડિશાના ચિલિકા સરોવરની મુલાકાતે ગયો હતો અને રસ્તાની ધારે ઊગેલા વટવૃક્ષની ડાળીઓ અને તાજી ફૂટેલી લાલ કૂંપળ મને લોભાવી રહી. જતી વેળા તો ચૂંટતાં જીવ ના ચાલ્યો, પણ આવતી વેળા ચૂંટી લીધેલી. જ્યારે જ્યારે એ જોઉં છું. ત્યારે આખું ચિલિકા સરોવર આંખોમાં લહેરાય છે.

હમણાં એક વાર ગ્રંથાલયમાં ગયો હતો. ચેખોવનાં નાટકોની ચોપડી કાઢી. પાનાં ફેરવતાં ‘ઓહ!’ નો ઉદ્દગાર થઈ ગયો. શિરીષનાં બે ફૂલ ત્રાંસા ક્રૉસનાં આકારમાં પડ્યાં હતાં દબાઈને. ફૂલોમાં શિરીષનાં ફૂલ સૌથી કોમળ ગણાય છે. કવિ કાલિદાસને આ ફૂલો બહુ પ્રિય છે. રૂપથી ન જિતાતાં શિવને તપથી રીઝવવા માટે પાર્વતી જ્યારે તૈયાર થઈ ત્યારે કાલિદાસે માતા મેનકાને મુખે કહેવડાવ્યું કે તારું કોમળ શરીર ક્યાં અને કઠોર તપ ક્યાં? શિરીષનું કૂણું ફૂલ બહુ બહુ તો ભમરાના પગનો ભાર સહી શકે, પક્ષીનો નહીં. વળી, તેમણે કહ્યું છે કે અલકાનગરીની સ્ત્રીઓ કાને શિરીષનાં ફૂલ અલંકાર તરીકે પહેરતી. ચેખોવનાં નાટકોની આ ચોપડી દાયકા પહેલાં ગ્રંથાલયમાંથી લાવીને વાંચેલી. તે દિવસોમાં યુનિવર્સિટીના માર્ગ પર હારબંધ શિરીષ ખીલી ઊઠ્યાં હતાં. સવારના ઢગલે ઢગલા નીચે પડ્યાં હોય. ખબરેય નહીં, ત્યાંથી વીણી કે ડાળી પરથી તોડી કે કોઈએ આપેલાં તે મૂકી દીધેલાં. કાલિદાસ આ ક્રૌર્ય જાણે તો! કદીય માફ ના કરે. પણ આ ફૂલ અહીં જોતાં મારી વયમાંથી એક દાયકો ઓછો થઈ ગયો હતો! આમ કદાચ કિશોરાવસ્થામાં પણ ફરીથી જીવી લેવાય જો ‘વિદ્યા’ મૂકેલી કોઈ જૂની ચોપડી ગામડાગામના અમારા બંધ રહેતા ઘરના ગોખલામાં મળી આવે.

મારી-તમારી ચોપડીઓમાં ક્વચિત્ આવાં કોઈ શુષ્ક સ્મૃતિપર્ણો કે શુષ્ક સ્મૃતિકુસુમો ડોકાઈ જાય! આ આખી વાત કરવાનું બની આવ્યું તેનું કારણ આવું એક સ્મૃતિપર્ણ છે.

આજ અચાનક એક ડાયરી ઉઘાડતાં તેના પૂઠા અને પહેલા પાના વચ્ચે નીકળી આવ્યું છે સપ્તપર્ણ વૃક્ષનું આખું ને આખું પર્ણગુચ્છ. ‘સપ્તપર્ણ’ સંખ્યાવાચી સંકેત હોવા છતાં સુંદર લાગે છે. ઘણાં વૃક્ષોનાં નામ કેટલાં કર્ણપ્રિય હોય છે! કદંબ એવું નામ છે, શિરીષ એવું નામ છે. પણ ગરમાળો? ક્યાં એનાં સુવર્ણની ઝાંયવાળાં ફૂલોની ઝુમ્મરો અને ક્યાં ગરમાળા જેવું નામ? તેનું હિન્દી નામ અમલતાસ કે અસમિયા નામ સોનેરું (બોલશે ‘હોનેરું’) કંઈક ગમે તેવું છે. એ જો સંસ્કૃતમાં જેને ‘કર્ણિકાર’ કહે છે તે હોય તો ઔર અચ્છા. એવું આ સપ્તપર્ણ નામ છે, પણ જુઓને બંગાળીમાં તેને કહે છે ‘છાતીમ ગાછ’.

તો આ સપ્તપર્ણ અર્થાત્ છાતીમ ગાછનું પર્ણગુચ્છ છે. પર્ણગુચ્છ એટલા માટે કે એકસાથે પાંચનો ગુચ્છ છે, કદાચ બે ખરી પડ્યાં છે. વળી આ સપ્તપર્ણ ગમે ત્યાંનું નથી. તે શાંતિનિકેતનનું છે. શાંતિનિકેતન, કિશોરાવસ્થાથી આ મારું સ્વપ્નતીર્થ! એક વખતના ઉજ્જડ, વેરાન ડાકુઓની વાસભૂમિ જેવા આ મરુપ્રાન્તમાં સપ્તપર્ણના એક ઝાડ નીચે (છાતીમતલા) મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરને પરમ શાંતિ મળી હતી. તેમણે આ વેરાનભૂમિમાં સપ્તપર્ણના વૃક્ષની આસપાસ શાંતિનિકેતનની સ્થાપના કરી આધુનિક તપોવન રચ્યું. ગુરુદેવ રવીન્દ્રનાથે ત્યાં ભારતીય આદર્શોને અનુરૂપ શિક્ષણસંસ્થા શરૂ કરી. પછી તે વિદ્યાના ધામ સમી વિશ્વભારતી રૂપે ફળીફૂલી.

શાંતિનિકેતનમાં જ્યારે દીક્ષાન્ત સમારંભ થાય છે ત્યારે દરેક છાત્રને આચાર્ય (કુલપતિ) શાંતિનિકેતનના આદર્શના પ્રતીકરૂપ પેલા સપ્તપર્ણના પર્ણગુચ્છ આપે. એ પ્રતીકાપત્ર એ એમને માટેનું ખરું પ્રમાણપત્ર. શ્રી ઉમાશંકર જોશી વિશ્વભારતી, શાન્તિનિકેતનના આચાર્ય બન્યા પછી, પહેલી વાર જ્યારે દીક્ષાન્ત સમારંભમાં જવાના હતા. ત્યારે મેં ભાવવશ બની કહ્યું હતું, ‘મારે માટે સપ્તપર્ણનાં પાન લાવશો?’

યાદ રાખીને તેઓ શાંતિનિકેતનથી આ પર્ણગુચ્છ લેતા આવ્યા હતા. તેમણે જ્યારે તે મને આપ્યું ત્યારે શાંતિનિકેતના માનસછાત્ર તરીકે મેં પોતાને ‘દીક્ષિત’ માન્યો. જતનથી એ પર્ણગુચ્છ ડાયરીમાં મૂકી રાખ્યું.

આજે અચાનક ડાયરીના પહેલા પાને સપ્તપર્ણના આ પર્ણગુચ્છને જોતાં મહર્ષિ દેવેન્દ્રનાથ અને ગુરુદેવ રવીન્દ્રનાથનો ભાવલોક પ્રકટતો જોઉં છું, અને તે સાથે વિશ્વભારતીના આજના આચાર્યનો મારા પ્રત્યેની પ્રીતિના અદૃષ્ટ તરંગાવર્તોનો સ્પર્શ અનુભવી રહું છું. અમદાવાદ
૨-૯-૮૧