કિંચિત્/‘પથેર પાંચાલી’ વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘પથેર પાંચાલી’ વિશે

સુરેશ જોષી

કળા અને કળા વચ્ચેના પારસ્પરિક સમ્બન્ધોની મીમાંસા ઘણી રસપ્રદ નીવડે. ફ્રાન્સમાં ચિત્રકળા અને કવિતા એકબીજા સાથે સમ્પૃક્ત થઈને રહ્યાં છે. Theodore M. Greeneએ સર્વ કળાઓની પાછળ વિવિધ રીતે કામ કરતી માનવીની સિસૃક્ષા, માધ્યમભેદ તથા રીતિભેદને કારણે પ્રકટ થતું વૈવિધ્ય અને એને આધારે કળાની મીમાંસાને માટેની ભૂમિકાઓ – આ બધાંની તલાવગાહી મીમાંસાને રજૂ કરતો એક ગ્રન્થ લખ્યો છે: The Arts and the Art of Criticism. આ ઉપરાંત હમણાં હમણાં, માનવીની સંહારક પ્રવૃત્તિના વધવા સાથે, માનવીની સર્જનાત્મક પ્રવૃત્તિનાં મૂળ અને વ્યાપારને એના સાંસ્કારિક જીવનના સમગ્ર સન્દર્ભમાં મૂકીને અભ્યાસ કરવાના વલણે દેખા દીધી છે. આના અનુષંગમાં પ્રતીકયોજનાની પદ્ધતિનો પણ ઘણો ઊંડો અભ્યાસ ચાલી રહ્યો છે. પ્લેટોએ કવિતાને નકારવાને માટેનું રજૂ કરેલું કારણ – કળા વાસ્તવિકતાથી ત્રણ ડગલાં દૂર છે – આજે ફરી તપાસવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. કળા વાસ્તવિકતાનો નિબિડ પરિચય કરાવી શકે ખરી? કે પછી એ આપણને ઉત્તરોત્તર એક ભ્રાન્તિથી બીજી ભ્રાન્તિનાં સોપાન ચઢાવીને વાસ્તવિકતાના પરિચયની સ્મૃતિને પણ ભુલાવી દે? કળા મૂલ્યબોધ કરાવે છે – અલબત્ત, એની પોતાની આગવી રીતે – માટે એ વાસ્તવિકતાથી સાવ અસંપૃક્ત છે એમ તો શી રીતે કહેવાય? વાસ્તવિકતાને આપણે સમજવા મથીએ છીએ, એ સમજવાની ક્રિયા દરમિયાન આપણે આપણી લાગણી અને ઊમિર્ના જુદા જુદા સ્તરે રહીને એનાં અનેકવિધ પાસાંઓને અનુભવીએ છીએ. આ અનુભવનિચયમાંથી વાસ્તવિકતાનું હાર્દ ધીમે ધીમે પ્રકટ થતું રહે છે; ને એ હાર્દની સમજના અનુલક્ષમાં મનુષ્ય પોતાની પ્રવૃત્તિને દોરવાને અમુક સિદ્ધાન્તોને અસમ્પ્રજ્ઞાતપણે પ્રયોજતો હોય છે. એને જો આપણે મૂલ્યબોધ કહીએ, ને કળાસર્જન કે કળાસ્વાદથી જો એ મૂલ્યબોધનો વિકાસ થતો રહેતો હોય તો પછી કળાને વાસ્તવિકતાવિરોધી શી રીતે ગણવી? આ મૂલ્યબોધ પણ જ્ઞાનનું એક સ્વરૂપ જ છે. એ સ્વરૂપનું વૈશિષ્ટ્ય રજૂ કરતાં George Whalley ‘Poetic Process’ નામના પુસ્તકમાં (પૃ.રરર) કહે છે: ‘The recognition of value is also a grasp of the reality carrying with it the conviction of genuine knowing; this knowing is prelogical and requires no external tests to establish itself. This state of knowing manifests itself simultaneously in other modes; as perceptual vividness and intricate feeling.’

વાસ્તવિકતાની અભિજ્ઞતા મનુષ્ય કેટલી અને કેવી વિવિધ રીતે કેળવતો હોય છે તેનો અભ્યાસ ખરે જ અત્યન્ત રસપ્રદ નીવડે એવો છે. જર્મનીમાં Cassirer શરૂઆત કરી, ને એણે તો કહ્યું કે: ‘Man is a symbolic animal whose languages, myths, religions, sciences, and arts are symbolic forms by which he projects his reality and comes to know it: What reality is apart from these forms is irrelevant. Cassirerનાં શિષ્યા Susanne Langerએ આ દૃષ્ટિનો વિકાસ કર્યો ને Philosophy in a New Keyમાં તથા Feeling and Formમાં રસમીમાંસાના ક્ષેત્રમાં મહત્ત્વનું અપર્ણ કર્યું. આ ઉપરાંત Kenneth Burkeએ એમના જુદા જુદા નિબન્ધોમાં તથા Philosophy of Literary Form નામના પુસ્તકમાં આ વિષયની મૌલિક અને સૂક્ષ્મ સ્વરૂપની મીમાંસા કરી. આ વિષયને ચર્ચતું ‘The Literary Symbol’ નામનું William York Tindallનું લખેલું પુસ્તક હમણાં જ મારા હાથમાં આવ્યું. એ વિશે વળી કોઈ વાર વાત કરીશું.

આ બધી વાતનો વિચાર કરું છું ત્યારે એક સૂચન કરવાનું મન થાય છે: આપણી અનેક વ્યાખ્યાનશ્રેણીઓ છે – વિદ્યાપીઠને આશ્રયે ચાલતી, જાહેર સંસ્થાને આશ્રયે ચાલતી, પર્વપર્વણીને નિમિત્તે ગોઠવાતી – એમ અનેક પ્રકારની. આવી શ્રેણીઓમાં વ્યાખ્યાતાને પહેલેથી જ આવા એકાદ પ્રમાણભૂત ગ્રન્થનો આલોચનાત્મક અભ્યાસ રજૂ કરવાનું સોંપવામાં આવ્યું હોય તો એનું ઘણું સારું પરિણામ આવે. ઘણી વાર ‘વિદ્વાન’ વ્યાખ્યાતાઓ કશું જ મૌલિક – ને મૌલિક તો હંમેશાં કદાચ કહેવું પણ મુશ્કેલ – કે સમર્પક સ્વરૂપનું પણ કહી શકતા નથી. શ્રમ અને દ્રવ્યનો દુર્વ્યય થાય છે. આવાં વ્યાખ્યાનો અધિકારીને સોંપીને ગ્રન્થાકારે પ્રસિદ્ધ કરવામાં આવે તો નક્કર લાભ થાય. ખાસ કરીને સાહિત્યમીમાંસાના ક્ષેત્રમાં હવે ઘણા ઘણા પ્રશ્નોની વિચારણા કરવી જરૂરી લાગે છે. એ પ્રશ્નો અભ્યાસીઓના મનમાં ઊઠે એવી બૌદ્ધિક જાગૃતિનું વાતાવરણ પણ હજુ તો બંધાયું નથી. આને અંગે ઘણે સ્થળે અનેક વાર ચર્ચાવિચારણા, સંવિવાદ ગોઠવવાં જોઈએ. વિવેચન કર્તવ્યચ્યુત થયું છે એમ હવે તો બધેથી કહેવાવા લાગ્યું છે. જો સાચી પરિસ્થિતિને ઓળખવા જેટલી દૃષ્ટિ, ને ઓળખીને કહેવા જેટલી પ્રામાણિકતા આપણે કેળવ્યાં તો હવે એનું નિવારણ પણ કરવું જોઈએ.

એક કળા બીજી કળાને ઉપકારક નીવડે એવી રીતે પ્રયોજાઈ હોય છે ત્યારે ભાવકને કેવી તૃપ્તિ કરાવે છે એનો ધન્ય અનુભવ ‘પથેર પાંચાલી’ જોતાં થયો. કળાનો ત્રિવેણીસંગમ સાધીને તીર્થવતી બનેલી પ્રતિભાનો પરિચય થયો.

‘પથેર પાંચાલી’ તો ઘણાં વર્ષો પહેલાં વાંચેલી. જ્યારે ફિલ્મ જોવા ગયો ત્યારે તો એની માત્ર ઝાંખી સ્મૃતિ જ હતી. એ સ્મૃતિમાંય બંગાળનું ગામડું – આજુબાજુ છવાયેલા વનને ખોળે બેઠેલું ગામડું. એને ઘસાઈને ચાલી જતી રેલવેગાડી, બંગાળની વન્ય પ્રકૃતિની નિબિડતા, તડકોછાંયડો, ને એ બધાં વચ્ચે વસતાં માનવીઓ, એમની દરિદ્રતા, એમનાં દુ:ખ – આટલું યાદ હતું. સાથે એક છાપ પણ મન પર હતી કે વિભૂતિભૂષણ વાસ્તવિકતાને સ્વપ્નના પરિવેશથી એવી તો મણ્ડિત કરે છે કે ક્યાંય કશું કર્કશ, ક્લેશકારી કે વિક્ષુબ્ધ કરે એવું રહેતું નથી. એમની કૃતિ બંગાળની પલ્લીગીતિના સૂરના જેવી મીઠી બની રહે છે. એ સૂર કોઈક માછી નદીનાં પાણીમાં ઘૂંટણબૂડ ઊભો રહીને છેડતો હોય છે, કોઈક શ્રમિક પોતાની હોલવાઈ ગયેલી ચૂંગીમાં ફરીથી નવો તમાકુ ઠાંસતાં ઠાંસતો ગાતો હોય છે. એ સૂર નદીને આ પારથી પેલે પાર પ્રલમ્બ બનીને વિસ્તરે છે, વિશાળ મેદાનમાં ઘૂમી વળીને એને બીજે છેડેથી નાની ઝૂંપડીમાં બેઠેલી ગ્રામવધૂના હૃદયનાં કમાડને ઠેલી આવે છે.

પણ ‘પથેર પાંચાલી’નું ચિત્રપટ એ અભિનવ સર્જન છે. સત્યજિત રાયના દિગ્દર્શન અને સુવ્રત મિત્રની છબીકલાએ તથા પશ્ચાદ્ભૂમાંના સંગીતે(સંગીતકાર રવિશંકર) એને એક નવી જ કૃતિ બનાવી દીધી છે. ગામડામાં વસતા એક ગરીબ કુટુમ્બની આછીપાતળી કરુણાન્ત કથા અહીં નવી સાર્થકતા પ્રાપ્ત કરે છે. કળા કળાને કેવી ઉપકારક બની રહે તેનું એ એક સમર્થ નિદર્શન છે.

‘પથેર પાંચાલી’ જોવા મિત્રોનું ધાડું લઈને અમે તો ઊલટ્યા હતા. એમાંના મોટા ભાગનાને બંગાળી ભાષાનો પરિચય નહીં, પણ એ વિઘ્ન રસાસ્વાદમાં નડ્યું નહીં, કારણ કે ભાષાનો દિગ્દર્શકે અત્યન્ત પરિમિત ઉપયોગ કર્યો છે. દૃશ્યો અત્યન્ત સજીવ છે, મૂક પ્રાણીઓ અને પદાર્થો પણ ઘણું ઘણું કહી દે છે. પરિસ્થિતિ કે ઘટનાના હાર્દને બરાબર છતું કરતું સંગીત ઘણું ઘણું કહી દે છે; ને કેમેરાની આંખ તમને એવા દૃષ્ટિકોણથી આખી વસ્તુ બતાવે છે કે તમે કશું ખોતા નથી, ઘણું ઘણું પામો છો એનું જ ભાન થાય છે.

શરૂઆતનું જ દૃશ્ય તમને ગ્રામજીવનના હાર્દમાં સીધો પ્રવેશ કરાવી દે છે. જમીનદારની વાડીમાંથી એકબે ફળ ‘ચોરી’ લાવતી દુર્ગા ગામડાના તડકાછાંયડાની ભાતથી અંકાયેલા રસ્તા પર થઈને પોતાની પ્રાપ્તિના આનન્દના લયને અનુસરીને, નાચતી દેખાય છે; એ દસ અગિયાર વરસની છોકરી, સાવ સાધારણ, એમાં ‘ગામડાની ગોરી’ બતાવવાનો મોહ દિગ્દર્શકને છે જ નહીં. દુર્ગાનો આનન્દ, ને એ આનન્દનો તરલ લય સાવ સાદા સંગીતથી સમર્થ રીતે વ્યક્ત થયો છે. આ નાચતા કૂદતા આવવું ને એની સાથેના સંગીતના આ સૂર એ દૈનંદિનીય ગ્રામજીવનના કાવ્યનું ધ્રુવપદ બની રહે એ રીતે કુશળતાથી પ્રયોજાયા છે. ને પછી તરત જ જુઓ છો ઇન્દિર ઠાકુરન્! નેવુંને વટાવી ગયેલી આ ઇન્દિર ઠાકુરન્ ‘પથેર પાંચાલી’નું અવિસ્મરણીય પાત્ર છે. સાક્ષાત જિજીવિષા જ જોઈ લ્યો! દુર્ગા અને ઇન્દિર ઠાકુરન્ વચ્ચેની ચોરેલાં ફળ વિશે ચાલતી સંતલસ – બાળકોના કાવતરાંમાં ભાગ લેવા જેટલો સક્રિય ઉત્સાહ જીવનને આરે બેઠેલી વૃદ્ધામાં અત્યન્ત હૃદયસ્પર્શી રીતે બતાવ્યો છે. ને પછી તે ડોશી ભાતમાં પાણી રેડીને, હાથ વડે મસળીને ખાવા બેસે છે! એ દૃશ્યની નરી વાસ્તવિકતા જિજીવિષાને જે રીતે પ્રકટ કરે છે તે રીતે કદાચ બીજું કોઈ દૃશ્ય યોજવાથી બન્યું ન હોત, ને આવું દરિદ્ર કુટુમ્બ – તેનેય આશ્રિતો છે. ડોશીની પાસે જ કૂતરું બેઠું છે. ડોશી આવતાં જતાં એના નિત્યસંગાથી લોટામાં પાણી ભરી લાવીને છોડને સીંચે છે. મુમૂર્ષુ જીવન આમ નવા જીવનને પાંગરવામાં મદદ કરે છે.

આમ આ ગરીબ સંસારનું ગાડું આગળ ચાલે છે. વાર્તાનો દોર તો ઘણો પાતળો છે. પણ પ્રતીકયોજનાના કૌશલને કારણે આટલા આછા કથાનક પાસે માનવજીવનના ઘણા સંકુલ અને છટકિયાળ ભાવોને વાચા અપાવી છે. પ્રતીકોની યોજના કેટલીક વાર સાવ રેઢિયાળ બની જાય છે. (દા. ત. શાન્તારામનાં કેટલાંક ચિત્રપટોમાં): મૃત્યુ વખતે દીવો બુઝાઈ જતો બતાવવો, પ્રેમનો વિકાસ સૂચવવા ફૂલની કળી પર કેમેરાને સ્થિર કરી કળીનું ફૂલ થતું બતાવવું – આ બધાંની પ્રતીક તરીકેની ક્ષમતા ખરચાઈ ચૂકી છે. અહીં ક્યાંય કશું રેઢિયાળ નથી. હું તો આ ફિલ્મની પ્રતીકયોજના તરફ ખાસ ધ્યાન ખેંચવા ઇચ્છું છું. તૂટેલી દીવાલવાળા ખોરડામાં કાળ અને દારિદ્ય્રના પ્રહારથી એટલી જ ભાંગી ગયેલી, જર્જરિત ઇન્દિર ઠાકુરન્ના દન્તહીન મુખ પરનું હાસ્ય, કરચલી પડી ગયેલી ચામડીના ઊપસી આવવાથી ઢંકાયેલી અને નિષ્પ્રભ થયેલી એની આંખમાં દેખાતો શિશુસહજ કુતૂહલનો ચમકારો, ને વળી એ જ બોખા મુખમાંથી સ્વચ્છ સરલ પ્રવાહવાળી નદીની જેમ સરી જતી પરીકથા – આ યોજનાવિરોધથી કેટલું બધું કહી દે છે! આખી ફિલ્મમાં એક્કેય ગીત નથી, પણ આ ઇન્દિર ઠાકુરન્ બેઠી બેઠી ભજન ઉપાડે છે: ‘હરિ દિન તો ગેલો’ ને એ હૃદયને ઝણઝણાવી જાય છે. આ કાંઈ સંગીતની મધુરતાને કારણે નથી બનતું. ને મને દિગ્દર્શકની આ એક વિશિષ્ટતા લાગે છે: સુન્દરને અતિ સુન્દર બનાવવાનો મોહ નથી, તો જે અસુન્દર છે તેને જેવું છે તેવું જ બતાવ્યું છે. એનો અતિરેક લાગણીઓનું ઉદ્દીપન કરવા માટે નથી કર્યો. આ કળાસંયમ ખરે જ મોટી વસ્તુ છે. વસ્તુ, પાત્ર, ઘટના –એને પોતાને જ જાણે અહીં પોતાનું હાર્દ પ્રકટ કરવા દીધું છે. ક્યાંય દિગ્દર્શક કશી દખલગીરી કરતા નથી.

પાત્રોમાં કોઈ સુન્દર નથી. ઇન્દિર ઠાકુરન્ની તો ચામડી લબડી પડી છે. અપુમાં રાજપુત્રના દર્શન થતાં નથી. દુર્ગા ગામડાની કન્યા છે, સોળે સોળ આની, ને સર્વજયા ઘડીક કર્કશ અવાજે ઝગડતી, તો ઘડીક પતિની ગેરહાજરીમાં પોતાને ખભે આવી પડેલા દુ:સહ ભારને કચડાયા વિના ઉપાડતી – આપણને દેખાય છે, ને ત્યારે પાત્રોની સુન્દરતાનો ખ્યાલ પણ આપણા મનમાં ઊઠતો નથી. સર્વજયાનો પતિ, ને અપુદુર્ગાનો પિતા હરિહર ગામડાનો ગરીબ બ્રાહ્મણ છે. ઘરમાં આવે છે ત્યારે સ્વાભાવિકતાથી એને ધોતિયાના છેડાથી બગલનો પરસેવો લૂછતો બતાવ્યો છે. જમવા બેસે છે ત્યારે બિલકુલ અભદ્ર (!) રીતે કાળા દાંતને ખુલ્લા બતાવી એ માછલીમાંનો કાંટો બહાર કાઢતો હોય છે. પણ એ દૃશ્ય કુત્સિત નથી લાગતું. આ બધાંનું જ તો આપણું જીવન બન્યું છે! તેથી જ તો આ દરિદ્ર કુટુમ્બના ભાંગ્યાતૂટ્યા ખોરડાની પાસે કમળ ઝૂલાવતી સુન્દર તલાવડી બતાવી છે. ને એ તલાવડીમાં પાણીમાંનું નગણ્ય જન્તુ સેલારા મારીને જીવનની લીલાનું જાણે રેખાંકન આંકી દે છે. ઇન્દિર ઠાકુરન્ને શિયાળામાં કોઈએ દયા લાવી નવો કામળો આપ્યો છે. આ કોઈની દયાનો ઇન્દિર ઠાકુરને સ્વીકાર કર્યો તે સર્વજયાથી સહી શકાતું નથી. આથી સર્વજયા એની જોડે ઝઘડે છે, ને વૃદ્ધા એની ઘરવખરી – પેલો નવો કામળો ને નિત્યસંગાથી લોટો – લઈને ચાલી જાય છે. એના ભોજનમાંથી હંમેશાં પોતાનો ભાગ પામતું કૂતરું માત્ર એને સદય દૃષ્ટિએ જોઈ રહે છે. જ્યારે આ બાજુ દૃશ્ય ભજવાઈ રહ્યું છે ત્યારે અપુ અને દુર્ગા શેરડીના ખેતરમાં લિજ્જતથી શેરડી ખાતાં હોય છે. ઝાડ નીચે ઇન્દિર ઠાકુરન્ મરી જાય છે ત્યારે એના નિત્યસંગાથી લોટાના ગબડી જવાથી એનું મૃત્યુ સૂચવ્યું છે, ને ડોસી જે ભજન ગાતી તેના સૂર પશ્ચાદ્ભૂમાં રણકી ઊઠે છે. મરી ગયેલી ડોશી આગળ અપુ ને દુર્ગા આવે છે. ત્યારે વાછરડાના ગળામાં બાંધેલી ઘંટડીને રણકાવતાં ત્રણેય દોડ્યાં આવે છે, એ મૃત્યુની નિસ્તબ્ધતાથી પડછે ભારે ભારવાહી બની રહે છે.

આપણે પ્રતીકયોજનાની વાત કરતા હતા. પહેલા વરસાદમાં મન ભરીને નાહીને દુર્ગાએ આનન્દ માણી લીધો છે. અપુ ટાઢથી ધ્રૂજી રહ્યો છે તેને પોતાના ભીના વસ્ત્રમાં લપેટીને એ હૂંફ આપે છે! આખરે એ તાવથી પટકાઈ પડે છે, જે રાતે એને વધારે તાવ ચઢ્યો હોય છે તે રાતે ભારે વરસાદ ને તોફાન હોય છે. ઘરનાં બંધ બારણાં ખૂલી જાય છે. એક બાજુનું બારણું રહ્યું જ નથી, ત્યાં તો ફાટીતૂટી સાદડી જ માત્ર ટિંગાડી છે. એક તરફ ગોખલામાં બિરાજેલા ગણેશની મૂર્તિ ડોલં ડોલ થાય છે. એ વિઘ્નહર ગણાતા દેવનું આ ડોલવું, પોતાની સ્થિરતા ગુમાવવી એ આ પરિસ્થિતિમાં અત્યન્ત સૂચક બની રહે છે. આખરે દુર્ગાનું મૃત્યુ થાય છે તે કેવી રીતે બતાવ્યું છે? દીવો બુઝાવીને કે એવા કોઈ રેઢિયાળ પ્રતીકથી નહીં. બીજે દિવસે સવાર થાય છે ત્યારે મરી જઈને ઊંધી પડેલી દેડકીને પાણીના ખાબોચિયામાં પડેલી જોઈએ છીએ!

એક બીજો પ્રસંગ – હરિહર નસીબ અજમાવવા કલકત્તા જઈ રહ્યો છે. બાળકોને તો એની ઝાઝી ખબર પણ નથી. ગામડામાં સિનેમા બતાવવાવાળો આવ્યો હોય છે! આગ્રાનો તાજ, દિલ્હીનો કુતુબમિનાર – બધું એ બે પૈસામાં બતાવે છે. અપુ અને દુર્ગા પણ છોકરાઓની ભીડમાં ઊભાં છે. ત્યાં દુર્ગા અને અપુ સામેને રસ્તે હરિહરને ચાલી જતો જુએ છે ને દિલ્હી જોવા માટે બે પૈસા માગે છે! ને હરિહર પાછો આવે છે ત્યારે દુર્ગાને જોવા પામવાનો નથી! આ દિલ્હી જોવાની ઝંખના હરિહરના કલકત્તાપ્રયાણને વખતે કેવી સૂચક બની રહે છે!

દુર્ગાના મૃત્યુના કરુણ પ્રસંગને ભારે સંયમથી દિગ્દર્શકે આલેખ્યો છે. સર્વજયા એથી સ્તબ્ધ જ બની જાય છે. એના હૃદયની આર્ત વેદના તારશરણાઈના સૂરથી જ રજૂ થાય છે. સંગીતનો આ રીતે અહીં સફળ ઉપયોગ થયો છે. આવી જ રીતે જમીનદારને ઘેરથી કીડિયાં ચોરી લાવ્યા બદલ દુર્ગાને સર્વજયા ધમકાવીને કાઢી મૂકે છે ત્યારે ઢોલકના એકધારા અવાજનો સારો ઉપયોગ કર્યો છે. વળી દુર્ગાના મૃત્યુ પછી, હરિહરની ગેરહાજરીમાં, અપુને માથે જવાબદારી આવી પડે છે ત્યારે એ ઓઢેલો કામળો એક બાજુ ફેંકીને એકદમ ઊભો થાય છે તે સિતારના તારને એકદમ છેડીને બતાવ્યું છે. પછી મોટા માણસની ગમ્ભીરતાથી અપુ હાથમાં ફાનસ અને લાકડી લઈને નીકળે છે તે પ્રસંગની કરુણતા પણ સંગીતની મદદથી જ ઉપસાવી છે. નિત્ય નૈમિત્તિક કાર્યોની કિલ્લેબંધી પાછળ સર્વજયા દીકરીના મરણના દુ:ખથી બચવા મથતી દિવસ પછી દિવસ કાઢે છે, ત્યાં પતિ આવે છે, દૂરથી જ: ‘દુર્ગા, અપુ’ની બૂમો પાડતો આવે છે. એ ‘દુર્ગા’ શબ્દ સૂના નિસ્તબ્ધ ઘરમાં બધે ફરી વળે છે, અથડાઈને પાછો વળે છે. હરિહર દુર્ગાને માટે ઓઢણી લાવ્યો છે. એ ઓઢણી જ્યારે કાઢીને સર્વજયા આગળ મૂકે છે ત્યારે સર્વજયાએ આંસુ આડે બાંધેલા બધા બંધ તૂટી જાય છે. એ ઓઢણી જાણે પેલી સદાને માટે ચાલી ગયેલી દીકરી જ ન હોય તેમ એને વળગી પડીને એ હૈયાફાટ રુદન કરે છે ત્યારે આપણી આંખ ભીની થયા વિના રહેતી નથી.

એક રીતે જોઈએ તો અભિનયનો મોટા ભાગનો ભાર દુર્ગા અને ઇન્દિર ઠાકુરનના પર જ દિગ્દર્શકે મૂક્યો છે. કયા પાત્ર પાસે કઈ રીતે કેવા પ્રકારનો અભિનય લેવો તેનો દિગ્દર્શકે વાપરેલો વિવેક ખરે જ આશ્ચર્યજનક છે. કેટલીક વાર સહેજ સરખી વસ્તુથી ભાવની ઉત્કટતા લીલયા પ્રકટ કરી છે. દુર્ગાની સમોવડી જમીનદારની કન્યાના લગ્ન છે. આ પ્રસંગે દુર્ગા પોતાને વિષે સભાન બને છે. નવવધૂના શણગાર સજતી એની બહેનપણીને એ જોઈને આવી છે. એ પ્રસંગની તો પોતાના જીવનમાં હજુ એણે કલ્પના સરખી કરી નથી, છતાં એને પોતાનું ‘રૂપ’ જોઈ લેવાનું મન થાય છે. ફૂટેલા આયનામાં એ પોતાનું નિરાભરણ મુખ જુએ છે, ને આંખમાંના કાજળને આંખના અણિયાળા સુધી એ પ્રસારે છે, એનું જ એક ટપકું કપાળે કરે છે. આ ‘શણગાર’ કરીને એ ફરી પોતાનું મુખ જુએ છે. આ પ્રસંગ એના આસન્ન મૃત્યુની પડછે ભારે હૃદયસ્પર્શી બની રહે છે.

આમ નિશ્ચિન્દપુર ગામના આ ગરીબ કુટુમ્બની કહાણી પૂરી થાય છે. હરિહર ઘરવખરી ઉઠાવીને જવાની તૈયારી કરે છે. જૂની પોથીનાં પાનાં એકઠાં કરતો હોય છે ત્યાં દુર્ગાએ એકઠી કરી રાખેલી સામગ્રીનો દાબડો હાથે ચઢે છે, ને એ ખોલતાં પેલાં કીડિયાં – જેને ખાતર દુર્ગાએ માર ખાધો હતો – નીચે ગબડી જાય છે. ભાંગ્યુંતૂટ્યું લગભગ ભૂમિસાત્ થઈ ગયેલું ઘર છોડીને કુટુમ્બ ચાલ્યું જાય છે. ત્યાર પછી એક નાગને એ ખોરડામાં દાખલ થતો બતાવ્યો છે. લક્ષ્મીનું રક્ષણ કરનાર લક્ષ્મીના વિસર્જન પછી કોનું રક્ષણ કરવા જતો હશે?

ગ્રામજીવનની સાદીસીધી આ કથા માનવજીવનનું એક કરુણ કાવ્ય બની રહે છે. એનાં દૃશ્યો આંખ આગળથી ખસતાં નથી. સવારના આરમ્ભથી માંડીને તે રાતે જતી ગાડીનો પાવો સંભળાતાંની સાથે આવતા દિવસના અન્ત સુધીનું જીવન સમર્થ રીતે રજૂ થયું છે. અઠવાડિયે એકાદ વાર કાવડ ખભે ઉપાડીને ઘંટડી રણકાવતો આવી ચઢતો ટીકડીગોળીવાળો પણ આ ગ્રામજીવનના સંગીતનો એક સૂર છે. તારના થાંભલાને કાન દઈને અપુ અને દુર્ગા કેટલા કુતૂહલથી તારમાંથી પસાર થતું ‘સંગીત’ સાંભળે છે! તીર-કામઠાંની રમત રમતા અપુને જમાડવા એની મા સર્વજયા કેટલી ધીરજથી અને કેવા વાત્સલ્યથી એની પાછળ પાછળ દોડતી હોય છે! વરસાદ પડવાનો હોય છે ત્યારે પ્રકૃતિ આખી અધીર બનીને એને કેવી ઝંખી રહી હોય છે તે કેમેરાને બધે ફેરવીને બતાવ્યું છે, ને આખરે એ વરસાદનું પહેલું ટીપું ક્યાં ઝીલાય છે? કમળના પાંદડા પર નહીં, એક તાલિયાના માથા પર! પ્રસંગોના કદીક દ્રુત તો કદીક વિલમ્બિત લયને એકબીજા સાથે એટલા તો સ્વાભાવિક રીતે સાંધી દીધા છે કે ક્યાંય કશું સાંધણ લાગતું નથી.

અમે સૌ મિત્રો ધન્યતાનો અનુભવ કરતા બહાર નીકળ્યા – કેટલાક તો બીજે રવિવારે ફરી જોવાના નિર્ધાર સાથે. બંગાળી ન જાણકાર પણ આસાનીથી સમજે એવું આ ચિત્રપટ ઘણા ગુજરાતીઓએ પણ માણ્યું. ગરીબીમાં અસહાય બનીને લગ્ન વખતે પિયરની ‘સુખે થાક્’ (સુખથી રહેજે) એવા આશીર્વાદ કોતરાવીને આપેલી થાળી સર્વજયા વેચવા કાઢે છે તે પ્રસંગની વેધકતા ‘સુખે થાક્’ વાંચીને સમજ્યા વિના કદાચ પૂરેપૂરી નહીં અનુભવાય એ ખરું. પણ આવી થોડીક ઘટનાને બાદ કરીએ તો બંગાળી ભાષાનું અજ્ઞાન ઝાઝું વિઘ્નકર નથી નીવડતું.

ખૂબ લખી જવાયું. વાંધો નથી. આવા રસાનુભવની વાત કરતી વખતે લગામ ખેંચવાની જરૂર નથી. તમારી આંખ આગળ પેલી નેવું વરસને વટાવી ગયેલી ઇન્દિર ઠાકુરન્ અને દુર્ગાને સાકાર કરી શક્યો હોઉં તો બસ.