કિન્નરી ૧૯૫૦/ક્ષણ હસવું, ક્ષણ રડવું
Jump to navigation
Jump to search
ક્ષણ હસવું, ક્ષણ રડવું
ક્ષણ હસવું, ક્ષણ રડવું;
પૃથ્વી વિણ ક્યાં જડવું?
સ્વર્ગમહીં નહીં, અહીં સુખદુ:ખે
જનમ જનમ રે જીવું;
પાય જગત જે, હસતે મુખે
સકલ હોંસથી પીવું,
કંઈ મીઠું, કંઈ કડવું!
સ્વર્ગંગાને ક્યાંય નથી રે
જમુનાનો જળઘાટ,
નન્દનવનની માંહ્ય નથી રે
મથુરાપુરની વાટ;
વ્રજ વિણ રે સૌ અડવું!
૧૯૪૯