કોડિયાં/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

કોડિયાં : શ્રીધરાણીનાં કાવ્યો સામયિકોમાં કિશોરવયથી પ્રકાશિત થતાં ગયાં (1927), ત્યાંથી લઈને 1934માં એમનો પહેલો સંગ્રહ ‘કોડિયાં’ પ્રકાશિત થયો એ પહેલો તબક્કો. એ પછી શ્રીધરાણી બારેક વર્ષ પરદેશમાં રહ્યા. પાછા આવીને એ ફરી સર્જનપ્રવૃત્ત થયા. 1948થી 1956 સુધીની એમની કવિતા એ બીજો તબક્કો. આ બીજા તબક્કાનાં કાવ્યોનો જુદો સંગ્રહ કરવાને બદલે એમણે, બંને તબક્કાઓની કવિતાનો સંયુક્ત સંગ્રહ કર્યો — ‘કોડિયાં 1957’ એ નામે. કુતૂહલ-પ્રેરી કલ્પનાશીલતા, મૃદુ સંવેદન-આલેખન, ગાંધીયુગીન ભાવનાશીલતા, ગીતો-છંદોના લયનું માધુર્ય એમની 1934 સુધીની કવિતાની ઓળખ છે. એ સમયે સમકાલીન અગ્રણી કવિઓમાંના એક તરીકે એમની મુદ્રા બંધાય છે. વિદેશ-વસવાટે સાંપડેલા સાહિત્યિક-સાંસ્કૃતિક અનુભવે એમનાં સજ્જતા અને દૃષ્ટિફલક વિસ્તર્યાં હતાં, સમકાલીન ગુજરાતી કવિતા પણ એક નવા તબક્કામાં પ્રવેશી હતી. એને કારણે એમની બીજા તબક્કાની કવિતાનું નિરાળું રૂપ ઊપસે છે. વાસ્તવનું વક્રતાદર્શી નિરૂપણ, કાવ્ય-રચનાની પ્રયોગલક્ષીતા, અભિવ્યક્તિનું વિશિષ્ટ પરિમાણ — આ કવિતાની એક જુદી જ મુદ્રા રચે છે.

દેશના સ્વાતંત્ર્ય પછીની વરવી વાસ્તવિકતાની કરુણતા બીજા સમકાલીન કવિઓએ પણ આલેખી હતી. શ્રીધરાણીએ એને વ્યાપક સાંસ્કૃતિક સંદર્ભમાં, કટાક્ષની તીક્ષ્ણ ધારથી, પણ સ્પષ્ટ કાવ્યોદ્ગારથી ‘આઠમું દિલ્હી’ નામના, પ્રવાહી છંદના દીર્ઘ કાવ્યમાં પ્રભાવક રીતે આલેખી છે. જૂનાં-નવાં કાવ્યોના આ સંયુક્ત સંગ્રહ ‘કોડિયાં-1957’નો પ્રારંભ કવિ 1927 આસપાસ રચાયેલા કોઈ આરંભકાલીન કાવ્યથી નહીં પણ 1956માં રચાયેલા આ ‘આઠમું દિલ્હી’થી કરે છે એ કેટલું લાક્ષણિક ને કેવું સૂચક છે!

— રમણ સોની