ખરા બપોર/* 'ધાડ' વાર્તાનો મૂળ પાઠ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
'ધાડ' વાર્તાનો મૂળ પાઠ

૧૯૫૩ના ‘આરસી’ સામયિકમાં છપાયેલી ‘ધાડ’ વાર્તા મેં અહીં એટલા માટે મૂકી છે જેથી ભાવક પોતાની જાતે જ બેઉ વાર્તા-પાઠને સરખાવી શકે. જયંત ખત્રી વાર્તાને પુસ્તકમાં સમાવતી વખતે હઈ કદે ફેરફારો કરતા તે તપાસવા માટેનો ‘ધાડ’આદર્શ નમૂનો છે. ઘણી વાર્તાઓમાં ફેરફાર છે પણ જરાતરા…..જેને નોંધી શકાય…. પરંતુ ‘ધાડ’ ના પાઠમાં તો એટલા બધા ફેરફાર છે કે આખી વાર્તા જ જાણે કે બીજી છે. સામયિકમાં છપાયેલી વાર્તામાં મોંઘીના પાત્રને સર્જકે વધુ Space ફાળવેલ છે. મોંઘીના પાત્રનું પરિમાણ સંગ્રહમાં છપાયેલી વાર્તામાં બદલાઈ ગયેલ છે એકાદ લીટીથી….સામયિકની વાર્તામાં જે પથરાટ હતો એમાંથી એક ચુસ્ત વાર્તા ઘડતા ખત્રીએ થોડુંક સારું ગુમાવી દીધું છે એવું નથી લાગતું? આ વાર્તાની બે Textની સરખામણી કરનાર અભ્યાસી Close reading પછી રસપ્રદ તારણો સુધી પહોંચી શકે એટલા માટે આ બેઉ પાઠ અહીં સમાવેલ છે.

ધાડ

ફરી પાછો હું બેકાર બન્યો.

ખભા પર કોથળો લઈ, કિનારે કિનારે ચાલતો હું બંદર છોડી રહ્યો હતો ત્યારે અઢી મહિનાની આ નોકરીની હૂંફ આપતી એક યાદ અને એક પિછાન મારા મનમાંથી ખસતી નહોતી!

મને યાદ આવે છે, એક વાર દરિયાનાં પાણી ઊતરી ગયાં હતાં; અને લોંચની ચોકી કરતો હું એ રાતના, બંદરથી ત્રણ માઈલ દૂર એકલો જ બેઠો હતો. અંધારાં ઊતરી આવ્યાં હતાં. ઊત્તરનો પવનેય વાતો બંધ પડયો હતો. શ્વાસ લેતી દરિયાની સપાટી ધીમું હાંફી રહી હતી. તારકે મઢયા અંધારા આભ નીચે આ સ્તબ્ધ વાતાવરણમાં મને સહચર્ય મળવાની કોઈ શક્યતા નહોતી, ત્યારે ઓચિંતાનો મને ઘેલાનો ભેટો થયો હતો.

ઊંટો ચારવાં, બાજુના કાદવવાળા ‘ચેરીઆ’ના છોડવાથી છવાયેલા કિનારા પર એ બે દિવસથી ઘૂમતો હતો. ઊંચું કદાવર બિહામણું શરીર, સફેદ દાઢી, ઝીણી કટારીની ધાર જેવી તીક્ષ્ણ આંખો, મજબૂત રેખાઓથી મઢેલો ચહેરો: ચોક્કસ અને સાવચેત ગતિથી એ મારી પાસે આવ્યો ત્યારે એક વાર તો મને એનો ડર લાગ્યો.

પણ નિખાલસ મને વાતો કરતાં એણે મને પોતાના પસીનાનો અડધો રોટલો ખવડાવ્યો ત્યારે મારું મન ભરાઈ આવ્યું. મારી જિંદગીમાં કોઈની બિરાદરીનો રોટલો ખાવાની મને ઓછી તક મળી છે! પછી તો એણે ઘણી ઘણી વાતો કરી – અમારી.

અમે નાના નાના માણસોની વાતોનો એની પાસે એક જ ઉકેલ હતો: ‘દોસ્ત પ્રાણજીવન, માથાભારે થવું, સમજ્યો – માથાભારે! એક સંભળાવનારને દશ સંભળાવવી. એક લાત મારનારને પચાસ લાત મારવાની તાકાત બતાવવી. સમજ્યો?’

હું નહોતો સમજ્યો અને કબૂલ પણ નહોતો થયો, તોય મેં હસીને ‘હા’માં ડોકું ધુણાવ્યું.

‘જો,’ ઘેલાએ મારો હાથ પકડતાં કહ્યું: ‘આ ચેરીઆનું ઝાડ જોયું? નર્યાં કાદવ પર એ ઊગ્યું છે. દરિયાનું ખારું પાણી પી એ કેમ જીવતું હશે અને ક્યાંથી ખોરાક મેળવતું હશે એવો વિચાર આવ્યો છે તને કોઈ દહાડો?’ મને ત્યારે થયું કે ખાતર વિહોણા, ચીકણી માટીવાળા, કાદવના ઢગલામાં ખારા પાણી વચ્ચે આ છોડ કેમ જીવતો હશે?

‘આ છોડનાં મૂળિયાં પહેલાં કાદવમાં ઊંડાં જાય છે. તેથી એ છોડ પોતાના થડ પર મજબૂત બને છે. પણ કાદવમાં પોષણ ન મળતાં એ મૂળિયાં પાછાં બહાર નીકળી થડની આજુબાજુ પથરાઈ જઈ, પોતાના કાંટા મારફત હવામાંથી પોષણ મેળવે છે, સમજ્યો?’

‘હવામાંથી?’

‘હા, હવામાંથી!’ ઘેલાએ કહ્યું:’ કોઈ વાર વંટોળિયો અને કાદવના ઢગલા પર ધૂળ પથરાય ત્યારે ચેરીઆનાં મૂળિયાંના કાંટા ધૂળથી દટાઈ જાય છે; અને ચેરીઆનો છોડ સુકાઈ મરી જાય છે!’

ત્યારે પછી ઘેલો જ્યારે મને મળતો ત્યારે ચેરીઆની વાત આગળ લાવી મને હમેશ કહેતો; ‘જીવતા રહેવાનો ભેદ તારે જાણવો હોય, દોસ્ત પ્રાણજીવન, તો આ ‘ચેરીઆ’નો દાખલો લે. જેને જીવવાની તમન્ના છે તે, આ ‘ચેરીઆ’ની જેમ ટટ્ટાર ઊભા રહીને જીવી શકે છે. શું સમજ્યો? હું મારી જ વાત કરું. અમે રણને કાંઠે વસીએ છીએ. રણની ધરતી કેવી હોય ખબર છે? સાવ વાંઝણી. એની છાતીમાં ધાવણ કોઈ દહાડો આવતું નથી! ત્યાં ધૂળ, વંટોળિયા, ટાઢ, તડકો, કાંટા અને ઝાંખરાં સિવાય બીજું કંઈ નથી, કંઈ જ નહિ! છતાં અમે – અમારી આખી જાત ત્યાં વસે છે…. તું એમ કર પ્રાણજીવન, તું એક વાર મારે ગામડે આવ. આવ અને જો, અમે અમારી તાકાતથી વાંઝણી ધરતી પર કેવાં ઘર ઊભાં કર્યાં છે! અમને જોજે અને અમારાં પશુઓને જોજે – અમારાં ઊંટ જોઈને તું છક થઈ જઈશ કે અમે કેવાં જાતવાન, વફાદાર અને તાકાતવાન ઊંટ કેળવીએ છીએ! ખરેખર એક વાર અમારી ધરતી જોવા જેવી છે. બોલ, આવીશ?’

‘હા. જરૂર આવીશ!’ મેં કહ્યું.

(૨)

મેં ઘેલાને આવવાની હા કહી ત્યારે મને સ્વપ્ને ખયાલ નહોતો કે હું આટલો જલદી બેકાર બનીશ.

અને અત્યારે ખભે કોથળો નાખી, કિનારે કિનારે ચાલતાં ઘેલાની હૂંફભરી યાદ મારા બેકાર જીવનની સંપત્તિ બની ગઈ.

અને મેં ચાલ્યા કર્યું.

આખી પૃથ્વી જાણે મારું ઘર હોય, આભ ધરતીને ચૂમે છે એ ક્ષિતિજ મારા પર્યટનના સીમાડા હોય, રાત્રિની સાવચેતીભરી ચુપકીદીમાં ચાંદની રાતનાં વૃક્ષો નીચેનાં અંધારાં જાણે મારા કુટુંબની વહાલભરી હૂંફ હોય….એવી મારી બેકારી હતી! માનો તો મારે કોઈ સગુંવહાલું નહોતું. માનો તો સૃષ્ટિ આખી મારી પોતાની હતી. છતાં મને, મારા હણાઈ ગયેલા ધૂળભર્યા દેહને જોઈ લોકો મોઢું ફેરવી લેતા.

હું તોય ધરતી ખૂંદતો ભટક્યા કરતો. સમૃદ્ધ ખેતરોભર્યા વિસ્તારોમાં, ડુંગરાઓની ધારોમાં, નદીઓના રેતાળ પટમાં, ઘાસનાં ગંજાવર મેદાનોમાં, માટી, ઢેફાં, રેતી, અને કાંટા….. એ બધા પર. હું જ્યાં જ્યાં ભટકતો ત્યાં મારું બેતાલ જીવન મારી પાછળ ભટકતું!

અને એમ ચાલતાં ચાલતાં હું ઘેલાના ગામ તરફ વળી રહ્યો હતો.

એ પર્યટન દરમ્યાન હું અનેક અવતારો જીવી ગયો. આ જાકારો દેતી ધરતી પર જીવન સમાધિસ્થ થઈ બેઠું હતું. દિવસે અને રાતે આકાશની એકધારી બદલાતી કંટાળાભરી ક્રિયા અને બેફામ દોટ મૂકતો પવન – એ જ ફક્ત જીવનનાં અહીં પ્રતીક હતાં. બાકી અહીંની ધરતીનું જીવન તો કરમાઈ ગયું હતું.

દરિયાનો કિનારો છોડી, નાનું રણ વટાવી હું ઘેલાએ વર્ણવી હતી એ ડુંગરાની ધાર પાસે આવી પહોંચ્યો. અહીં પૂછપરછ કરતાં મને જાણવા મળ્યું કે ફક્ત ત્રણેક ગાઉ દૂર ઘેલાનું ગામ હતું.

મેં ચાલ્યા કર્યું.

વૈશાખના બપોર સૂકી ધરતીને તાવી રહ્યા હતા. રણનાં મેદાનો પરથી વાતો આવતો ઝંઝાવાતી પવન ધૂળના વંટોળિયાને ડુંગરાની ધાર પર ધકેલી રહ્યો હતો.

એ તરફથી ધરતીને છેડે મૃગજળનાં દૃશ્યો તરસ્યા માનવીને ક્રૂર અને નિર્દય આશ્વાસન આપી રહ્યાં હતાં. વંટોળિયા પવનથી ધકેલાતી કોઈક કાંટાળા બાવળની સૂકી ડાંખળી મારા પગને અડીને પસાર થઈ જતી. કોઈક હોલું કિકિયારી પાડતું મને જોઈને ઊડી જતું. અને ખોરાકની શોધમાં નિષ્ફળ ગયેલી કોઈક ચકલી કાંટાળા છોડ પર બેઠી બેઠી પૂંછડી પટપટાવતી ચારે તરફ અસ્વસ્થ ડોક હલાવી રહેતી.

સુકાઈ ગયેલા તળાવને તળિયે ગંદું પાણી એકઠું થાય તેમ બે ઊંચી ટેકરીઓની તળેટી વચ્ચે એકઠું થઈ પડેલું ઘેલાનું ગામડું મેં જોયું. ગામમાં દાખલ થયો ત્યારે ઝૂંપડાં જેવાં ઘર, કૂતરાં ટૂંટિયું વાળીને પડયાં હોય તેમ, પડયાં હતાં.

(૩)

ઘેલાનાં ખોરડાં, ઘરઆંગણાં અને આજુબાજુની વાડ વ્યવસ્થિત, સુઘડ, સુંદર અને સ્વચ્છ હતાં.

મેં ઘેલાની ખબર પૂછી ત્યારે મારે એનું શું કામ હતું, હું ક્યાંથિ આવું છું વગેરે પૂછપરછ બંધ બારણે કર્યા પછી દરવાજો ખોલી ઝૂંપડાને ઉંબરે એક સ્રી આવીને ઊભી.

ઝાકળઘેર્યા આભમાં અંધારી સાતમના ચંદ્રોદયનાં દર્શન થાય એવાં એ સ્રીનાં દર્શનથિ હું હેબતાઈ ગયો. સુંદર નહિ, પણ અતિ જ સુંદર. સોનેરી વાંકડિયા વાળ જેની પર ઢળી પડયા છે એવાં મોટાં ભૂરાં નયનોવાળી, કમનીય, સુગોળ અને વહેતા ઝરણા જેવી અદાભરી એ સ્ત્રીને જોઈને મારું વિચારતું મન એક ઘડી અપંગ બની ગયું.

એણે મને બાજુના ઝૂંપડાંમાં બેસાડયો. રોટલો અને છાસ ખવડાવ્યાં; અને ‘તમે તમારે નિરાંતે બેસજો’ કહેતી જતી રહી ત્યારે મારી સ્વસ્થતા પાછી ફરી.

આ સ્થળ અને ઝૂંપડાં અને ઝૂંપડાંમાંથી દેખાતી સારી જેવી સમૃદ્ધિ પરથી મને એ ખ્યાલ તો જરૂર આવી ગયો કે ઘેલો, દુનિયા પર અસંખ્ય ભૂખ્યાં માનવીઓ રહે છે એવો ભૂખ્યો માનવી નહોતો. ઘર, સ્ત્રી, ખોરાક અને સમૃદ્ધિ એને સહેલાઈથી સાંપડયાં દેખાતાં હતાં. એ હરગિજ મારી હરોળનો માનવી નહોતો. આ પૃથ્વી મારું ઘર, મારો મિજાજ, મારું કુટુંબ અને વિચારો મારો ખોરાક હતાં. મેં માન્યું હતું તેમ ઘેલો મારી હરોળનો નહોતો.

લાંબા સમય પછી પેટ પૂરતું ખાવાનું મળતાં થાકથી શિથિલ થવા આવેલાં ગાત્રોમાં સુસ્તી ભરાઈ. હું ઊંઘી ગયો.

બીજી સવારે ઘેલાએ મને ઢંઢોળીને ઉઠાડયો.

‘વાહ દોસ્ત પ્રાણજીવન.’ કહેતો એ મને ભેટી પડયો. મારી ખબર પૂછી.

એના આંગણામાં અને એ આગણાં ફરતાં ઝૂંપડાંઓમાં નિષ્ક્રિય ચુપકીદી ભરાઈ ગયાનો મને ભાસ થયો. હું બેઠો હતો એ ઝૂંપડાની બારીમાંથી દેખાતી શેરીમાં કૂતરુંયે ફરકતું દેખાયું નહિ.

ઘેલાના ચહેરાની રેખાઓ એકાએક સખ્ત બની અને આંખોની તીક્ષ્ણતા વૃદ્ધિ પામી. એણે ઓચિંતાનું મને કહ્યું, ‘બહુ થાક્યો ન હોય તો આજે આપણે સાથે જઈશું?’

‘ક્યાં? શું કામ?’

ખાટલા પર ભીંતને અઢેલીને બેઠેલો ઘેલો ત્વરાથી ટટ્ટાર થઈ ગયો, અને મારી સામે જોઈ રહેતાં, કંઈક ગુસ્સાથી, કંઈક ન ફેરવી શકાય એવા લીધેલા નિર્ણયની ચોક્કસાઈથી મને કહ્યું: ‘તને ખબર છે ને, મેં તને કહ્યું હતું કે એક વાર હું તને, અમારી, રણમાં રહેવાવાળાઓની જિંદગીનો ભેદ બતાવીશ. આ સૂકી વેરાન, જાકારો દેતી ધરતી પર અમે કેમ જીવીએ છીએ, અમારી તાકાત, અમારી બુદ્ધિ, અમારાં પ્રાણીઓની વફાદારી, અમારી ધરતી, માટી, ઢેફાં, રણ, ઝાંખરાં, ધૂળ, વંટોળિયા, મેં જે કંઈ વાતો તારી પાસે કરી છે તે બધું બતાવીને તને ખાતરી કરી આપીશ.’

આટલું કહી ઘેલો જતો રહ્યો. તે બપોરના જમવા વખતે પાછો ફર્યો. અમે બન્ને જમી રહ્યા કે તરત જ એ ફરી જતો રહ્યો.

(૪)

એ આખોય દિવસ મેં ઘેલાના ઘરની આજુબાજુ ફરવામાં વિતાવ્યો. ઘેલાની માલિકીનાં ચાર ઝૂંપડાં હતાં. એક ઝૂંપડામાં રસોડું હતું, બીજામાં એની સ્ત્રી રહેતી, ત્રીજામાં ઘેલો એકલો રહેતો અને ચોથામાં મહેમાનોનો ઉતારો રહેતો. ઝૂંપડાં ફરતું ચારે બાજુ બાવળનાં ઝાડનું ઝુંડ હતું. વચમાં એક કૂવો અને એની ડાબી બાજુના વાડામાં એક ઊંટ, એક ગાય અને બે બકરીઓ પૂર્યાં હતાં. આખાય ગામમાં મેં ક્યાંય ન જોયું હોય એવું ઘેલાનું આ નિવાસ ચીવટ અને ચોક્કસાઈભરી સ્વચ્છતાવાળું હતું.

નિષ્કારણ ટહેલતો હું આંગણામાંના તેતરના પીંજરા પાસે બેઠો ત્યારે પેલી સુંદર સ્ત્રી મારી નજીક આવી અને પૂછયું:

‘તમે એમની સાથે જવાના છો?’

‘હા.’

‘એમ?’ કહેતી એ બેબાકળી બની અને મારી સામે વિસ્મિત નયનોએ જોતાં બે પગલાં પાછળ હટી ઉતાવળી ઉતાવળી પોતાના ઝૂંપડામાં જતી રહી.

મને આ સ્ત્રી વિચિત્ર અને એનું માનસ વિકૃત લાગ્યાં! આ ઝૂંપડાં, આંગણું, પેલો કૂવો અને પેલી તરફનો વાડો પણ. એ બધાંની માંડણી અને સર્વત્ર પ્રસરતી અહીંની ચીવટભરી સફાઈ અવાસ્તવિક હોવાનો મને બેહૂદો ખ્યાલ આવી ગયો!

ઝૂંપડાંની છત પર ગોઠવીને વ્યવસ્થિત રીતે મુકાયેલું ઘાસ, બારીબારણાં ઉપર ખંતથી કરેલું માટીનું કોતરકામ, સુંદર લીંપેલા અને કાળજીપૂર્વક સ્વચ્છ રાખેલા ઓટલા, એ બધાંમાં કોઈ વિકૃત જીવ હતો. એ બોલી રહ્યાં હતાં…. અને હું મૂંઝાઈ મરતો હતો!

(૫)

મોડી બપોરના હું અને ઘેલો ચા પીતા બેઠા ત્યારે એણે કહ્યું:

‘મારું ઊંટ તેં જોયું ને? એ ઊંટ પર આજે તને પચીસ ગાઉ ફેરવીને પાછો લઈ આવીશ. તને ત્યારે ખબર પડશે કે અમારાં ઊંટ કેવાં જાતવાન હોય છે. એ ઊંટ એક વાર બરાડે-પગ મૂકતાં ક્યાંય ચાતરે તો આ ઘેલાના નામ પર થૂંકજે દોસ્ત!’

‘પણ આપણે જવું ક્યાં છે? મેં પૂછયું.

‘મારી સાથે જહાનમમાં!’ ઘેલાએ ઊંચે અવાજે, મારી સામે તાકી રહેતાં કહ્યું: ‘મારામાં વિશ્વાસ તો છે ને?’

‘હા.’

‘હોય તો હા કહેજે, નહિ તો….’

‘એટલે?’ મેં પૂછ્યું: ‘કંઈ જોખમ ખેડવું છે?’

‘મારો પ્રશ્ન સાંભળી ઘેલો જોરથી હસી પડયો. એની દાઢીના સફેદ વાળ ગેલથી નાચી ઊઠયા, અને એના ચહેરની સખ્ત રેખાઓ વિખરાઈ ગઈ. પણ બીજી જ પળે એણે પોતાના હાસ્યેન કાબૂમાં લઈ લીધું. એના ગાલ પરની પેલી કડવીક રેખાઓ હતી ત્યાં ગોઠવાઈ ગઈ અને રૂંછાળાં ભમર નીચે ઊતરી આવ્યાં.

એણે જમણો મૂઠી વાળેલો હાથ ઊંચો કર્યો ત્યારે એના હાથના સ્નાયુઓને મજબૂત રીતે તંગ થયેલા મેં જોયા.

‘આ ધરતી પર જીવતા રહેવા માટે દરેક જીવતા જીવને જોખમ ખેડવું પડે છે. હું જ્યારે જ્યારે જોખમથી લડું છું ત્યારે જોખમ હંમેશા હારે છે, સમજ્યો? હજીયે કહું છું તને, આવવું હોય તો આવ, નહિ તો રોટલો ખાઈને ચાલતી પકડ! નામર્દો માટે અમારી સુકાઈ ગયેલા ધાવણ જેવી ધરતી પર સ્થાન નથી!

હું ઘેલા સામે જોઈ રહ્યો. વૈશાખ મહિનામાં આ પ્રદેશમાં હંમેશ વાતો પવનનો એક ઝપાટો અમારા ઝૂંપડામાં પેઠો અને મારા તાજા ધોયેલા વાળને અસ્તવ્યાસ્ત કરતો બારણા વાટે બહાર નીકળી ગયો. સામેના ઝૂંપડાની છત પરના ઘાસમાં એ જ ઝાપટાએ રુદન કર્યું. ત્રીજા ઝૂંપડા પરથી ચકલીઓનું એક ટોળું ચિચિયારી કરતું ઊડી ગયું. દૂર ક્યાંક એક ગધેડું ભૂંકતું સંભળાયું. અને પેલી સુંદર સ્ત્રીને પોતાનાં કીમતી વસ્ત્રો લહેરાવતી, દોડતી પોતના ઝૂંપડામાં પેસી જતી મેં જોઈ. ફરી પાછું એ સ્વસ્થ ચુપકીદી અને ચીવટભરી સ્વચ્છતાનું વાતાવરણ જામી ગયું.

ઘેલો મારી સામે જોતો, આંખોથી મારો જવાબ માગી રહ્યો હતો.

‘ભલે!’ મેં કહ્યું: ‘તારી એ ઇચ્છા હશે તો હું જતો રહીશ.’

‘જતો રહીશ એમ ને!’ કહેતો ઘેલો છલાંગ મારી મારી ટટ્ટાર ઊભો રહ્યો: ‘તો એટલા માટે મેં તને અહીં આવવાનું આમંત્રણ આપ્યું હતું, એમ ને! અને ઓ બાયલા, એટલા માટે જ તું હરાનપરેશાન થતો અહીં આવી પહોંચ્યો, એમ કે?’

(૬)

મેં નિ:સહાય ઘેલા સામે જોયા કર્યું. એણે ભીંત ફરતા આંટા માર્યા અને એક ખીંટીએ ટીંગાતા કપડાને ઉપાડી એણે જોરથી જમીન પર અફાળ્યું. આંગણામાંના પીંજરામાં તેતરની ચિચિયારી મને સંભળાઈ અને એક મોટા ઉંદરને મેં ઝૂંપડામાં દાખલ થતો જોયો. ઘેલાએ મીંદડીની ઝડપથી તરાપ મારીને એ ઉંદરને પગ નીચે દબાવ્યો, કચડી નાખ્યો. સફેદ માટીથી લીંપેલી દીવાલ પર એના લોહીના ડાઘ પડયા અને ખાટલાના પાયા પર એનાં છાંટણાં થયાં. મેન કમકમાં આવી ગયાં અને મારા શરીર પરની રૂંવાટી ઊભી થઈ ગઈ.

‘તારો ધંધો શું છે?’ મેં ઘેલાને પૂછ્યું.

‘હાજમતનો ! ચોરીનો ! પૂછવું છે બીજું કંઈ?’ કહેતો ઘેલો દરવાજા તરફ ફર્યો ત્યારે પેલીસ્રી ફરી પાછી પસાર થતી મને દેખાઈ. “ઓઈ” કહેતાં ઘેલાએ પેલી સ્ત્રીને બોલાવી.

એ દોડતી આવી ઉંબરા આગળ ઊભી રહી. સોનેરી વાંકડિયા વાળ, સુગોળ, સુંદર ચહેરો, ચણોઠી જેવા લાલ, ફૂલની પાંદડીઓ જેમ બહાર વળતા હોઠ અને આભલાં ભરેલા કમખાને શ્વાસોચ્છ્વાસ સાથે તંગ કરતી છાતી, હું મારી નજર ફેરવું તે પહેલાં એણે મારી નજરમાં જોઈ લીધું અને પછી ઘેલા તરફ ફરી.

ઘેલાએ કશું જ બોલ્યા વગર મરેલા ઉંદર તરફ આંગળી ચીંધી. પેલીએ ખૂણામાંથી સૂપડી અને ઝાડુ ઉપાડી મરેલા ઊંદરને એમાં ભેગો કર્યોં; અને એક વાર સામે જોઈ એ ઝૂંપડા બહાર જતી રહી.

‘તો તારે જવું છે, એમ ને! જા! હમણાં જ જા, નીકળ!’ ઘેલાએ દરવાજા તરપ આંગળી ચીંધતાં રોષમાં મને કહ્યું.

હું આવા અનેક જાકારાઓથી ટેવાયેલો હોવાથી મેં ખરેખર ખાટલા પરથી ઊઠવા માંડયું. એટલે ઘેલાએ તરત જ મારો ખભો પકડી મેન ખાટલામાં પાછો દાબી દીધો.

‘મેં ધાર્યું હતું કે તું ગમાર નથી, પાજી છે?’ ઘેલાએ કહ્યું.

‘હું પાજી નથી.’

‘અક્કલમંદ તો છે ને? અને ઘણાખરા અક્કલમંદ આ જમાનામાં પાજી નીવડે છે! જો દોસ્ત.’ કહેતો ઘેલો ખસીને મારી બાજુમાં આવી બેઠો, ‘કોઈ એક અક્કલમંદની અક્કલને થાપ આપવા આજે જવું છે, સમજ્યો?’

‘એવો એ કોણ છે અક્કલમંધ?’

‘એ તારે જાણવાની શી જરૂર છે?’ કૂદકો મારી ખાટલા નીચે ઊતરતાં ઘેલાએ બૂમ મારી; અને મૂઠી વાળેલા હાથને, મારા માથા પર હવામાં વીંઝતાં એણે ખાટલાના પાયાને લાત મારી: ‘શા માટે મારી સામે જીભાજોડીમાં ઊતરે છે?’

(૭)

પેલી સ્ત્રી ફરી પાછી ઝૂંપડામાં દાખલ થઈ. ઉંદરના લોહીના જ્યાં ડાઘા પડયા હતા, ત્યાં એણે માટીનું પોતું ફેરવ્યું. એક ભીના કપડાથી એણે ખાટલાનો પાયો લૂછી સાફ કર્યો. આ કાર્ય કરતાં એના હાથ, ડોકની મરોડ અને નયનોનાં પરિભ્રમણમાંથી વહેતાં સૌન્દર્યરશ્મિઓને જોઈ રહેતાં મેં મારા જીવનની એક અણમોલ તક અનુભવી લીધી. એ પોતાનું કામ આટોપી ઝૂંપડા બહાર ચાલી.

‘સો વાતની એક વાત.’ ઘેલાએ કંઈક સ્વસ્થ થતાં કહ્યું: ‘તારે મારી સાથે આવવું જ પડશે. મારે એક સાથીની જરૂર છે!

હું ઘેલાને પ્રત્યુત્તર આપવા જાઉં તે પહેલાં બહાર કશુંક ફૂટવાનો અવાજ આવ્યો. ઘેલો બહાર દોડયો. મેં પણ ઉંબરા આગળ આવી બહાર જોયું. પેલી સ્ત્રીના હાથમાંથી માટીનું લોટિયું જમીન પર પડી ફૂટી ગયું હતું. જે હાથમાંથી લોટિયું સરી ગયું હતું. એ હાથ એમનો એમ રહી ગયો હતો. થોડું નીચું નમેલી એ બેબાકળાં, ભીરુ નયનોથી ઝૂંપડા તરફ જોઈ રહી હતી.

ઘેલાએ એને બન્ને હાથોથી પકડી જોરથી ધક્કો માર્યો. એને ઝડપથી બે-ત્રણ ડગલાં પાછી હટી જઈ પોતાની જાતને બચાવી લેતી મેં જોઈ.

ઘેલાએ ઝૂંપડામાં દાખલ થઈ જમીન પર પડેલા કપડાને ખભે નાખતાં કહ્યું: ‘હું જાઉં છું અને તૈયારી કરું છું.’ અણે ઝૂંપડાના ઉંબરા આગળથી પાછા વળી કરડી આંખે મારી સામે જોતાં ઉમેર્યું: ‘અને આવવાની ના પાડીશ તો બાંધીને લઈ જઈશ, સમજ્યો?’

‘થયું.’ મેં કહ્યું: ‘તો હવે મને પૂછવાપણું ક્યાં રહે છે?’

‘જો દોસ્ત,’ ઘેલાએ ઝૂંપડામાં પ્રવેશતાં મારા ખભે હાથ મૂકતાં કહ્યું : ‘હું તો માનું જ છું કે માણસજાત સમજાવટ કરતાં જુલમને સહેલાઈથી વશ થાય છે. જરૂર પડયે જુલમ ગુજારતાં અમને જરાય દયા નથી આવતી. કારણ કે આમારી પર કોઈ દયા કરતું નથી. અમે વસીએ છીએ એ ધરતી પણ પોતાનું ધાવણ સૂકવી નાખે છે. એટલે આ ધરતીના અમે માનવીઓ, અમે અમારી તાકાત વધારતા જઈએ છીએ! અને કેવી તાકાત! અમે એકઠા થઈએ તો આભમાં પણ ગાબડું પાડી શકીએ!

‘ઠીક છે.’ મારાથી નિ:રસતાથી કહેવાઈ જવાયું.

‘ઠીક છે એટલે ઠીક જ છે, સમજ્યા?’

‘બરોબર’ મેં ફરી વાર કહ્યું ત્યારે ઘેલાએ ભયંકર કરડી આંખે મારી સામે જોયું. એના હોઠ સખ્તાઈથી બિડાતાં એની દાઢીના સફેદ વાળ ઊંચા થયા. એણે ખભેથી મને પકડયો – દાબ્યો! અને મારો ખભો જરા વધારે દાબ્યો હોત તો મને ઈજા પહોંચત એવું મને લાગ્યું. ઘેલો બે દાંત વચ્ચેથી બોલ્યો:

‘ઠીક છે, બરોબર છે, કહી તું મારી કરવા માગે છે એમ કે? તું મને ઉલ્લુ સમજે છે એમ કે? હું ભણેલો નથી, મને લખતાં-વાંચતાં નથી આવડતું, મોટાં શહેરોમાં મોટા સાહેબોની મેં નોકરી કરી નથી, એટલે હું ગમાર અને નકામો છું, એમ તું સમજે છે?’

‘મેં એવું કશું કહ્યું નથી.’

‘અરે કહે તો તો ટુકડા જ કરી નાખું.’ કહેતાં ઘેલાએ મને ધક્કો મારી ખાટલા પર બેસાડયો અને ખાટલાને બીજે છેડે હળવેથી બેસતાં ઉમેર્યું: ‘તું નબળો છે એટલે મોઢે બોલતો નથી, પણ તારી આંખો અને તારા ચહેરાના ભાવ મારી તરફનો અણગમો અને નફરત બોલી રહ્યાં છે!’

(૮)

મેં બારી બહાર જોયું. આ ગામથી થોડે દૂર માણસ દોડી દોડીને થાકે એવી ધરતીનો વેરાન પડ પથર્યો પડયો હતો. ઘેલાની એવી જ વિશાળ તાકાત પાસે પરાધીન બની મારે હવે કશું કરવાનું, બોલવાનું કે વિચારવાનું નહોતું. જે તે કહે તે અનુભવવાનું અને સહન કરવાનું હતું એ વિચારે મારું મન ઊંડું પેસી ગયું.

મેં મોઢું ફેરવ્યું તો ઉંબરામાં પેલી સ્ત્રીને ઊભેલી જોઈ. ઘેલાએ પોતાનું લક્ષ કેન્દ્રિત કરી નજર મારફત એને મેંગો પ્રશ્ન કર્યોં. એ નજર મારફત એને મૂંગો પ્રશ્ન કર્યો. એ નજરના ઘા નીચે સ્ત્રી સંકોચાઈ. એની માંસલ સાથળો અને પગ એકઠાં થતાં મેં જોયાં. બારણા ઉપર અધર ટેકવેલા હાથની બાજુમાં એણે પોતાનું શરીર ખેંચ્યું બીજા હાથને ઊંચકી તે તેણે પોતાની ભરાવદાર છાતી આડો ધર્યો.

મેં જોયું તો એ સ્ત્રી પણ પોતાની ભૂરી આંખોથી સામો પ્રશ્ન પૂછવા મથતી હતી.

બધાંની ગેરહાજરીનો લાભ લઈ આંગણામાં દોડી આવેલા એક કૂતરા પર ઘેલાની નજર પડી. ઘેલાએ ઝડપથી ઉપાડીને જોડો માયો. ફેંકોલો જોડો કૂતરાને બરોબર માથામાં વાગ્યો. કૂતરું ચક્કર ખાઈ બરાડતું બહાર નાસી ગયું.

‘શું છે પણ?’ ઘેલાએ પેલી સ્ત્રી તરફ જોતાં ગુસ્સો, કંટાળિ અને પ્રેમની મિશ્ર લાગણીથી પૂછ્યું. અને જવાબની રાહ જોયા વગર, ‘તારી એની એ જ વાત!’ કહેતાં પોતાનો પંજો પહોળો કરી, એ ક્યાં પડશે, ક્યાં વાગશે એની દરકાર કર્યા વિના ઘેલાએ પેલી સ્ત્રીને છાતીથી ધક્કો મારી દરવાજા બહાર ફેંકી. પેલી પડી હતી ત્યાંથી ઊઠવા જાય તે પહેલાં ઘેલાએ જમણા પગની લાત એની તરફ ઉગામી. એ તોળાઈ રહેલા ઘાની નેમની અસર નીચે, કૂતરું સિફતથી પોતાનું શરીર વળાંકી બાજુમાં ખસી જાય એમ, એ સ્રી દૂર ખસી ગઈ.

‘તો જા, ચાલી જા!’ ઘેલાએ બૂમ મારી અને એ દોડતી બીજા ઝૂંપડામાં જતી રહી.

ખભા પરથી સરી પડેલા કપડાને ફરી ખભે નાખતાં મારી તરફ એક નજર ફેંકી ઘેલો બહાર જતો રહ્યો. આ વખતે હું એની નજરનો સંદેશ સમજી શક્યો. એમાં આરજુ અને ધમકી, બિરાદરી અને નફરત – બધું હતું!

(૯)

એકલો પડતાં મેં ખાટલા પર લંબાવ્યું. મારી લાગણીઓ પર એટલા બધા કારી ઘા પડયા હતા, અને અત્યારે હું એવી અસહાય અને અપંગ પરિસ્થિતિમાં હતો કે મેં વધારે વિચારવું છોડી દીધું.

બારીમાંથી આવતો તડકો ખાટલા પરથી પસાર થઈ ઉંબરો ઓળંગી આંગણામાં પ્રવેશ્યો હતો. ઘડીઓ ઊડવા લાગી. યાદ ન રહે અને ન કળાય એવી બેડોળ કલ્પનાની કરોળિયાજાળમાં મારું મન ફસાઈ પડયું.

મારી ગૂંગળામણમાંથી છૂટા પડતાં મેં જોયું તો, સૂર્યના પ્રકાશને આવરી લેતી પેલી સ્ત્રી ઉંબરામાં મારી સામે ઊભી હતી. આ સ્ત્રી કે જેણે આટલા થોડા સમયમાં આવડું મોટું સ્થાન મારી કલ્પનામાં લીધું હતું, એનું નામ પણ હું જાણતો નહોતો. મેં ઓચિંતાનું પૂછ્યું: ‘તમારું નામ?’

‘મોંઘી, હું તમારા દોસ્તની ત્રીજી ઘરવાળી છું.!’

મને થયું કે આટલું કહેતાં થોડું હસી હોત તો ઠીક થાત. નિશ્ચેત, સુંદરતમ શિલ્પ જેવી અમર સૌન્દર્ય બની એ સ્થિર ઊભિ રહી. એ હમણાં પોતાની અદા બદલશે અને હમણાં એ સૌન્દર્ય વિલીન થઈ જશે એવી ભીતિથી મેં ભૂખી આંખે ઊતાવળે એની તરફ જોયા કર્યું.

એણે પોતાની અદા અને મોઢાના ભાવ બદલ્યા વગર મને પૂછયું: ‘તમે એમની સાથે જવાના છો ને?’

‘હા,’ મેં કહ્યું.

‘તમે એમના દોસ્ત છો ને?’

‘હાસ્તો!’

‘તો એમની સાથે હો ત્યાં સુધી એમની સંભાળ રાખજો!’

હું હસ્યો. બારીમાંથી આવતા પવન સાથે મારું હાસ્ય મોંઘી તરફ લહેરાયું. મારામાં ઘેલાની સંભાળ રાખવાની તાકાત ક્યાં હતી?

મોંઘીએ આ વખતે કોઈ બીક વગર, સ્ત્રીને સ્વાભાવિક એવી સુસ્ત અદાથી અમસ્તું જ પાછળ જોયું. તેલ નાખ્યા વગરના વાંકડિઆ સોનેરી વાળની કપાળ પર ઢળી પડેલી એક લટને એણે આંગળીથી આઘી કરી. એનાં નયનોના આકાશ પર પાંપણોનાં અંધારાં ઢળી પડયાં. મોંઘીએ હોઠ બીડીને એક નિ:શ્વાસ છોડયો અને હળવે પગલે પાછી ફરી. મેં ઉંબરા આગળથી હળવે સાદે એને પૂકારી ‘મોંઘી, મોંઘીબહેન!’ એ પાછી ન ફરી. મારાથી ન રહેવાયું, એટલે હું એની પાછળ ગયો. આંગણાના મધ્યમાં હું એની સામે જઈને ઊભો અને પૂછવાની ખાતર પૂછ્યું: ‘તમને કંઈ બાળ-બચ્ચાં છે?’

મોંઘીએ ના કહી અને આષાઢના મેઘ સામે મોર જુએ એમ માથું ઊંચું કરી એણે મારી સામે જોયું-જોયા કર્યું. પણ મોંઘીનાં નયનોની મૂક ભાષા હું ન સમજ્યો.

આ રણના કાંઠાના વિસ્તારમાં આગળ પણ હું એક વાર ફર્યો છું. ચોમાસામાં હોંશભેર વહેતાં પાણીના ધોધ, રણનાં વિશાળ મેદાનોમાં ગૂંગળાઈ જઈ મૃત્યુ પામતા મેં જોયા છે. આ સુંદર સ્ત્રીનું જીવન પણ કોઈ ન સમજાય એવા માનસિક વ્યાપારોના રણમાં વહી જઈ નિરર્થક વેડફાઈ જતું હોય એવો મ ને તે વખતે ભાસ થયો.

પાછળના બાવળના ઝાડ પર કાગડાઓનો કકળાટ શરૂ થયો. આજુબાજુના બીજા બાવળો પરથી હોલાઓ, ચકલીઓ, બુલબુલો ઊડી ઊડીને ભાગવા લાગ્યાં.

નીચું માથું કરી મોંઘી પાછી ફરી અને શિથિલ ગતિએ ઝૂંપડાના અંધારામાં અદૃશ્ય થઈ.

(૧0)

ઝાંપાનો દરવાજો જોરથી અફલાઈ ખુલ્લો થયો. પહેલાં ઘેલો અને પછી ઊંટ આંગણામાં દાખલ થયાં. ઘેલાના હાથ તેલથી ભીંજાયેલા હતા. એણે પોતાના ઝુંપડામાં જઈ ઊંટનો બધો સામાન બહાર આંગણામાં લાવી મૂક્ય; અને મોંઘીના ઝૂંપડા તરફ જોતાં એણે બૂમ મારી: ‘એઈ, કેટલી વાર છે?’

પહોળા મોઢાનું દૂધથી ભરેલું એક માટીનું હાંડલું બે હાથથી પકડીને મોંઘી ઝૂંપડા બહાર આવી. ઊંટના મોઢા આગળ મોંઘીએ પેલું હાડકું મૂક્યું. અને ઊંટ દૂધ પીતુ રહ્યું ત્યાં સુધીમાં એ બીજું મોટું ટોપિયું લાવી. ઘીમાં ભૂંસેલા ગોળના ગાંગડા મોંઘી પોતાના હાથથી ઊંટને ખવડાવવા લાગી.

ઘેલા મારો હાથ પકડીને મને રસોડામાં લઈ ગયો. ત્યાં બે થાળીઓમાં જમણ પિરસાઈને તૈયાર પડયું હતું. મને ત્યારે ખાતરી થઈ કે આ ઝૂંપડામાંનું દરેક કાર્ય ક્રમાનુસાર, વ્યવસ્થાબદ્ધ સમય અને શક્તિની ચીવટભરી મર્યાદા જાળવતું બનતું હોય છે.

ઘેલાનું ચિત્ત જમવામાં નહિ પણ જમણની ક્રિયા પૂરી કરવામાં હતું. એવી જ રીતે મોંઘીનું ચિત્ત, રસોડામાં જમતી વ્યક્તિઓ અને ઊંટને ખવડાવવાની ક્રિયા એકીસાથે પૂરી થાય એ નિયમક જાળવવામાં હતું. ઘેલો અને મોંઘી એવા કોઈ મહત્ત્વના કાર્યની તૈયારીમાં પડયા હતાં કે મારા અસ્તિત્વની નોંધ લેવાની કોઈને જરૂર જણાતી નહોતી.

હું અને ઘેલો રસોડામાંથી બહાર નીકળ્યા કે તરત જ, બન્ને હાથ હાંડલું અને ટોપિયું, ઊંચકી મોંઘી દૂર ખસી ગઈ. ઘેલાએ ઉતાવળે ઊંટની પીઠ પર કાઠો ગોઠવી એને લાત મારી ઊભો કર્યોં. તંગના છેડા ઊંટના પેટ નીચેની લઈ મોંઘીએ બીજી બાજુ ઘેલાના હાથમાં આપ્યા, થોડી વારમાં તો એ બે જણાંએ ઊંટને સજ્જ કરી લીધો.

અમે બન્ને મારા ઝૂંપડામાં પાછા ફર્યા અને ખાટલા પર આડા થઈને પડયા બીડી ફૂંકતા ઘેલાની નજર છત તરફ ચઢતા ધુમાડાના ગોટાઓ પર સવાર બની વ્યવસાયહીન બની ગયેલી દેખાઈ. પણ એના ચહેરા પરની વધારે સખત બનેલી રેખાઓ એના મનમાં ચાલી રહેલી ગડમથલનો પુરાવો આપતી હતી.

મેલી નિસ્તેજ સંધ્યા પર અંધારાનાં આક્રમણ શરૂ થયાં ત્યારે ઘેલાએ ખાટલા પરથી ઊતરી એક ઝીણા કપડાની પિછોડી પોતાની કમર પર કસીને બાંધી. માથા પર પાઘડીને સરખી બેસાડી, દાઢીના વાળ બુકાનીમાં ભેગા કરી પાઘડી પર એના બન્ને છેડા બાંધ્યા.

‘ચાલ, ઊઠ.’ એણે મને કહ્યું.

ઊંટના વાળેલા ઘૂંટણ પર દોરી બાંધી એણે મને કાઠાની પાછળની બેઠકમાં બેસાડયો. હજી સંધ્યાનાં રહ્યાંસહ્યાં તેજ ચારે તરફ સુસ્તીભરી લટાર મારી રહ્યાં હતાં. ઘેલાએ ચોતરફ નજર ફેરવી.

મોંઘી હળવે પગલે ઊંટની નજીક આવી. એણે ઘેલાને ખભે બંદૂક ભેરવી અને છેડાથી પકડીને કટારી એના હાથમાં આપી. ઘેલાએ ફરી પોતાની નજર ચારે દિશામાં ફેરવી. મોંઘીએ પણ ઘેલાની નજરની પાછળ પાછળ પોતાની નજર ફરેવી.

પાછળના બાવળ પર ચકલીઓનું ટોળું સંધ્યાનું છેલ્લું ગીત ગાઈ રહ્યું હતું. રસોડા પરથી કોઈ એક પક્ષી વિચિત્ર અવાજ કરતું માર ઝૂંપડા તરફ ઊડી ગયું. પર બાંધેલી દોરીને ખેંચીને છુટી કરી. ઊંટ સફાળો ઊભો થઈ, ઝાપાં બહાર ભાગ્યો. મોંઘીનો બેબાકળો ચહેરો મને ક્ષણભર જ દેખાયો. અંધારા આભમાંના શુક્ર જેવી ચમકતી એની આંખોની આરજૂએ મને લાગણીવશ બનાવી દીધો.

ઘડી વારમાં ઊંટ એ ગામનું ભાગોળ છોડી વંટોળિયાની જેમ મેદાનમાં દોડવા લાગ્યું.

ચારે તરફથી અંધારાં વીંટળાઈ વળ્યાં હતાં.

ખાડા-ટેકરા વિનાનાં ખુલ્લાં મેદાનો પર વૈશાખના વાયરા વાઈ રહ્યા હતા. તાલબદ્ધ એક ગતિએ દોડયે જતાં ઊંટ પર સવારી કરતાં હું વિચારોના વમળમાં અટવાઈ પડયો. મેં સ્થળ અને સમયનું ભાન ગુમાવ્યું.

‘પ્રાણજીવન’, ઘેલાએ મને કહ્યું: ‘આવી અંધારી રાત. અમે કે જેમણે અહીં જિંદગી વિતાવી છે એમને માટે પણ રસ્તો શોધવો લગભગ અશક્ય છે, પણ આ ઊંટ એવું કેળવાયેલું છે કે એ મારા ઘરમાંથી નીકળ્યું એટલે પોતાની મેળે મને એક ડુંગરની ધાર આગળની નદીમાં લઈ જશે. અને ત્યાંથી હું ફાવે ત્યાં દોરી જઈશ. સમજ્યો?’

મેં ચુપચાપ સાંભળ્યા કર્યું. એટલે ઘેલાએ રાડ પાડીને મને પૂછ્યું: ‘સાંભળે છે કે?’

‘હા.’ મેં કહ્યું.

‘તો, હું વાત કરું ત્યારે હોંકારો આપતો જજે. જેથી મને ખબર પડે કે તું પાછળ બેઠો છે.’

હું ફરી ચુપ રહ્યો ત્યારે ઘેલાએ ફરી બૂમ મારી : ‘અરે, ‘હા’ તો કહે ભલા માણસ!’

‘હા, હા!’ મેં કહ્યું.

‘એમાં ચિડાવાની જરૂર નથી. ઊંટ પર સવારી કરતા હોઈએ ત્યારે વાતો કરવાની આ રીત છે, સમજ્યો?’

‘હા.’

‘આ ઊંટ છ મહિનાનું બચ્ચું હતું ત્યારે’, ઘેલાએ બોલવું શરૂ કર્યું, ‘મેં એને કેળવ્યું હતું. કેળવવાની રીત એવી છે કે બે દિવસ ઊંટને ખોરાક-પાણી વગર રાખી, ત્રીજે દિવસે એના ચારે પગ બાંધી, એને ચૈત્ર-વૈશાખના ધોમધખતા બપોરે મેદાનમાં ફેંકી દેવાય છે, અને એમ બીજા ત્રણ દિવસ એ ખોરાક અને પાણી વિના વિતાવે છે આમાંથી એ જીવતું ઊઠે તો એને ઘીમાં ઘૂંટેલું સિંદૂર પાવામાં આવે છે. પછી દર કલાકે એને ઘી, ગોળ અને દૂધ પાવામાં આવે છે. એને પાયેલું સિંદૂર એ પચાવી જાય તો છેવટે એને ગામમાં લાવી, એની માવજત થાય છે. સિંદૂર પાયેલા ઊંટનો અવાજ બેસી જાય છે અને એ બરાડી શકતું નથી. આવું ઊંટ ‘ધાડી’ ઊંટ કહેવાય છે, એટલે કે ધાડ પાડવામાં આવા ઊંટનો ઉપયોગ કરાય છે!’

‘તો…’ મેં ઓચિંતાનું ઘેલાને પૂછ્યું, ‘આપણે ક્યાં જઈએ છીએ?’

‘જહાનમમાં!’ ઘેલાએ બૂમ પાડી: ‘એક વાર તો તને કહ્યું! હજી તારી પૂછ-પૂછ બંધ થઈ નથી !’

‘પણ તું મને ધાડ પાડવાના કામમાં તારી સાથે સામેલ કરવા માગતો હો તો મારે નથી આવવું. મને અહીં જ ઉતારી દે, ઘેલા. હું ગમે ત્યાં રાત ગાળીશ અને દિવસ ઊગતાં ફાવે ત્યાં જતો રહીશ !’

‘બાયલો!’ ઘેલાનો અવાજ તીખો અને એનો શબ્દ સ્પષ્ટ, નિર્ભેળ ઘૃણા અને તિરસ્કારભર્યો હતો.

(૧૧)

ઊંટ એક ગતિ એ દોડયે જતું હતું. એના પગ નીચે ધરતી પ્રયાણ કરી રહી હતી. આંગળીથી અડવાનું મન થાય એવાં ઘટ્ટ અને નક્કર અંધારાં અમને ચોતરફથી ઘેરી વળ્યાં હતાં. એકધારા દોડયે જતા ઊંટની ગતિ સિવાય સૃષ્ટિની બીજી કોઈ ક્રિયા અનુભવાતી નહોતી. અંત વિનાની ધરતી પર પાથર્યાં પડયાં આ મેદાનો પર, આ દિવસોમાં પવન બેફામ થઈ ઘૂમ્યા કરતો. ધસ્યા આવતાં પવનનાં ઝાપટાંનો પહેલાં હુંકાર સંભળાતો અને પછી ધૂળ ઊડતી. એના ઓચિંતા હુમલાની અસર નીચે હું મારાં અંગો સંકેલી રક્ષણ મેળવી લેતો.

હું અતિશય ખિન્ન બની ગયો. કોઈની તાકાતના જુલમ નીચે મેં આટલું નિરાધારપણું કોઈ દહાડો અનુભવ્યું નહોતું.

‘ઘેલા.’ મેં પૂછ્યું : ‘તારો આ જ ધંધો છે?’

‘મારા બાપદાદાનો, વારસામાં મળેલો આ ધંધો છે – અમારી આખી જાતનો, આ પ્રદેશનો એ જ ધંધો છે!’ આટલું બોલી ઘેલો થોડી વાર ચુપ રહ્યો અને પછી ફરી બોલ્યો : ‘હું ઘણો નાનો હતો, મૂછનો દોરો હજી ફૂટયો નહોતો, ત્યારે મારા મામાએ ધાડ પાડવા જતાં મને સાથે લીધો હતો. તે પ્રસંગના આનંદ અને ઉત્સાહનું મને સ્વપ્નું આવે છે. એ રાત મને મીઠી લાગે છે. મોટા થઈ મેં અનેક નાનીમોટી ધાડો પાડી. બીકને હું ઓળખતો નથી. મોતના હું સોદા કરું છું અને તારી જેમ કોઈને આજીજી કરતો નથી. એક વાર સવા વરસની જેલ પણ હું ભોગવી આવ્યો છું. પણ ત્યાર બાદ મેં મારા ધંધામાં એવી કુનેહ મેળવી છે, ગણતરી, ચીવટ અને એટલી સફાઈથી હું મારું કામ કરું છું કે મારું પગેરુંયે કોઈને મળતું નથી !’

‘ઘેલા’ મેં પાછળથી એનો ખભો પકડતાં કહ્યું : ‘આ પાપ છે. મને આ પાપમાં ભાગીદાર ન બનાવ… મને ઉતારી દે, ઘેલા, મને છૂટો મેલી દે !’

ઘેલાએ પાછું ફર્યા વગર પોતાનો ડાબો હાથ પાછળ લાવી મારું કાંડું પકડી મને જોરથી આગળ ખેંચ્યો. બહુ મુશ્કેલીથી હું મારા પગ પેગડામાં ટેકવી મારું સમતોલપણું જાળવી શક્યો.

‘આટલી વાર લાગશે, જો… !’ ઘેલો ઉશ્કેરાઈને બે દાંત વચ્ચેથી બોલ્યો : ‘અને પડીશ તો એકે હાડકું સાજું નહિ રહે… નામર્દ !’ એણે મારું કાંડું જતું કર્યું. મેં તરત જ પાછા હટી કાઠાના પાછલા ભગનો ટેકો લઈ લીધો. મારાં ગાત્રોને ઢીલાં કરી મેં સ્વસ્થ થવા પ્રયત્ન કર્યોં. મારા શરીરે હવે કળતર થવાની શરૂઆત થઈ હતી.

(૧૨)

મને સામે ડુંગરાની ધાર સ્પષ્ટ દેખાઈ. નદી પસાર કરી એ ટેકરીની તળેટીમાં ઝીણા બળતા દીવાઓ મેં જોયા. અમે એ પણ પસાર કરી આગળ વધ્યા. એક મોટો ઢોળાવ ઊતરતાં ઊંટની ગતિ ધીમી પડી. સામેના ખૂણામાંથી દોડી આવતાં ત્રણ ચાર શિયાળવાં, જારનાં જૂથમાં લપાઈ જતાં મેં અંધારામાં પણ જોઈ લીધાં.

અમે ડુંગરાની ધાર ઊતરી ફરી પાછા મેદાનોમાં દાખલ થયા. ફરી એ જ ઊંટની એકધારી ગતિ, એ જ અંધારાં, એ જ જીવંત ચુપકીભર્યું, તારલે મઢયું આભ! મારા વિચારોની એવી એ જ કરોળિયાજાળ…!

અમે બે ત્રણ ગામ વટાવ્યાં. મારાં તપ્ત ગાત્રો પર ભીની હવા વહેવા લાગી. એક આંબલી અને વડ પાસેથી પસાર થતાં મેં દૂર વાડીઓનાં વૃક્ષો ઝૂલતાં જોયાં.

‘હવે,’ ઘેલો લાંબા સમય પછિ બોલ્યો : ‘જ્યાં પહોંચશું ત્યાં ઊતરવું છે. તારે ફક્ત મારી સાથે જ આવવાનું છે. મને મદદ પણ કરવાની નથી. હું કહું એ ઉપરાંત કાંઈ આડુંઅવળું કીધું છે તો યાદ રાખજે તારી હયાતી નહિ હોય !’

હું ચુપ રહ્યો.

ઊંટ હવે દોડતું નહોતું, ચાલતું હતું. ગામની એકદમ નજીક આવ્યાનાં મને ઘણાં ચિહ્નો દેખાયાં.

‘આ ધંધાની’ ઘેલાએ હળવેથી મને કહ્યું: ‘પ્રાણજીવન, મને બહુ ફાવટ છે. દુનિયામાં બીજાના ધંધા ચાલે છે તેમ ધંધોય ચાલ્યા કરે છે. વેપાર કરતો સધ્ધર આસામીયે કોઈ વાર ઊઠી જાય છે. તેમ અમે પણ કોઈ વાર પકડાઈને જેલમાં જઈએ છીએ. બધા ધંધાને વારાઢારા તેમ અમારા ધંધાને પણ વારાઢારા આવે છે, સમજ્યો?’

મને એક વાર ફરી એમ થયું કે હું ઘેલાને કહું કે મારે કોઈ ધંધો કરવો નહોતો; હું ફરી એક વાર એને સમજાવું કે હું તો માત્ર ધરતી ઢૂંઢવા નીકળ્યો હતો. જેને કોઈ ધંધા સાથે નિસ્બત ન હોય એવો હું એક માત્ર વટેમાર્ગુ હતો. આવી રીતે ભટકતાં-ભટકતાં મારાં ગાત્રોએ એક દહાડો માટીમાં મળી જવાનું હતું ! પણ ઘેલાને આવું કહીને શો ફાયદો? અસ્વસ્થ બની ગયેલા મારા મન પર જુલમ ગુજારી મેં એને છાનું રાખ્યું!

જમણી તરફ મસ્જિદના મિનારા જેવું કંઈક દેખાયું. એ તરફ ઘેલો ઊંટને દોરી ગયો. મને ભાન થયું કે એ મસ્જિદના જૂના ખંડિયેરમાં પેસતી કેડીનો પણ ઘેલો માહિતગાર હતો. ઊંટને બેસાડી ઘેલાએ મને જરા દૂર ઊભા રહેવા જણાવ્યું. બાજુની વાડીની વાડમાંથી એણે પોતાની ડાંગ વતી થોડાં ઝાંખરાં છૂટાં પાડયાં અને ઊંટને આડે દઈ દીધાં. એણે મને પોતાની પાછળ આવવા જણાવ્યું. મારા સાથળના સ્નાયુઓમાં કળતર થતી હતી તોય હું ઘેલા પાછળ ચાલ્યો.

(૧૩)

એક-બે સ્થળે અમારી પાછળ કૂતરાં ભસ્યાં તેની દરકાર કર્યા વગર અમે ગામમાં પેઠા. બે-ત્રણ શેરીઓ વટાવી અમે એક સુઘડ મકાન આગળ આવી ઊભા. ઘેલાએ મને ઇશારત કરી, એટલે હું એની પાછળ જઈને ઊભો.

ઘેલાએ ડેલીનું કમાડ ખખડાવી બૂમ મારી:

‘દાજી શેઠ, ઓ….દાજી શેઠ!’

આટલી મોડી રાતે પણ જાણે કોઈના બોલાવવાની રાહ જોઈ બેઠા હોય તેમ દાજી શેઠે તરત જ જવાબ આપ્યો : ‘કોણ છે?’

‘એ તો હું, વાલો કોળી.’

‘શું છે?’

‘શેઠ, ગુવારની લોરી નદીની રેતીમાં ખૂંચી ગઈ છે. લોરીના ડ્રાઇવરે મને તમારી પાસે મોકલ્યો છે અને કહાવ્યું છે કે લોરીમાં તમારી બે ખાંડની ગૂણીઓ છે તે સવાર પહેલાં ઉપડાવી લેજો!’

‘એમ?’ શેઠ અંદરથી બોલ્યા, ‘તું જઈશ, વાલા,, હમણાં જ?’

‘હા… પણ ગાડું?’ મને ત્યારે ખબર પડી કે ઘેલો પોતાનો અવાજ બદલાવીને આમ સિફતથી બોલી શકે છે !

‘વાડામાં છે. ઊભો રહે ચાવી આપું !’

(ઘેલાએ મારો હાથ ખેંચી પોતાની વિશાળ પીઠ પાછળ મને સંતાડયો.) અંદરથી સાંકળ ખૂલવાનો અને તાડી ખસવાનો અવાજ આવ્યો. કમાડ થોડાંક જ ખૂલ્યાં ત્યાં ઘેલાએ ઝડપથી પોતાના બન્ને હાથ અંદર ઘાલી દાજી શેઠનું ગળું પકડી લીધું. હું સૂચના પ્રમાણે એની પાછળ સરી આવી ડેલીમાં દાખલ થઈ ગયો. ઘેલાએ મારી તરફ આંખ ફેરવી. મને હવે અજાયબી થાય છે કે આ ધાડપાડુની આંખની ભાષા હું કેવી રીતે સમજ્યો. મેં ઉતાવળે પણ ઓછો અવાજ થાય તેમ ડેલી બંધ કરી અંદરથી સાંકળ દીધી. બાજુના ઘાસલેટના કોડિયાના અજવાળામાં મેં ઘેલાને દાજી શેઠનું ગળું જતું કરી પોતાની બંદૂકની નળી એની છાતીએ અડાડતો જોયો.

આ ઓચિંતા હુમલાથી દાજી શેઠ હેબતાઈ ગયા હતા. મદદ માટે બૂમ મારવાનું તો બાજુએ રહ્યું. પણ શ્વાસ પણ એ સંભાળીને લેવા લાગ્યા. લગભગ મુંડાવેલા માથા પર એમની ચોટલી દયામણી બની ધ્રૂજી રહી હતી. મોટું, પહોળું, સ્થૂળ અને બેડોળ, ચરબીના ફુગાવા જેવું એમનું શરીર, નાના અને ઝીણા હાથ અને પગ : દાજી શેઠનું આવું ચિત્ર દયા અને ધૃણા ઉપજાવે એવું હતું.

બંદૂકની નળીએથી ધકેલી ઘેલો શેઠને ઓસરીમાં લઈ ગયો. ઘાસલેટનું કોડિયું ઉપાડી હું એની પાછળ ચાલ્યો, ઓસરીમાંના ઝૂલા પર શેઠને બેસાડી ઘેલાએ શેઠને ટૂંકમાં કહ્યું ‘જીવતા રહેવું હોય તો જે હોય તે કાઢી આપો!’

પણ દાજી શેઠ નિર્જવ રમકડાની જેમ આંખો પટપટાવતા બેસી રહ્યા ત્યારે ઘેલાએ શેઠનો કાન પકડીને તમાચો ઠોકી કાઢયો : ‘બહેરો છે કંઈ? તારા ગગાના વિવાહમાં નથી આવ્યો !’

શેઠના ગળામાંથી ન સમજાય એવો અવાજ નીકળવાની તૈયારીમાં હતો, ત્યાં ઘેલાએ ફરી શેઠનું ગળું પકડી લીધું. ‘તિજોરી ખોલો !’ ઘેલાએ શેઠને ગળચી પકડીને ઊભા કર્યા. તિજોરી તરફ જતાં શેઠનો પગ કોઈ સૂતેલી વ્યક્તિ પર પડયો. તે સફાળી જાગી જઈ, અમને ત્રણેને જોઈ રાડ પાડવા જતી હતી, ત્યાં ઘેલાએ તેના વાંસામાં લાત મારી. એ ઊલળીને બાજુના બિછાનામાં પડી. મેં ઘાસલેટનું કોડિયું ઊંચું કર્યું. શેઠે શેઠાણીના તકિયા નીચેથી ચાવીનો જૂડો સેરવ્યો.

‘હાય-હાય !’ લાત ખાઈ, જાગી ઊઠેલાં શેઠાણી બોલી ઊઠયાં. ઘેલાએ કૂદકો મારી શેઠાનીના વાળ પકડીને ખેંચ્યા, ‘ચૂપ ! ખબરદાર એક શબ્દ બોલી છે તો ! અને તું, ‘ ઘેલાએ શેઠને કહ્યું, ‘શું તમાશો જોઈ રહ્યા છો? ઉતાવળે તિજોરી ખોલ, નહિ તો…. એક ઘડીમાં ન બનવાનું બની જશે. સમજ્યો?’

તિજોરી ખોલી માંયથી શેઠ નોટોનાં બંડલ કાઢી રહ્યા હતા, એ જોઈ શેઠાણીથી બોલ્યા વિના રહેવાયું નહિ, ‘અરે, આવું તે હોય કંઈ ! આટલો જુલમ હોય !’

‘જુલમની સગી,’ કહેતાં ઘેલાએ શેઠાણીના વાળ ખેંચી ઊંચકી લીધી.

‘વોય મા !’ શેઠાણી બૂમ મારવા જતાં હતાં ત્યાં ઘેલાએ પોતાનો લોખંડી પંજો એના મોઢા આડે ધરી એની બૂમ રૂંધી નાખી !

આટલા અવાજથી ઉપરના મેડા પર કોઈ જાગી ગયું હશે તે દાદર ઊતરવા લાગ્યું. ઘાસલેટના કોડિયાને જમીન પર રહેવા દઈ હું એ તરફ ફર્યો અને દાદર ઊતરનાર વ્યક્તિ ભીંત આગળથી અમારા તરપ ફરી ત્યાં મેં એને ગળચીથી પકડી. મેન હજી સમજાતું નથી કે હવે સ્વપ્ને પણ આવું કૃત્ય કર્યાનો મને ધોખો થાય તે કૃત્ય મેં ત્યારે કેમ કર્યું હશે. અને કોઈને પકડવાની મારામાં ફાવટ નહોતી. છતાં એ વ્યક્તિ મારા હાથમાંથી છટકી તો ન શકી, પણ ઝીણી ચીસ પાડતી હું એને અટકાવી ન શક્યો. એન અરસામાં ઘેલાએ કૂદી આવીને એક હાથે નાક અને મોઢું દબાવતાં, બીજા હાથે એને ઊંચકી શેઠાણીની બાજુમાં બેસાડી દીધી.

એ દાજી શેઠની જુવાન દીકરી હતી. જુવાન, ભરાવદાર, ઠસ્સાદાર (અને સુંદર) એના મોટા બહાર પડતા હોઠથી એ વધારે શોભતી હતી.

‘કેટલી વાર, પણ !’ ઘેલાએ શેઠની પીઠમાં બંદૂકનો ગોદો માર્યો ત્યારે શેટ ચમકીને કૂદકો મારી ગયા.

‘બસ?’ ઘેલાએ કહ્યું : ‘આટલું જ છે? અણે સોનાના દાગીના?’

‘મુંબઈ, સેફ ડિપોઝિટમાં છે.’

‘અને બીજા પૈસા?’

‘બૅંકમાં છે.’

‘મર-મર, તું તો !’ કહેતાં ઘેલાએ શેઠના માથાની ઝીણી ચોટલી પર ધબ્બો ફટકાર્યો.

‘આ…. આટલા માટે જોખમ મે ખેડયું હશે…. સૂવર સાલા….’

(૧૪)

જેને હમણાં જ શેઠાણીની બાજુમાં બેસાડી હતી તે, શેઠની દીકરી ઝડપથી ઊભી થઈ ગઈ.

‘વિના કારણ શું કામ મારે છે?’

એના મોઢા પર ભય વિનાનો રોષ હતો. એ થોડી મિનિટોમાં જ આખા પ્રસંગને સમજી જવા પામી હતી. એ હાથની મૂઠીઓ વાળતી, ટટ્ટાર થતી નિર્ભય અમારા સામું જોઈ રહી: ‘એક તો હાથોહાથ જે છે તે તમને આપીએ છીએ, છતાં મારપીટ કરી અમારી ઠેકડી ઉડાવે છે ! એટલીએ માણસાઈ તારામાં બાકી નથી રહી?’

મને અત્યારે એ હકીકત ખૂંચવા લાગી કે ખરેખર તો હું આ પરાક્રમમાં ભાગ લેવા નહોતો આવ્યો. હું પરાણે ઢસડાઈ આવ્યો હતો. મારે જોખમ ખેડીને પણ આવા અપકૃત્યથી અલગ રહેવું જોઈએ. તોય હું એમાં ભાગ લઈ રહ્યો હતો !

મેં જોયું તો ઘેલાના હોઠ અસ્વસ્થ ધ્રુજી રહ્યા હતા. આ ઢીલ એનાથી સહેવાતી નહોતી. અધીરાઈની હદ ઓળંગાતી હોય તેમ એના હાથની આંગળીઓ ઉતાવળી ઉતાવળી ઊંચી નીચી થઈ રહી હતી. ઘેલાએ દાજી શેઠનો ખભો પકડી, દાંત ભીંસીને કહ્યું : ‘કહી દે આ બન્નેને કે અંગ પર જે કંઈ પહેર્યું હોય તે બધું ઉતારી આપ !’

શેઠે એ બંને તરફ પોતાની નજર ફેરવી ઘેલાના શબ્દો તરફ એમનું લક્ષ ખેંચ્યું. એટલે શેઠાણીએ ગળામાંની સેર, કાનની બૂટીઓ અને હાથ પરની સોનાની બંગડીઓ ઉતારી ઘેલાએ પાથરેલી પિછોડીમાં ફેંક્યાં. પણ શેઠની દીકરીએ કાન અને ગળામાંથી ઉતારી આપ્યા પછી હાથ પરના ચૂડલા ઉતારી આપવાની ના પાડી, ત્યારે અસ્વસ્થ ઊંચી નીચી થયા કરતી ઘેલાના હાથની આંગળીઓ ઝડપથી મૂઠીમાં બિડાઈ ગઈ એના નાકની બાજુમાંથી ઊતરી પડતી રેખાઓ વધારે સખ્ત બની એના હોઠના છેડા સાથે મળી ગઈ !

‘ખેરાત કરે છે, તું એમ સમજે છે?’ ઘેલાના દબાયેલ અવાજમાં ગુસ્સાનો ભારોભાર કંપ હતો.

‘હું ચૂડલા નહિ આપું. એ મારા સૌભાગ્યનું ચિહ્ન છે, હું એ નહિ ઉતારું, એની બહુ કિંમત નથી, પણ’ કહેતી એ અવાજ ન થાય એમ રડી પડી.

મને તે વખતે લાગ્યું કે મારા ચુપ રહેવાની હવે હદ ઓળંગાતી હતી. હું ઘેલાને રોકવાનો વિચાર કરું તે પહેલાં ઘેલાએ દોડી જઈ, ઘૂંટણ વચ્ચેથી પેલીનો હાથ ખેંચી લાંબો કરી ચૂડલા ઉતારવા માંડયા. છોકરી બીજા હાથથી ઘેલાના કાંડાને વળગી રડતી રડતી બોલી : ‘નહિ આપું…. નહિ આપું… જા’

કોઈની પણ લાગણીઓ છંછેડાય અને બુદ્ધિ બહેર મારી જાય, એવો બનાવ નજર સામે બની રહ્યો હતો. છતાં દાજી શેઠના આવડા મોટા સ્થૂળ શરીરમાં ક્યાંય કશું હાલ્યા-ચાલ્યાનું ચિહ્ન દેખાયું નહિ. એક મૂઢ પ્રેક્ષકની જેમ આ પ્રસંગને એ ખીલતો જોઈ રહ્યા.

‘તને પગે લાગું ભાઈ, એને છોડી દે.’ કહેતાં, હાથ ઊંચા કરી માથું હલાવી, મોઢું દયામણું કરી શેઠાણી કરગરવા લાગ્યાં.

ખભેથી ધક્કો મારી ઘેલાએ છોકરીને બિછાના પર ચત્તી પાડી. ‘નહિ, નહિ, નહિ !’ નાં તરફડિયા મારતાં પણ એણે ઘેલાનું કાંડું છોડયું નહિ.

‘રાંડ ખોલકી !’ કહેતાં ઘેલાએ પોતાનો બીજો હાથ ઊંચક્યો ત્યારે મારા આખા શરીરમાં કંપ વ્યાપી ગયો. ઘેલાના શરીરના બધા સ્નાયુઓ તંગ બની જઈ પોતાની સમગ્ર તાકાત કેન્દ્રિત કરવા તૈયાર થયો હોય એવું મને જણાયું. એનું પરિણામ ભયંકર આવવાનું હતું એ ખ્યાલથી એક વાર તો હું બીને પાછળ રહ્યો. પણ પછી આ પરિસ્થિતિને કેવી રીતે પલટો આપવો એનો હજી તો હું વિચાર કરું છું એટલી વારમાં મેં ઘેલાના હાથની ગતિ અટકી જતી જોઈ. ગુસ્સામાં બહાર આવેલું એનું નીચલું જડબું ઓચિંતાનું પાછળ હઠી ગયું. કપાળ પરની નસો ઓચિંતાની (લોહી ભરાઈ આવતાં) ઊપસી આવી. ચહેરા પરની સખ્ત રેખાઓ અદૃશ્ય થઈ અને એની આંખોના ડોળા બહાર ધસી આવ્યા.

એ જ ઘડીએ, પેલી છોકરીના ગળા પરથી ઘેલાના હાથની પકડ છૂટી ગઈ. એ હાથ પેલીના ખભા પરથી સરતો, છાતીને અડતો હેઠો પડયો ત્યારે નીચા નમેલા ઘેલાને મહામહેનતે ટટ્ટાર થતો જોયો. મેન ત્યારે થયું કે કંઈક ન બનવાનું બન્યું હતું. અને મેં ઘેલાના પગ ધ્રૂજતા જોયા ત્યારે મને ખરેખર બીક લાગી.

અમારી બધાની નજર ઘેલા પર ચોંટી ગઈ. મૂઢ જેવા શેઠ, બીકથી બિહામણા દેખાતાં શેઠાણી, બિછાના પર ચત્તીપાટ પડેલી, બેબેકળી બની ગયેલી શેઠની દીકરી અને હાથમાં ઘાસલેટનું કોડિયું લઈ ઊભેલો હું – અમે બધાં ઘેલાને જોઈ રહ્યાં.

એક હાથ ઊંચો કરી, એક પગ પાછળ લઈ જઈ, બીજા પગને જોરથી ઢસડતાં, પાછળ હટી, ઘેલો ઝૂલા પર ફસડાઈ પડયો.

(૧૫)

હું એની પાસે દોડી ગયો. એને ખભે હાથ મૂકી કોડિયું એના મોઢા આગળ ધરી મેં જોયું તો એના મોઢાને ડાબે ખૂણેથી ફીણ નીકળી રહ્યાં હતાં.

‘શું થયું?’ મેં પૂછ્યું.

ઘેલાએ લોહી નીતરતી આંખોનએ ફક્ત મારી સામે જોયા કર્યું અને ડોકું ધુણાવ્યું. મેં એનો ડાબો હાથ ઊંચક્યો અને જતો કર્યો તો એ નિષ્ણાત એના ખોળામાં પડી ગયો. હું તરત જ કળી ગયો કે ઘેલાને પક્ષઘાતનો હુમલો થયો હતો.

શેઠાણીને કશુંક અવનવું બન્યાની ગંધ આવી ગઈ હતી. મેં ઘેલાના ખભા પરથી બંદૂક ઉતારી મારા હાથમાં લીધી શેઠાનીને ચુપ રહેવાની ઇશારત કરી.

‘હવે તું છાની રહે તો એક વાતુ કરું’ મેં શેઠની દીકરીને સંબોધીને કહ્યું ત્યારે તે બિછાનામાં બેઠી થઈ. અને એણે મારી સામે જોયું. કેવા સુંદર હોઠ અને કેવા ધ્રૂજી રહ્યા હતા !

શેઠને ઇશારત કરી મેં આગળ બોલાવ્યા અને એ ત્રણે તરફ બંદૂક તાકી મેં કહ્યું, ‘આને ટેકો આપીને ઊભો કરો.’

‘હેં !’ શેઠની દીકરીથી બોલાઈ જવાયું. ‘શું થયું એને?’

મેં ઘેલા તરફ જોયું. એક ઘડી પહેલાં કે આ આખા પ્રસંગને પોતાના પંજામાં રમાડતો હતો તેને આ રણના સિંહને બીજી ઘડીએ આમ અપંગ બની ઝૂલા પર બેસી રહેલો જોઈ મને દુ:ખ થયું.

શેઠાણીએ ખંધાઈથી, અને એમની દીકરીએ નિર્દોષ કુતૂહલથી ઘેલા તરફ જોયું. જ્યારે શેઠની નજરમાં હજીયે મૂઢતા સિવાય બીજો કશો ભાવ દેખાતો ન હતો.

‘જે થયું હોય તે,’ મેં કહ્યું, ‘આને ટેકો આપી, કંઈ પણ અવાજ કર્યા વગર, કોઈને ખબર ન પડે તેમ આને ગામ બહાર પહોંચાડો. નહિ તો યાદ રાખજો આ….’ કહેતાં મેં બંદૂક કરી એમને બતાવી.

શેઠાણી ઊઠયાં. શેઠે ઘેલાની ડાબી બગલમાં પોતાનો ખભો ભેરવી એનો હાથ પોતાની ડોક પર લીધો. શેઠાણીએ અને એમની દીકરીએ એને કમરમાંથી ટેકો આપી અને દરવાજા તરફ દોરવા લાગ્યા. ત્યારે શેઠની દીકરીની નજર પેલી પોટલી તરફ ફરી. મારી નજર પણ એ તરફ ફરતાં અમે બન્નેએ એકબીજા સામે જોયું.

મેં પહેલી જ વાર શેઠની મૂઢ આંખોમાં અર્થ પ્રગટતો જોયો. શેઠાણી ઝડપથી શેઠની નજર પર પોતાની નજર ફેરવી નીચું જોઈ ગયાં. શેઠ અને શેઠાણી ઘેલાને મદદ કરી બહાર કાઢવામાં આટલો બધો ઉત્સાહ દાખવતાં હતાં, તેનું કારણ હું પામી ગયો.

મેં ધીમે રહીને દાગીના અને નોટોના બંડલ વાલી પોટલી ઉપાડી. તરત જ મારી પાછળ શેઠ અને શેઠાણીની કરગરતી નજર દાંડી આવી. શેઠાણીના હાથ ઢીલા પડયા અને શેઠના ખભા પરથી સરી જઈ ઘેલો પડી જવાની તૈયારીમાં હતો તેને શેઠની દીકરીએ છાતીમાંથી જોરથી પકડીને ટેકવી રાખ્યો. એ જ સ્થિતિમાં, જાણે થીજી ગયાં હોય એમ, ચારે જણ મારી તરફ ઉત્સુક નજરે જોઈ રહ્યાં.

આવી અનંત ધરતી અને એની રંગબેરંગી મિજાજથી ભરપૂર વિશાળતા માનવીને વસવા અને પર્યટન કરવા મળી છે તોય એનું મન કેટલું ટૂંકું અને એની સંસ્કારની સંપત્તિ કેટલી અલ્પ છે એ ખ્યાલે મને માનવજાત તરફ ધિક્કાર છૂટયો !

પેલી પોટલીને મારા બન્ને હાથોમાં મેં જરા વાર રમાડી. મારા હાથમાં રમતી એ પોટલી જોઈ સામે ઊભેલી ચાર વ્યક્તિઓની લાગણીઓ પર ઉઝરડા પડતા દેખાયા.

મેં તિરસ્કારથી એ પોટલી સામેના ઓરડાના અંધારામાં ફેંકી.

તરત જ શેઠનો ખભો ઘેલાની બગલ નીચે ગોઠવાઈ ગયો. કશું જ ન બન્યું હોય એવો ભાવ ગ્રહણ કરી શેઠાણીએ હોંશથી ઘેલાને બીઝી બાજુએથી ટેકો આપ્યો. અને પેલી છોકરી, પોતાના મોં પર ફરી વળતું હાસ્ય છુપાવવા વાંકું જોઈ ગઈ.

ઘેલો વારે ઘડીએ માથું પછળ ફેરવી મારી તરફ જોવાના પ્રયત્ન કરતો હતો તેને શેઠ અને શેઠાણી ઉતાવળે બહાર ઢસડી ગયાં.

(૧૬)

રાત ઘણી આગળ વધી ગઈ હતી. કૂંતરાં ભસવાની મને બીક હતી, પણ એવું કશું બન્યું નહિ. અને ઘેલો કહેતો હતો તેમ બધું સાંગોપાંગ પાર પડતાં, અમે ઘેલાને ઢસડતાં ખંડિયેર આગળ આવી પહોંચ્યો. ઝાંખરાં દૂર કરી ઊંટના કાઠાના પાછળના ભાગમાં ગોઠવાઈ બેસતાં મેં શેઠ અને શેઠાણીને ઘેલાને આગળના ભાગમાં બેસાડવાનું કહ્યું ઘેલાએ પોતાના જમણા હાથમાં ઊંટની લગામ લીધી ત્યાં ઊંટ ઓચિંતાનું ઊભું થઈ ભાગવા માંડયું. મેં નીચા નમી બન્ને હાથેથી પકડી ઘેલાને ટેકો આપ્યો.

ઘેલાને ઊંચકીને, આ કટોકટીમાંથી છૂટીને હું ભાગતો હતો એ વિચારે મેં સંતોષ અનુભવ્યો.

વડ અને આંબલી વટાવી અમે ફરી મેદાનોમાં પ્રવેશ્યા. અમે આવ્યા હતા તેવી ઝડપી ઊંટની ચાલ અત્યારે નહોતી.

ઘેલાનો ડાબો હાથ, તૂટી પડેલી ડાળ ઝાડના થડની બાજુમાં લટકે એમ લટકી રહ્યો હતો. સમતોલપણું જાળવવા ઘેલાનું ધડ જમણિ બાજુ નમી પડયું હતું. મારે એને સતત ડાબી બાજુ ટેકો આપવાની જરૂર જણાતાં હું પણ આગળ નમી મારા ડાબા હાથથી એને ટેકાવી રહ્યો હતો.

એ જ ખેતર, વાડીઓ અને ઝૂલતા પથ્થરવાળી ટેકરી; એ જ ડુંગરાની ધાર, ચુપકીભરી માઝમ રાત, મસ્તીમાં ચારે તરફ પડકાર ફેંકતો મદભર માતરિશ્વા, અને એ જ આદિ અને અંત વિનાનાં મેદાનો!

મેદાનોમાં દાખલ થયા પછી ઊંટ

દોડતું બંધ પડી ઉતાવળે માત્ર ચાલતું હોય એવું મને લાગ્યું.

શરૂઆતમાં મારે ઘેલાને વારે ઘડીએ ટેકો આપવો પડતો અને અવારનવાર એને ધક્કો મારીને સરખો બેસાડવો પડતો. પણ હવે તો મારે સતત નીચા નમી રહેવું પડતું, કારણ કે મારા ટેકા વગર ઘેલો પોતાની જગામાં બેસી શકે તેમ નહોતું. મારા ડાબા હાથમાં કળ વળવા આવી હતી અને ડાબી જાંઘમાં અસહ્ય કળતર થતી હતી.

અમે ગયા ત્યારે, અમે કોઈ બનાવને જન્મ આપવા ગયા હતા. પણ અત્યારે પાછા ફરતી વેળા મને લાગ્યું કે પૃથ્વી અને વ્યોમ વચ્ચે ફરતા વાયુએ કે અસંખ્ય તારકોથી મઢાયેલા ચુપકીભર્યા વ્યોમે કે પ્રકૃતિના કોઈપણ અંશે અમારી હાજરીની નોંધ સુધ્ધાં નહોતી લીધી. અમે અને અમારી પ્રવૃત્તિની મહત્તા એ તો અમારી માનવીની ગુમાનભરી કલ્પના માત્ર હતી.

હું વિચારોમાંથી જગૃત થયો ત્યારે મને જણાયું કે ઘેલાનું શરીર તદ્દન શિથિલ બની મારા ડાબા હાથના ટેકા પર લટકી રહ્યું હતું. એનું નીચું નમી પડેલું માથું વારે વારે કાઠાના મોર પર અફળાતું હતું.

(૧૭)

હાથ-પગની કળતરથી પીડાતો, પ્રવાસના કંટાળાથી રિબાતો હું છેક પરોઢિયે ઘેલાના ગામના પાદરે પહોંચ્યો. સંશય આવે એટલાં જ માત્ર અજવાળાં પૂર્વમાં પ્રગટયાં હતાં – જાગીને કોઈ પણ હજી ગામમાં બહાર પડયું નહોતું, ત્યારે અમારું ઊંટ ઘેલાના ઘરના ઝાંપામાં પ્રવેશ્યું. મોંઘી એરંડિયા તેલના કોડિયાને સાડલાના છેડા વતી, પવનની સામે રક્ષણ આપતી આંગણામાં ઊભી હતી.

ઊંટ આંગણાની વચમાં આવી ઊભું. ઘડીભર ડોકું આમતેમ ફેરવી, આદતના જોરે, હંમેશ બેસવાની જગા પર એ ઢીંચણ ખોડી બેઠું. ઊંટના બેસવાની સાથે જ મારા ડાબા હાથ નીચેથી સરી જઈ ઘેલાનું શરીર ઢગલો થઈ જમીન પર ઢળી પડયું.

મોંઘીએ ઘેલાને પડતો જોયો. અને એ એકદમ નજીક દોડી આવી હું નીચે ઊતર્યો ત્યારે, સાડલાના છેડા નીચેથી દીવો બહાર લાવી એણે મારા મોઢા સામે ધર્યો. હું મોંઘીના ચહેરા તરફ જોઈ રહ્યો. મેં અનુભવેલી વ્યથાથીયે વધારે વ્યથા સહન કર્યાના ઓળા એના ચહેરાની ઉષાને કદરૂપી બનાવી રહ્યા હતા.

એણે ઉતાવળે મારે ખભેથી બંદૂક ઉતારી પોતાના ખભે ભેરવી અને એક પણ શબ્દની આપલે કર્યા વિના ઘેલાને ઊંચકી એની ઝૂંપડીમાં લઈ જઈ ખાટલા પર સુવડાવ્યો. ઘેલો બેભાન અવસ્થામાં હતો !

મોંઘીએ ઘેલાનાં કપડાં ઉતાર્યાં, ગરમ તેલથી એને માલિશ કરી અને દેવતા પર તપાવેલા નળિયાથી એનું શરીર શેકવા લાગી. હું મૂઢ બની ચૂપચાપ જોઈ રહ્યો. મારા ડાબા હાથમાંથી શક્તિ હરાઈ ગયા જેવું મને લાગ્યા કરતું હતું અને આખા શરીરે હું દર્દ અનુભવી રહ્યો હતો. એ દર્દ અને થાકની અસર નીચે પણ મને ઊંઘ ન આવી. મેં ચુપચાપ જોયા જ કર્યું.

સવારના તડકા ઊંબરામાં અફળાયા ત્યારે ઘેલાએ આંખ ખોલી.

એની નજર સામે એણે મોંઘીને બેઠેલી જોઈ. માથું ઊંચું કરી એણે મને જોયો. હું ઊભો થઈ એના ખાટલાની કોર પર એની બાજુમાં બેઠો.

એણે જમણો હાથ મારા હાથ પર મૂક્યો. એના હોઠ થથરવા લાગ્યા. સાથે જ એના ડાબા હાથ અને ચહેરાના ડાબા ભાગમાં કંપ શરૂ થયો ને એના શરીરની ડાબી બાજુએ પ્રસરી ગયો. ઘેલાએ ફરી પોતાના જમણા હાથથી મારો હાથ પકડયો. દાબ્યો અને પછી પંપાળ્યો. હું અને મોંઘી, અમે બંને સમજી ગયાં કે ઘેલાને કશુંક કહેવું હતું, પણ એની વાચા બંધ હતી!

મોંઘીએ ઘેલાને ચા પિવડાવી. હું પણ ગરમ પાણીથી હાથ-મોં ધોઈ, ચા પી ઘેલાની બાજુમાં બેઠો. જમીન પર બેસી ઘેલાના પગ દાબતી મોંઘીને મેં વીગતવાર અમારા પરાક્રમની વાત કહી સંભળાવી. હું વાત કરતો હતો તે દરમ્યાન, ઘેલાના અંગની ડાબી બાજુમાં અનેક વાર આંચકી આવતી મેં જોઈ. અને અનેક વાર મારા ખભે હાથ મૂકી, મારી પીઠ થાબડી ઘેલાએ મને પંપાળ્યો.

અમારા ઝૂંપડાની બહાર ઉદ્યમ કરતાં ચકલી, હોલાં, તેતર, કાગડા અને બુલબુલના અવાજ મેં બારી વાટે અંદર સાંભળ્યા. કોઈ ઊંટને બરાડતું, કોઈ ભેંસને ભાંભરતી અને બકરીને બેં બેં કરતી પણ મેં સાંભળી. પણ ઘેલાનું બોલવું બંધ હતું મારે અને મોંઘીને પણ કશું બોલવાનું નહોતું. અમારા ઝૂંપડા બહારની દુનિયામાં આટલો બધો અવાજ સાંભળી ચીડ ચડી !

(૧૮)

સમય દોડવા લાગ્યો.

બપોર નમ્યા. ભભકભર્યા શૃંગાર વિહોણી સંધ્યા, કમને એક લટકો કરી, રાત્રિને આમંત્રણ આપતી જતી રહી. અમારા ઝૂંપડામાં બેચાર ઉંદરો ઘડીભર દોડધામ કરી જતા રહ્યા.

નમતા બપોર પછી ઘેલાની આંખ બંધ પડી હતી. અને ક્યારેક સતત મારી સામે જોયા કરતી મોંઘીની મોટી આસમાની આંખોમાં રણનાં મેદાનોની ગહન મોકળાશ મેં ડોકિયું કરતી જઈ. ઘેલાના ખાટલા પર ભીતને અઢેલી બેસી રહેતાં મેં અવારનવાર ઊંઘ ચોરી લીધી. પણ પોતાના શરીરને ક્યારે પણ શિથિલ કર્યા વગર અમારા બન્નેની ચોકી કરતી મોંઘી આખી રાત જાગતી રહી.

એ રાતના મેં અનેક બેડોળ સ્વપ્નાં જોયાં. અને મેં એક વાર મીંદડીને ઉંદરનો શિકાર કરતી જોઈ ત્યારે એ પ્રાણીની ખબરદાર ચુપકી, ધીરજ, અને ઉંદર પર તૂટી પડવાના પૂર્વયોજિત કૂદકાની માપણીનું ચિત્ર સચોટ રીતે મારી યાદમાં ગોઠવાઈ ગયું !

ત્રીજે દિવસે ઘેલાએ પ્રાણ છોડયા. અને ચોથે દહાડે મેં એનું ગામડું છોડયું. તે બપોરના ભયંકર રીતે પવન વાઈ રહ્યો હતો. નાના કાંટાળા છોડવાઓના પડની આજુબાજુની બખોલમાંથી ક્યાંક ઉંદર, નોળિયા અને સાપ નાસભાગ કરી રહ્યા હતા.

ધૂળના બારીક રજકણોએ ઊંચે ઊંડી જઈ આકાશને મેલું કરી દીધું હતું.

ઉઝરડા પડેલી ધરતીના દેહની મોકળાશ પર મેં મારું પ્રયાણ આદર્યું !