ગુજરાતનો જય/૧૩. પ્રજાનો પહેલો હુકળાટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૩. પ્રજાનો પહેલો હુકળાટ

“ને જાણો છો, પ્રજાજનો?” તેજપાલે ઓટા ઉપર ઊભા થઈ જઈને, એ બહોળા ને ઘાટા બનતા જતા ટોળાને કહ્યું: "જેતલબા સુવાવડમાં સૂતાં છે. એનેય કશી ખબર નથી.” "ચાલો એને પૂછીએ.” લોકો બોલ્યા. “ચાલો, એકેએક પોળમાં થઈને ચાલો. સૌને જાણ કરતા કરતા ચાલો.” "ચાલો રાજગઢ પર. મામાને પકડો.” "મામો ભાગી જશે, જલદી દોડો.” એ શબ્દો અસ્પષ્ટ બન્યા. કિકિયારી પડી. વણકર-ઓળ, ઘાંચી-ઓળ, ચૂડી-ઓળ, એકેએક ગલી અને પા, ચોક અને ચૌટું, નદીઓનાં પૂર પેઠે તેજપાલની પાછળ મહાનદનો સાગર-ઘુઘવાટ કરતું ચાલ્યું. અને 'મામો! મામો! મામો!' એ શબ્દ તિરસ્કાર તેમ જ દાઝ ઠાલવવાનો શબ્દ બન્યો. આવે વખતે કેટલીક શક્તિઓ આપોઆપ વગરસોંપ્યું કામ કરે છે. મામાં પરની દાઝ એકેએક કલેજામાં હતી. પાંચ વર્ષથી મામાએ ચલાવેલી રાજવ્યવસ્થા વસ્તીના લોહીથી ભીની હતી. ઘોડાં અને સાંઢિયા છૂટ્યાં, ગામોગામ ખબર દેવા “પહોંચો ઝટ રાજગઢ, મામા કંસને ઝાલો. આપણું ખાઈ ગયો છે તે બધું જ પાછું ઓકાવો.” “મામો: મારો પીટ્યો મામો કંસ!” બૈરાં પણ પોતાની પ્રિય ગાળોની દેગ ચડાવતાં, છોકરાં તેડીને બહાર નીકળ્યાં. રાજગઢ તરફ રંગેરંગના સાધુઓનું પૂર બંધાયું. "ભાઈઓ ને બહેનો!” એક પછી એક ઓટે ચડીને તેજપાલ હાકલ કરતો જાય છે. “ખબરદાર, રાણાજી પાટણ છે ને જેતલબા સુવાવડાં છે. એ બાપડાંને કશી જ ગતાગમ નથી, તમે એક પણ બોલ એમના વિરુદ્ધ બોલતાં નહીં. આપણે તો જોઈએ છે મામાનો ન્યાય.” રાજગઢ આવ્યો. અંદર ઊભેલા પરોળિયાએ જનપ્રવાહ જોયો. ઝીંક ન ઝલાઈ. દરવાજા ભીડી દીધા. તેજપાલ હસ્યો –  "હિચકારા મામાએ ભોગળો ભિડાવી છે, ભાઈઓ!” "તોડો દરવાજા!” “ખબરદાર કોઈએ તોડવાનું કે ભાંગવાનું નામ લીધું છે તો!” તેજપાલનો મેઘનાદ ઊઠ્યો, “ખબરદાર, આંહીં મારકૂટ કે કજિયો કરવાનો નથી. મારકૂટ કરવી હોત તો પછી મામાની તલવાર ક્યાં મારા હાથમાં નહોતી આવી”. “હા ભાઈ,” જાણકારો કહેવા લાગ્યા, “મામો તો તેજપાલ શેઠનું માથું ઉડાડવા તૈયાર થઈ ગયો હતો. અને તેજપાલ શેઠે તો તલવારને બેવડ વાળી દીધી.” "મહાજનના માણસ પર તલવાર ચલાવે! કોણ એ મામો કંસ?” "મારું માથું તો, ભાઈઓ,” તેજપાલ ઊંચે ચડી બોલ્યો, “રાણા વીરધવલનું જ છે ને રાણી જેતલબાનું છે, પણ એ માથું રાણા એમ સસ્તે ન વટાવે. એ માથાનાં મૂલ રાણાને પૂરેપૂરાં ઊપજે તો સુખેથી વાઢી લે. પણ કુંવરપછેડાને માટે માથું! ધોળકાના પ્રજાજનનું મહામૂલું માથું શું મામો વાઢી શકે? ન બને.” "મામો ક્યાં છે? મામાને બહાર કાઢો. મામાને હાજર કરો.” જનહાક વધતી ગઈ. રાણી જેતલદેવી હજી આજે જ વીસ વાસા નહાઈને ઊઠ્યાં છે. પુત્ર વીરમને ધવરાવી રહ્યાં છે. ગઢમાં દોડાદોડ થઈ રહી છે. દેવડીને ઉંબરે સમદર ગાજે છે. 'મામો! મામો! મામો!' એ વગર બીજા શબ્દો નથી. જેતલદેવીને જાણ થઈ. સગો ભાઈ સાંગણ કાંઈક કાળું કૃત્ય કરીને આવ્યો છે. વસ્તી વીફરી છે. ગામડાં પણ હૂકળ્યાં છે. મામાનાં પાપોનો સરવાળો અણધાર્યો મોટો થયો છે. જેતલદેવી તો જાણે સ્વપ્ન જોઈ રહી. એને કશી જાણ નહોતી. દીવે વાટો ચડી હતી. અંધારું થયું હતું. અંધકારમાં જનગર્જન હોય તેથી સો ગણું સંભળાય છે, માણસોની સંખ્યામાં પડછાયાની સંખ્યા ઉમેરાય છે, હસતા ચહેરા પણ દાંત કચકચાવતા કલ્પાય છે, છીંદરું સરપ બનીને સળવળે છે. પ્રસૂતિને ખાટલેથી તાજી ઊઠેલી સુવાવડીના ક્ષીણ મગજ પર ભયના ઓળા રમી રહ્યા. શું છે? ક્યાં છે સાંગણ? કેમ દેખાતો નથી? શોધી કાઢો. પણ મામાનો પત્તો નથી. અને મામાના કબજામાં રહેતા જામદારખાનાનાં પીંજરાં ખાલી પડ્યાં છે. મામાની સાથે જેતલદેવીનું ઘરેણુંગાંઠું પણ અલોપ થયું છે. જેતલદેવી ભાઈને – માના જણ્યાને – ઓળખતી નહોતી. સોરઠનો એ લૂંટારો બહેનનેય બાવી બનાવી જશે એવી બીક કદી નહોતી લાગી. પાંચ-પાંચ વર્ષોથી રાજના રાજભોગ પૂરા પહોંચતા નહોતા. રાણાને રસ્તો સૂઝતો નહોતો. રક્ષણ માટે લશ્કર નહોતું. પારકા પર વિશ્વાસ નહોતો. સાળાને પોતાનો ગણી કારભાર કરવા નીમ્યો હતો. એનાં કૃત્યોથી વીરધવલ અજાણ હતા. કેમ કે પાટણ અને ધોળકાની જંજાળો એને ઠોલી રહી હતી. આજે આ શત્રુને સમજાવવા તો કાલે પેલા ધનિકને મનાવવા, કોઈ ને કોઈ પ્રકારે નાણાંની વ્યવસ્થા કરવા, એની જિંદગી તો ઉપરવટ ઘોડાના જીન પર વીતતી હતી. પાછળથી પત્નીનો ભાઈ ડાકુગીરી રમતો હતો! આજે રાણો ઘેર નહોતો. રાણી જેતલદે અકળાઈ ગયાં. એણે જાણ્યું કે કોઈ તેજપાલ નામના શ્રાવક પર ભાઈએ તલવાર ખેંચેલી તે તલવાર ભાંગીને તેજપાલ ગઢ ઉપર ચડી આવ્યો છે. એના પડતા બોલ પર ભૂખી વસ્તી મરવા-મારવા તત્પર ખડી છે. જેતલદેવી ઊઠીને જાળીએ આવી. ઝીણી ઝીણી ઊંચી જાળી બહાર ચોકમાં, બરાબર મલાવતળાવની પાળે એણે જનસાગર જોયો. અગાઉ કદી નહોતો જોયો. સૌરાષ્ટ્રમાં એણે અર્ધપશુની જિંદગી ગાળતાં, રાજાની સામે મીટ પણ ન માંડી શકતા મુડદાલ લોકો જોયા હતા. અહીં એણે વિરાટ દીઠો. એ સુવાવડી ભયભીત બની. રજપૂતાણી હતી. એકાએક અક્કલ સૂઝી. એણે વીસ વાસાના વીરમને છાતીએ લીધો, ને એ બહાર ગોખમાં આવી. એણે વીરમને લોકોની સામે ધર્યો. એ ગરીબડું, અપરાધી મોં કરી ઊભી રહી ને એણે તેજપાલને જોયો. તેજપાલ – બેઠી દડીનો બાંધોઃ ઘાટીલું શ્યામળું શરીરઃ મોં પર મસાલો બળતી હતી તેનાં ઝળાંઝળાં તેજ: અઠ્ઠાવીશેક વર્ષનોઃ એણે રાણી જેતલદેને પહેલવહેલાં જોયાં. જેતલદેવીએ આવો શ્રાવક પણ પહેલો દીઠો. ગુજરાતની પોચી ધરતી આવા નર પકાવે છે? એના અંતરમાં પ્રશ્ન રમી રહ્યો. તેજપાલ વિકરાળ નહોતો. ચીસો પાડતો નહોતો. બાંયો ચડાવતો નહોતો. પગ પછાડતો કે મુક્કા બતાવતો નહોતો. સૌમ્ય, સુભદ્ર, સુગંભીર અને વેદનામય એની વીરશ્રી લોકોની વચ્ચે સળગતી નહોતી, દીપક સમી અજવાળાં દેતી હતી. એણે કહ્યું: “પ્રજાજનો, જેતલબાની અને કુંવરની અદબ કરીએ.” "તેજપાલભાઈ! વીર! એક વાર અંદર આવો. જેતલબા કહેવરાવે છે.” ઉપરથી એક સ્ત્રીએ સાદ પાડ્યો. “ચાલો બધા – ચાલો અંદર, મામો ક્યાં છે?” લોકોએ કિકિયાટા કર્યા. “એકલા તેજપાલભાઈ.” અંદરથી અવાજ આવ્યો. “નહીં, એકલાને એને નહીં જવા દઈએ, કાવતરું છે. અમારા તેજપાલ શેઠને મારી નાખે તો” “ભાઈઓ!” તેજપાલે કહ્યું, “મને કોણ મારી નાખશે? આવરદાની પ્રભુદીધી દોરી કોણ વાઢી શકશે? કોઈ નહીં. ને જેતલબાએ મને વીર કહ્યો છે. અહીં શાંતિથી ઊભા રહો. હું અબઘડી જ આવું છું.” એમ કહીને એ સડેડાટ ચાલ્યો. દેવડીની ડોકાબારી ઊઘડી. એકલો ને બિનહથિયારે, તેજપાલ રાજગઢના કોઈ જમાનાજૂના અંધારિયા રાજગઢની અટપટી સીડીની ને અકળ ઊલટસૂલટા ઓરડાની ભુલભુલામણીમાં થઈને મશાલધારીની પાછળ પાછળ ચાલ્યો ગયો, ત્યાં પહોંચ્યો, જ્યાં રાણી તલદેવીનો ખાટલો હતો. “શેઠ, વીરા” રાણીએ કહ્યું, “તમારો ચોર મને પણ બાવી બનાવીને ગયો છે. હવે ફરી એ આંહીં નહીં આવે; આવે તો હું બે કટકા કરી નાખું. હવે આ સ્વરૂપને સમાવો, ભાઈ!” “ક્યાં ગયા મામા?” “વામનસ્થલી જ તો.” “રાજને લૂંટી જનાર...” “સબૂરી રાખો. બધું જ પાછું લાવી વસ્તીને સોંપીશ.” "કેવી રીતે બા?” "વામનસ્થલી ઊજડ કરીને. એની વાત આજથી શી કરું? એક વાર ભરોસો મૂકો, રાજપૂતાણી તમારા પગે પાલવ પાથરે છે.” તેજપાલ અભયદાન દેતો હોય એમ ઊંચો હાથ કરીને પાછો વળ્યો, એણે જઈને મહાજનને અને વસ્તીના લોકોને જાણ કરી. એણે સમજાવ્યું, પ્રજાએ માન્યું, મોડી રાતે લોકસાગરનાં પાણી પાછાં વળ્યાં.