ગુજરાતનો જય/૧૪. કવિશ્રી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૪. કવિશ્રી

ઘોડો બેઠા કદનો હતો, અને સવારના પગ લાંબા હતા. પેંગડાં ટૂંકાં હોવાને કારણે એના પગ આધાર વગરના હતા. ઉપરાંત ઘોડાની પીઠ પર બેઉ બાજુએ સારી પેઠે બોજ ભર્યો હતો. લાલ કપડામાં બાંધેલી એ સામગ્રી શું હશે તે ઝટ પરખાય નહીં. ઘોડેસવાર અરધો ગાઉ બેસતો તો બે કોસ પાળો ચાલતો; એ રીતે પ્રવાસ ખેંચતો પાટણ તરફથી આવતો હતો. એને ખભે પણ ભાર હતો. રસ્તે પણ એ એક પોથી વાંચતો જતો હતો. ઉત્તરાયણનો સૂર્ય ત્રાંસાં કિરણો ફેંકીને ચારેક કોસ દૂર રહેતા ધોળકા શહેર પર ઝળાંઝળાં કરતો હતો. ઘોડાની પાસે ચાલ્યા જતા એ પુરુષે પોતાના હાથમાંના પોથી બંધ કરીને કાંધ પરની ગાંસડીમાં લાલ કપડામાં લપેટીને મૂકી દીધી. અને પછી એણે ધોળકા શહેર પર મીટ માંડી. એનામાં કાવ્યરસ પ્રકટ થયો 'મંદિરોના ઘુમ્મટો પર સૂર્યકિરણો નાનાં બાળકો-શાં રમે છે. પેલી કનકની દેવકુલિકાઓ ફરફરે છે તે જિનપ્રાસાદોઃ અને મસ્જિદોના મિનારા બધાં એકમેકના ભાંડુઓ જેવાં પરસ્પરને શોભાવે છે. ક્યારે ઝટ પહોંચે ને એ બધાનાં પ્રતિબિમ્બોને મલાવતળાવના હંસો અને પદ્મ સાથે હળીમળી સૂતેલાં નિહાળું! ઉત્તરાયણ થઈ ગયા. આ સરવડાં ભર્યા છે. ને આ જોડીબંધ સારસડાં તો જો! સપાટ ધરતીની શૂન્યતાનેય શણગારે છે. અજબ છે પ્રકૃતિની લીલા! ધોળકાની ઉગમણી દિશામાં અનંત લીલાં ઝાડોની ઝૂકછૂક નજરને ક્યાંય નીચે ઊતરવા દેતી નથી; ને આથમણું તો એકલું બસ વેરાનઃ બાગ અને વેરાનની કટોકટ સીમા પર ઊભું છે શહેર. બે ધરતીના વઢકણા છેડા પર ઐક્યની ધારણ તોળતું જાણે!' એના મનોગારો મનમાં ન સામી શક્યા હોય એમ જાણે એ ગાવા લાગ્યો. એ જે ગાતો હતો તે સંસ્કૃત શ્લોકો હતા તૈયાર કોઈના રચેલા નહીં, પણ એના જ કંઠમાં નવેસર આકાર ધરતી રચનાઓ. એને ખબર ન રહી કે એની બાજુમાં થઈને પાંચેક અસવારો નીકળી ગયા. પણ દૂર જઈને એ પાંચ માંહેલા આગલા અસવારે ઘોડો ફેરવીને થંભાવી રાખ્યો. બીજા ચાર પણ એની પાછળ ગોઠવાઈને ઊભા રહ્યા. મુખ્ય પુરુષનો ઘોડો રસ્તા પર રુમઝુમાટ કરતો રહ્યો. અસવારના કોણી સુધી ઉઘાડા હાથને કાંડે બે કડાં હતાં તે પણ ચમકતાં હતાં. એના શિર પર મંદીલ હતું ને એની મૂછો પાતળી, છેડેથી સહેજ વાંકડા વાળેલી હતી. દાઢી તો નજીવી, છતાં ઓળીને બે ભાગે પાટલી પડેલી, બુકાનીમાં બાંધેલી હતી. વટેમાર્ગુ ચાલતો ચાલતો નજીક આવ્યો ત્યારે એ મુખ્ય ઘોડેસવારે એને પૂછ્યું,: “શું લલકારી રિયા છો, કવિતા?” "કવિતા મને ગમે છે, ને આ ધરતી કાવ્ય સ્ફુરાવે તેવી છે.” વટેમાર્ગુએ સહેજ સંકુચિત હૃદયે જવાબ વાળ્યો. એને ભય હતો કે વળી કદાચ આ કોઈ રાજપુરુષ કવિતા અને સાહિત્યની મશ્કરી કરી માતા શારદાને દૂભવશે. એ ભય એને નાનપણથી જ પેઠો હતો. "આ ધરતી! કવિતા સ્કુરાવે!” માથું ધુણાવીને રાજવેશધારી ઘોડેસવાર એવું હસ્યો કે જે તુચ્છકાર નહીં પણ અંતરની ઊંડી ઊડી મીઠાશ મહેકાવતું હોય. "ક્યાંથી, પાટણથી આવો છોને?” “હા જી.” “જવું છે ક્યાં, ધોળકે?” “જી હા.” “પાળા કેમ ચાલો છો?” "ઘોડા પર ભાર જરા વધારે છે.” “શું ભર્યું છે?” "પોથી-પાનાં.” “આટલાં બધાં વેચવાનાં છે? ધોળકાના રાજાએ તો કાળા અક્ષરોને કૂટી માર્યા છે. કોને વેચશો?” “વેચવાનાં નથી. મારે પોતાને વાંચવાનાં છે.” “આટલાં બધાં તમારે એકલાને?” પ્રશ્ન પૂછનાર રાજપુરુષને મન તો સકળ આશ્ચર્યોની અવધિ થઈ ગઈ. “લો. ચાલો, ચાલો, વાતો કરતા કરતા સાથે જ ચાલીએ. કાંટિયા વર્ણની સાથે ચાલવાનો વાંધો નથીને?” “વાંધો શો હોય?” "એમ કે ક્યાંક લૂંટી લેશે. પણ તમારા માલની લૂંટ તો અમારા ઘોડાનેય ભારી થઈ પડે તેવી છે, ફિકર રાખતા નહીં.” સૌ સાથે ચાલવા લાગ્યા, ને મુખ્ય ઘોડેસવારની આંખો, એ વટેમાર્ગના ઘોડા પર લાદેલ ભાર તરફ વધુ ને વધુ તલસાટથી જોતી રહી. એણે વટેમાર્ગુના ચહેરામોરાની સંસ્કારિતા જોઈને વિનયપૂર્વક પ્રશ્નો કર્યા: “પાટણમાં શું કરો છો?” “અભ્યાસ કરતો હતો.” “આટલી ઉંમર સુધી અભ્યાસ!” એણે જોયું કે પ્રવાસી ત્રીશ વર્ષથી તો ઓછો ન હોઈ શકે. "અભ્યાસ તો સો વર્ષ સુધી કરીએ તોય અધૂરો રહે.” “એટલી બધી વિદ્યા છે આ પૃથ્વી પર? મારા બાપ!” રાજપુરુષનું મોં ઉત્સુક બાળક જેવું બની ગયું, “ધોળકા કેમ જવું બને છે?” “ત્યાં કુટુંબ છે. મારો નાનો ભાઈ ધંધો કરે છે.” “નાનેરો ધંધો કરે છે ને મોટેરો અભ્યાસ કરે છે!” "એ વહેલો કંટાળી ગયો. વિદ્યા બહુ ચડી નહીં. લડાયક મગજનો જરા વિશેષ છે. વળી બેમાંથી એક જણે તો કુટુંબનો રોટલો રળવા લાગી જવું જોઈએને!” "ખુશ થવા જેવું, કે નાનેરો ભાઈ એ ફરજ બજાવે છે. શો ધંધો કરે છે?” “મુદ્રાવ્યાપાર (નાણાવટ)નો.” “નામ?” “તેજપાલ.” “ઓળખ્યા. રાણકીના મેદાનમાં ભીમેશ્વર પાસે હું ઘોડો ફેરવવા જાઉં છું ત્યારે પરોડિયે કડકડતી ટાઢમાં પણ ચંદનામાં નાહતા હોય છે. લોખંડી કાયા લાગે છે. બહુ ઓછાબોલા લાગે છે. તલવારપટે ભારી રમે છે. એના જ તમે મોટાભાઈ! હવે શું કરશો? વાંચ્યા જ કરશો?” “એકલું વાંચ્યા કર્યું તો જીવન થોડું જાય?” "ત્યારે?” વટેમાર્ગુ કંઈક કહેતો કહેતો રહી ગયો. “તમારું નામ?” "વસ્તુપાલ.” “વસ્તુપાલ શેઠ, આપણી ભોમકા માટે કાંઈક કરોને! મને તો આમાં કાંઈ સૂઝતું નથી. તમે બધા ભણીગણીને ધોળકે આવવા લાગ્યા છો, અને મારી શરમ તો વધતી જાય છે.” “આપ કોણ છો?'” “અટાણે તો છું કેવળ ક્ષત્રિય.” એ જવાબ સાંભળીને પાછળ ચાલ્યા આવતા અસવારો હસવું ખાળતા હતા. હસવાના અવાજો સાંભળીને વસ્તુપાલે પાછળ જોઈ લીધું. એક સવારે હળવું રહીને કહ્યું: “રાણાજી...” એ જ વખતે પાછળથી કશીક બૂમ સંભળાઈઃ “ઊભા રહો, એ ઊભા રહો.” ધૂળના થંભા રચતો એક ઊંટ ઘુમ્મરી ખાતો પછવાડે આવી રહ્યો હતો. અસવારો થંભી ગયા. “આ તો જેહુલ ડોડિયો લાગે છે.” મુખ્ય ઘોડેસવારે ઊંટના સવારને ઓળખ્યો. ખેભર્યા તાતા ઊંટની મારમાર ગતિને ચાલાકીથી અવરોધીને એ અસવારે શ્વાસભર્યો સંદેશો સંભળાવ્યોઃ “રાણાજી! ઉતાવળા થઈને આગળ જાશો મા. ધોળકું વિફરી ગયું છે. રાજગઢ ઘેરી લીધો છે.” "ક્યારની વાત કરછ, ડોડિયામાં મુખ્ય ઘોડેસવાર કે જે રાણા વીરધવલ તરીકે ઓળખાઈ ગયો હતો તેણે પૂછ્યું. "ગઈ કાલ રાતની. હું તાબડતોબ આપને તેડવા નીકળ્યો છું. અરધ પંથે આપ નીકળ્યાના ખબર મળતાં પાછો વળ્યો. જાઓ મા, રાણા” . “શું છે પણ?” “મામો સાંગણ કાંઈક અવળું કરી બેઠા. મહાજન અને વસ્તી વીફરી ગયાં – તેજપાલ શેઠ...” “તેજપાલ શેઠ? શું?” રાણા વધુ ચમક્યા. “એણે મામાની તલવાર આંચકી, વસ્તીને પડકારી, ને રાજગઢ ઘેરીને પડ્યા છે. કહે છે કે સાંગણમામાને બહાર હાજર કરી દો.” “સાંગણ ક્યાં છે?” “સરકી ગયા છે ને ભાંંડાગાર (જામદારખાનું) ખાલીખટ પડ્યું છે. મામો બધુંય લઈને....” "તેજપાલ શેઠે તલવાર ઝૂંટવી, ને મામો ભાંડાગાર લઈને સરકી ગયા. આ બધું શું?” રાણા વીરધવલ નામના એ સવારે વસ્તુપાલ સામે નજર કરી. વસ્તુપાલ આભો બનીને ઊભો હતો. પાછળ ઊભેલા સવારોએ પોતાની તલવારોની મૂઠ પર પંજા દબાવ્યા. અને એમની વચ્ચે ગરમાગરમ ઉગારો ઊડ્યાઃ “વાણિયા!” "રાતોરાત કોણ જાણે શું થઈ હશે રાજગઢ માથે, બાપુ” જેહુલ ડોડિયાના શ્વાસ હજુ શમ્યા નહોતા. “રાણાજી!” વસ્તુપાલે કહ્યું, “મેં આપને ઓળખેલા નહીં. મને કશી જાણ નથી. મારી કલ્પના ચાલતી નથી. પણ મારા ભાઈના વતી હું આપનો બાન બનું છું. મને આ ઊંટ પર લઈ લો. મારું ઘોડું કોઈક દોરતા આવો. ને આપ ચાલો, હું સાથે છું.”, એ શબ્દો બોલનારના મોં ઉપરથી કવિત્વની તમામ રેખાઓ વિરમી ગઈ હતી, ને ટાઢું શોણિત ધમધમી ઊઠી એ ચહેરાને નવી લાલાશે મઢી રહ્યું હતું, એ રાણા વીરધવલે નિહાળી લીધું. એણે કહ્યું: “તમને બાન પકડીને મારે શું કરવા છે?” “મારો ભાઈ તેજપાલ જો રાજગઢને અડ્યો હોય તો મારો શિરચ્છેદ કરજો. ને મારી આ પોથીઓને આગ મૂકી મને તેની ચિતા પર સુવાડજો.” “એ તો ઠીક છે,” રાણા મલકી રહ્યા, “પણ તમને શું લાગે છે?” "મારો ભાઈ કંટો ને કરડો છે. જલદી ન ઉશ્કેરાય તેવો છતાં ઉશ્કેરાય ત્યારે ઝાલ્યો ન રહે તેવો છે. અપકૃત્ય કદી એણે કર્યું નથી. છતાં આ એના જીવનની પહેલી જ કસોટીમાં એણે શું કર્યું હોય તે હું કહી શકું નહીં. ચાલો હું આપનો બાન છું, ચાલો જેહુલ ડોડિયા, મને હાથનો ટેકો આપો.” એમ કહેતે એણે સાંઢિયાસવાર તરફ હાથ લંબાવ્યો. “રહો, હું ઝોકારું છું.” ઝોકારવાની જરૂર નથી.” એમ બોલીને વસ્તુપાલે ઊંટસવારનો પંજો ઝાલી, પોતાના શરીરને ધરતી પરથી, વાણિયા મણ-મણની ધારણ ઉપાડે તેવી આસાનીથી ઊંચકી લીધું; ને એક જ ટેકે એ ઊંટના કાઠામાં ગોઠવાઈ ગયો. એણે ઊંટસવારને કહ્યું, “ઊંટને મોખરે રાખો.” ધોળકાના રાજગઢની ચિંતા અને બનેલા મામલાનો વિચાર રાણા વીરધવલની મનમાંથી ઘડીભર હટી ગયો. ઘડીભર એણે આ અર્ધઘટિકા પૂર્વેના કવિતા લલકારનાર પોથીપ્રેમીના દેહની ને દિલની દક્ષતા અને દિલગજાઈ નિહાળી લીધી. પણ ધોળકા જેમ જેમ નજીક આવતું ગયું તેમ તેમ ઉત્પાતનું એકેય ચિહ્ન નજરે પડ્યું નહીં. સીમમાં ખેડૂતો પણ કશું જ જાણે બન્યું નથી એમ ખેતી કરી રહ્યા હતા. “અલ્યા ભાઈ, ધોળકે હોબાળો શો મચ્યો હતો?” રાણાએ એક ખેડુને પૂછ્યું. “એ તો બાપુ, બધુંય સમાઈ ગયું, મામાએ દંગલ મચાવેલું, પણ મામા રફુ થઈ ગયા, એટલે લીલાલે'ર થઈ ગઈ. બાજી તેજપાલ શેઠને હાથ હતી ખરીના, એટલે કાબૂમાં રહી ગઈ.” ખેડુના આખાભાંગ્યા એ શબ્દોએ વસ્તુપાલને શાંતિ દીધી. “તેજપાલ શેઠે શું કર્યું ત્યાં?” “વાણિયે અવધિ કરી, બાપુ!” કૃષકોએ દોડતા આવીને લાંબા હાથ કરી કરી, જીભના ગોટા વાળતે વાળતે કથન કર્યું. “મામાને મારતાં શી વાર હતી! પણ કે કે ના, હું મારું નહીં! રાણોજી ઘેરે નથી, ને જેતલબા સુવાવડાં છે. હું હાથ ઉપાડું નહીં. પણ એ...ને આ લે તારું દાતરડું! એમ કહેતાકને બાપુ તેજપાલ શેઠે તો મામાની તલવારને બેવડ જ્ વાળી દીધી. એની તો વજ્જરની મૂઠી, હો બાપુ! વટનું લોઢું નો'ત તો તો બે કટકા જ કરી નાખત. અને રૂંવાડુંય ધગવા ન દીધું વાણિયે, હો બાપુ! નીકર બીજો હોય તો બેચાર હત્યા જ કરી બેસે, અરે, છેવટે અમું જેવા હોય તો બે ગાળ પણ કાઢી લે. પણ વાણિયો દોર ન ચૂક્યો. નીકર મલેચ્છો, વણકરો ને તાઈઓ ઝાલ્યા રે’, બાપુ! એલી એલી જ બોલાવે ના! પણ વાણિયાની આણ ફરી વળી. બસ એક જ વેણ કે બાપુ ઘેરે નથી, બાપુ બચાડા પાટણ-ધોળકાની હડિયાપાટી કરી કરી રોજ અઢી શેર ધૂળ ફાકે છે. બાપુનાં તો એક સાંધતાં તેર તૂટે છે, બાપુને તો ભૂત કાઢતા પલીત જાગે છે, બાપુનું તો કાસળ કાઢનારાઓ ચોમેર જાગી ઊઠ્યા છે, બાપુને તો ગળે ફાંસી દીધી છે.” "એ તો ઠીક, બાપુ!” એક ખેડૂત ઊંચી ઘોડી ઉપર ઊભો ઊભો અનાજ વાવલતો વાવલતો બોલ્યો, “પણ મામાએ તો અમારી રાણીમાને બાપડીને રાંડરાંડ જેવી કરી મૂકી.” લહેકો કરીને એ બોલ્યોઃ બીજાઓએ એનો શબ્દ ઝીલ્યો, “સાચોસાચ રાંડરાંડ બની ગઈ બાપડી!” “મૂંગો મર, એઈ!” જેહુલ ડોડિયાએ એને હાક મારી. “બોલવા દે, ભાઈ રાણાએ મરક મરક હસીને કહ્યું, “એના બોલ અનિષ્ટ છે. પણ એના અર્થમાં સહાનુભૂતિ રહેલી છે.” "માળા ભૂતા” એક બાઈએ કહ્યું, “બાપુ ક્યાં મરી ગયા છે, કે રાંડરાંડ કહે છે રાણીમાને?” "લે જેહુલ, વધુ સ્વસ્તિ-વાક્યો સાંભળવાં છે હજુ” એમ કહી. રાણાએ ઘોડાં ચલાવવા કહ્યું; સવારી ઊપડી. "ને હવે પાછા, માબાપા” બીજા ખેડુએ પૂર્તિ કરી, “સાળાને બદલે કોઈક બનેવીને સોંપતા નહીં રાજનો વહીવટ!” “અને હવે ફરી ફરી વાર કુંવરપછેડા આપવા પડે એવું કરશો મા ભલા થઈને, બાપુ!” “શું છે આ કુંવરપછેડાની વાત?” ચાલતે ચાલતે રાણાએ પૂછ્યું ને એને ધોળકાના ઉલ્કાપાતનું મૂળ કારણ જાણવા મળ્યું. “બધું જ મારી જાણ બહાર બન્યું છે, વસ્તુપાલ શેઠ!” એ ખેદભર્યું મોંએ બોલ્યા, “મને નવાઈ લાગે છે કે સોમેશ્વર ગુરુ ક્યાં સંતાઈ ગયા! એમણે કેમ કોઈ દિવસ મને સાવધ ન કર્યો!” સોમેશ્વરનું નામ સાંભળતાં જ વસ્તુપાલનું મોં ચમક્યું. પોતાનો ગુરુપુત્ર સોમેશ્વર ધોળકે રાજપુરોહિત બન્યો હતો. એની સાથે કાવ્યો, શાસ્ત્રો અને દર્શનતત્ત્વોની રસભરી ચર્ચા માટે વસ્તુપાલ છેક પાટણથી તલસતો આવતો હતો. પાટણ-દરવાજો આવી પહોંચ્યો. રાણાએ જુદા પડતાં પડતાં વસ્તુપાલને કહ્યું “શેઠ, હું તો મેં તમને કહ્યું તેમ નિરક્ષર છું, પણ ધોળકાને વિદ્યાનું ધામ બનાવવાના મનેય કોડ છે. મને કોઈ કોઈ વાર મળતા રહેજો. હું ન સમજું તોયે મને કાવ્યનો લલકાર ગમે છે.” “આપના કોડ મહારુદ્ર ઝટ પૂરે.” "તમે તો શ્રાવક છોને!” “હાજી.” “તો મહારુદ્રને કેમ સંબોધો છો?” "કવિતાનો અનુરાગી છું, સરસ્વતીની પાસેથી જ અભેદ શીખ્યો છું.” "મનેય શીખવશો?” "જેવાં પ્રારબ્ધ!” વીરધવલ બજાર વીંધીને રાજગઢ તરફ ચાલ્યો જતો હતો ત્યારે એની આંખો લોકોનાં મોં પર કોઈ નવા ભાવોનું તેજ વાંચતી હતી. વર્ષો સુધી એણે વસ્તીના પ્રણામો ઝીલ્યા હતા. પણ એ પ્રણામોમાં ઉજાસ કે ઉલ્લાસ નહોતો. કેવળ લોકોના કમ્મરો જ કાટખૂણે વળતી હતી ને લોકો જૂઠેજૂઠ રૂડું લગાડવાનો નિષ્પ્રાણ પ્રયત્ન કરતા. ઘણુંખરું તો વામનદેવ જેવા એકબે વ્યાપારીઓ જ રાણાની બાજુએ ચોકઠા જેવા બની જતા, એટલે ગામલોક રાણાને પૂરો જોઈ પણ ન શકતા. આ દિવસે એણે સર્વના પ્રણામોમાં ઉમળકો દેખ્યો. વામનદેવને ક્યાંય ન દીઠા.