ગુજરાતનો જય/૩૨. બે જ માગણીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૨. બે જ માગણીઓ

વસ્તુપાલ ખંભાત પાછો ગયો ત્યારે હજની મોસમ ચાલતી હતી. મુસ્લિમ જાત્રાળુઓનાં ટોળેટોળાં ખંભાતમાં આવતાં હતાં ને તેમને લઈ દેશ-વિદેશનાં સંખ્યાબંધ વહાણો મક્કા-મદીનાની ખેપે જતાં હતાં. વિધર્મીઓ તરફની વસ્તુપાલની નીતિ મહારાજ જયસિંહદેવના જેટલી જ ઉદાર હતી, એટલે જ ખંભાત તુરકો આરબો વગેરે વિદેશીઓને માના પેટ જેવું સલામતીભર્યું લાગતું. એક રાત્રિએ ગુપ્તચરે આવી સમાચાર દીધા કે દિલ્હીની એક બુઢ્ઢી ખંભાતમાં આવી છે અને હજ પઢવા જાય છે. એને લઈ જનાર વહાણનાં નામનિશાન પણ નક્કીપણે મળ્યાં છે. "દિલ્લીની ડોશી! એ તરફનાં હાજીઓને તો સિંધનાં બારાં નજીક પડે.” વસ્તુપાલે વહેમ બતાવ્યો; “એ કોણ છે? વધુ તપાસ કરો.” વધુ તપાસે ખાતરી થઈ કે એ બુઢ્ઢી તો ખુદ દિલ્હીપતિ મોજુદ્દીનની મા છે અને વહાણ અરબસ્તાનના એક આરબ સોદાગરનું છે. અહીંથી એણે કીમતી માલ ભર્યો છે. ઠેઠ દિલ્લી જઈને એ મોજુદ્દીનની માને હજ પઢવા લઈ જવા તેડી આવ્યો છે.” "ક્યારે ઊપડે છે?” “કાલ બપોરે.” "ઠીક.” ગુપ્તચર ગયા પછી મંત્રીએ લાંબા સમય સુધી મૌન ધારી વિચાર દોડાવ્યો. પોતાની માને આટલે દૂરને બંદરેથી હજ પર મોકલવામાં દિલ્હીપતિનું કોઈ કાવતરું હશે તો? એ પકડવું જ રહે છે, ને કાંઈ પાપ નહીં હોય તો આ નિમિત્તે દિલ્હીપતિ સાથે સીધી પિછાન સાધી શકાશે. વચ્ચે વચ્ચે એ મલકાતો હતો. ઉગ્ર પણ બનતો હતો ને કોઈકના ઠપકાથી ઝંખવાણો પડતો હોય તેવો પણ ચહેરો કરતો હતો. એના હોઠ બબડતા પણ હતા: “નીચતા!...કોણ કહેશે! અનુપમા તો નહીં જાણે... પ્રજા તો વખાણશે.. પણ ભવિષ્યના ઇતિહાસમાં? ભલે જે કહેવાય તે. આજે તો આ એક અણમોલી તક છે અને મારો ઇરાદો મેલો નથી...” એણે પોતાના છૂપા વિશ્વાસુ ચાંચિયા સરદારને તેડાવ્યો. વહાણની એંધાણીઓ અને નામઠામ આપીને એને કેટલીક ભલામણો આપી. બીજે દિવસે ઊપડેલું એ હજનું વહાણ ત્રીજે દિવસે પ્રભાતે ખંભાત પાછું આવ્યું. વહાણ ખંભાતનાં પાણી વટાવ્યા પહેલાં જ લુંટાયું હતું. આરબ સોદાગરે આવીને પોક મૂકી. વસ્તુપાલે વિસ્મય બતાવ્યું. સોદાગર બાવરો બન્યો હતો. એને દિલે કોઈ ઊંડી ચિંતા હતી. “કેમ, જનાબ?” વસ્તુપાલે કહ્યું, “તમે લક્ષાધિપતિ થઈને શું કાણ માંડી રહ્યા છો? તમારી નુકસાનીની કોડીયે કોડી ભરપાઈ કરી દેવા તો અમે બંધાયા છીએ.” "જનાબ!” સોદાગરે કહ્યું, “મને વહાણ લુંટાણું તેનો ડર નથી. પણ મારે દિલ્હીના ખુદ મોજુદ્દીનનો ખોફ વહોરવો પડશે.” “કાં, ભા? એવડું બધું શું છે?” “મારા વહાણમાં નામવર મોજુદ્દીનનાં ખુદ અમ્મા છે!” “મોજુદ્દીનનાં માતુશ્રી! આંહીં! શું બોલો છો, જનાબ? “જી હા, અમ્માને હું મક્કે હજ પઢવા તેડી જાઉં છું.” "અને આમ છૂપી રીતે? દિલ્લીના ધણીની જનેતા ખંભાત આવે તેની અમારી જવાબદારીનો તો વિચાર કરવો’તો! ચાલો ચાલો, ક્યાં છે અમ્મા? વસ્તુપાલે જઈને દિલ્હીપતિની વૃદ્ધ માતાના ચરણોમાં માથું ઝુકાવ્યું અને મીઠો ઠપકો સંભળાવ્યો: “અમ્મા, અમારું ગુજરાતનું નાક કપાયું છે. તમે જેમ સુરત્રાણની મા તેમ અમારી પણ મા છો. અમારે આંગણેથી તમે ચોરીછૂપીથી ચાલ્યાં જતાં'તાં! અમારી બેઇજ્જતી થઈ. તમારી મને ખબર હોત તો હું અમારું ખાસ વહાણ અને વોળાવું ન આપત?” મંત્રી શું કહે છે તે સોદાગર ડોશીને સમજાવતો હતો. પણ ડોશી તો શબ્દોની પરવા કર્યા વગર મંત્રીના મીઠા હાવભાવ તરફ જ તાકી રહ્યાં હતાં. એણે જવાબ વાળ્યો: “અમને તો એમ હતું કે હું જો જાહેર થઈશ તો તમે મને પકડી લેશો.” “અમારું કમભાગ્ય છે કે સુરત્રાણ અમને એવા હલકા ગણે છે.” બોલતાં બોલતાં મંત્રીનો અંતરજામી તો છુપો છૂપો કહી જ રહ્યો હતો કે કેવાક ખાનદાન છો તે તો હું જાણું છું! “મારે તો, અમ્મા!” મંત્રીએ કહ્યું, “તમારો રતી યે રતી અસબાબ પાછો ન પકડાય ત્યાં સુધી અન્નપાણીની આખડી છે.” “અરે અરે, બેટા!” ડોશી દંગ થઈને બોલી, “એટલું બધું!” "નહીં, અમ્મા! હું તમારો પુત્ર છું. તમે ગુજરાતના મહેમાન છો, મહેમાન અમારે મન પવિત્ર છે.” “અરે પવિત્રતાનું પૂંછડું!” મંત્રીનો અંતરાત્મા હસતો હતો. એક પ્રહરમાં તો લૂંટનો રજેરજ માલ અકબંધ અમ્મા આગળ હાજર થયો. અમ્મા તો મંત્રીના બંદોબસ્ત પર આફરીન થઈને આનંદનાં આંસુ ટપકાવવા લાગી. કારણ કે લૂંટાયેલા અસબાબમાં હજ પઢવા માટેની પાક અને પુનિત વસ્તુઓ હતી. “લૂંટારાઓને કારાવાસ આપો.” મંત્રીએ આજ્ઞા કરી. ફરી ફરી એ અમ્માને ચરણે પડ્યો; વારંવાર આ બેઅદબીની ક્ષમા માગી. “અને હવે?” એણે અમ્માને કહ્યું, “અમારી બેઅદબીનું અમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે, ને તે ખાતર આપને પંદર દિવસ રોકવા પડશે.” અમ્માને મંત્રી વાજતેગાજતે પોતાને ઘેર લઈ આવ્યા. મંત્રીકુટુંબે અમ્માની સેવા માંડી. ધોળકેથી પણ રાજકુટુંબ અને તેજપાલનો પરિવાર વંદને આવ્યો. સૌ કીમતી ભેટસોગાદ લાવ્યાં; અને સોખુને મંત્રીએ ફરમાવ્યું: “અમ્માની પગચંપી તારે કરવાની, સોખુ.” "કેવી, સદીકના જેવી ને!” દુષ્ટ આરબ સદકને વસ્તુપાલે મલ્લો આગળ ચંપી કરાવી ભીંસી મરાવ્યો હતો તે વાતનો સોખુએ વિનોદ કર્યો. “ચૂપ ચૂપ, મૂરખી!” “ત્યારે? અમને શી ખબર પડે કે તમારે કોની ચંપી કેવી કરાવવાની હશે!” એવા વિનોદ વચ્ચે સુરત્રાણની માતા હિંદુ કુટુંબની સેવાશુશ્રુષા પામવા લાગ્યાં. મંત્રીને બે બેગમો છે એવું જાણીને 'અમ્મા' અસંતોષ પામ્યાં. એમણે સલાહ આપી “નહીં બેટા, બેથી તે તારો દરજ્જો સચવાય કંઈ? ચાર તો ઓછામાં ઓછી જોઈએ.” ભલી ભોળી બુઢ્ઢી બે-પાંચ દિવસમાં તો ઘરની વડીલ જેવી બની ગઈ. સોખુને કહે કે, “તારે એક ફરજંદ થાય તેની તો હું મક્કાથી દુવા માગતી આવીશ.” "ના રે, માજી!” સોનુએ કહ્યું, “હું પોતે જ હજી બચ્ચું મટી નથી ત્યાં ફરજંદ તે શી રીતે સાચવીશ?” આઠમે દિવસે અમ્મા'ના જહાજને હજ પર ઊપડવા તૈયાર કરવાનો હુકમ મળ્યો. વસ્તુપાલ જેની તૈયારી માટે વિલંબ કરતો હતો તે ચીજ આવી પહોંચી. “અમ્મા!” એણે યાચના કરીઃ “ગુર્જરદેશનો સ્વામી આપની સાથે પવિત્ર કાબાની હજૂરમાં આ ગરીબડી ભેટ મોકલે છે, તે સાથે લેતાં જશો?” સુરત્રાણ-માતા તો ચકિત બનીને જોઈ રહી. એ હતું એક આરસનું તોરણ. એની કોતરણી અપૂર્વ હતી. હિંદુ શિલ્પનો એ ઊંચો નમૂનો હતો. "ને એક કોલ આપો પછી જ જવા દઉં.” એમ કહીને વસ્તુપાલે માગ્યુંઃ “વળતાં પણ આંહીં થઈને જ દિલ્લી જવાનું.” મોજુદ્દીન-માતા કોલ દઈને હજે ચાલ્યાં. સારુંયે સ્તંભતીર્થ સાગરતીરે વળાવવા ચાલ્યું. તોરણને વાજતેગાજતે લઈ જઈ જહાજમાં પધરાવ્યું. એ તોરણ ચોડવામાં નિષ્ણાત એવા ગુર્જર શિલ્પીઓને પણ મંત્રીએ મક્કા સાથે મોકલ્યા.

*

હજ કરીને ખંભાત થઈ પાછાં પહોંચેલાં ‘અમ્મા' દિલ્લીમાં બેટાને મળ્યાં ત્યારથી એણે મોજુદ્દીન આગળ ગુર્જરદેશના દીવાનનાં ગુણગાન આદર્યો. ‘તું ખુશી ખાતે પહોંચી'તીને, અમ્મા?’ એમ પૂછે તો અમ્મા વસ્તુપાલે કરેલી સરભરાની જ વાત કરે. સુરત્રાણની બેગમોને જોઈ જોઈ અમ્મા સોખુ-લલિતાની વાત કાઢે. તોરણનું તો રટણ જ કરતાં અમ્મા થાકે નહીં. પેટીઓ ઉઘાડી ઉઘાડીને ખંભાતથી આપેલી સોગાદોનાં પ્રદર્શન પાથર્યા અમ્માએ. કંટાળેલા સુરત્રાણે પૂછ્યું: “અમ્મા! હું પૂછું છું તેનો જવાબ તું વાળતી નથી અને આ હિંદુ દીવાનના જાપ શા જપે છે?” “અરે, બેટા! એક વાર તું મળે તો તું પણ આફરીન પુકારે.” “તો એને તેડી કેમ ન લાવી?” "તો તું મળત ખરો?” “બેશક. મારી જનેતાનું દિલ જેણે જીત્યું અને જેણે આપણા મજહબને માન દઈ છેક મક્કે તોરણ મોકલાવ્યું તેને શું હું ન મળત?” “તો તો ખરું કહું? હું તેડી લાવી છું.” “ક્યાં છે?” “કસમ ખા, કે એનો વાળ પણ તું વાંકો નહીં કરે.” દિલ્લીથી થોડે દૂર ઊતરેલા વસ્તુપાલને તેડવા મોજુદ્દીને અમીરો મોકલ્યા અને દરબારમાં સત્કારતાં એને નજરે દીઠો. ચાંચિયાઓ પાસે હજે જતા જહાજની લૂંટ કરાવી જાણનાર વસ્તુપાલ જ્યારે સાંસ્કારિક મુલાકાતે જતો ત્યારે પુરબહારમાં ખીલતો. એના પ્રિયદર્શી દેહનો રૂપાળો બાંધો કોઈને પણ ગમે તેવો હતો. મોજુદ્દીનને એ વધુ ગમ્યો. એ તાકીને જોઈ રહ્યો. આબુની ઘાંટીમાંથી મ્લેચ્છોનાં માથાં વાઢી ગાડે ગાડાં ભરી જનાર વણિક ભાઈઓ વિશે, વસ્તુપાલને દેખ્યા પછી સુરત્રાણને વિસ્મય થયું. જેટલા દિવસ એ રહ્યો તેટલા દિવસ આકર્ષણ વધતું રહ્યું. એ મોહે મૈત્રીનું સ્વરૂપ મેળવ્યું. મોજુદ્દીનના મન પર વસ્તુપાલે જે છાપ પાડી તે પોતાના વ્યક્તિત્વની નહીં પણ સમગ્ર ગુર્જર દેશના સંસ્કારની છાપ હતી. "કંઈક માગો.” મોજુદ્દીને મોજ દર્શાવી. "માગું છું બે વાતો.” "માગો, ને જુઓ કે મુસ્લિમ રાજા દોસ્તીના દાવાને માન આપી જાણે છે.” “એક તો માગું છું ગુર્જર દેશ સાથેની કાયમી માનભરી મૈત્રી.” "મૈત્રી!” મોજુદીનનું મોં મરકવા લાગ્યું, “ભલા આદમી! અમે તે શું આંહીં દોસ્તીઓ બાંધવા આવ્યા છીએ! ઇસ્લામની તલવાર ધરીને અમે જે પ્રયોજને દુનિયાભરમાં ઘૂમ્યા છીએ તે જ પ્રયોજન હિંદમાં ઊતરવાનું છે. તારી ગુજરાતની દોસ્તી મારો કયો વારસદાર પાળવાનો છે!” "ભવિષ્યની વાત તો હું કરતો નથી, નામવર!” વસ્તુપાલે હસીને જવાબ વાળ્યો: “ભાવિ તો દિલ્લીના ને ગુજરાતના બેઉના વારસદારોની સુબુદ્ધિદુર્બદ્ધિ પર છોડી દઈએ. અત્યારે તો મારી ને આપની જ નાનકડી જિંદગી પૂરતી વાત છે.” “બીજું કાંઈ માગવા જેવું ન લાગ્યું તને” મોજુદ્દીનનું મોં હજુ પણ મરકતું રહ્યું, “તને ગુજરાતની શી પડી છે? તું તારું ને તારા કુટુંબનું કરને!” એમ કહેતા આ પરદેશી રાજાનાં નેત્રોમાં અણમોલાં અને અસંખ્ય, ધીકતાં અને તરતાં દરિયાબારાંવાળી ગુજરાત રમતી હતી. "મારું તો મેં ધરાઈને કરી લીધું છે. મારે ખાતર આંહીં સુધી આવવાની જરૂર ન પડત. એટલું જ બોલો નામવર, કે આપના જીવતા સુધીમાં ગુજરાત સાથે દોસ્તી નભાવશો.” “તું બડો પાજી છે, દીવાન!” મોજુદ્દીને વસ્તુપાલની પીઠ થાબડી, “હું ખુદાની રહમ માગું છું કે તારા જેવો કોઈ બીજો ગુજરાતી મને ફરીવાર ન ભેટે!” વસ્તુપાલે આવા ઉદ્દગાર સામે મૌન સેવ્યું. એને ખબર હતી કે પોતાની પરંપરા સાચવે તેવા એક પણ પુરુષને પોતે હજુ ગુજરાતમાં ઘડી શક્યો નથી, પોતાની જ મહત્તાનું મહાલય રચવામાં જીવનનાં શ્રેષ્ઠ વર્ષો જતાં રહ્યાં છે. મોજુદ્દીને કહ્યું: “ખેર, મારી જિંદગી પૂરતો મારો કોલ આપું છું. અલ્લાહ મોટો છે. એ મને કોલ પાળવાની બુદ્ધિશક્તિ આપો” "બસ, નામવર! મારી જિંદગીનું સાર્થક થયું.” “એ તો ઠીક, પણ હવે તમે પોતાને માટે કાંઈક માગો.” “એ પણ માગું છું – આપના તાબાની મમ્માણી ખાણમાંથી પાંચ આરસના ટુકડા..” "પાંચ ટુકડા!” મોજુદ્દીન હસી પડ્યો; “માગી માગીને પાંચ પથ્થર માગો છો?” “આપ આપો છોને?” “બેશક, પણ - ” “બસ બસ, નામવર, આપે આપ્યું તેટલું તો કદાચ ભવિષ્યમાં કોઈ નહીં આપે.” મંત્રીની આંખમાં આગાહીઓ ભરી હતી. “આવી માગણીનો શો ભેદ છે? સમજાવો તો ખરા!” “દિલ્હીપતિ, આપ મુસ્લિમ છો. પાંચ આરસ આપીને અવધિ કરી છે. એ પાંચેય ટુકડા મેં અમારાં પાંચ મંદિરોમાં પધરાવવાની પાંચ પ્રભુપ્રતિમાઓ કોતરવા માટે માગેલ છે. એ પાંચ મૂર્તિઓના પથ્થરો બક્ષનાર સુરત્રાણ અમારી મૂર્તિઓને કેમ ભાંગશે!” હુક્કાની નળી સુરત્રાણના હાથમાં રહી ગઈ. એણે આછું સ્મિત કર્યું ને કહ્યું: “પાજી દીવાન, તને માગતાં આવડે છે.” "ને આપને આપતાં આવડે છે, નામવર!” "પણ હવે તો કાંઈક તમારા માટે માગો - તમારાં બેટા-બેટી માટે.” “આ બે વાતોમાં એ તમામ આવી ગયું, નામવર! મારા ભાઈ, ભત્રીજા અને બેટા-બેટીઓને તો ગુર્જરધરા અને ગુર્જરીસાગર જે જોઈએ તે આપે છે. કોઈપણ કમીના નથી. આજે તો હું અને આપ બેઉ નિહાલ થયા. ભાવિમાં તો કોણ જાણે શું લખ્યું હશે! અને હવે તો મારે આપને આપની એક થાપણ પાછી સોંપવાની છે.” “એ વળી શું છે?” “એક જીવતું માનવી છે. આપે ગુજરાત પર જાસૂસી કરવા દેવગિરિ દ્વારા મોકલેલી એક ઓરત.” મંત્રીએ ચંદ્રપ્રભાવાળી વાત કાઢી. “એ હજુ જીવતી છે?” "હા – અને અમારી જનેતા અને બહેન જેવી રખાવટ સાથે.” “ક્યાં છે?” “અમારા અગ્નિજાયા પરમારોની ખિદમત નીચે આબુ ઉપર.” “એનું આંહીં શું કામ છે? અમારા પ્રત્યે બેવફા બનીને તમને ચેતવનાર એ જ હતીને?” “નામવર મને ક્ષમા કરે, પણ એ આપને બિલકુલ બેઈમાન નથી બની.” “તો તમે એને સાચવી શા માટે? એ તો તમારી શત્રુ છે.” "છતાં એ અમારી નજરે નારી છે, જનેતા છે, અબળા છે.” "એણે તો ગુજરાત પર કીનો લેવા અમારો રાહ અને અમારો મજહબ સ્વીકાર્યો હતો.” "એ તો હજુય એ કીનાની આગમાં સળગે છે.” વસ્તુપાલ અનુપમા મારફત જાણી લીધું હતું કે ચંદ્રપ્રભાનો ગુજરાતને રોળી નાખવાનો નિશ્ચય અફર હતો. “છતાં, તમે પાછી સોંપો છો?” “કારણ કે એ ફરીવાર ગુજરાતણ બનવાની કટ્ટર ના કહે છે. પછી અમારે એનું શું પ્રયોજન છે? એ ભલે જ્યાં પોતાનું સ્થાન માને ત્યાં જતી.” "તમારી ગુર્જરીની પણ ગજબ દિલેરી છે, દીવાન! ઓરતો તરફના તમારા ખ્યાલો અમને ખૂબ વિચિત્ર લાગે છે. દેશદ્રોહીને અમે કુત્તાને મોતે મારીએ. પછી અમે એમની જાત-ભાત જોઈ શકતા નથી.” "અમારા સંસ્કારની એ વિચિત્રતા છે તે ખરું છે, નામવર! પણ એ તો અમને માના ધાવણ સાથે મળેલ છે. આપ ફરમાવો તે રીતે એને અહીં પહોંચતી કરું.” “નહીં દીવાન, એ અમારે ન ખપે. એક નાચીજ ઓરતની એટલી ખેવના કરવા બેસીએ તો સલ્તનતો સ્થપાય નહીં. તમે અક્કેક ઓરત પર સલ્તનતો ડૂલ કરવા બેસો છો એ અમારા લાભની વાત છે.” એમ કહીને મોજુદ્દીન હસ્યો; ને એણે લહેરથી હુક્કાના સુગંધી ધુમાડાને હવામાં ગુંચળાં લેવરાવ્યાં, "જાઓ નિર્ભય રહો, એ ઓરતના જે કંઈ હાલહવાલ તમે કરો તેથી અમને કશી જ નિસબત નથી. પ્યારા દોસ્ત! તમારા રાણાને અને પાટણના જઈફ સર્વાધિકારીને દોસ્તના સલામ આલેકુમ દેજો.” મૈત્રીનો રુક્કો અને પ્રભુબિમ્બ માટે પાંચ આરસ-ટુકડાના દાનનો લેખ મેળવીને વસ્તુપાલ ચંદ્રાવતી આવ્યો.