ગુજરાતનો જય/૭. રાજેશ્વરી ઈચ્છા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૭. રાજેશ્વરી ઈચ્છા

છ મહિના થઈ ગયા છે. પાઠશાળાના છાત્રાલયમાં એક હાડપિંજર છેલ્લા શ્વાસ ખેંચતું સૂતું છે. એનું માથું ગુરુ કુમારદેવના ખોળામાં છે. એ દેહ લુણિગનો છે. છોકરાઓ ટોળે વળીને એની આસપાસ ઊભેલા છે. મરતો મરતો લુણિગ પોતાના દોરડી જેવા બનેલા દૂબળા હાથ પોતાની પાસે બેઠેલા બેઉ નાનેરા ભાઈઓનાં તેજના ઝગારા મારતાં ભરાવદાર શરીરો પર ફેરવી રહ્યો છે. છ જ મહિનાના આશ્રમવાસે એ બેઉના દેહનો, ઘરના છાશ-રોટલા પર ઊછરેલા દેહનો સુકલકડી બાંધો ફેરવી નાખ્યો છે, પણ તેમાં હૃદયો છૂપું રુદન કરે છે. "ભાઈ” તેજિગે પૂછ્યું, “તમારી કાંઈ ઇચ્છા છે?” "ઇચ્છા!” લુણિગનું ક્ષયગ્રસ્ત લાલચોળ મોં મલકાય છેઃ “ઇચ્છા - આપણને વળી ઇચ્છા શી હોય?” એની એ ટકોર પોતાની કૌટુંબિક ગરીબી પ્રતિ હતી. પણ એ વારંવાર પોતાની બારીમાંથી બહાર દૂર દૂર ઝાંખા વાદળપુંજ-શા આબુ પહાડ તરફ ખેંચાતો હતો. "કહી નાખો, ભાઈ!” તેજિગ રડતે કંઠે પૂછતો હતો. "ગાંડા!” લુણિગે કહ્યું, “તમે બેઉ વરો-પરણો, બાની ચાકરી કરો, બહેનોને ઠેકાણે પાડો. લે, આટલી બધી ઈચ્છા તો દર્શાવું છું.” કહેતે કહેતે ફરી ફરી એ આબુ તરફ મીટ ખેંચતો હતો ને મોં મલકાવતો હતો. દરમ્યાન એનું દેહપિંજર મૃત્યુ સાથે છેલ્લી જિકર કરી રહ્યું હતું. “ભાઈ, મોટાભાઈ” વસ્તિગ મહામહેનતે રુદન ખાળતો કહેતો હતો, “બા અમને પૂછશે...” એનો કંઠ-દોર ત્રુટી ગયો. “બા પૂછે તો કહેજોને કે તમારો લુણિગ. પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી, પોપટ આંબાની ડાળે, પોપટ સરવરની પાળે, પોપટ બેઠો બેઠો ટૌકા કરે છે...” ફરી ફરી એણે આબુને નેત્રોના સંપુટમાં લીધીઃ “બા પૂછશે કે તમે ત્રણ ગયેલા ને બે કેમ પાછા આવ્યા, એમ ને?” લુણિગે લહેરથી કહ્યું, “તો કહેજોને, કે બા! લુણિગભાઈ તો ફરીથી અવતાર માગવા ગયો છે. શેનો અવતાર, કહું? સલાટનો અવતાર – શિલ્પીનો અવતાર.” “તને મૂર્તિઓ ઘડવાનું બહુ મન થાય છે, ખરું?” કુમારદેવે પૂછ્યું. “હા જ તો! આ બધાં કોતરકામો તૂટેલાં પડ્યાં છે તે જોઈ મને થાય છે કે હું એક રાતમાં ફરી ઘડું, ફરી ચણું, ફરી કોરાવું. પણ મારા હાથમાં ટાંકણુંય ન ઊપડે એ તે શા ખપનું!” એમ કહી વળી પાછી એણે આબુ પર દૃષ્ટિ ઠેરવી. "ફક્ત એટલું – એક એટલું જ જો થઈ શક્યું હોત!” એમ બોલીને એણે પોતાના ભાઈ સામે દયામણી આંખે જોયું.. "કહોને, ભાઈ!” “એવું કહીને મૂર્ખ જ બનવાનું!” લુણિગ હસ્યો. “ભાઈ! ભાઈ, કહો! બા પૂછશે હો! બાને અમે જવાબ શો દેશું?' "લો ત્યારે, પહેલાં તો મને આહારપાણીનાં જાવ-જીવ પચખાણ આપો.” “ભાઈ! ઉતાવળા શીદ થાઓ છો?” "હું ખરું કહું છું. પછી મોડું થઈ જશે.” ભાઈઓ રડી પડ્યા. "જુઓ! બેઉ ભાઈઓ શરમાતા નથી? ભડ થઈને રડો છો? ને મારી છેલ્લી ઇચ્છા સાંભળવી છે, તો પછી મોડું કેમ કરો છો?” મરણાન્ત અન્નજળની અગડ આપનારું ધર્મસ્તોત્ર બોલતો વસ્તિગ માંડ માં કંઠને રૂંધાતો રોકતો હતો. “ત્યારે તો હવે કહું. હસવા જેવી વાત છે હો! હસજો, હસી કાઢજો. ઝાઝું મન પર લેતા નહીં. એ તો ખાલી ઇચ્છા કહેવાય, એ તો રાજેશ્વરી ઇચ્છા કહેવાય! એ તો એમ છે, કે આપણે જ્યારે નાના હતા ને બા-બાપુ જોડે આબુરાજની યાત્રાએ ગયા હતા ને, ત્યારે વિમલ-વસહીના દેરામાં મને એક ગાંડી ઇચ્છા થઈ હતી, કે -હેં હેં-હેં.' એ હસી પડ્યો. "કહી દો, ભાઈ! અમારાથી થઈ શકે એવું હશે તો કરશું.” "ગંડુ! એ તે કંઈ થઈ શકતું હશે! એવી રાજેશ્વરી ઇચ્છા તો બાળપણની બેવકૂફી કહેવાય. એ તો મને વગર સમયે એવી ઇચ્છા થયેલી, કે ત્યાં આપણે પણ પ્રભુનું એક બિમ્બ પધરાવ્યું હોય તો કેવું સારું!” એટલું કહીને એ મોં પર ઓઢી ગયો. બન્ને ભાઈઓની આંખો શરમથી ઢળી પડી. તેમને લુણિગ પાસે પરાણે એની ઇચ્છા કહેવરાવવાનો પ્રશ્ચાત્તાપ થયો. આબુરાજ ઉપર વિમલ-વસહીના દેરામાં જિનપ્રભુની એક મૂર્તિ પધરાવવાની ઇચ્છા! લાખોપતિને જ શક્ય એવી એ ઇચ્છા, પૂરી રોટી પણ ન પામનારી માતાના પુત્રના હૃદયમાં! સૌ વિદ્યાર્થીઓની હાજરીમાં આપણે આ ઈચ્છાનું પ્રદર્શન મરતા ભાઈને મોઢે કેમ કરાવ્યું! ગરીબી તેમની સામે હસતી હતી. દુનિયાનું અટ્ટહાસ તેમને જાણે સંભળાતું હતું. મોં ઢાંકી ગયેલ ભાઈને એટલું પણ કહેવાની હિંમત ન રહી, કે અમે એ ઇચ્છાને પૂરી કરશું. હજારો દ્રમ્મનો ખર્ચ માગી લેતી એ ઇચ્છાને ઉચ્ચરી નાખ્યા પછી ઓઢી ગયેલા લુણિગને તેઓ બોલાવી શક્યા નહીં. ભાઈના મૃત્યુ-ખંડની બહાર ચાલ્યા જઈને બેઉ જણ છાને ખૂણે રડ્યા. રડતાં મોંને લૂછીને બેઉ ચૂપચાપ ઊભા હતા ત્યારે એમણે પોતાના સહગુરુ વિજયસેનસૂરિને કોઈક મહેમાનો જોડે આવતા જોયા. એક અજાણ્યા શ્રેષ્ઠી (શેઠ) અને શેઠાણી હતાં ને તેમની સાથે એક ચૌદેક વર્ષની કન્યા હતી. "કેમ, શું થયું છે?” વિજયસેનસૂરિએ છોકરાઓના ચહેરા પડી ગયેલા જોઈ પૂછ્યું. “ભાઈને મંદવાડ વધારે છે. વસ્તિગે જવાબ વાળ્યો. બધા બીમારના ખંડમાં પ્રવેશ્યા ત્યારે ગુરુ કુમારદેવે લુણિગના મોં પરથી ઓઢણું ખેસવી નાખ્યું હતું. લુણિગ છેલ્લી વાર ધરતીની રમ્યતાને પીતો પીતો હસી રહ્યો હતો. "ક્યાં ગયા બેઉ?” એણે પૂછ્યું, “આંહીં આવો, રડ્યા ને! હું ગમ્મત કરતો હતો તેમાં તો રડી પડ્યા!” "શું હતું?” વિજયસેનસૂરિએ પૂછ્યું. કુમારદેવે બધી વાત કરી. આબુના શિખર પર એક જ પ્રભુબિમ્બ પધરાવવાની વાત થતી હતી તે પેલા મહેમાનોની સાથે ચૌદ વર્ષની કન્યા ભાવભેર સાંભળતી સાંભળતી બીમારની પથારી નજીક આવી ગઈ હતી. એ કન્યાએ જે ઘડીએ જાણ્યું કે પેલા બે આ મરતા ભાઈના નાનેરા ભાઈઓ છે અને આ સ્વજનની છેલ્લી વહાલી ઉમેદને પહોંચી વળવાની અશક્તિથી રડેલા છે, તે ઘડીએ સ્વાભાવિકપણે જ એની નજર વસ્તિગ-તેજિગ તરફ વળી. બેઉએ એને નિહાળીને જોઈ. એનો વાન શામળો હતો. એ કન્યાને પાટણમાં કોઈ કદાચ રૂપાળી ન પણ કહે, પણ એનાં નેત્રોમાં ઊંડી ભદ્રતા હતી. મરતો લુણિગ તો થોડી વાર આબુ તરફ ને થોડી વાર એ કન્યા તરફ નજર માંડતો રહ્યો. "લુણિગ,” વિજયસેનસૂરિએ કહ્યું, “આ કુટુંબ આબુરાજથી જ ચાલ્યું આવે છે.” “અહોહો!” લુણિગે એ કન્યા તરફ મમતાભરી નજરે નિહાળ્યું: “તું બહેન! તું આબુરાજ જોઈ આવી? ઝરણાં વહે છે? ઝાડ લીલાંછમ છે? આકાશની વાદળીઓ આબુરાજની ખીણોમાં ને શૃંગો પર દોટાદોટ કરે છે ને?” કન્યાના મોં પર પણ આ શબ્દોની છાયા રમવા લાગી. એણે નીચે જોયું. “મારી નાની બહેનો છે ને!” લુણિગે ગરીબડા થઈને કહ્યું: “એણે આબુ દીઠો જ નથી. એક તો તારા જેવડી જ છે; બીજી બે પણ તારી સાથે રમે તેવડી છે.” “રમશે એ તો.” વિજયસેનસૂરિએ કહ્યું, “લુણિગ! આ ચંદ્રાવતીના ધરણિગ શેઠ શત્રુંજય જતાં રસ્તે મંડલિકપુર થતા જશે, ને માતાને, બહેનોને, સૌને મળશે.” “તો તો, બહેન! તું એ સર્વને કહેજે, કે લુણિગે ખમાવ્યાં છે. વયજૂકાને કહેજે કે પેલી મારી આરસની શિલા હવે એ જ રાખે. વયજૂકાને એટલું કહેજે કે રડે નહીં ગાંડી! એ રડશે તો બાને કોણ છાનાં રાખશે?” "લુણિગ! વત્સ! વધુ બોલીને શક્તિ કાં ગુમાવો છો?” વિજયસેનસૂરિએ વાર્યો. "હવે તો પૂરું થયું. હવે મને સંથારો કરાવો, મને પૂર્ણ શાતા વળી. આબુરાજનાં નિવાસીઓ મળ્યાં ને માતાને તાજો જ સંદેશ દેનારાં મળ્યાં. બેવડો લાભ! એક બાજુ આબુરાજ, બીજી બાજુ મારી બાઃ બેઉને વંદના.” એમ કરી એણે હાથ જોડ્યા ને વિજયસેનસૂરિએ એને મરણાન્ત મૌનભર્યા ધ્યાનની બાધા આપી. એક સંસ્કારી આત્માની ચિરવિદાયની એ ગંભીર પળો, આકાશમાં ઊડતા પહેલાં સ્વજનોનાં નેહ-નીરે પાંખો ઝબોળી લેતી દેવચકલીઓ જેવી શોભી રહી. અને ભીંતની ઓથે માથાં ટેકવી ગયેલા બે ભાઈઓ તરફ જોતી એ ચંદ્રાવતીના ધરણિગ શેઠની કન્યા એમને છાના રાખવાની ગુપ્ત ઇચ્છાને માંડ માંડ ખાળતા એમની નજીક જઈ ઊભી હતી. એનું નામ અનોપ.