ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ગ્લાસ-રચના
ગ્લાસ-૨ચના
મનોજ ખંડેરિયા
અચાનક
હાથમાંથી ગ્લાસ પડી જતાં
ફૂટી જાય છે
અને ખૂટી જાય છે જાણે કે બધીયે વાત
વાત વગર તો ક્યાંય પણ ગમતું નથી
ગ્લાસનું નામ ગમવું નથી
તોય ગમતું નથી તે
ગ્લાસના ફૂટી જવા જેટલું જ નક્કર સત્ય છે
શક્ય છે કે
હુંય ફૂટી જાઉં?
ને ખૂટી જાય બધી વાત?
પણ મારું નામ ગ્લાસ નથી
હું હાથમાંથી પડી શકતો નથી
ટેબલ પરથી દડી શકતો નથી
કેમ કે હું હાથ છું
કેટલી સદીઓથી ટેબલ ઉપર
ગ્લાસની સામે પડેલો હાથ છું
ટેબલ પર ખીલે જડેલો હાથ છું
હું હાલીચાલી શકતો નથી
કે મ્હાલી શકતો નથી
મિત્રો સાથે
રવિવારની સરકતી સોનેરી સાંજ
મન તો
સરકે છે સાપની માફક
વીતેલા જન્મોના વિચારમાં
કે
અણકથી કથાઓના કેન્દ્રમાં
જીવ
ચકલીની જેમ ફફડાવે છે પાંખો
આ ખૂણેથી તે ખૂણે
પણ ક્યાંય ગમતું નથી
ગમવું ફૂટી ગયું છે ગ્લાસની જેમ
તૂટી ગયું છે કશુંક
ને ખૂટી ગયું છે જાણે કે બધું જ....