ગુજરાતી એકાંકીસંપદા/નરવાનર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નરવાનર
રમેશ શાહ
પાત્રો

નરેન્દ્ર
વનલીલા
ડૉક્ટર
વ્યક્તિ-૧
વ્યક્તિ-૨
સવિતા
ભક્ત
ચોપરા

(પ્રકાશ થાય ત્યારે સિંગલ સ્પૉટમાં ડૉક્ટર પ્રેક્ષકો સાથે વાત કરતા નજરે પડે.)

ડૉક્ટરઃ જરાક વિચિત્ર કિસ્સો છે. નરેન્દ્ર મારો મિત્ર. મારા ઘરની બાજુમાં રહે. એ ઇતિહાસનો પ્રોફેસર થયો અને હું થયો ડૉક્ટર. રોજ રાતે અમે અચૂક મળીએ. નાસ્તા-પાણી ચાલે ને સાથે ચર્ચાઓ પણ ચાલે. મને એની ચર્ચાઓમાં ખૂબ રસ પડે. કોઈ વાર એ ડાર્વિનના સિદ્ધાન્તને અવળો પુરવાર કરે, તો કોઈ વાર રામ કરતાં રાવણને મહાન સિદ્ધ કરે. એની પત્ની વનલીલા ઘણી વાર કંટાળીને કહે, ‘હવે થોડું કૉલેજના વિદ્યાર્થીઓ માટે રહેવા દો.’ એ ઘડીભર ચૂપ તો થાય, પણ થોડી જ વારમાં વ્યાખ્યાન ચાલુ… એની એક બીજી ખાસિયત, મેં એને કદી વાંચતાં જોયો નથી. હંમેશા ઘરઆંગણના બગીચામાં ખોદકામ કે સાફસૂફી કરતો જ હોય. કોઈ વાર આસોપાલવને નમાવીને નવડાવતો હોય, તો કોઈ વાર કોઈ વેલ માટે ટેકો ગોઠવતો હોય. એના ઘરની આસપાસ ભરચક ઝાડી! ક્યારેક વનલીલા ફરિયાદ કરે, ‘આ થોડી ડાળીઓ કપાવો તો ઘરમાં અજવાળું આવે.’ ત્યારે નરેન્દ્ર હસીને જવાબ આપતો, ‘આ તો વનલીલા છે. એના વૈભવને ઓછો કરાય? એના હાથ કપાય?’ વનલીલા હસીને ચૂપ થઈ જતી. હાં, તો હવે મૂળ વાત પર આવું. એક વાર બપોરે એ મારા દવાખાને આવ્યો.

(અંધકાર, Cut to scene, ૧)

દૃશ્ય ૧
સ્થળઃ ડૉક્ટરનું દવાખાનું.

(ડૉક્ટર એક દર્દીને તપાસી રહ્યા છે.)

ડૉક્ટરઃ આવ નરેન્દ્ર… કેમ અત્યારે?
તબિયત તો બરાબર છે ને?
નરેન્દ્રઃ તબિયત તો બરાબર છે, પણ…
ડૉક્ટરઃ તું બેસ. હું આ પેશન્ટ તપાસી લઉં, પછી નિરાંતે વાત કરીએ…

(નરેન્દ્ર બેસે છે, પેશન્ટ વિદાય થાય.)

ડૉક્ટરઃ હં, બોલ… કેમ આવવું પડ્યું?
નરેન્દ્રઃ (મૂંઝાતાં) સાલો એક પ્રોબ્લેમ થયો છે!
ડૉક્ટરઃ શો પ્રોબ્લેમ છે?
નરેન્દ્રઃ (પીઠથી નીચે હાથ ફેરવતાં) અહીં–
નીચે ગાંઠ જેવું લાગે છે…
ડૉક્ટરઃ હરસ-મસા થયા છે?
નરેન્દ્રઃ ના…ના… એવું નથી. એથી જરા ઉપર ગાંઠ થઈ છે, અહીં… આ તરફ…

(ટેબલ પર સુવાડી, ડૉક્ટર તપાસે–)

ડૉક્ટરઃ (દબાવતાં) અહીં દુખે છે? આ…?
નરેન્દ્રઃ ના…ના… મને જરાય દુખતું નથી. એટલે તો પ્રોબ્લેમ છે!
ડૉક્ટરઃ કોઈ પ્રોબ્લેમ નથી. હું એક ઑઇન્ટમેન્ટ લખી આપું છું. અઠવાડિયું લગાવી જો. ફેર નહિ પડે, તો કોઈ સર્જન પાસે ઑપરેટ કરાવી નાખીશું.
નરેન્દ્રઃ મને દુખતું નથી. પછી ઑપરેશનની શી જરૂર છે? આ તો વનલીલાએ મોકલ્યો, એટલે આવવું પડ્યું! એને આ ગમતું નથી.
ડૉક્ટરઃ એને ગમતું હોય એ જ કરવું, એમાં જ મજા છે…! (હસે છે.) ડૉન્ટ વરી. બધુ ઑલરાઇટ થઈ જશે… આવજે.

(નરેન્દ્ર જાય – અંધકાર થાય)

દૃશ્ય ૨

(નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ)

(નરેન્દ્ર અરીસા પાસે ઊભો રહી, ઈનશર્ટ કરે છે. અચાનક વનલીલાનું ધ્યાન એ તરફ જાય છે.)

વનલીલાઃ અરે, આ શું?
નરેન્દ્રઃ શું છે?
વનલીલાઃ આ ગાંઠ તો ખૂબ વધી ગઈ છે! બહુ ખરાબ લાગે છે!
નરેન્દ્રઃ ભલે લાગે. મને નડતી નથી!
વનલીલાઃ અરે, આવું સારું લાગતું હશે? જાઓ, તને દવાખાને જઈ આવો.
નરેન્દ્રઃ કૉલેજથી પાછો આવતાં જઈ આવીશ.
વનલીલાઃ ના, તમે અત્યારે જ ડૉક્ટરને બતાવી આવો. અને એ કહે તો આજે જ ઑપરેટ કરાવી નાખો.
નરેન્દ્રઃ વનલીલા, તું ઑપરેશનની વાત ન કરીશ. મને એ ગમતું જ નથી.
વનલીલાઃ અને મને આ ગમતું નથી. આજે રજા લઈને ઑપરેશન કરાવી નાખો…
નરેન્દ્રઃ તું બહુ જિદ્દી છે!
વનલીલાઃ તમે ઓછા જિદ્દી છો? મારી એક વાત માનો છો?
નરેન્દ્રઃ મેં તારી કઈ વાત ન માની?
વનલીલાઃ મારે ચર્ચા કરવી નથી. (મોં ચડાવી એક બાજુ બેસી જાય છે.)
નરેન્દ્રઃ (શોધતાં) સ્કૂટરની ચાવી ક્યાં છે? (વનલીલા જવાબ આપતી નથી.) તેં ચાવી જોઈ? (વનલીલા ચૂપ.) અચ્છા, હું અત્યારે જ ડૉક્ટર પાસે જાઉં છું. બસ…! ચાવી ક્યાં છે?
વનલીલાઃ પેલી ચોપડી પર પડી…
નરેન્દ્રઃ (ચાવી લેતાં) હં… હવે તો હસ…

(વનલીલા મલકે છે. અંધકાર)

(સ્પૉટ લાઇટમાં ડૉક્ટર ઊભા છે.)

ડૉક્ટરઃ ને નરેન્દ્રની લાંબી વધેલી ગાંઠનું ઑપરેશન થઈ ગયું. ત્યાર પછી નરેન્દ્ર મારે ત્યાં રાત્રે આવતો બંધ થઈ ગયો. એક વાર મેં વનલીલાને પૂછ્યું, ‘નરેન્દ્ર ક્યાં છે?’ વનલીલા કહે, ‘ત્યાં બગીચામાં ફરતા હશે. તમે એમને બોલાવી લાવો…’ હું એને ત્યાં બોલાવવા ગયો… (અંધકાર)
દૃશ્ય ૩
સ્થળઃ નરેન્દ્રના ઘરઆંગણનો બગીચો.

(આછા અંધારામાં નરેન્દ્ર એક વૃક્ષની આસપાસ ફરે છે. બેસે છે. ઝોકું ખાય છે. ડૉક્ટરની નજર એના પર પડે છે.)

ડૉક્ટરઃ અરે નરેન્દ્ર, તું અહીં શું કરે છે? (નરેન્દ્ર જવાબ આપતો નથી.) ઑપરેશન પછી તું બિલકુલ દેખાયો જ નહિ!
નરેન્દ્રઃ હા…
ડૉક્ટરઃ કેમ છે હવે? રાહત છે ને?
નરે્દ્રઃ હેં… હા… હા…
ડૉક્ટરઃ ચાલ મારે ત્યાં. તારી ભાભીએ મકાઈનો દાણો બનાવ્યો છે. તને ભાવે છે ને? ચાલ… બધાં ત્યાં તારી રાહ જુએ છે. (નરેન્દ્ર ત્યાંથી ખસી, બીજા વૃક્ષ પાછળ સંતાય છે.) અરે ચાલ ને… એમ બાળકની જેમ શી રમત માંડી છે! (હાથ પકડી ખેંચે છે.) ચાલ…

(નરેન્દ્ર થોડું ખેંચાતાં ચાલે. પછી હાથ છોડાવી, દૂરના વૃક્ષ પાછળ સંતાય. ડૉક્ટર આશ્ચર્ય-મૂંઝવણથી જોઈ રહે છે.)

(અંધકાર)

દૃશ્ય ૪
સ્થળઃ ડૉક્ટરનું દવાખાનું.

(નરેન્દ્રનો હાથ પકડી વનલીલા આવે છે.)

ડૉક્ટરઃ આવ નરેન્દ્ર… આવો ભાભી… શી વાત છે?
વનલીલાઃ (ગદ્‌ગદ થઈ) ડૉક્ટર… હવે કંઈક કરો. હવે તો દરદ વધતું જાય છે.
ડૉક્ટરઃ (હસીને) દરદ? અરે, આ તો એકદમ ઘોડા જેવો છે! ભાભી, હું એને બરાબર ઓળખું છું… આ તો નાટકિયો છે!
વનલીલાઃ ના ડૉક્ટર, આ નાટકવેડા નથી… આ તો કંઈક બીજું છે…!
ડૉક્ટરઃ પણ એના ચહેરા પર માંદગીનું એકેય નિશાન નથી.
વનલીલાઃ માંદગી હોત તો બળ્યું, ધૂળ નાખી! આ તો નથી સમજાતું કે નથી સહેવાતું!

(રડી પડે છે.)

ડૉક્ટરઃ ભાભી, તમે શાંત થાઓ અને મને પૂ્રી વાત કરો…
વનલીલાઃ પેલું ઑપરેશન તો સાવ ફેલ ગયું! ત્યાં ફરીથી ગાંઠ ફૂટી અને હવે તો ખાસ્સી વેંત જેટલી થઈ છે!

(વનલીલા ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડૉક્ટર પાણીનો ગ્લાસ લાવી, આપતાં)

ડૉક્ટરઃ ભાભી, એમ રડો નહિ, ધીરજ રાખો, બધું સારું થઈ જશે… હોં… નરેન્દ્ર, ચાલ, ત્યાં ટેબલ પર સૂઈ જા…

(ડૉક્ટર ટેબલ પાસે જાય, પણ નરેન્દ્ર ઊભો થતો નથી. બીજે જુએ છે.)

નરેન્દ્ર, ઊભો થા. અહીં આવ…
વનલીલાઃ ઊભા થાઓ ને… એમ બેસી શું રહ્યા છો?

(નરેન્દ્ર તાકતો બેસી રહે છે.)

જાઓ ને ભઈસા’બ… ડૉક્ટર બોલાવે છે… એમનું કહ્યું તો માનો…

(નરેન્દ્ર ઈધરઉધર જોયા કરે છે.) }}

ડૉક્ટરઃ નરેન્દ્ર, તું પ્રોફેસર થઈને આમ કરે છે? જરા સમજ. ચાલ આમ આવ…
વનલીલાઃ ઊભા થાઓ ને… આમ શું કરો છો?

(વનલીલા હાથ પકડવા જાય છે. નરેન્દ્ર કૂદીને દૂરની પાટલી પર ઊભો રહે છે.)

જોયું ને ડૉક્ટર? ઘરમાં પણ આખો દિવસ આમ જ કૂદકા મારે છે. કંઈ ને કંઈ તોડફોડ કર્યા કરે છે! (રડે છે.)
ડૉક્ટરઃ નરેન્દ્ર, કેમ ભાભીને હેરાન કરે છે? કંઈક તો બોલ… જવાબ આપ…
વનલીલાઃ (રડતાં) ડૉક્ટર, આ એમને શું થઈ ગયું? હવે તો કૉલેજ પણ જતા નથી! આમ જ મને રઝળાવી દેશે. (વધુ રડે છે.)
ડૉક્ટરઃ ભાભી! તમે રડો નહિ. હું મારા એક સર્જન-મિત્રની સલાહ લઈ જોઈશ. પછી આપણે શું કરવું તે વિચારીશું. અત્યારે તમે ઘેર જાઓ…
વનલીલાઃ હવે તો એ ઘરમાં ક્યાં રહે છે? આખો દિવસ ઝાડ પર બેસી રહે છે. રાતે ઊઠીને ઝાડ પર ઊંઘી જાય છે. (રડે છે.)
ડૉક્ટરઃ બી કામ… ભાભી… તમે રડશો નહિ. અત્યારે તમે એને લઈને ઘેર જાઓ. હું કોઈ ઉપાય વિચારી જોઈશ… હં… ધીરજ રાખજો… આવજો…

(વનલીલા આંખ લૂછે છે. નરેન્દ્રનો હાથ પકડી બહાર જાય છે. Fade out)

દૃશ્ય ૫
સ્થળઃ નરેન્દ્રના ઘરનો ભાગ – રસોડું

(નરેન્દ્ર હાથમાં બરણી લઈ પછાડે છે.)

વનલીલાઃ અરે, આ શું કરો છો? તમે આ બરણી તોડી નાખી?

(નરેન્દ્ર દાંતિયું કરે છે.)

ત્યાં ટબલ પર શાંતિથી બેસો.

(નરેન્દ્ર કૂદકો મારી ટેબલ પર ઊભો રહે છે.)

ચાલો, નીચે ઊતરો… કહું છું બેસી જાઓ.
(ગુસ્સાથી) કહ્યું ને કે અહીં બેસી જાઓ…
(નરેન્દ્ર ટેબલ પર ઊભા પગે બેસે છે.) હં, હવે કેવા ડાહ્યા લાગો છો!

(વનલીલા બીજા રૂમમાં જાય છે. નરેન્દ્ર ઊભો થઈ, બીજી બરણી લે છે, વનલીલા આવે છે.)

વનલીલાઃ પાછી બરણી લીધી? લાવો બરણી…

(નરેન્દ્ર કૂદીને ઊંચા લેવલ પર (ફ્રિઝ) ઊભો રહે છે. ત્યાંથી બીજા ઊંચા ભાગ તરફ કૂદે છે. વનલીલા પાછળ દોડે છે.)

વનલીલાઃ લાવો બરણી… આમ દોડો નહિ… બરણી તૂટી જશે! લાવો બરણી…

(નરેન્દ્ર બરણી જમીન પર ફેંકે છે. બેત્રણ કાચનાં કપ-રકાબી લઈ જમીન પર પછાડે છે.)

વનલીલાઃ અરેરે… (રડતાં) તમને શું થઈ ગયું છે? (બારણા તરફ જઈ બૂમ પાડતાં) ડૉક્ટર… ડૉક્ટર… જલદી આવો.. આ તમારા ભાઈ ખૂબ તોફાન કરે છે!

(ડૉક્ટર હાથમાં ટ્રૂથબ્રશ લઈ આવે છે.)

ડૉક્ટરઃ શું થયું ભાભી?
વનલીલાઃ મારાં કરમ ફૂટી ગયાં…! (રડતાં) જુઓ આ એમના ચાળા…!

(ડૉક્ટર નરેન્દ્રને જોઈ રહે છે. નરેન્દ્ર હાથમાં મૂળો લઈ ચાવતો ઊંચે બેઠો છે.)

ડૉક્ટરઃ (ગુસ્સાથી) નરેન્દ્ર, આ બધું શું માંડ્યું છે? ચાલ, નીચે ઊતર…

(નરેન્દ્ર દાંતિયું કરે છે.)

વનલીલાઃ બસ આમ જ કર્યા કરે છે આખો દિવસ… કાલે હું એમના હાથમાંથી અરીસો લેવા ગઈ, તો જુઓ, આ હાથે બચકું ભરી લીધું! હવે મારાથી નથી સહેવાતું… (રડી પડે છે.)
ડૉક્ટરઃ ભાભી, હું તમારું દુઃખ સમજું છું. હું મેન્ટલ હૉસ્પિટલમાં ફોન કરું છું. એને થોડા દિવસ ત્યાં રાખી જોઈએ. (ફોન જોડતાં) હલો, ડૉક્ટર શર્મા… ડૉ. પંડ્યા સ્પીકિંગ… માય વન પેશન્ટ ઈઝ વેરી સીરિયસ… હી મસ્ટ બી એડ્‌મિટેડ ઇમિડિયેટલી… યસ… યસ… આઈ ડૉન્ટ થિંક હી ઈઝ મેડ, બટ હિઝ બીહેવિયર ઈઝ નોટ નોર્મલ… યસ… પ્લીઝ સેન્ડ એમ્બ્યુલન્સ ટુ માય રેસિડન્સ. યસ… થૅન્ક્સ… બાય. (ફોન મૂકે છે.) ભાભી, હમણાં જ એમ્બ્યુલન્સ આવે છે. થોડા દિવસ એને મેન્ટલમાં રાખીશું, એટલે બિલકુલ સાજો થઈ જશે… એમ્બ્યુલન્સ આવે એટલે હું આવું છું.

(ડૉક્ટર જાય છે. વનલીલા નરેન્દ્ર તરફ જુએ છે. નરેન્દ્ર નિરાંતે કશુંક ચાવતો બેઠો છે. પ્રકાશ ઝાંખો થઈ અંધકાર થાય.)

દૃશ્ય ૬
સ્થળઃ નરેન્દ્રના ઘરનો ડ્રોઇંગરૂમ

(વનલીલા સોફામાં બેઠી છે.)

વ્યક્તિ-૧: ભાભી, કેમ છે હવે નરેન્દ્રભાઈને?
વનલીલાઃ ઠીક છે.
વ્યક્તિ-૨: કંઈ સુધારા જેવું લાગે છે?
વનલીલાઃ છે એવું ને એવું છે!
વ્યક્તિ-૧: ડૉક્ટર શું કહે છે?
વનલીલાઃ ડૉક્ટરોનેય કશું સમજાતું નથી! પછી એ બિચારાય શું ઇલાજ કરે?
વ્યક્તિ-૨: નરેન્દ્રભાઈ અત્યારે ક્યાં છે?
વનલીલાઃ અંદર… માળિયામાં…
વ્યક્તિ-૧: હેં માળિયા ઉપર… એ કંઈ ખાય છે, પીએ છે?
વનલીલાઃ (આર્દ્ર) મન થાય તો ખાય-પીવે – કંઈ બોલતા નથી, (આંખ લૂછતાં) કંઈ માગે તો આપણે આપીએ ને? એમનેય દુઃખ તો થતું હશે… પણ શું કરે?
વ્યક્તિ-૨: હાસ્તો… મન કાઠું રાખજો… બીજું તો શું થાય?
વ્યક્તિ-૧: અંદર જઈ અમે મળી લઈએ?
વનલીલાઃ હવે મળો, ન મળો બધું સરખું જ છે, એ ક્યાં કોઈને ઓળખે છે?

(એક મોટી ઉંમરની વ્યક્તિ આવે છે.)

વ્યક્તિ-૩: ક્યાં ગયો નરેન્દ્ર? કેમ છે હવે એને?
વનલીલાઃ (માથે ઓઢતાં) એ અંદર છે.
વ્યક્તિ-૧: માળિયા ઉપર…

(વ્યક્તિ-૩ અંદર જઈ પાછી આવે છે.)

વ્યક્તિ-૩: હં… જો વનુ, બધા દિવસો સરખા નથી હોતા… બહુ ચિંતા ના કરીશ. દુઃખનું ઓસડ દા’ડા… કંઈ કામ પડે તો કે’વડાવજે… ચાલ જાઉં… હજી તો મારે બૅન્કમાં જવાનું છે… આવજે…

(વ્યક્તિ-૩ જાય છે.)

વ્યક્તિ-૧-૨: ધીરજ રાખજો.. અમેય જઈએ…

(વ્યક્તિ-૧ અને ૨ જાય છે. બે સ્ત્રીઓ આવે છે. બેસે છે. ધીમે ધીમે પ્રકાશ ઝાંખો થાય છે.)

દૃશ્ય ૭
સ્થળઃ નરેન્દ્રના ઘરનો સજાવેલો વિશાળ રૂમ.

(ટેકરીઓ અથવા ઊંચાં-નીચાં લેવલ્સ. એક-બે કૃત્રિમ વૃક્ષો, કૃત્રિમ ઝરણું, ફૂલછોડનાં કૂંડાં. પક્ષીઓના વિવધ અવાજો સંભળાય છે. નરેન્દ્ર ચડ્ડી પહેરી એક ઊંચા લેવલે બેઠો છે. વનલીલા એક તરફ ઊભી ઊભી સૂચનાઓ આપે છે. વિંગ તરફની ખુરસીઓમાં પ્રેક્ષકો ખેલ જોઈ રહ્યા છે.) }}

વનલીલાઃ સવિતા, બીજા થોડા માણસને અંદર આવવા દે. હજી ચાર-પાંચ ખુરસીઓ ખાલી છે.
સવિતાઃ જી બહેન… (બહાર જાય. થોડા લોકો આવી ખુરસીઓમાં બેસે.)
વનલીલાઃ (નરેન્દ્રને) એય… અહીં આવ, આ ખુરસીમાં બેસ… (નરેન્દ્ર તેમ કરે.) હં, લે આ ચશ્માં પહેર… બરાબર… હવે માણસની જેમ છાપું વાંચ… (નરેન્દ્ર વાંચવાનો અભિનય કરે.) ગુડ… લે હવે આ સિગારેટ પી… (વનલીલા દીવાસળીથી સિગરેટ સળગાવે – નરેન્દ્ર પીએ – પ્રેક્ષકો તાળીઓ પાડે.) વેરી ગુડ… લે કાંસકો.. માણસની જેમ વાળ હોળ. ફાઇન… લે આ પેન અને નોટબુક… કાગળ લખ… કોને લખીશ? તારી પત્નીને ને…? (નરેન્દ્ર હકારમાં ડોકું હલાવે. પ્રેક્ષકોમાં હાસ્ય) હવે… લે આ બેટ… હું દડો નાખું છું… તું છગ્ગો લગાવજે… (નરેન્દ્ર દડાને છગ્ગો લગાવવાનો અભિનય કરે… પ્રેક્ષકો તાળીઓ પાાડે. બેત્રણ ભક્તજનો પ્રવેશે છે.)
ભક્તઃ જય બજરંગ બલિ… તોડ દુશ્મનકી ગલી…

(નાળિયેર મૂકે તથા તેલ ભરેલું ડોલચું વનલીલાને આપે. બીજો ભક્ત સ્તવન ગાય.)

ભક્તઃ મનોજવંમારુત્તુલ્ય વેગમ્
જિતેન્દ્રીયં બુદ્ધિમતાં વરિષ્ઠમ્ ।
વાતાત્મજં વાનરદૂત મુખ્યં
શ્રીરામ દૂતં શરણં પ્રપદ્યે ।।

(ત્યાં મૂકેલી થાળીમાં ભક્તો ભેટ મૂકે છે.)

સવિતાઃ બહેન, બહાર બહુ ગીર્દી છે. લોકો અંદર આવવા ધમાલ કરે છે.
વનલીલાઃ એ બધાને કહે કે લાઇનમાં ઊભા રહી, એક પછી એક ટિકિટ લઈ અંદર આવે… આજથી તારી મદદમાં બીજી બે બહેનો મૂકું છું… તું જા અને ઘંટ વગાડ… આ ખેલ અહીં પૂરો થાય છે.

(સવિતા જાય… ઘંટ વાગે… અંધકાર)

દૃશ્ય ૮
સ્થળઃ વનલીલાનો સજ્જ ઓરડો.

(વનલીલા હોઠ પર લિપસ્ટિક લગાવતી બેઠી છે. એક પ્રોડ્યૂસર બ્રીફકેસ સાથે પ્રવેશે છે.)

વનલીલાઃ આવો… (મેકઅપ ચાલુ)
ચોપરાઃ મેં બલરામ ચૌપરા.
વનલીલાઃ (બધું મૂકી, એકદમ ઊભી થાય.)
અચ્છા, આપ ચૌપરાજી… આઈએ આઈએ… બૈઠિયે. (બેસે છે.) આપકા ખત મિલા થા… (આતુરતા) કહીએ…
ચોપરાઃ આપકે ઈસ બન્દર કો લેકે, મૈં એક બઢિયા ફિલ્મ બનાના ચાહતા હૂં. મૈં માનતા હું વનલીલાજી, આપકો કોઈ એતરાઝ નહીં હૈ…
વનલીલાઃ (હસીને) જી… મુઝે ક્યા એતરાઝ હો સકતા હૈ? જરૂર આપ ફિલ્મ બનાઈએ… વૈસે તો આપકા નામ ભી ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ મેં બહુત બડા હૈ!
ચોપરાઃ હં, વો તો ઠીક હૈ… હમારા લેખક મહાશય યહાં દસ-પંદર દિન બન્દર કે સાથ રહેગા… બાદ મેં સ્ક્રિપ્ટ લિખેગા… ઠીક હૈ ને?
વનલીલાઃ નો પ્રોબ્લેમ… હી કેન સ્ટે હીઅર… ઔર ચૌપરાજી… લેખક મહાશય કો બતાના, કિ મેરા ભી અચ્છા સા રોલ લિખ દે…
ચોપરાઃ વનલીલાજી… યે કોઈ કહને કી બાત હૈ? આપ જરૂર રોલ કરના… હાં.. તો મુહૂર્ત શૉટ આપ કે ઘરસે હિ લેંગે… ઠીક હૈ?
વનલીલાઃ જરૂર.. યે બડી આનંદ કી બાત હૈ… (થોડી વાર પછી) ચોપરાજી, હમ એમાઉન્ટ ફિક્સ કરે લે?
ચોપરાઃ હાં, હાં… ક્યોં નહીં? બન્દર કો પૂરી ફિલ્મમેં કામ કરને કા હમ દસ લાખ રૂપયા દેંગે… ચલેગા?
વનલીલાઃ (મુગ્ધ થઈ) હાં.. હાં… ઠીક હૈ…
ચોપરાઃ ઔર સ્ક્રિપ્ટ લિખને કે બાદ આપકા એમાઉન્ટ ફિક્સ કરેંગે…
વનલીલાઃ નો પ્રોબ્લેમ … મુઝે મંજૂર હૈ…
ચોપરાઃ (બ્રીફકેસમાંથી ચેકબુક કાઢી લખે.)
યે એક લાખ રૂપયા કા ચેક… સાઇનિંગ એમાઉન્ટ… ઠીક હૈ?
વનલીલાઃ ઓ.કે… ફાઇન… ઍન્ડ થૅન્ક્સ…
ચોપરાઃ વનલીલાજી… તો મૈં ચલું… હમારા લેખક મિ. ભટ્ટાચાર્ય યે પંદ્રહ તારીખ કો આ જાયેગે… અચ્છા બાય… સી યૂ…
વનલીલાઃ બાય… સી યૂ…

(વનલીલા છેક બારણા સુધી વળાવવા જાય. ચેકને જુએ – મલકે તથા આછું ચુંબન કરે… પાછળથી નરેન્દ્ર આવે છે. વનલીલાની છેક નજીક જઈ હળવી ટપલી મારે છે.)

નરેન્દ્રઃ વનલીલા…
વનલીલાઃ (ચમકીને) હેં… તમે બોલ્યા? તમે… તમે… અહીં કેમ આવ્યા?
નરેન્દ્રઃ મન થયું…
વનલીલાઃ પણ તમારા ઓરડાની જાળી કોણે ખોલી?
નરેન્દ્રઃ મેં… મેં જાતે ખોલી…
વનલીલાઃ પણ… તમને ડા’પણ કરવાનું કોણે કહ્યું’તું? જાઓ… તમારા ઓરડામાં જાઓ…
નરેન્દ્રઃ મને ત્યાં નથી ગમતું…
વનલીલાઃ મેં કહ્યું ને જાઓ… ત્યાં તમારી જગાએ જઈને બેસો…
નરેન્દ્રઃ પણ…
વનલીલાઃ તમે વાનર છો…
નરેન્દ્રઃ હું નરેન્દ્ર… તું વનલીલા…
વનલીલાઃ ના… તમે નરેન્દ્ર નથી, પણ વાનર છો, સમજ્યા? તમારે કશું બોલવાનું નહિ… હું કહું એ પ્રમાણે જ કરવાનું, સમજ્યા? અને યાદ રાખવાનું કે તમે વાનર છો… ચાલો અંદર… થોડી વાર પછી ખેલનો સમય થશે…!

(વનલીલા નરેન્દ્રનો હાથ પકડી અંદર લઈ જાય છે. અંધકાર)

દૃશ્ય ૯
સ્થળઃ મુખ્ય ઓરડો

(નરેન્દ્રે પેન્ટ પહેર્યું છે તથા શર્ટ પહેરી રહ્યો છે. વનલીલા આવી શર્ટ ઝૂંટવી લે છે.)

વનલીલાઃ આ શું કરો છો?
નરેન્દ્રઃ કપડાં પહેરું છું.
વનલીલાઃ તમને કોણે આ કપડાં પહેરવાનું કહ્યું? ચાલો, બહારના ઓરડામાં. શોનો સમય થઈ ગયો છે!
નરેન્દ્રઃ ભલે થઈ ગયો… હું નથી આવવાનો…
વનલીલાઃ હું પૂછું છું કે થોડા દિવસથી તમને શું થઈ ગયું છે?
નરેન્દ્રઃ તને શું લાગે છે?
વનલીલાઃ મને તો ગાંડપણ લાગે છે! આ પેન્ટ કાઢી, તમારી ચડ્ડી પહેરી લો…
નરેન્દ્રઃ હં…, પહેલાં વાંદરો બનાવ્યો, હવે ગાંડો? પણ હવે હું તારી વાત માનવાનો નથી…
વનલીલાઃ (લાડથી મનાવતાં) આમ શું કરો છો? ચાલો, ખેલનો સમય થઈ ગયો છે…!
નરેન્દ્રઃ પ્લીઝ વનલીલા… જરા સમજ, હું પ્રોફેસર છું. મારે કૉલેજ જવું છે. ત્યાં વિદ્યાર્થીઓને ભણાવવા છે, પુસ્તકો વાંચવાં છે, મિત્રોને મળવું છે… ખૂબ હરવુંફરવું છે… પ્લીઝ…
વનલીલાઃ (ખડખડાટ હસે છે.) તમને હવે પ્રોફેસર કોણ ગણશે? તમારી સાથે કોણ મિત્રતા રાખશે? અને વિદ્યાર્થીઓ તમને બંદર કહી હાંસી ઉડાવશે. માટે અત્યારે જે છો, એ જ ઠીક છો… તમે હવે વાનર જ છો.!
નરેન્દ્રઃ મારે વાનર રહેવું નથી… વનલીલા તેં જ મને વાનર બનાવી દીધો!
વનલીલાઃ અરે, તમે વાનર ન બનો, એ માટે મેં કેટકેટલા ઉપાય કર્યા! પૂછો તમારા ડૉક્ટરને…
નરેન્દ્રઃ એ ડૉક્ટર અહીં કેમ આવતો નથી?
વનલીલાઃ કારણ કે માણસનો ડૉક્ટર છે! (ખામોશી) બોલો, હવે કંઈ પૂછવું છે?
નરેન્દ્રઃ એક વાત પૂછું, વનલીલા?
વનલીલાઃ પૂછી લો.
નરેન્દ્રઃ હું તારો વર નથી?
(વનલીલા જોઈ રહે છે.) જવાબ આપ, વનલીલા…
વનલીલાઃ એક વાર ફિલ્મ બની જવા દો પછી હું જવાબ આપીશ…
નરેન્દ્રઃ ના વનલીલા… મને જવાબ આપ.. હું તારો પતિ છું. મારે કોઈ ફિલ્મમાં કામ કરવું નથી. મારી માંદગીનો તમે લોકો ગેરલાભ ઉઠાવવા માગો છો?
વનલીલાઃ હું તો આપણા લાભની વાત કરું છું. તમને કીર્તિ મળશે… પૈસા મળશે… એ કેટલો મોટો લાભ છે? માટે ફિલ્મ બની ન જાય, ત્યાં સુધી તમારે વાનર જ રહેવાનું છે!
નરેન્દ્રઃ પણ…
વનલીલાઃ મારે તમારી સાથે હવે વધારે જીભાજોડી કરવી નથી. આ કપડાં ઉતારી, ચડ્ડી પહેરી લો અને ખેલ માટે તૈયાર થઈ જાઓ…
નરેન્દ્રઃ અને ન થાઉં તો?
વનલીલાઃ થોડા દિવસથી તમારા ચાળા વધ્યા છે, એટલે તમે તોફાન ન કરો માટે મેં બે બોડીગાર્ડ્ઝ રાખ્યા છે. હવે ઝટ ડાહ્યા થઈ, હું કહું એમ કરો.
નરેન્દ્રઃ એટલે મારે તારા કેદી રહેવાનું છે? હું તારો ગુલામ નથી…
વનલીલાઃ તમે સીધી રીતે નહિ માનો… ભૈયાજી… (હાથમાં દંડો તથા સાંકળ લઈ બે અલમસ્ત ભૈયાજી આવે છે.) આ… (ખચકાઈને) આ… વાનરને અંદર લઈ જાઓ… અને તોફાન કરે તો સાંકળે બાંધી દેજો…!

(બન્ને ભૈયાજી નજીક જાય છે.)

નરેન્દ્રઃ હું તારું કહ્યું નથી કરવાનો… વનલીલા… તારાથી થાય તે કરી લેજે.
(વનલીલા ઇશારો કરે. ભૈયાજી નરેન્દ્રને પકડે છે.) વનલીલા… હું તારો વર છું… માણસ છું… તારો ગુલામ નથી… નથી… (દરમ્યાન બન્ને ભૈયાજી નરેન્દ્રને પકડી-ઘસડી અંદર લઈ જાય છે. પ્રકાશ ધીમે ધીમે ઝાંખો થાય છે.)

(સફળ એકાંકીઓ)