ગુજરાતી એકાંકીસંપદા/મા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મા
ચન્દ્રવદન મહેતા
પાત્રો
ડૉક્ટર, નરેન, ભૂધર, નર્સ, શીલા


(પડદો ખૂલતાં ડૉક્ટર, મહેશના ખાટલા આગળ નરેનની પીઠ ઉપર હાથ ફેરવતા, એને પ્રેક્ષક તરફ ફેરવી બંને ધીમે ધીમે આગળ આવે છે. એ જ વખતે બાજુમાં, ખૂણામાં શીલાબહેન પાણી પીતાં, પીને, ગ્લાસ પાસેની ટિપાઈ પર મૂકી બાજુની ખુરશી ઉપર બેસતાં જણાય છે.)

ડૉક્ટર : જુઓ નરેનભાઈ! હવે તમારે હિંમત રાખી બધાંને દિલાસો આપવાનો છે, ઘરનો ભાર ઊંચકી લેવાનો છે, બધાંને જાળવી લેવાનાં છે. આપણો ત્યાં ઉપાય જ નહીં.
નરેન : બધું ખલાસ ડૉક્ટર! હવે કંઈ આશા નથી?
ડૉક્ટર : જે બનવાનું હતું તે બન્યું. ઈશ્વરની મરજી. હવે તમારે બાની સંભાળ રાખવાની છે.
ભૂધર : ડૉક્ટરસાહેબ!
ડૉક્ટર : ભૂધર, તેં મહેશભાઈની બહુ ચાકરી કરી. કોઈએ કશું જ બાકી રાખ્યું નથી. ચાલ, ટટ્ટાર થઈ જા અને હિંમત રાખ. હવે તારે પણ બાઈસાહેબનો વિચાર રાખવાનો છે… શીલાબહેન કયા શબ્દે હું તમને આશ્વાસન આપું? પહાડ જેવો દીકરો ગુજરી જાય, એનું દુઃખ હું સમજું છું. પણ… પણ… શીલાબહેન! તમે તો બહુ કર્યું પણ ઈશ્વરે સામું ન જોયું. જેવી જેની મરજી. રોગ જ જ્યાં જીવલેણ, ત્યાં શો ઉપાય? ના શીલાબહેન! તમે એમ મૂંગાં બેસી ન રહો. કંઈ બોલો, રડી લ્યો, મનમાં ને મનમાં દુઃખ સમાવી લેશો તો…

(બીજી બાજુ નર્સ દવા, બાટલી, ટેબલ વગેરે ઠીકઠાક કરતી હોય છે. એનું ડૂસકું સંભળાય છે.)

સિસ્ટર, જરા હિંમત રાખો. દર્દી માટે સતત આટલી કાળજી લેતાં તો મેં ભાગ્યે જ બીજી કોઈ સિસ્ટર જોઈ હશે, તમને ધન્યવાદ. નાનપણથી તમને કેળવી ત્યારથી જ તમારી ફરજ તમે બરાબર સમજતાં હતાં. તમારી મહેનત સફળ થઈ હોત તો એથી રૂડું શું…? પણ હવે શું થાય? શીલાબહેનને હવે તમારે જાળવવાનાં છે. શાંત થાઓ અને મક્કમ મન કરો… નરેન! આખરે તો તારે બધું કરવું પડશે. છાતી કઠણ કરી… જેને હવે ખબર આપવાની હોય એને આપી દે… શીલાબહેન, હું રજા લઉં છું અને પછી આવી પહોંચું છું.
ડૉક્ટર : ઠીક, નરેન! (બંને છેડા સુધી જાય છે ત્યારે)
નર્સ : ડૉક્ટર! ડેથ સર્ટિફાઈ કોણ કરશે?
ડૉક્ટર : અરે હાં, લાવો, હું જ લખી આપું.
નર્સ : અને તમે શું કારણ લખશો?
ડૉક્ટર : કેમ? ડેથ, નૅચરલ, કૅન્સર, ફેલ્યોર ઑફ ધ હાર્ટ.
નર્સ : માફ કરજો, પણ હું એના ઉપર સહી નહીં કરું.
ડૉક્ટર : કેમ, વળી શું છે?
નર્સ : ડૉક્ટર!
ડૉક્ટર : સિસ્ટર! શું છે, બોલો?
નર્સ : ડૉક્ટર! મરનારના શરીરની પૂરતી તપાસ થવી જરૂરી છે.
ડૉક્ટર : એટલે… નર્સ! તમે શું કહેવા માંગો છો?
નર્સ : માફ કરો, પણ હું નર્સ છું અને હું મારી ફરજ બજાવવા માંગું છું.
ડૉક્ટર : પણ કાંઈ કારણ? તમને શંકા આવે છે?
નર્સ : હા, મને મરણ વિષે શંકા… ના શંકા નહીં ખાતરી છે.
ડૉક્ટર : કે…
નર્સ : એ કુદરતી રીતે થયેલું મોત નથી.
ડૉક્ટર : સિસ્ટર! તમેય શું? કેવી રીતે વાત કરો છો?… દર્દીની હાલત તો તમે જાણતાં હતાં. કૅન્સરે શરીરને કોતરી ખાધું હતું અને તપાસ કરાવવાથી વધારે શું?
નર્સ : મારે ખરી હકીકત જાણવી છે. મારો એ હક્ક છે, એટલે હું સહી કરવાની ના પાડું છું.
ડૉક્ટર : ઠીક. તમે સહી નહીં કરતાં. મારું એકલાનું સર્ટિફિકેટ ચાલશે.
નર્સ : તો હું પોલીસને ખબર આપીશ.
ડૉક્ટર : સિસ્ટર! તમે આ શું બોલો છો? તમે કોના પર શંકા લાવો છો? તમારી પાસે કંઈ પુરાવો પણ છે કે…
નર્સ : હા.
ડૉક્ટર : ઓ… એમ શું છે?
નર્સ : ગઈ કાલે રાતે મેં છેલ્લી નાડી તપાસી હતી. દર્દીની હાલત ત્યારે બરાબર હતી. એમાં એકાએક હાર્ટ બંધ પડે એવું કાંઈ જ કારણ ન હતું.
ડૉક્ટર : હાર્ટ તો ગમે ત્યારે બંધ પડે… એકાએક પણ…
નર્સ : મેં એને ઊંઘવાની ગોળી આપી હતી–બરાબર દસ વાગ્યે. હું પાછી રાતે બે વાગ્યે ખબર કાઢું છું તો બાટલીમાં બીજી દસ ગોળી ઓછી હતી. આ ગોળીઓ હું ગણીને રાખું છું, એ તો તમને ખબર છે, અને…
ડૉક્ટર : અને…
નર્સ : અને ગોળીની શીશી દર્દીની પાસેના ટેબલ પર પડી હતી. હજી પણ ત્યાં જ છે… એને હું અડી નથી. દર્દી રાતે ઊઠીને કબાટમાંથી ગોળી શોધી લે એમ તો તમે નહીં જ માનો. એને એકાએક જડે પણ નહીં…
ડૉક્ટર : તમે કદાચ અહીં ભૂલી ગયાં હો.
નર્સ : તમે જાણો છો કે હું મારા કામમાં ખૂબ જ ચોક્કસ છું. શીશી દર્દીની પાસે રાખું એવી હું બેદરકાર તો નથી જ.
ડૉક્ટર : ઠીક, તો તમને કોના પર શંકા આવે છે?
નર્સ : એ શોધવાનું કામ મારું નથી.
ડૉક્ટર : ત્યારે તમે કરવા શું માંગો છો?
નર્સ : કંઈ જ નહીં, ડૉક્ટર, ફક્ત ખરી હકીકત શી છે તે જ જાણવાની મારી સ્વાભાવિક જિજ્ઞાસા છે. મારી ફરજનું મને ભાન છે. ગોળી આપનાર છટકી જાય તો એનો ચણચણાટ છે.
ડૉક્ટર : પણ ધારો કે તમારી શંકા ખરી હોય તો ગોળી આપનાર બાટલી અહીં તો રાખી જ ન મૂકે! મરનારની ઇચ્છા વિના તો એ ગોળી ન જ લે.
નર્સ : આપનારમાં એટલી આવડત ઓછી પણ હોય.
ડૉક્ટર : પણ લેનારની મરજી વિષે શું?
નર્સ : લેનારને પટાવવામાં આવ્યું હોય… એને જૂઠું કહી છેતરવામાં આવ્યું હોય… ના ડૉક્ટર! એવા વિચારો હું નથી કરતી. મારી ફરજ તો હકીકત છે તે તરફ તમારું ધ્યાન ખેંચવાની છે અને એમાં હવે સત્ય શું છે તે જાણવાની છે.
ડૉક્ટર : દવાની બાટલીઓનું કબાટ ખુલ્લું જ રહે છે, એને ચાવી જ નથી.
નર્સ : ના રાખવી જોઈએ. પણ સાધારણ રીતે આપણે અહીં નથી રાખતાં એ તો તમે જાણો છો.
ડૉક્ટર : રાતના દસ અને બેની વચ્ચે કોઈ દરદીની પાસે આવી ગયું હોય એમ તમે કહો છો?
નર્સ : એવી મને શંકા છે.
ડૉક્ટર : ભૂધર! તું આટલા વરસથી ઘરમાં કામ કરે છે. તારે આ બાબતમાં કહેવાનું છે? તેં રાતે કોઈને બહારથી આવતાં જોયાં?
ભૂધર : ડૉક્ટરસાહેબ! આ તો ભારે થઈ કહેવાય… દાઝ્યા પર ડામ…! ભાઈને તો મેં જનમથી ઉછેર્યા છે. ભાઈનો વાળ વાંકો કરવા કોઈ અમથુંય આવી ચઢે તો એનો ટાંટિયો ભાંગી નાંખું. રાતે તો કોઈ આવ્યું નથી.બહારની આખી રાતની મારી ચોકી સાબૂદ. ઓ ભગવાન! આ તો ભારે થઈ.
ડૉક્ટર : કાલે રાતે ચોકી પર તું જ હતો?
ભૂધર : ચાર દી પહેલાં ભાઈ દુખે રડતા હતા તે રાતનો હું જરીકે સૂતો નથી. મને તો કાંઈ સમજાતું નથી, ડૉક્ટરસાહેબ!
નરેન : સિસ્ટર! તમે તો ભારે કરી. ઘરના માણસોને તો તમે ઓળખો છો. નોકરમાં રાતે ભૂધર, બહારનો બહાર, એ અહીં ફરકતો નથી. ત્યારે તને… તમને શું મારા પર શંકા આવે છે?
નર્સ : મને મરણ વિષે શંકા આવે છે. હું એની તપાસ કરાવવા માગું છું.
નરેન : અને બને તો એ ખટલામાં મને સંડોવી હેરાન કરવાનો ઇરાદો સેવો છો?
નર્સ : હું તમને શા માટે હેરાન કરવાનો ઇરાદો રાખું, નરેનભાઈ! મને અમુક જણ ઉપર શંકા નથી આવતી. મરણ કુદરતી રીતે નથી થયું એટલે જ ખરી હકીકત શી છે તે જાણવા આ કેસ પોલીસને સોંપવા માંગું છું.
નરેન : તમે મારા ઉપર વેર લેવા માંગો છો?
નર્સ : હું શા માટે તમારા ઉપર વેર લઉં?
નરેન : કારણ… કારણ… એ કારણો ચર્ચવાની આ જગ્યા નથી.
નર્સ : મારે જાણવું છે.
નરેન : તારે બધું જ જાણવું છે?
નર્સ : હા, તમે ખોટા ખ્યાલો કરો છો.
નરેન : મેં તમને પરણવા માટે વારંવાર આગ્રહ કર્યા કર્યો છે. તમે ના કહ્યા કરતાં અને છતાં છતાં…
નર્સ : તમે મને પૂછ્યા કરતા, એમાં મારે વેર લેવા જેવું શું છે?
નરેન : ના, બાબત એટલેથી અટકતી નહીં હોય!
નર્સ : એટલે?
નરેન : તમે જાણો છો કે તમે જે રીતે મહેશભાઈની સારવાર કરતાં હતાં, તે મને પસંદ નહોતી.
નર્સ : હું રીતસરની બને એટલી કાળજી લઈ સારવાર કરતી હતી. ત્યાં ગફલત ન થાય એની કાળજી રાખતી હતી.
નરેન : તમે વધારે પડતી કાળજી રાખતાં હતાં.
નર્સ : એટલે તમને અદેખાઈ આવતી હતી.
નરેન : સિસ્ટર!
નર્સ : એટલે તમને મારી સારવાર પસંદ નહોતી?
નરેન : મને તમારી રીતભાત પસંદ નહોતી.
નર્સ : એટલે તમે બીજી નર્સ લાવવાની મથામણ કરી રહ્યા હતા.
નરેન : ઓહ!
નર્સ : અને એટલા જ ખાતર તમારા ઉપર શંકા લાવી ખોટા તહોમતો મૂકું એવી ખરાબ હું નથી.
નરેન : ત્યારે આ કેસમાં પોલીસનો ખટલો કરવાનું કારણ શું છે?
નર્સ : ઓ ભગવાન! તમને હું કઈ રીતે સમજાવું? મને માફ કરો, નરેનભાઈ. તમે એ નહીં સમજી શકો. મને મારી ફરજ બજાવવા દો.
નરેન : તમારે આ કેસ પોલીસમાં સોંપવો છે. પણ એથી બધાંને નાહકની કેટલી હાડમારી ભોગવવી પડશે એનો તમને ખ્યાલ નથી. ભાઈનું શબ ચૂંથાશે, વિધિક્રિયામાં ઢીલ થશે, માને આઘાત લાગશે, એ બધાંનો તો વિચાર કરો.
નર્સ : એ બધાંનો મને પૂરો ખ્યાલ છે. ફરી કહું છું કે મને કોઈ પર શંકા નથી. મારે મારી ફરજનો ખ્યાલ કરવાનો છે. ફરજ, લાગણી… હા લાગણી. દરદી માટે નરેનભાઈ, તમારા જેટલી મને લાગણી નહીં હોય, પણ લાંબા વખતથી એમની ચાકરી કરતાં માયા બંધાય. તમે નહીં સમજી શકો. નરેનભાઈ! અત્યારે તમે મને ધારો છો એટલી જડ હું નથી.
નરેન : ડૉક્ટરસાહેબ! હવે તો તમે જ કોઈ તોડ કાઢો. હું તમને ખાતરી આપું છું કે ખોવાયેલી ગોળી વિષે હું કશું જ જાણતો નથી. નર્સના મનમાં એમ હશે કે મહેશભાઈનો હું સાવકો ભાઈ થાઉં…
નર્સ : બંધ કરો નરેનભાઈ! આ સારવાર કરતાં શીલાબા પાસેથી ઘણું શીખી છું. ફરજનો ખ્યાલ જેટલો એમણે મને શિખવાડ્યો છે એટલો બીજે ક્યાંયથી પણ હું શીખી નથી. એટલે જ ખરી હકીકત શું છે તે જાણવા હું ઇન્તેજાર છું. તમારા જેવા વિચિત્ર વિચારો મને આવતા નથી.
ડૉક્ટર : ઘરનું એક પણ માણસ એવું નથી કે જે આવું કામ કરે.
નર્સ : એ બરાબર છે. એટલે જ ડૉક્ટરસાહેબ! આ કોયડાનો ઉકેલ શોધવો જોઈએ. કાંઈ અમસ્થી તો બાટલી બહાર નહીં કાઢે. તમારે મતે આની કેટલી ગોળી માણસને ઊંઘાડવા માટે જોઈએ?
ડૉક્ટર : મેં એક જ આપવા હા પાડી છે, એ તો તમે જાણો છો. કોઈ વાર બે… એ તો બહુ થઈ ગઈ.
નર્સ : અને હંમેશની, નિરાંતની મોતની ઊંઘમાં સૂઈ જવું હોય તો કેટલી ગોળીની જરૂર?
ડૉક્ટર : ત્રણચાર તો હદ થઈ ગઈ… માણસનો ગમે તેવો બાંધો હોય તો પણ…
નર્સ : અને એકસામટી દસ ગોળી ગુમ થઈ જાય, દસદસ આપવામાં આવી હોય તો પછી શું થાય?…
ડૉક્ટર : નાનપણથી મેં તને લગભગ ઉછેરી છે. તારા અભ્યાસમાં રસ લીધો છે. અહીં આ કામની જવાબદારી તને સોંપી ત્યારે ઘણો વિચાર કરીને તને શીલાબા પાસે રાખી હતી. એમણે તને કુટુંબના માણસ તરીકે ઘરમાં રાખી છે.
નર્સ : ડૉક્ટરસાહેબ! હું બધું સમજું છું, શીલાબા… હા, હું શું એમનો અહેસાન નથી સમજતી?… પણ તમે નહીં સમજો, મારે આ વાતની ખાતરી કરવી જ છે. શું છે તે જાણવા ઇન્તેજાર છું.
ડૉક્ટર : સિસ્ટર! તમારો શક બરાબર છે. પણ ધારો કે આ તપાસમાં આખરે કંઈ સાબિત ન થયું તો જે નાહકનાં ચૂંથણાં થશે એ થવા દેવાં તમને ઠીક લાગે છે?
નર્સ : ડૉક્ટર, મેં બે વાત સાફ કહી છે. એક તો મારી ફરજ અને ફરીથી કહું છું, દરદી માટે આટલી ચાકરી કર્યા પછી જે કંઈ સ્વાભાવિક લાગણી થાય એ લાગણી.
નરેન : મા કરતાં તમને વધારે લાગણી છે, એમ?
નર્સ : ના, ન જ હોય. મેં મરનારની ચાકરી કરી છે. એ ચાકરી માટે તો મને પૈસા મળ્યા છે. પણ એનો અર્થ એવો નથી કે મને મરનાર પ્રત્યે દિલસોજી નથી! મરનાર ગુજરતે, પણ કદાચ હજી થોડો વખત જરૂર કાઢત, એમ મને લાગે છે. વળી, આવા સંજોગોમાં બાના મનની વેદના કેટલી તીવ્ર હશે… એમને પણ કદાચ મનમાં શંકા થયા કરતી હશે. પરંતુ દુઃખના ભારે નહીં બોલી શકતાં હોય. એટલે ખરી હકીકત જાણવા હું આગ્રહ રાખું છું… ઇન્તેજાર છું.
ડૉક્ટર : સિસ્ટર! શીલાબેનના મનની વાત વિષે તમારે ચિંતા કરવાની કશી જરૂર નથી. એમને હું એ પૂછી જોઉં છું. વાત સાદી છે. ઘરના કોઈ માણસ પર તમને વહેમ નથી. બહારથી કોઈ આવ્યું નથી. આ કેસને આપણે અકસ્માત ન ગણી શકીએ?
નર્સ : ડૉક્ટર! ભૂલમાં એટલી બધી ગોળી કોઈ મધરાતે તો નહીં જ આપે ને… મેં તો નથી જ આપી. ગોળી જાણીજોઈને આપવામાં આવી છે.
ડૉક્ટર : અથવા તો બાટલી અહીં પડી હોય અને દરદીએ જાણીજોઈને લઈ લીધી હોય.
નર્સ : મરનારે આપઘાત કર્યો હોય એવી શંકા મને નથી આવતી. એમ હોય તોય એની તપાસ થવી જરૂરી છે.
ડૉક્ટર : શો ફાયદો? ધારો કે એણે આપઘાત કર્યો હોય તોયે શું?
નર્સ : દર્દ અને દરદીઓના ઇતિહાસમાં દરદીઓના લાભાર્થે આવા દાખલા નોંધવા જરૂરી છે, એ દર્દની વેદનાનો ડૉક્ટરોને… સંશોધકોને ખ્યાલ આવતાં એના ઉપચારો માટે વધારે વિચારણા થશે. ડૉક્ટર, હું જાણું છું કે તમારા મારા ઉપર ઘણા ઉપકારો છે, પણ મને માફ કરો. હું તપાસ માટે મક્કમ છું.
ડૉક્ટર : ફરીથી બધી પરિસ્થિતિનો વિચાર કરો અને… અને પછી…
નર્સ : ડૉક્ટરસાહેબ! તમે પોલીસને ખબર આપતાં અચકાતા હો તો હું ખબર આપવા તૈયાર છું.
ડૉક્ટર : ઠીક. તમે જીદ કરો છો એમ મને લાગે છે. હશે. મને પોતાને તો કોઈ પણ શંકા આવતી નથી. પણ સિસ્ટર કહે છે તેમજ ગોળીની વાત હોય તો બહેતર છે કે ખરી વાત જાણવી જરૂરી છે. હું બધાને પૂછું છું કે જેને ગોળીની વાતની ખબર હોય તે જાહેર કરે. કોઈએ જાતે ભૂલમાં આપી હોય તો તે પણ કબૂલ કરે. નહીં તો હું તપાસ માટે લખાણ કરીશ. સિસ્ટર, તમે હજી પણ મક્કમ છો?
નર્સ : હાજી.
નરેન : પણ આ શો જુલમ, આ અમારા ઘરમાં આ નર્સ કહે તેમ થાય અને અમે કહીએ તે ન થાય એ તે કેવી વિચિત્રતા! ના, હું પોલીસને આ ઘરમાં દાખલ પણ નહીં થવા દઉં.
ડૉક્ટર : નરેન! કાયદા આગળ તારું કશું નહીં ચાલે… ઠીક. તમે બધાં અહીં જ રહેજો. હું પોલીસને ટેલિફોન કરીને હમણાં આવું છું.
નરેન : ના ડૉક્ટર, હું તમને ટેલિફોન કરવા નહીં જવા દઉં.
ડૉક્ટર : નરેન! જરા શાંત થા ભાઈ, મારે પણ કોઈ કોઈ વાર કપરી ફરજ બજાવવી પડે છે. હું લાચાર છું. તમે બધાં છો ત્યાં રહેજો, હું હમણાં આવું છું.
શીલા : ડૉક્ટર! જરા થોભો. દર્દીને જાણીજોઈને વધારે ગોળી અપાઈ છે એ વાત સાચી છે. કબાટમાંથી બાટલી કાઢવામાં આવી, એ વાત પણ સાચી છે. બાર પછી હું આ ખંડમાં આવી હતી, અને દીકરાને મેં મારે હાથે ગોળી આપી હતી.
નર્સ : બા તમે?
શીલા : હા, સિસ્ટર! હું મહેશની મા છું… છતાં મેં એને ગોળી આપી હતી.
નર્સ : પણ… પણ…
શીલા : સિસ્ટર! તમે નર્સ છો, મા નથી. તમે ઘણાની માવજત કરી હશે. મેં મારા બચ્ચાની વર્ષોથી માવજત કરી છે. શરૂઆતનાં બે વર્ષ તો મેં એની દવા કરાવવામાં કશું બાકી રાખ્યું નથી, એ તો ડૉક્ટરસાહેબ કહેશે. વચગાળે એક વર્ષ એને લઈ હું દેશદેશાવર ફરી. પણ ક્યાંયે આશાનું કિરણ દેખાયું નહીં. ઑપરેશન કરાવ્યું. દવાના અનેક નુસ્ખાઓ અજમાવ્યા, ડૉક્ટરો અને વૈદ્યોએ હાથ છોડાવ્યા અને આ છેલ્લા એક વર્ષથી મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાતો, એ તમે જાણો છો. એ જાતે પણ જાણતો હતો કે હવે કોઈ ઉપાય નથી. ડૉક્ટરને ખબર છે એ કેટલીક વાર કહેતો કે મને છોડો. મારો અંત આણો. મારાથી આ દુખ ખમાતું નથી.
ડૉક્ટર : શીલાબેન! તમારી પાસે કોઈ ખુલાસા માંગતું નથી. તમે શાંત રહો.
શીલા : એનું જીવલેણ દર્દ… ખરું કહું એની કારમી ચિચિયારીઓ મારાથી ખમાતી ન હતી. મા! મા! હવે મને જવા દે. તું તો મારા પર દયા કર. ડૉક્ટરે પણ કેટલી વાર એનો એ કકળાટ સાંભળ્યો છે. અને એને લીધે… એ ભાનમાં આવતો ત્યારે વેદના અસહ્ય થતી. નરેન મારો સાવકો દીકરો થાય એટલે કદાચ કોઈને નરેન પર શંકા આવી હશે… ના. નરેનને નર્સ માટે લાગણી છે એ વાત મારાથી અજાણી નથી. નર્સે નરેનને ના પાડ્યા કરી છે, એ વાત પણ મારાથી અજાણી નથી. નર્સને નરેન માટે લાગણી છે કે નથી, એ વાત અત્યારે ચોક્કસ કરવાની મારે જરૂર નથી.
નરેન : બા!
નર્સ : બા! તમે તો મારા…
શીલા : જરા શાંત રહો. સિસ્ટરને નરેનને પરણવું હોય તો હવે પરણી શકે છે. મારી ના નથી. મેં એને પરણતાં અટકાવા એ ઢીલ માટે નરેન મને માફ કરશે.
નરેન : બા! બા! આ મારાથી નથી ખમાતું… આપણે આ બધી વાતો હમણાં બંધ જ કરીએ એ ઠીક છે.
શીલા : નરેને મને કદી ઓછું આવવા દીધું નથી. નરેન હંમેશાં મહેશ માટે ચાકરી કરવા ખડે પગે ઊભો રહેતો. ડૉક્ટર જાણે છે, ભૂધર ઘરનો માણસ થઈ ગયો હતો. ભાઈ ક્યારે સાજા થાય એની હંમેશાં પ્રાર્થના કરતો. ભૂધર… પણ હવે મને જલદી પૂરું કરવા દો. છેલ્લા આઠ દિવસની વાત. નર્સ! તમને ખબર છે ને કે એણે જિંદગીનો અંત આણવા કાલાવાલા કર્યા હતા. એક દિવસ એણે નરેનને પણ આજીજી કરી જોઈ. બે દિવસ ઉપર ત્રણ કલાક મારે ખોળે માથું પછાડી એ રડ્યો છે.
ડૉક્ટર : શીલાદેવી! જરા શાંત થઈ સ્વસ્થ થાઓ. તમે તો ઘણું કર્યું.
શીલા : અમે બહુ વાતો કરી. એનાથી ઘડીભર એનું દર્દ ખમાતું નહોતું. ડૉક્ટરે કહ્યું કે રોગ આખા શરીરમાં પ્રસરી ગયો છે. કૅન્સર! તમે જાણો છો કે છેવટનો એ ખાઈ કે પી શકતો નહોતો. ગઈ કાલનો આખા દિવસનો એનો તરફડાટ… હું મા છું. એની જનેતા છું. મારાથી મારા દીકરાનું દુઃખ નહીં જોયું ગયું, નહીં ખમી શકાયું. સિસ્ટરને નરેન સાથે પરણવાની મેં ના પાડી એ માટે એણે મને ઠપકો પણ આપ્યો. અમે કાલે પેટ ભરીને છેલ્લી વાતો કરી લીધી… મને ઈશ્વર માફ કરે કે ન કરે. તમને સૌને આઘાત થતો હોય તો તમારી માફી માંગું છું. મારા પોતાના જીવતરમાં હવે મને કશો રસ નથી. અને મારી આ જિંદગી અને મોત વચ્ચે એકમાત્ર કડી હતી તે તૂટી ગઈ. મેં તોડી નાંખી.
ડૉક્ટર : શીલાબહેન!
શીલા : આ ચાવી. તમારે જે કરવું હોય તે કરો. ડૉક્ટર, છેવટ સુધી તમે મારા કુટુંબમાં ઓથ હતા. લોકનિંદા વહોરીને પણ તમે અમારા કુટુંબને પડખે ઊભા રહ્યા છો. હજી ઊભા રહેજો. નરેનના સલાહકાર થજો. દવાની ગોળીની બાબતમાં મેં તમને પણ પૂછ્યું હતું. તમારી સલાહ ન માની. મારા પર રોષ ન કરતા.
નરેન : બા! બા!
શીલા : નર્સ, મેં મહેશને વધારાની ગોળી આપી હતી.
નર્સ : ઓ!
ડૉક્ટર : શીલાબહેન.
શીલા : જાઓ, પોલીસને ખબર આપો. જવાબદારી હું જાતે લેવા તૈયાર છું.
નર્સ : ડૉક્ટર, આ સર્ટિફિકેટ… મેં સહી કરી.
(પડદો)

(ચંદ્રવદન મહેતાનાં પ્રતિનિધિ એકાંકીઓ)