ગુજરાતી કવિતાનો આસ્વાદ/ગલ, વાયસ
સુરેશ જોષી
ગલ, વાયસ; શ્વેત, શ્યામ.
અંભોધિને તટપ્રદેશ રમે ‘ભિરામ.
આ સંધિને સમય,
અંચલ શર્વરીનું
ઝીણું, વરેણ્ય કિરણે ગ્રહી લીધ સ્હેજ.
રે બે સલજ્જ ઉરનો મધુપર્ક મેળો!
અંકાય પેલી ક્ષિતિજે અરુણાઈ, કેવું
આનંદની લહર શું પ્રસરંત હેત!
આછો ઉઘાડ સમચિત્તની શાંતિવંત,
પાંખો રમે ધવલ કૃષ્ણ હળીમળીને,
આંહીં વ્યતીત-ભવિતવ્ય મહીં વિહાર
ને સ્વપ્ન-જાગૃત-અવસ્થિતિ-એકસંગ!
હું અર્ધ પાંપણ ઢળેલ દૃગો ભરીને
છાયા-પ્રકાશમય વિશ્વ લહું લલામ.
છાયાપ્રકાશ;
ગલવાયસ;
શ્વેત શ્યામ!
– રાજેન્દ્ર શાહ (શ્રુતિ)
કશાક પ્રબળ ભાવાવેગને કારણે કે કશાકથી અત્યન્ત પ્રભાવિત થઈ ગયા હોઈએ, ને આપણે કંઈક બોલવા જઈએ ત્યારે પ્રારમ્ભનો ભાગ આવી ભાવસ્થિતિને કારણે આવેલી અવાક્-તાને ભેદીને પ્રકટ થઈ શકતો નથી. આ કાવ્ય આવી જ એક ભાવદશામાં શરૂ થાય છે ને તેથી જ વસન્તતિલકાના પૂર્વાર્ધના પાંચ અક્ષરો મૌનના બુદ્બુદ રૂપે લુપ્ત થઈ ગયા છે. પૃથ્વીની આજુબાજુ વાતાવરણનો પરિવેશ છે તેમ દરેક શબ્દની આજુબાજુ મૌનનું મણ્ડળ છે. દરેક સાર્થક રીતે પ્રયોજાયેલો શબ્દ એ જેટલા મૌનમાંથી ઘડાયો હોય છે તેટલાનું સંવેદન આપણને કરાવે છે. આ પ્રથમ પંક્તિ, આ અર્થમાં, કવિની વિશિષ્ટ ભાવદશાને કારણે આવેલી અવાક્-તામાંથી ધીમેથી ડોકું ઊંચું કરીને આપણી આગળ પ્રકટ થાય છે. એનો વાણીમાં ઉદય થાય તે પહેલાંનો મૌનનો પરિવેશ આ પંક્તિમાં અનુભવાય છે. આમ ભાવની એક વિશિષ્ટ આબોહવાનો અણસાર પ્રથમ પંક્તિમાં જ છે.
મૌનની સરહદને વટાવીને બહાર નીકળીએ કે તરત જ ‘ગલ’ શબ્દ – બે લઘુનો બનેલો શબ્દ આપણને સામો મળે છે. મેં કાવ્ય પહેલી વાર વાંચ્યું ત્યારે ટિટોડી અને કાગડો: શ્વેત અને શ્યામ એ બરાબર મનમાં બેસી ગયેલું. પણ બીજા વાચને મનમાં પ્રશ્ન થયો કે ટિટોડી માટેનો ‘ગલ’ શબ્દ તો અંગ્રેજી છે. ગુજરાતીસંસ્કૃત શબ્દકોશમાં પણ ‘ગલ’નો અર્થ ટિટોડી એ એવું કોઈ ધોળું પંખી આપેલો નથી. ગુલબાસનું ફૂલ ધોળું હોય છે ખરું; પણ બીજી પંક્તિમાં ‘અંભોધિને તટપ્રદેશ રમે’ એમ છે ને વળી ‘ગલ’ની સાથે જ ‘વાયસ’ને બેસાડ્યો છે. આપણા કવિઓ કવિતામાં સહેજે અંગ્રેજી શબ્દો વાપરે છે, પણ કવિના ભાવાવેગથી ભારે બનેલા મૌનમાંથી સાકાર થઈ ઊઠતો પહેલો શબ્દ ‘ગલ’ અને પછી કાગડાને માટે ગીર્વાણ ગિરાનો ‘વાયસ’ – કોણ જાણે કેમ મનમાં સહેજે ખટકે છે. પણ આ કાવ્યમાં તો ‘ગલ’ એટલે ટિટોડી જ.
આ કાવ્યની ભૂમિકા જ સન્ધિસ્થળ છે. કવિતાનું જન્મસ્થાન જ એક સન્ધિસ્થળ છે: અનિર્વચનીયમાંથી શબ્દ પ્રકટે છે, અર્થનાં આન્દોલનો વિસ્તરે છે ને એ આન્દોલનો વળી અનિર્વચનીયતાના અવકાશમાં વેરાઈ જાય છે. જે બેની સન્ધિ થાય છે તે એકબીજાથી વિરુદ્ધ છેડેના હોય છે: ધરતી અને સમુદ્ર, દિવસ અને રાત, શ્વેત અને કૃષ્ણ. પણ જે એકબીજાથી વિરુદ્ધ છેડે હોય, જેમની વચ્ચે વિરોધ હોય તેમની જ સન્ધિ હોવી ઘટે ને? આ કાવ્યમાં પણ આવી ત્રિવિધ સન્ધિઓ છે. એક તો શ્વેત અને શ્યામની સન્ધિ, બીજી દિવસ અને રાતની સન્ધિ (‘આ સન્ધિને સમય’ એમ કહ્યું છે તેને બદલે આપણે ‘આ સન્ધિનો સમય’ જરા છૂટ લઈને વાંચી શકીએ) અને ત્રીજી તે ધરતી અને સમુદ્ર (સ્થૂળ અને પ્રવાહી તત્ત્વની)ની સન્ધિ.
અપ્રકટ, અવ્યક્ત બૃહત્ શૂન્યમય હોય છે પણ એ પ્રકટ થાય છે ત્યારે એ બે સામસામા ધુ્રવની વચ્ચે પોતાને વિસ્તારે છે. ‘સામસામા’ એટલે વિરોધી! એ એકબીજાની સમ્મુખ તો ખરા! છતાં, એવા બંને ધુ્રવોને આવરી લઈને જ પૂર્ણ પૂર્ણ બને છે. પૂર્ણતાની આ અનુભૂતિ આવી ‘સન્ધિને સમય’ આપણને થાય છે.
અને સન્ધિ નામે રમણીય હોય છે, એટલું જ શા માટે? સન્ધિ એ રમ્યતાનો પર્યાય જ છે. ‘લગ્ન’માં લાગવું, જોડાવું એવો અર્થ છે, મને તો એને સ્થાને ‘સન્ધિ’ શબ્દ જ વધુ રુચે, કારણ કે એમાં એકરૂપ થવું, અભિન્ન બનીને એકબીજામાં ભળી જવું એવો અર્થ છે, તે મને ગમે છે.
તો આ સન્ધિ પણ રમ્ય છે જ. કવિ એની રમ્યતા વર્ણવતાં કહે છે – ના, કહેતાં પહેલાં ‘આ સન્ધિને સમય’ એમ કહીને સામે ક્ષિતિજ તરફ દૃષ્ટિ માંડે છે ને એ શોભાથી ફરી અવાક્ બનીને મૌનમાં સરી પડે છે. પછી એમાંથી બહાર નીકળીને કવિ કહે છે:
અંચલ શર્વરીનું
ઝીણું, વરેણ્યકિરણે ગ્રહી લીધ સ્હેજ.
આ પંક્તિ વાંચતાં જ આનન્દવર્ધને ‘સમાસોક્તિ’ અલંકારના નિદર્શન રૂપે ટાંકેલો પેલો પ્રખ્યાત શ્લોક યાદ આવે છે:
ઉપોઢરાગેણ વિલોલતારકં
તથા ગૃહીતં શશિના નિશામુખમ્!
યથા સમસ્તં તિમિરાંશુકં તયા
પુરોઅપિ રાગાદ્ગલિતં ન લક્ષિતમ્ ||
અલબત્ત, અહીં થોડો ફેર છે પણ મૂળ બંધારણ એક જ છે. શશીને સ્થાને આપણી કવિતામાં ‘વરેણ્યકિરણ’ છે. ‘વરેણ્ય’ એટલે સૂર્ય – આથમતો સૂર્ય, અસ્તંગામી વૃદ્ધ સૂર્ય – એમ જ કદાચ કવિને અભિપ્રેત છે. પેલા શ્લોકમાં શશીએ નિશામુખને ગ્રહ્યું છે તે વધુ રુચિર લાગે છે. એવું મિલન ‘મધુપર્ક મેળો’ વધુ સાચી રીતે બની રહે છે. પણ આપણા કવિ એટલે સુધી આગળ વધવા માગતા નથી. માટે ‘વરેણ્યકિરણે’ (શર્વરીનું અંચલ) ‘ગ્રહી લીધ સ્હેજ’ એમ કહીને અટકી જાય છે. મને આ ‘કિરણ’ શબ્દ પણ અહીં ખૂંચે છે. (એક તો એના નપુંસકલિંગને કારણે) ને ‘કર’ જેવો શબ્દ સંસ્કૃતમાં હોય પછી ‘કિરણ’ વાપરવાની કવિને ફરજ તો પડતી નથી જ.
‘સ્હેજ’ના ઉપયોગનો બચાવ ‘સલજ્જ’ શબ્દ વાપર્યો છે તેથી કરી શકાય. ‘સલજ્જ’ છે ને ‘પ્રગલ્ભ’ નથી માટે અંચલને ‘સ્હેજ’ અડીને રહી જાય છે. અલબત્ત, તેથી ‘મધુપર્ક મેળો’ તો રચાય જ છે. કવિએ ‘મધુપર્ક’ શબ્દના અધ્યાસનો સાર્થકતાથી ઉપયોગ કર્યો છે, એ તો ચોરીમાં બેસીને વિધિપુર:સર પાણિગ્રહણ કરનાર સૌ કોઈને સમજાઈ જશે. એ લજ્જારુણ કપોલની અરુણાઈ ક્ષિતિજ પર વિસ્તરી ગઈ.
આટલે સુધી આવ્યા પછી પેલો ભાવાવેગ જરા મોળો પડે છે ને એની અસર કવિતા પર પણ થાય છે. કવિ હવે આ ભાવસ્થિતિનું ફિલસૂફીને રૂપે પરિવર્તન કરવાના લોભમાં લપટાય છે. પણ ભાવની આબોહવા એવી જામી હોય કે તત્ત્વ પણ એમાં સમરસ થઈને આપણા હૃદયમાં વહી આવે એવું અહીં બનતું નથી; પ્રથમ પંક્તિમાં કવિને આશ્ચર્યનો, આનન્દનો થયેલો રોમાંચ હવે રહ્યો નથી. હવે કવિ કોષ્ટક તૈયાર કરવાની સ્થિતિમાં સરી પડ્યા લાગે છે!
જુઓ ને, માટે જ તો ક્ષિતિજમાંના આછા ઉઘાડને જેનું ચિત્ત ‘પરમમ્ સામ્યમ્’ પામ્યું છે તેની સાથે સરખાવે છે. કાળનું પંખી શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષની પાંખો પસારીને ઊડે છે. આ કલ્પન(image)ની જે શક્યતાઓ છે, એની જે ભવ્યતા છે, એની પ્રચણ્ડ પાંખોના વીંઝાવાનો જે લય છે તે ભાષામાં પ્રકટ કરીને કવિ આપણી ભાષામાં સ્મરણીય બની રહે એવી થોડી પંક્તિઓ આપી શક્યા હોત. પણ કવિ એ તક એળે જવા દે છે – અહીં એનો મૃદુ ભાવ ‘(હળીમળીને’ ‘રમે’) જ કવિએ આલેખ્યો છે. વળી કવિ જાગૃતિ અને સ્વપ્નની સન્ધિએ વિહાર કરે છે; ભૂત અને ભવિષ્યના સન્ધિસ્થાને ફરે છે – આમ એક્કી સાથે બંને ધ્રુવમાંથી અવસ્થિતિની વિરલતાને નર્યા સાદા અહેવાલના કરતાં કાવ્યોચિત કલ્પનો અને પ્રતીકોની અપેક્ષા હતી. માલાર્મેએ કહ્યું છે તેમ ‘A poet does not name a thing, he evokes it.’ અહીં સ્થિતિનું નામાભિધાન છે પણ એનું ઉદ્દીપન કે આવિષ્કરણ નથી.
અન્તમાં કવિ ભાવોચ્છ્વાસની સ્થિતિમાં સરી પડે છે ને આ દ્વન્દ્વોનો ઉલ્લેખ કરે છે. એક અત્યન્ત કાવ્યોચિત વિષય, કવિની શક્તિઓને પડકારે એવો વિષય, કવિએ ઝડપ્યો તે માટે અભિનન્દનને પાત્ર, પણ કવિ કંજૂસ બન્યા, અથવા એમની માનીતી રાણી ‘ફિલસૂફી’ને ચરણે ઢળ્યા! આ કાવ્યમાં અન્તમાં કવિના ભાવોચ્છ્વાસની સાથે છાનો છાનો આ કવિતાનો પણ નિ:શ્વાસ રસિકને સંભળાશે.