ગુજરાતી કવિતાનો આસ્વાદ/પતંગિયું ને ચંબેલી
સુરેશ જોષી
‘મળું મળું વ્હાલાને ક્યારે?
વીંટળાઉં ક્યારે?’ ઘેલી,
કોડભરી આવા ઉરમાં કૈં
લળતી આશભરી વેલી.
મુખ પર પુષ્પ કરે કેલી!
ફૂલરાણી શી ચંબેલી!
આરસનોયે અર્ક કરીને
બ્રહ્માએ આલેખ્યું રૂપ.
સરસ્વતીની વેણીમાંથી,
ફૂલમાં પૂર્યા ગંધ અનુપ.
ફૂલડાંને ઊડવા આકાશ!
પાંખ વિના પૂરે શે આશ?
મેઘધનુષી પાંખોવાળા
પતંગિયાને ભાળી પાસ;
ચંબેલી મલકંતી પૂછે,
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ, તમારી પાંખ –
એક બનીને ઊડશું આભ?’
ચંબેલીનો દેહ રૂડો, ને
પતંગિયાની પાંખ ધરી,
અવની, આભ, અનંતે ઊડે,
મલકંતી મ્હેકંતી પરી.
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!
– કૃષ્ણલાલ શ્રીધરાણી (કોડિયાં)
આવો, એક જાદુ બતાવું. એક હતું ચંબેલીનું ફૂલ ને એક હતું પતંગિયું. બંને હતાં. અહીં સુધી કશું જાદુ દેખાતું નથી, પણ
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!
એકાએક પરી આવી ચઢી. આ પરી રાતે જ આવે, કારણ કે એ અગોચરના વિરાટ સામ્રાજ્યની રહેવાસી છે. એની નાજુકડી પાંખને આધારે આપણે પણ એ અગોચરના સામ્રાજ્યમાં ઘડીક ટહેલી આવીએ છીએ. આવી પરીઓને પ્રતાપે જ આપણે કેવળ પૃથ્વી પર નિર્વાસિતોની દશામાં જીવતા નથી. હજુ આ આવજાવ આડે કશા કડક કાનૂન આપણે રચી શક્યા નથી.
નિરાકારમાંથી આકારની સૃષ્ટિમાં હજુ તો હમણાં જ બાળક નવું નવું, અતિથિ બનીને આવ્યું છે. નિરાકારની બૃહત્ વિસ્તૃતિમાંથી આકારની સીમામાં પુરાઈ જવાનું એને ફાવતું નથી, એ અકળાય છે. આપણે એને બૃહત્ વિસ્તૃતિનું આશ્વાસન આપવા દ્રોણે લોટમાં પાણી નાખીને અશ્વત્થામાને આશ્વાસન આપેલું તેવું દ્રોણકૃત્ય કરીએ છીએ. એને માટે એક નવી કથાસૃષ્ટિ રચીએ છીએ. એ સૃષ્ટિમાં ઘોડાને પણ પાંખ છે; હમણાં જ ઘરનાં પગથિયાં ઓળંગતા થયેલા બાળકની કથાસૃષ્ટિનો રાજકુમાર આ પાંખાળા ઘોડા પર અસવાર થઈને સાત નદી, સાત પર્વત અને સાત સાગરને ઠેકી જાય છે. રસ્તામાં મસમોટાં અડાબીડ વન આવે છે, રાક્ષસ આવે છે – પણ કશી પરવા નહીં, કારણ કે જો રાક્ષસ છે તો પરી પણ ક્યાં નથી? એક બાજુ ભયાનક પ્રચણ્ડ કાયા ધરાવતો રાક્ષસ ને બીજી બાજુ નાજુકડી પરી – તમે કહેશો કે આ તે કેવી વાત? પણ બે પાસાં મેળવીને શ્રીપુરાંત કાઢવાનું હજુ શરૂ થયું નથી. આ રાક્ષસની મગદૂર શી? એને તો શીશીમાં પૂરીને દાટો મારી દઈ શકાય.
બાળક આપણી વચ્ચે રહે છે ત્યારે એની સાથે સંગિની રૂપે પરી ન હોત તો એને બહુ અજાણ્યું લાગ્યું હોત. બાળકોની રમતમાં પણ આ વિસ્તૃતિની ઝંખના પ્રકટ થાય છે: એ સંતાકૂકડી રમશે, સાતતાળી રમશે. સંતાઈ જવું, અલોપ થઈ જવું, સાતતાળી આપીને છૂ થઈ જવું, પાછળથી આવીને આંખો દાબી દઈ પૂછવું: બોલ, બોલ, હું કોણ છું? – બાળક અસ્તિ અને નાસ્તિ વચ્ચે દોડંદોડ કર્યા કરે છે; હજુ એ બે છેડા વચ્ચેની સરહદ પર કાંટાની વાડ રચાઈ નથી. માર્ગ મોકળો છે; હાલતાંચાલતાં કાયદાકાનૂનની દીવાલ જોડે માથું ભટકાતું નથી. ને આ શિશુ તે સનાતન શિશુ છે, એ આપણા નેપથ્યમાં સદાકાળ રહે જ છે; એની આશ્ચર્યથી વિસ્ફારિત આંખો, એના બે અસ્થિર પગ, એના ટચુકડા હાથ – આ બધું હજુ આપણામાં છે. ને તેથી જ મોટા થઈનેય આપણે પરીનો હાથ સાવ છોડી દેતા નથી.
તો, આ જાદુભરી સૃષ્ટિની આબોહવા, આ પરી જેવી જ, નાજુકડી કવિતામાં છે. એની ચાલ પણ તાજા જ ચાલવા શીખેલા બાળક જેવી છે, એ પા પા પગલી માંડતી ચાલે છે. પૃથ્વીનો ઠસ્સો કે સ્રગ્ધરાની ગરિમાનો અહીં ખપ નથી. પ્રાસની ઘૂઘરી તો જોઈશે જ કારણ કે બાળક ચાલે છે ને ઘૂઘરી રણકે છે, એ ઘૂઘરીના રણકારે રણકારે માનો હરખ રણકે છે.
કાવ્યને ખાનાં પાડીને પૂરવાની એક જોરદાર પ્રવૃત્તિ આપણા વિવેચનમાં ચાલે છે. આપણા કવિએ પણ, એને વશ વર્તી એમના કાવ્યસંગ્રહને અન્તે, મમ્મટાચાર્યની અદાથી ‘કાવ્યવસ્તુવિચાર’ આપણને આપ્યો છે. સંગ્રહ ‘(કોડિયાં’ની નવી આવૃત્તિ) પહેલવહેલાં જોતો હતો ત્યારે કવિની કાવ્યસૃષ્ટિમાં ફરીને બહાર નીકળતાં આ ‘કાવ્યવસ્તુવિચાર’નું પાટિયું વાંચીને હું તો ભડકી જ ગયો હતો. મને થયું: આવી બન્યું આપણું! હવે કાવ્ય તો પૂરાં થયાં ને ‘વસ્તુવિચાર’ રહ્યો! પહેલો જ વિભાગ ‘આત્મકથા’નો. મને પ્રશ્ન થયો: શું દરેક કાવ્ય કવિની આત્મકથા નથી? બીજો વિભાગ ‘આત્માપરમાત્મા’નો. ત્યાં કવિને પોતાને કબૂલ કરવું પડ્યું: ‘એક રીતે જોતાં આ કક્ષામાં બધાં જ કાવ્યો મુકાવાં જોઈએ.’ જોયું ને, મારી વાત સાચી પડી ને?
માટે જ, ઉપરનું કાવ્ય ‘બાળકાવ્ય’ છે એમ કહીને ‘બાળકોને માટે લખાયેલું’ એમ નહીં, પણ ‘બાળસૃષ્ટિનું’ કાવ્ય છે એવો ખુલાસો આપવાની જફામાં શા માટે પડવું? પ્રશ્ન માત્ર એટલો જ: આ કાવ્ય છે? ને જો એ કાવ્ય હશે તો એનો વિષય કાવ્યમાં એવો તો તદાકાર થઈ ગયો હશે કે એને ગાળીઉકાળીને છૂટો પાડવાના કામમાં ‘નિષ્ણાત વિવેચક’ જ ફાવશે. આપણે તો એવી ખખામાં પડતા જ નથી.
તો આવો, જાદુ જોઈએ – એટલે કે કવિતા જોઈએ. જુઓ: પહેલી કડીમાં શું દેખાય છે? ધારીધારીને જોજો હં! વારુ, ચંબેલી જ દેખાય છે ને? ઠીક. કેવી છે એ ચંબેલી! એ તો બોલતી ચંબેલી છે, ઘેલી ચંબેલી છે, કોડભરી ચંબેલી છે. આમ તમે ક્રમશ: આગળ વધો ત્યાં આ કડીની અન્તિમ પંક્તિમાં કવિ એને એકદમ ‘ફૂલરાણી’ની પદવી આપી દે છે! આ વર્ણન ચંબેલીની લતાનું છે, ચંબેલીનાં ફૂલનું વર્ણન કવિએ કર્યું છે તે જોયું? કવિ કહે છે કે ચંબેલીના હૃદયમાં રહેલો વહાલાને મળવાનો કોડ અને એના મુખ પરનો ક્રીડાનો ઉલ્લાસ તે જ ચંબેલીનું ફૂલ! આમ પહેલી કડીમાં લતાથી તે ફૂલ સુધીનું જાદુ થયું. ફૂલ તો લતા પર દીઠાં જ છે, પણ આવા જાદુથી ખીલતું ફૂલ નહોતું જોયું.
તો હવે એ ફૂલને ધારીધારીને જોઈ લઈએ – એમાં કાંઈ પરીનો છદ્મવેશ દેખાય છે ખરો? પરીકથાની પેલી રાજકુંવરીનું વર્ણન આપણા કાનમાં પડઘા પાડશે. બ્રહ્માએ સૂરજમાંથી તેજ લઈને એની આંખની કીકી ઘડી ને ચન્દ્રનાં કિરણમાંથી સ્મિત રચીને એના હોઠ પર રમતું મૂક્યું. તો આ ફૂલ પણ બ્રહ્માએ સંગેમરમરના અર્કમાંથી ઘડ્યું, પણ વધારામાં પોતાની કન્યા સરસ્વતી જેટલું જ એ વહાલું છે એમ બતાવવા સરસ્વતીની વેણીમાંના ફૂલની સુવાસનો એનો શ્વાસોચ્છ્વાસ કર્યો. આટલું થયું છતાં ફૂલડું કાંઈ તૃપ્ત થયું નહીં. આ કડીની છેલ્લી બે પંક્તિમાં આ અતૃપ્તિનો નિ:શ્વાસ સંભળાય છે:
ફૂલડાંને ઊડવા આકાશ!
પાંખ વિના પૂરે શેં આશ?
અહીં કવિએ ‘ઊડવા’ને બદલે ‘ઊડવાં’ કર્યું હોત તો ઠીક થાત. આમ બ્રહ્માનું સર્જન તો અધૂરું, એ અધૂરપના નિ:શ્વાસ સાથે જ આપણે જન્મીએ. આ અધૂરપ ન હોત તો ચંબેલીની પરી ન થઈ હોત. માટે એ તો ઠીક જ થયું.
એવામાં આ ચંબેલીને કોઈક ભેટી ગયું ને જાદુની પૂર્વભૂમિકા રચાઈ. આ સંસારમાં આ ભેટી જઈને ભેળાં થવું એ જ એક મોટો જાદુ નથી? સંસારમાં જેને ભેળાં ન દેખતા હોઈએ તેને સાહિત્યમાં ભેળાં થયેલાં જોઈએ છીએ. આપણી જિંદગીમાંય એક વાર એવો દિવસ આવી ચઢે છે જ્યારે આપણને એમ લાગે છે કે આજે ચારે દિશા ‘માગ માગ, જે માગે તે આપું’ બોલી રહી હોય છે; પવન ‘તથાસ્તુ’ રટી રહ્યો હોય છે. ખાસ કશું હોતું નથી: આપણા હાથમાં પારેવાની છાતી જેવો કમ્પતો કોઈકનો હાથ આવી પડ્યો હોય છે, કોઈકનો ઉષ્ણ ઉચ્છ્વાસ આપણને સ્પર્શી જતો હોય છે. કોઈનું ખભા તરફ વાળી લીધેલું મુખ આપણને જીવનના નવા વળાંક પર લાવીને ઊભા કરી દે છે. આપણા હાથમાંનું પેલું ભીરું પારેવડું કશુંક લઈને ઊડી જાય છે ને આપણું હૃદય રઝળતું થઈ જાય છે!
તો અહીં પણ એવું કશુંક થયું: મેઘધનુષી પાંખવાળું પતંગિયું આવી ચઢ્યું. અહીં કવિએ પતંગિયાને ‘રંગબેરંગી’ ન કહેતાં ‘મેઘધનુષી’ જ કેમ કહ્યું હશે વારુ? મને એમ લાગે છે – આ હું બીતાં બીતાં કહું છું, કારણ કે કેટલાક મુરબ્બીઓ ઝટ સુણાવી દે છે: ‘જાવ જાવ, સાવ જૂઠું, કવિના મનમાં એવું કશું નથી, આ તો તમારું ગાંઠનું ઉમેરણ છે!’ ભલે ને, આ તો અખા ભગતવાળો ઘાટ થયો: ગાંઠનું થોડું સોનું ઉમેર્યંુ તો ગુનેગાર ઠર્યા! મને એમ લાગે છે કે આ ‘મેઘધનુષી’ પાંખવાળું પતંગિયું તે બીજું કોઈ નહીં પણ સૂર્યનું કિરણ, એ પતંગિયું જ ‘અવની, આભ, અનંતે ઊડે’. ને સૂર્યના કિરણમાં સાત રંગો રહેલા છે એની તો વિજ્ઞાન પણ સાક્ષી પૂરશે. આ પતંગિયાને જોઈને ચંબેલીને ઊડવાના મનોરથ થાય એ દેખીતું છે. મને એક બીજી વાત પણ સૂઝી આવે છે: આ તેજનું પતંગિયું ગતિશીલ છે પણ એને દેહ નથી. ચંબેલીને દેહ છે સુકોમળ પાંખડીનો, આરસના અર્કમાંથી બનાવેલો, પણ ગતિ નથી. ફૂલની ગતિ તે એની સુગન્ધ, એમ કહીએ તો ચાલે. પણ ચંબેલી આ સૂર્યકિરણનો સાથ ઝંખે છે. સૂર્યના કિરણસ્પર્શે જ ફૂલ ખીલે છે, મલકાય છે ને આમ સૂર્યનું કિરણ જ એને બધું આપી શકે, એમ ચંબેલી માને તે સ્વાભાવિક છે. ને આથી જ એ માગે છે:
‘એક જ મારી પૂરશો આશ?
મારો દેહ, તમારી પાંખ –
એક બનીને ઊડશું આભ?’
આ કાંઈ એકલું લેવાની જ વાત નથી, પોતાનો દેહ આપી દેવાનો છે. આ વિનિમય નથી, સમન્વય છે.
ને જુઓ, જુઓ, જાદુ થઈ ગયું, ‘મલકંતી મહેકંતી પરી’ ઊડતી થઈ ગઈ! જ્યાં જ્યાં આવો રૂડો સમન્વય સિદ્ધ થાય ત્યાં અવનિ, આભ જ નહીં, પણ અનન્ત આપણી આગળ ખુલ્લું થઈ જાય, સીમમાંથી અસીમમાં સરી જઈ શકાય; પરી ઊડતી થઈ જાય. આમ
પતંગિયું ને ચંબેલી!
એક થયાં ને બની પરી!
આ જાદુ તમારી આંખ આગળ થઈ ગયું.
Walker Percyએ એમના Metaphor as mistake નામના લેખમાં કહ્યું છે: There must be a space between name and thing… ચંબેલીનું ફૂલમાં થતું રૂપાન્તર (મને તો ‘પરિણતિ’ કહેવાનો લોભ છે) કેટલાકને નિરર્થક લાગશે. એમની સદર્થકતા બહુ સાંકડી હોય છે; એમાં સમીકરણ અને લઘુતમ દૃઢભાજકની જ, ઝાઝે ભાગે અવરજવર હોય છે. આ કાવ્ય બાળસૃષ્ટિનું કાવ્ય છે એમ મેં કહ્યું તે એટલા જ માટે કે બાળકના મનમાં પદાર્થો અને પદાર્થનાં નામો સિક્કો અને સિક્કા ઉપરની છાપની જેમ જડાઈ ગયેલાં હોતાં નથી. હજુ નામ બંધાયાં હોતાં નથી, આથી યદૃચ્છાવિહારને પૂરતો અવકાશ રહે છે. આથી, અર્થનો ગાંગડો હજુ બંધાયો હોતો નથી. એની નિરર્થકતા જ એની સૌથી મોટી સદર્થકતા છે. આવા કાવ્યનો અર્થ તે એમાં રહેલું સવાઈ સત્ય છે.
આ કાવ્યમાં રવીન્દ્રનાથના ‘શિશુ’માંનાં કાવ્યોની આબોહવા છે. એ કાવ્યો સાથેની આ કાવ્યની સગોત્રતા પ્રકટ છે. શ્રીધરાણીની કવિતાનો એ, મને તો સૌથી વધુ આસ્વાદ્ય એવો પ્રદેશ છે. બીજી કવિતાની આજુબાજુ અખબારી ઇબારતનું ઘાસ ઊગી નીકળ્યું છે, થોડોક ઘોઘરો ખોખરો સાદ સંભળાય છે. પણ ચંબેલીના જેવું નાજુક છતાં ભાવજગતની અનન્તતામાં સેલારા મારતું આ કાવ્ય સંતાડીને ખિસ્સામાં મૂકી દેવા જેવું છે.