ગુજરાતી ગઝલસંપદા/ ‘મુકબિલ’ કુરેશી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મુકબિલ’ કુરેશી

તમારી યાદમાં રણની રજેરજ તરબતર માગી;
ફૂલો પાસે જઈ જઈને તમારી નિત ખબર માગી.

મહોબ્બતમાં અમે આ ચાર વસ્તુ ઉમ્રભર માગી;
જિગર માગ્યું, નજર માગી, અસર માગી, સબ૨ માગી.

ખરેખર એ સમયની પણ બલિહારી છે હે જીવન!
ચમન પાસે અમે તો ભરવસંતે પાનખર માગી.

ઊઠ્યા ના હાથ પૂરા ત્યાં તો એ મંજૂર પણ થઈ ગઈ;
ખરેખર મુજ દુઆ જે ભલા કોકે અસર માગી.

ધરા ત્યાગી શકયે ના, રગેરગ લૂણ છે એનું,
અમે જન્નત — જહન્નમ બેય આ ધરતી ઉપર માગી.

બતાવી માર્ગ કોઈને જીવનસિદ્ધિ વરી લીધી,
વિલયને નોતરી લીધો, સિતારાએ સહર માગી.

પ્રણયમાં તર્ક-વિતર્કો સદા બુદ્ધિ, કર્યા કર તું,
નથી દીવાનગીએ કોઈ દી લાંબી નજર માગી.

મુકદ્દરને સદા આગળ ધરે છે માનવી ત્યારે,
મળે છે જિંદગીમાં જ્યારે કો વસ્તુ વગર માગી.

પતંગાએ તો પળભરમાં બળી ઠરી લીધું હૈયું,
બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી.

નવાઈ શી કોઈ પાગલ ગણી ‘મુકલિબ'! તિરસ્કારે,
અમે આ બેકદર દુનિયા કને સાચી કદર માગી.