ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/એક બપોરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
એક બપોરે

કિરીટ દૂધાત

જંતીએ મને આંખ મારી. પછી હાથમાં લખોટીઓ ખખડાવી બોલ્યો, જોજે હો લાલકા, તારી બધીય લખોટી આ ઘડીએ ગબીમાં. લાલકો પણ ડિલને સતાણ કરીને ઊભો. જંતીએ ગબાક કરતા બધી લખોટી ગબીમાં નાખી દીધી. એવી જ મેં દોટ મૂકી ગબીમાંથી લખોટી લઈ ખિસ્સામાં મૂકી. તરત લાલકો સમજી ગયો. એય અણીચ અણીચ, જંતીડાએ પાટા ઉપર પગ રાખીને લખોટી ગબીમાં નાખી દીધી ઈ કાંઈ નો બકે. પછી દોડીને મારી ચડ્ડીના ખિસ્સામાં હાથ નાખી લખોટી કાઢવા મંડ્યોઃ કાળકીના, જંતીડીના, બેય અણીચ કરો છો, જાવ નથી રમવું તમારી હાર્યે. મેં લાલકાનો હાથ ઝાટકી નાખ્યો, હાલતો થા હાલતો, ઈ લખોટી હવે તારી કેવી? લાલકો દાંતિયા કરતો બોલ્યો, આખા ગામને કઈ દઉં, અણીચડીના, કોઈ તમારી હાર્યે નો રમે, બેય ચોવટા છો, મારી લખોટી લાવો, લાવો ની. પણ મેં ચડ્ડીનું ખિસ્સું જોરથી બંધ કરી દીધું. લાલકાએ ચારે દિશામાં જોયું. બપોર ટાણે ખાસ સંચળ નહોતો. ત્યાં વળી ગામમાં જેનું કોઈ માને નહીં એ ભીખાઆતા નીકળ્યા. લાલકો એની પાસે દોડ્યો, ભીખાઆતા, ભીખાઆતા, આ બેય ચોવટા મારી લખોટી લઈ ગયા છે, એને ધખો ની, મારી લખોટી પાછી અપાવો ની. ભીખાઆતાએ એની વાતને ઝાઝું મહત્ત્વ ન આપ્યું ને ચાલતા થયા. હવે લાલકો રોવા માંડ્યો. મુઠ્ઠીમાં ગરમ ધૂળ લઈ અમારા બન્ને પર ઉડાડવા માંડ્યો, તમારી માનાવ, લખોટી આપી દ્યો નૈતર હમણાં મારી બાને બોલાયાવું. જંતીએ મારી સામે ચિંતાથી જોયું પછી ઇશારાથી લખોટી આપી દેવાનું કહ્યું. મેં ખિસ્સામાંથી પાંચેય લખોટી કાઢી ધૂળમાં ઘા કર્યો. લાલકો આંબરડા નાખતો નાખતો લખોટી લઈ એના નાકામાં ભાગી ગયો.

હવે? મેં જંતીને પૂછ્યું, આ તો સાવ અવળું પડ્યું.

જંતી અને મારી પાસે વીસ-વીસ લખોટી હતી. જંતી લાલકા પાસે દસ લખોટી જોઈ ગયેલો. મને કહે, લાલકાની દસ લખોટી હાથમાં આવી જાય તો આપડી બેય પાંહે પચવી-પચવી લખોટી થઈ જાય. એટલે અમે બેય લાલકાને ફોસલાવીને ગબીદાવ રમવા લઈ આવ્યા. પણ લાલકો અમારાય કાન કાપી જાય એવો નીકળ્યો. મેં રીસથી કહ્યું, લાલકીનો, એની માનો, જેટલો બારો છે એટલો ભોંમાં છે. હવે? જંતીએ સામું પૂછ્યું. એટલે મેં ટચલી આંગળી ઊંચી કરી, જાશ્યુંને ભેરુ?

હા ભેરુ, જંતી બોલ્યો.

અમે ગંગામાની પછીતે જઈ ઊભા રહ્યા. મેં પોસ્ટ ઑફિસની બારી ખોલતાં બોલતાં કહ્યું, જંતી, લાલકાની લખોટી આપડા ખિસ્સામાં પડી ગઈ હોત તો અટાણે આ બારી ખોલવાની કાહટી નો લેવી પડત, લખોટીના ભારથી જ પોસ્ટ ઑફિસની બારી ખુલ્લી ને ખુલ્લી રહેત.

મેલ્યને એની વાત, પછી હું અને જંતી સરસર ભીંતે એવા મૂતર્યા કે ભીંતની ગાર્યમાંથી ઢગલોએક પૂતળિયા નીચે પડ્યા. મેં કહ્યું, જો જંતી, તારા ઢગલા કરતાં આપડો ઢગલો મોટો થ્યો. જંતીને આ વાત પસંદ ન આવી. મેં કહ્યું, બોલ શરત લગાવવી છે ભામણ. તારા મૂતરની ધાર કરતાં આપડે એક ફૂટ લાંબી કાઢી દેવી. જંતી મૂંગો થઈ ગયો. આપણે તો પેશાબની ધારથી સાત! એકડા લખી દઈએ. જંતીને તગડો માંડ પૂરો થાય. આપણે મૂતરની ધાર કાઢીને હનુમાનજીની દેરીએથી દોટ કાઢીએ તો અખંડ ધારે ઠેઠ ચોરા લગણ પહોંચી જઈએ. જંતીનું એ ગજું નહીં. અમે આવીને હનુમાનજીની દેરીએ બેઠા.

પહેલો વિચાર એ આવ્યો કે હવે પાછો કેટલા વાગે પેશાબ થશે! એકાદ લોટો પાણી લગાવ્યું હોય તો જલસા પડે. હું ને જંતી આખો દી’ ભેગા રખડીએ એટલે બે-ત્રણ વાર તો આમ સાથે પેશાબ કરવાનો થાય. એમાં તો કંઈકની પછીતો કાચી પાડી દીધેલી. એમાંય આપણી ધાર એટલે શું વાત પૂછો છો?

એ કાળિયા, એ કાળિયા, જો તારા મે’માન આવ્યા છે, કહેતાં લાલકો દોડીને મારી પાસે આવ્યો. પાછળ ખાદી-ટેરીકોટનનાં કેડિયું, લેંઘો ચડાવેલા. કેડિયા પર કાળો ગરમ કોટ પહેરેલા, હાથમાં કૅવેન્ડર અને મોઢામાં પાન દબાવી, કાબરચીતરા વાળવાળા ચાલીસેક વરસના એક ભાઈ ઊભેલા. કેવેન્ડરની સઢ મારીને એમણે પૂછ્યું,

– તું વાઘજીભાઈનો દીકરો?

– ના, ના, હું તો એનો ભાણો છું, દીકરીનો દીકરો.

– જા, વાઘજીભાઈને બોલાવી આવ.

– ઈ તો અટાણે ખેતરમાં છે, અમારું ખળું હાલે છે.

– પાછા ક્યારે આવશે?

– કાંઈ નક્કી નય, આવે તો આવે, નકર વાળુ ન્યાં મગાવી લે, હમણાં તો કામ ધમધોકાર હાલે છે. એ ભાઈને આ વાત બહુ ગમી નહીં. બે-ત્રણ સટ જોરથી લગાવી પછી પૂછ્યું,

– ખેતર કેટલે દૂર છે?

– એમ તો ઠીક ઠીક આઘું છે.

– ત્યાં જવા માટે કાંઈ સાધન મળશે?

– ઠેકાણું નહીં, કોકનું ખાલી ગાડું મળે તો ઠીક, નકર હાલતાય જાવું પડે.

– સાઇકલ પણ ન મળે?

જંતી બોલ્યો, સીદીભાઈની સાઇકલ ભાડે મળી જાય વખતે.

પણ ઈ અજાણ્યાને ભાડે નથી આપતા, લાલકો બોલ્યો. એક વાર કોઈ અજાણ્યો એમની સાઇકલ ભાડે લઈ ગયેલો તે સાઇકલ ભેગો સાવ ગુમ થઈ ગયેલો. એની પોલીસમાં ફરિયાદ લખાવવી પડેલી તે ઠેઠ છ મહિને સાઇકલ હાથ આવેલી, ત્યારે સાવ ખટારા જેવી થઈ ગયેલી. ઉપરથી પોલીસમાં ધક્કા ખાધેલા એ તો સાવ અલગ. સીદીભાઈ રાડ્ય પાડી ગયેલા, હવે કોઈ અજાણ્યાને સાઇકલ અડવા જ નો દંવ ને.

પેલા ભાઈ બોલ્યા, પણ તને તો આપે ને ભાણા, આપડે એક સાઇકલ પર ડબલમાં જઈએ. ભાડું હું આપી દઈશ, બસ? તું તારા નામે સાઇકલ લઈ લે.

– ના ના હો, આવી કાળી બપોરે હું હાર્યે નો આવું. મારાં મોટાંબાને ખબર્ય પડે તો ધોંગારી નાખે.

– અરે બે કલાકમાં તો પાછા.

– ઊંહું.

પેલા ભાઈ મનમાં બહુ ખિજાયા. પણ આપણે શું? એમણે થોડી વાર વિચાર કર્યો, પછી કહે, ચાલ તને બે રૂપિયા વાપરવા આપીશ.

બે રૂપિયા! બાપા તો ક્યારેય પાંચિયા-દસિયાથી વધારે પકડાવતા નહોતા. જંતી કહે, જા તમતારે, તારાં મોટાંબાને હું જબાપ આપી દઈશ. એટલે અમે બન્ને સીદીભાઈના ઘર બાજુ ઊપડ્યા.

સાઇકલ કેડે ચડ્યા પછી મેં વાત શરૂ કરી,

– તે તમે ક્યાંના?

– અમદાવાદનો.

– અમદાવાદમાં તો મારાં બા-બાપુજી રેય છે.

– હુમ્મ.

– તે તમે શેનો ધંધો કરો છો?

– કાપડનો.

– મારા બાપાય કાપડનો ધંધો કરે છે.

– હુમ્મ.

બાપા વરસમાં ખેતરમાં પાક લે અને કાપડની ફેરી પણ લગાવે. ગીરમાં કાપડ લઈને જાય તે ઠેઠ પંદર-વીસ દિવસે પાછા આવે. શિયાળામાં ઘઉંનાં પાણ અને લગનગાળો એકસાથે આવે એટલે બાપા કાપડની ફેરી કરવા ગીરમાં જાય. ઘઉંનાં એક-બે પાણ તો હું અને મોટાંબા પણ પાઈ દઈએ.

બાપા કાપડની ફેરી કરીને આવે પછી જલસા પડે. એક તો ખાવાનું કંઈક વ્યવસ્થિત બને. મોટાંબાને આપણી કોઈ ગણતરી જ નહીં ને. બાપા ન હોય ત્યારે રસોઈમાં ગોદવી મૂકે. દૂધ પણ એક પળી લેવાનું. ચા તો મોળો મૂતર જેવો બનાવે. બાપા ચલાલાથી પૌંવાનો ચેવડો સ્પેશ્યલ આપણા માટે લેતા આવે.

વાળુ કરી લીધા પછી ચૂલા પાસે બેસી બાપા ને મોટાંબા વાતો કરે. હું ડુભાણાં કરતો હોઉં. તલસરાની એક સાંઠી લઈને દીવાથી જોગવવાની, પછી જે ધીમો સર…સર અવાજ આવે, ધીમો તડાક એવો અવાજ થાય તે સાંભળ્યા કરવાનો. લાલ, પીળો, કિરમજી રંગ થયા કરે. આપણને ફૂલખરણી સળગાવ્યા જેટલી મજા આવે. મોટાંબાનું ધ્યાન જાય તો ખિજાયઃ રોયા, બોવ ડુંભાણાં કર્યમા નકર ઊંઘમાં મૂતરી રેહ્ય, હવે સૂઈ જા નકર સવારે કાગડા ઢેકા ઠોલશે તોય ઊઠવાનું ભાન નહીં પડે.’ પછી બાપા મને પથારીમાં સુવરાવી જાય. ચૂલા પાસે બેસીને બેય માણસ મોડે સુધી વાતો કરતાં હોય, કાપડ અને ઘઉંના હિસાબની. આમ તો મને સાંભળતાં બાપા આવી વાતો ન કરે પણ મોટાંબાના કાને પહેલેથી જ થોડો ખોટ્યકો એટલે બાપાને મોટેથી બોલવું પડે. અર્ધી ઊંઘમાં નફા-નુકસાનની એ બધી વાતો કાને પડ્યા કરે.

– હવે કેટલું દૂર છે?

– બસ પોણે તો આવી ગ્યા છઈં.

ચારે બાજુ ખળાં લેવાતાં હતાં. પવન પૂરજોશમાં મંડેલો એટલે બધાં વાવલવામાં પડેલાં. ઝાડની સર…સરથી કાનને મજા પડતી હતી.

– જોવો, પેલું દેખાયને ઈ આપડું ખળું.

– ત્યાં આટલા બધા લોકો શું કરે છે?

– અમારા ત્રણ-ચાર જણાનું સૈયારું ખળું હાલે છે, આજ કે કાલ રાત્રે અમારો વારો આવશે.

શેઢો આવ્યો એટલે અમે સાઇકલ પરથી ઊતરી ગયા. હું દોડ્યો, બાપા, એ બાપા, જોવો આપડા મે’માન આવ્યા છે, અમદાવાદથી. પણ મહેમાનને જોઈને બાપાના મોઢા પર ઉજાસ ન આવ્યો.

છતાંય બાપાએ બે પગલાં સામા ચાલી રામરામ કર્યા. પેલા ભાઈ થોડી વાર બાપા સામે જોઈ રહ્યા. બાપાએ કંઈ પૂછ્યું નહીં કે કશું કહ્યું નહીં. પેલા ભાઈએ બાપાને ડાઇરેક્ટ કહ્યું, વાઘજીભાઈ તમારા બાકી પૈસા હજી ન આવ્યા. કાપડ લઈ ગયા ત્યારે તો પંદર દિવસમાં મોકલાવું છું એવું કહેતા હતા. મારી બે ટપાલનો પણ જવાબ નથી આપ્યો.

બાપાએ કરગરતાં કહ્યું, આ વરહે ઉઘરાણી ખાસ પતી નથી, ઘઉંના ભાવેય ખાસ જોરમાં નથી. એટલે હજી ચાર-પાંચ મૈના જાળવી જાવ તો હારું!

– એવું ચાલે નહીં. હું તો અત્યારે જ પૈસા લેવા આવ્યો છું. બાપા મૂંઝાઈ ગયા, અટાણે પૈસાનો વેંત નૈં થાય.’

પેલા ભાઈનો મગજ ગયો, મારે તો અબીહાલ પૈસા જોઈએ. બાપા કશું ન બોલ્યા. પેલા ભાઈએ બાપાના ખભે હાથ મૂકી ઝંઝેડ્યા. બાપા સ્થિર થઈને ઊભા. ઘડીકમાં નીચે તો ઘડીકમાં પેલા ભાઈ સામું જોઈ રહ્યા. પેલાએ ગુસ્સે થઈ બાપાને સ્ટેજ ધક્કો માર્યો, પૈસા કાઢો પૈસા.

બાપા અચાનક ઘઉંના ઢગલા પર ચડી ગયા. એમના શ્વાસની ધમણ જોરથી ચાલવા મંડી. પછી એમનાથી સર…રરર કરતોને પેશાબ થઈ ગયો. થોડા ઘઉં બગડ્યા. મારો સાદ ફાટી ગયો, એ મારા બાપાને કાં’ક થઈ ગયું, ધોડો..ધોડો… મારા બાપા..

ઓપનેરની દિશામાંથી ગુણામામા, કિશોરમામા, જદુમામા બધાય દોડ્યા. નાગજીબાપા પણ આવ્યા. મેં કહ્યું, આણ્યે મારા બાપાને ધક્કો મારીને પાડી દીધા. કિશોરમામાનો સ્વભાવ આ સાંભળતાં ફાટી ગયો. ખંપાળી લઈ પેલા ભાઈને મારવા દોડ્યા,

– ઠોકીના, તારી એવી તો કઈ હિંમત કે વાઘજીબાપાને આંગળી અડાડી જા. તારાં સોયે વરસ અટાણે પૂરાં કરી નાખું.

પેલા ભાઈ થથરી ગયા. નાગજીબાપાએ કિશોરમામાને કહ્યું, રહેવા દે કિશોર. હું બૂમાબૂમ કરતો હતો એટલે મારી સામે ડોળા કાઢીને બોલ્યા, એઈ, ચૂપ, બંધ થઈ જા, કયુંનો બોકાહા નાખે છે. પછી ત્રણેય મામાને હુકમ કર્યો, ભાઈને ઊભા કરો, લીંબડા હેડ્યે લઈ જઈ વાહર નાખો એટલે સુધ્ય આવે. પછી એમણે પેલા ભાઈને ધમકાવવા માંડ્યા, આવી રીતે વાત કરો છો માણહ હાર્યે, શરમ જેવી જાત્ય છે કે નહીં? અમારા છોકરા જોયા છે? હમણાં ઠેકાણે પાડી દેહે તો બૈરી-છોકરાં રૈ જાહે બચકારા કરતાં.

પેલા ભાઈ તતપપ થઈ ગયા, હું તો મારા પૈસા લેવા આવ્યો હતો, મને ખ્યાલ –

– હવે જોયા પૈસા, કાંઈ તમારા પૈસા બાકી મેલીને ભાગી જાવાના છંઈ.

– પણ હું તો પંદર દિવસ પછી મારી દીકરીનાં લગન લઈને બેઠો છું. મારે બધીય દિશા દેવાઈ ગઈ છે.

– રાખો હવે; બોલ્યા, બધી દિશા દેવાઈ ગઈ છે.

આટલી તડાફડી થઈ ત્યાં બાપાને ઠીક થયું હોય એમ લાગ્યું. એમણે ભીની ચોરણી કાઢીને પનિયાનો કછોટો લગાવ્યો. નિશાળમાં વાર્ષિક પરીક્ષાના પરિણામને દિવસે પાસ થયેલાં છોકરાં ઉપલા ધોરણમાં જતાં રહે અને નાપાસ થયેલાં એક ખૂણે એ જ ધોરણમાં બેસે, એ રીતે બાપા લીમડા હેઠે બેઠા. પછી બાપા, પેલા ભાઈ અને નાગજીબાપા કંઈક મસલતમાં પડ્યા. છેવટે એવું નક્કી થયું, નાગજીબાપા અમારા ઘઉં તાત્કાલિક ધોરણે મણે બે રૂપિયા ઓછા આપીને ખરીદી લે. એમાંથી પેલા ભાઈના અર્ધા પૈસા અત્યારે જ આપી દેવાના. બાકીનાની વાત પછી. ગાડાં ગામમાં ઘઉં ઠાલવવા જતાં હતાં એમાં પેલા ભાઈ, હું અને બાપા ગામમાં જતા રહીએ. બાપા પૈસા ચૂકવી, કપડાં બદલાવી ખળે પાછા આવી જશે. સાઇકલ ગાડા પર ચડાવી દીધી.

હું ગાડામાં લાંબો થઈને સૂતો. મનમાં હતું કે બાપા મારી ઉપર ખિજાયા હશે. પણ બાપા લીમડા તરફ જોઈ રહેલા. સીમમાં પવન પડી ગયેલો. વેકરા પર ગાડાનાં પૈડાંનો અવાજ કાન પાસે કાનસ ઘસાતું હોય એ રીતે આવતો હતો.

ગામમાં પહોંચ્યા પછી બાપા અને પેલા ભાઈ અમારે ઘેર ગયા. મેં સાઇકલ સીદીભાઈને ઘેર જમા કરાવવા પરિયાણ આદર્યું. પેલા ભાઈએ મને સાઇકલના ભાડા ઉપરાંત બે રૂપિયા આપ્યા, રોકડા.

હનમાનજીની દેરીએ જઈને બેઠો. જંતી અને લાલકો લખોટી રમતા હતા. મેં પૂછ્યું, મારાં મોટાંબા ગોતતાં’તાં?

બન્નેએ રમત બંધ કરી. લાલકો જતો રહ્યો. જંતી મારી પાસે આવીને બેઠો, ના રે ના. પછી કાનમાં મોં નાખીને પૂછ્યું, પછી ઓલ્યાએ તને પૈસા આપ્યા?

મેં ચડ્ડીના ખિસ્સામાંથી ઝગારા મારતા બે રૂપિયા કાઢ્યા. જંતી ખુશ થઈ ગયો. પછી બન્નેએ વિચાર કર્યો, પૈસા કેવી રીતે વાપરવા? એકસામટા દુકાને બે રૂપિયા લઈને જઈએ તો ચોરી કરી હશે, એમ માની દાટી આપીને પૈસા પોતે રાખી લે. ઘેર તો બે રૂપિયા મોટાંબાની નજરે પડ્યા તો માર્યા વગર ન મૂકે. જંતીનાં ફઈનું પણ એવું જ.

– છેવટે જંતી બોલ્યો, એક આઇડિયા આવે છે.

– બોલ્ય?

– સામે આપડી લખોટી રમવાની ગબી છે એમાં આ રૂપિયા સંતાડી દઈએ. કાલે નક્કી કરશું શું કરવું, અટાણે તો ઠેકાણે પાડો.

– પણ ગબીનું નિશાન યાદ કેમ રે’શે? ઉપર તો ધૂળ વાળી દેવી પડે ને?

– એના પર પેશાબ કરી નિશાની બનાવી રાખીએ. કાલે રેલો સુકાઈ જાય તોય થોડી નિશાની રહેશે.

રૂપિયા દાટીને મેં પેશાબ કરવા પોસ્ટઑફિસની બારી ખોલી તો ખિસ્સું સાવ હળવું લાગ્યું.

– જંતી, મારી લખોટી નથી, ક્યાં પડી ગઈ હશે?

– ખેતર જઈને આવ્યો એમાં રસ્તામાં ક્યાંક પડી ગઈ હશે. ડોબા જેવા, એટલુંય ધ્યાન નથી રાખતો.

– હવે? હું રોવા જેવો થઈ ગયો, હવે શું થાહે? જંતી, તું મને પાંચ લખોટી ઉછીની દે છો?

– જા – જા – ઉછીની લખોટીવાળી. હાલ્ય મૂતરવા માંડ્ય, કહીને જંતીએ જોરથી ધાર છોડી. પછી મને કહે, હવે તારો વારો. મેં બળ કર્યું, પણ પેશાબ ન ઊતર્યો.

– થાવા દે – થાવા દે – જંતી બોલ્યો.

મેં ફરી બળ કર્યું. અતિશય બળ કરવા છતાં ટીપુંય ન પડ્યું. લગાવ – લગાવ, કહેતા જંતીનો ચહેરો લાલચોળ થઈ ગયો. એ મારી સામે ઉશ્કેરાઈને જોઈ રહ્યો.

– જંતી, સાળું પેશાબ તો નથી થાતો. મેં પડી ગયેલા મોઢે કહ્યું.

– હાઠ્ય હાળા – જાવા દે – બંધ કર્ય તારી પોસ્ટઑફિસ.

મેં ઊભા થઈને બટન બંધ કર્યાં. એ ખિસ્સામાં લખોટીઓ રણકાવતો એના ઘેર જવા ઊપડ્યો.