ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હિમાંશી શેલત/સાંજનો સમય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સાંજનો સમય

હિમાંશી શેલત

રોજ સાંજે કાકુ ઘરની બહાર નીકળી જતા એની નિન્નીને ખબર હતી. ઑફિસેથી આવે અને એકાદ કલાકમાં જ ઘરની બહાર નીકળી જાય. મમ્મા કાકુને કોઈ દિવસ પૂછે નહીં કે એ ક્યાં જાય છે. સાંજને સમયે ક્વચિત્ કોઈ વળી ઘેર મળવા આવી ચડે તો આવેલાને ઝટપટ વિદાય કરી દેવાની કાકુની ઉતાવળ સાવ ઉઘાડી પડી જાય. છતાં મમ્મા આ બાબત એકેય શબ્દ બોલે નહીં અને એક નિયમ પાછો કાકુ માટેય અફર. બધાએ સાંજે સાથે જ જમવાનું. સંદીપને આવતાં પાંચદસ મિનિટ આમતેમ થાય કદાચ, પણ કાકુ તો આઠમાં પાંચ મિનિટ બાકી હોય ત્યાં આવી જ રહે.

કાકુ ઘરની બહાર પગ મૂકે કે મમ્મા સીધી રસોડામાં. નિન્ની લાઇબ્રેરીમાંથી આવી હોય. એટલે જરા આડી પડી છાપાંનાં પાનાં ફેરવે અને ઠેઠ સાડાસાતે — રોટલી-ભાખરીનો સમય થાય ત્યારે — રસોડામાં દાખલ થાય. મમ્માના હાથ ચાવી આપી હોય એમ ચાલે. આડણી, તવી, ચીપિયો, ગરમીમાં ફૂલતો દડો અને થાળીમાં થપ્પ. લય સહેજ પણ તૂટે નહીં.

પછી નિન્ની અને મમ્મા બહાર આવે. ઘડિયાળ તરફ આંખ જાય કે ન જાય. બહારના ઝાંપાનો ખાસ પ્રકારનો કિચૂડકટ અવાજ સંભળાય એટલે જાણી જ લેવું કે આઠ વાગ્યા. બારણું ખૂલે કે તરત નિન્નીના ખભા પર કાકુની ટપલી અને એમનું હૂંફાળું હસવું — બંને મઘમઘતાં ફૂલ હથેળીમાં સાચવતી નિન્ની અંદર આવે. કાકુ નિન્ની માટે માત્ર ડૅડી નહોતા. દુનિયાની શ્રેષ્ઠ વ્યક્તિ એના ઘરમાં હોય એવું જ કંઈક લાગતું નિન્નીને. નાનપણથી જ કાકુએ ડર વિના એમના જૂના ઘરના માળિયામાં કેમ જવું એ શિખવાડેલું નિન્નીને. ત્યાં નીચેના નળ પર પાણી ભરવા જવું પડતું અને એક નાનકડી દેગડીમાં નિન્ની પાણી ભરી લાવતી ત્યારે ઉપરને પગથિયે કાકુ ઊભા રહેતા અને છલકછલક થતી દેગડી નિન્નીના હાથમાંથી લઈ લેતા. મોજમાં હોય તો ક્યારેક રાગ કાઢીને ગાઈ લેતાં કે નિન્ની રાણી ભરતાં પાણી…

નિન્ની અને સંદીપ પરીક્ષા વખતે જાગરણ માંડે ત્યારે કાકુય જોડે બેસી વાંચતા. લાઇબ્રેરી સાયન્સની પસંદગી કાકુની જ.

તને પુસ્તકો ગમે છે તો કંઈ નવું જ કર ને! બહુ મઝા પડશે નવી નવી ચોપડીઓ વચ્ચે… જમતી વેળા નિન્ની, સંદીપ અને કાકુ જાતજાતની વાતો કરે. ફિલ્મ, ટીવી, રાજકારણ, સંગીત, ચિત્ર, કશું બાકાત નહીં. કાકુની વાતો સાંભળવાનું ગમે. મમ્મા માત્ર ખાવા સંબંધે પૂછપરછ કરતી રહે.

– તને શાક આપું નિન્ની?

– મોળું દહીં છે, જો ખાવું હોય તો…

– સંદીપ, તું તો કઠોળને અડતો જ નથી.

– જીભ બગાડી છે કચરો ખાઈ-ખાઈને… જમીને ઓટલા પર બેસવાનું બધાએ. નિન્નીનો આ ખાસ સમય. ઘરની, સ્વજનોની સુગંધમાં એ તરબતર હોય. આવું મનગમતું વાતાવરણ છોડીને બીજે ક્યાંય જવાનું આવે તો…? કાકુ તો એના દોસ્ત જેવાય ખરા પાછા.

– આપણે તો ભઈ નિન્નીને છૂટ આપી છે પૂરેપૂરી. નિન્ની એને ગમતો છોકરો જાતે જ લઈ આવશે. કોઈનો વિરોધ નહીં ચાલે. નિન્નીની પસંદ આપણી પસંદ, ખુશ ને હવે?

એ દિવસે ગઝલના કાર્યક્રમમાં આવવા કાકુ તૈયાર થઈ ગયા. મમ્મા ન આવી. ત્યાં ઘણાંબધાં મળ્યાં. ડૉ. ઘોષ અને રામનાથન્, કુસુમબહેન, નૌશીર અને ગુલ… એટલાં બધાં ઓળખીતાં એકસાથે કે કોઈ જોડે વાતચીત તો ઠીક, સામે સરખું હસીયે ન શકાય એટલી ગરબડ. કાકુ છૂટા પડી ગયા. હાલકડોલક માથાંની પેલે પાર જતા દેખાયા. પછી નિન્ની એને અચાનક મળી ગયેલી સુંદરા જોડે કોઈ ખાસ વાતમાં ડૂબી ગઈ. ડૂબકીમાં બહાર આવી તો સામે દીઠા કાકુ. જોડે કોઈક હતું – ચાળીસેક વર્ષની એક સ્ત્રી, યાદ રહી જાય એવી આર્દ્ર આંખોવાળી.

– આ નિન્ની-નંદિની – મારી દીકરી. સેન્ટ્રલ લાઇબ્રેરીમાં છે એક વર્ષથી… અને આ ડૉ. વિદુલા દવે. સાઇકૉલૉજી ભણાવે છે કૉલેજમાં.

કાર્યક્રમ પૂરો થયા પછી કાકુએ વિદુલાબહેનને પૂછેલું કે મૂકી જાઉં? નિન્નીને ગમેલું નહીં. પણ પછી તો વિદુલાબહેને જ ન પાડી, ભારપૂર્વક.

વચ્ચે એક વાર લેખા આગ્રહ કરીને નિન્નીને ‘યલો રોઝ’માં લઈ ગઈ. આખા શહેરમાં એ નામ જાણીતું થતું જતું હતું. કહે કે ના ખાવું હોય તો કંઈ નહીં, જસ્ટ એન્જૉય ધી ઍટમોસ્ફિયર. જગ્યા તો નાકડી જ હતી પણ બંને બાજુ તોતિંગ કૂંડાંઓની હારમાં થોકબંધ પીળાં ગુલાબ ઊગ્યાં હતાં અને એનાથી જ અત્યંત રમણીય વાતાવરણ સર્જાતું હતું.

આઇસક્રીમ મગાવ્યો. વાતવાતમાં લેખાથી બોલી પડાયું – લેખા એ વાક્યો જે રીતે બોલી, કયા અક્ષર પર ભાર મૂક્યો, કયો શબ્દ આઇસક્રીમની ચમચીને વળગી પડ્યો – એ બધું જ નિન્નીના ચિત્તમાં રેકૉર્ડ થઈ ગયું.

– કેટલી સરસ જગ્યા છે? નહોતી કહેતી હું? એટલે જ તારા ડૅડીય ક્યારેક અમારાં મૅડમ જોડે અહીં…

– કોણ મૅડમ?

નિન્ની ચોંકી ગયેલી. કાકુ વળી કોઈ દિવસ રેસ્ટોરાંમાં જાય? લેખા ઝંખવાણી પડીને અટકી ગયેલી પણ મોંમાંથી નીકળી ગયું તે નીકળી ગયું. શબ્દો કંઈ એકઠા કરીને પાછા પર્સમાં તો મૂકી દેવાય નહીં.

– બોલ ને, મૅડમ એટલે કોણ?

– છે એક વિદુલાબહેન. પરદેશથી ભણીને આવ્યાં છે. મારું તો સાઇકૉલૉજી નહીં એટલે બીજી કંઈ ખબર નથી મને…

નિન્નીને પેલી સાંજ યાદ આવી ગઈ ગઝલવાળી. પેલી મોટી આર્દ્ર આંખો પણ… આ ડૉ. વિદુલા દવે…

આખું ચિત્ર ગોઠવાઈ ગયું. કાળાધોળા અને રંગીન ટુકડાઓએ પોતપોતાની જગ્યા લઈ લીધી. હજી તો કાકુ પર કોઈએ તહોમતનામું મૂક્યું નહોતું ત્યાં નિન્ની કાકુના બચાવમાં રોકાઈ ગઈ, આવેશથી. કેમ કોઈ બે વ્યક્તિ રેસ્ટોરાંમાં જઈ ન શકે? બે સ્ત્રીઓ જઈ શકે, બે પુરુષોય જઈ શકે, તો એક સ્ત્રી ને એક પુરુષ શા સારુ ન જાય? આવું જોવા કેમ આપણી આંખો જરાય ટેવાતી નથી?

… પણ કાકુ તો તમારી જોડે પણ કદી રેસ્ટોરાંમાં આવતા નથી તેનું શું?

નિન્નીની અંદર ભરાયેલું કોઈક આવા ચતુર સવાલો પૂછી એને અકળાવતું હતું.

…તને કે મમ્માને લઈને કેમ કાકુ નથી આવતા ‘યલો રોઝ’માં?

નિન્ની પાસે કંઈ જવાબ નહોતો. લેખા જોડે પછી કોઈ વાતચીત જામી નહીં. લેખાએ જ સાંજ બગાડી.

મમ્મા કાકુના શર્ટને બટન ટાંકતી હતી. નિન્ની એને ધ્યાનથી જોઈ રહી. મમ્માની સફેદ લટ સરસ દેખાય છે… મમ્માની આંખો અમને ન મળી, સંદીપ પણ કાકુના કુટુંબ પર ગયો. જોકે મમ્માનું શરીર હવે જરા ભારે દેખાય છે. કાકુ પહેલી વાર મમ્માને મળ્યા હશે ત્યારે મમ્મા આવી નહીં હોય. જૂના ફોટાઓ જોવા પડશે એકાદ દિવસ ફરી પાછા…

બટન ટંકાઈ ગયું એટલે મમ્માએ કાળજીથી શર્ટની ગડી કરી અને પછી શર્ટની બાંય પર હાથ ફેરવવા લાગી. નિન્નીએ સાવ અચાનક જ પૂછ્યુંઃ

– તું કાકુની જોડે સાંજે જતી હોય તો ક્યારેક?

– હું? કાકુ જોડે?

કોઈ છેક જ બેહૂડો અને રમૂજી સવાલ પુછાયો હોય તેમ મમ્માના અવાજમાં વિસ્મય અને અણગમો સાથે જ ઊભરાઈ આવ્યાં. નિન્ની સંકોચાઈ ગઈ. એને જાત પર ખીજ ચડી. ખોટી ઉતાવળ થઈ ગઈ. દીવાલો એના પર ધસી પડતી હોય એમ જાતને બચાવતી એ ત્યાંથી ઊભી થઈ ગઈ જલદી જલદી.

પછીના જ દિવસે ફોઈની મંદાકિની એના આખા કુટુંબ જોડે આવી. કલબલાટ વેરતી એક મોટી મોટર આંચકા સાથે ઘર પાસે ઊભી રહી. મંદાકિની એની ખાસિયત મુજબ ખડખડાટ હસતી બહાર આવી, જોડે એનો શરમાળ વર અને નર્યા વાંદરવેડા કરતા બે છોકરા.

મામા ક્યાં ગયા રવિવારે સાંજેય તે? અમે આબુ જવા નીકળ્યાં છીએ. વડોદરા રાત રોકાવાનાં. થયું કે રસ્તે મળતાં જઈએ તમને બધાંને… કલાકમાં જ નીકળવું છે.

– હવે રોકાઈ જાને! આપણે ઘેર બધી સગવડ છે…

– ના, માંડ રજા મળી છે અને માંડ પ્રોગ્રામ ગોઠવાયો છે. આ તો માત્ર તમને મળવા જ… ફોન કરો ને કાકુને! ક્યાં ગયા છે?

મમ્મા કયો નંબર જોડે છે તે જોવા નિન્ની નજીક સરકી. ચારપાંચ વાર પ્રયત્ન કર્યો પણ મેળ ન પડ્યો. થાકીને મમ્માએ નિન્ની સામે જોયું.

– કાકુને બોલાવવા જવું પડશે તારે.

– ક્યાંથી?

હમણાં મમ્મા કહેશે કે બેઠા હશે પેલાં વિદુલાબહેનને ઘેર જ… પણ મમ્મા તો સાવ ધીમેથી બોલી,

– હીરાબાગ સર્કલ સામે જ શિવમ્ એપાર્ટમેન્ટ છે. તરત જ જડશે તને, રસ્તેથી જ દેખાય છે. ત્યાં કોણ રહે છે એ ન તો મમ્મા બોલી, ન તો નિન્નીએ પૂછ્યું. એવી જરૂર જ ન લાગી.

શિવમ્ એપાર્ટમેન્ટ તો જડી ગયું. દીવાલ નજીક કાકુનું સ્કૂટર પણ દેખાયું. વધારે તપાસ કરવાની જરૂર ન પડી. દાદર પાસે જ નામની પટ્ટીઓ હતી. બીજે માળે પાંચ… ડૉ. વિદુલા દવે… એ બારણાં સામે થોડી ક્ષણો માટે એમ જ ઊભી રહી. ડોરબેલ ન દેખાતાં આગળો ઠોક્યો. બારણું ઊઘડ્યું. કાકુ દેખાયા. આરામદાયક ખુરશી પર બહુ નિરાંતે બેઠેલા. સામે બે ગ્લાસ પડ્યા હતા નાનકડા ટેબલ પર. એને જોઈને એકમ ઊભા થઈ ગયા.

– અરે, નિન્ની! કેમ આમ એકાએક? કંઈ થયું?

– મંદાકિની આવી છે. બધાં જ છે. તરત પાછાં જવાનાં છે. તમને મળવા જ રોકાઈ છે. ફોન તો બહુ કર્યા પણ લાગ્યા નહીં, મમ્માએ કીધું કે કાકુ આવશે થોડી વારમાં, પણ ઉતાવળ છે એટલે મને કહે કે…

અહીં ધસી આવવા બદલ માફી માગવા જેવું બોલાતું જતું હતું એનું ભાન થતાં નિન્ની અટકી ગઈ. મમ્મા પર ને મંદાકિની પર દાઝ ચડી થોડી.

– જોયો અમારો તૂફાનમેલ?

કાકુ વિદુલાબહેન સામે જોઈ હસ્યા. પછી બારણાં નજીક જઈ ચંપલ પહેરી લીધાં.

– કેવી રીતે આવી તું?

– મારા કાઇનેટિક પર તો વળી!

– ભલે, તું આવ તારી મેળે. હું નીકળું.

વિદુલાબહેને જરા મલકીને હાથ હલાવ્યો.

– આવ નિન્ની, તારે કંઈ ઉતાવળે જવાની જરૂર નથી.

– ના, ના, ફરી આવીશ. આજે તો ઘરે બધાં છે એટલે…

એની આંખ સાવ સામે જ પડેલા ટેલિફોન તરફ ગઈ. રિસીવર નીચે મૂકી દીધેલું.

આખે રસ્તે કાકુ અને વિદુલાબહેન કેવી વાતો કરતાં હશે એની નિન્ની કલ્પના કરતી રહી. વિદુલાબહેન પરણ્યાં જ નહીં હોય કે પછી વિધવા હશે? છૂટાછેડા લીધા હોય એમ પણ બને…

ઘર આવી ગયું. મંદાકિની વળગી હતી કાકુને બરાબર.

– તારો રવિ તો મંદા, ભારે ખેપાની દેખાય છે! કેમ, કેમ સચવાય છે આવા બે બારકસો!

– એટલે જ તો મામા, એકને તમારી જોડે મૂકી દેવાનું મન થયા કરે છે!

રવિ મંદાકિનીના ખોળામાં માથું મૂકી જાતજાતના અવાજો કરી અમળાતો હતો. નિન્ની આ બધી ધમાલનાં ઝાંખરાં અળગાં કરી બારી પાસે ઊભી રહી. વિદુલાબહેન કેવી રીતે મળ્યાં હશે કાકુને? એ તો એવું જ માનીને જીવતી હતી અત્યાર સુધી કે કાકુની એકેય વાત એને ના ખબર હોય એમ બને જ નહીં.

— તમારે માટે એક ખાસ ચીજ લાવી છું મામા! એ કુંદન, જરા પેલી થેલી આપ તો… પછી ઉત્સાહભર્યા થોડા ચિત્કાર અને ધમાલ… નિન્ની કામને બહાને રસોડામાં ભરાઈ ગઈ.

મંદાકિની નામનું વાવાઝોડું પસાર થઈ ગયું. રાતે નિન્નીને સપનું આવ્યું કે વિદુલાબહેન એને આગળો ઠોકવા બદલ ધમકાવતાં હતાં ને કાકુ ત્યાં જ બેઠા હોવા છતાં એકેય શબ્દ બોલતા નહોતા. પછી એ નીચે મોંએ ત્યાંથી જતી રહી એટલે વિદુલાબહેન કાકુને ભેટી પડ્યાં…

ફરી શનિવારની સાંજ. નિન્ની આવી ત્યારે મમ્મા ઓટલે બેઠેલી. સામેવાળાં દેસાઈકાકા અને કાકી નિયમ મુજબ ફરવા નીકળ્યાં. બાજુમાંનાં કૌશિકભાઈ અને મીનાબહેન દર શનિવારે ઘરમાં જ પિકનિકની હવા ઊભી કરે. એમનો બ્રિજનો દિવસ. હમણાં બીજાં બે સ્કૂટર ધમધમાટ આવશે. ચંપકભાઈને ઓટલે છોકરાંઓની અંતકડી ઊછળતી હતી, ટપાટપ તાળીઓ સાથે. મમ્મા સાવ એકલી એના પોતાના ટાપુ પર બેસી રહી હતી, ફરિયાદ ન કરીને સ્વમાન સાચવવાની જીદ થાક બનીને ઘેરાઈ હતી એના આખા ચહેરા પર. પતિ, સંસાર, સંતાનો, ઘર… ક્યાં હતું આ બધું? નિન્નીની આંખે પડ બાઝ્યાં. ધૂળ ચોંટી હોય તેમ રૂમાલ આંખ પર ફેરવતી એ ઝડપભેર પગથિયાં ચડી મમ્માની પડખે આવી ગઈ.

— ચાલ મમ્મા, તૈયાર થઈ જા સરસ સાડીમાં, આજે આપણે બંને ફરવા જવાનાં છીએ!

— કેમ કેમ? કંઈ અચાનક મન થઈ આવ્યું?

— બસ, મૂડ અમારો…

નિન્નીએ ઠાઠથી કહ્યું, અવાજની ભીનાશ સંતાડતાં.

બગીચામાં વાંસના ઝુંડ પાસેના બાંકડા પર બેસી એણે મમ્માનો હાથ પોતાના હાથમાં લીધો. એ નાની હતી ત્યારે ઊંઘમાંય આમ જ પકડી રાખતી મમ્માનો હાથ, પણ ત્યારે એના બીજા હાથમાં કાકુની આંગળી જકડાયેલી રહેતી.