ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/સાબરમતી જેલમાં ડમરો
રતિલાલ ‘અનિલ’
સાબરમતીની જેલમાં ડમરો સૂંઘી સૂંઘી, ગાંધીનો ચરખો ફેરવી શાયર બની ગયા; બે ચોપડીની મૂડીએ અક્ષરનો માંડ્યો ખેલ, છાપાનાં કાળા ઘાસનું કસ્તર બની ગયા.
મારું કબરકાવ્ય વાંચીને, જેલમાં સહજ એવો રસ હોય તો પ્રશ્ન થાય: સાબરમતી જેલમાં ડમરો? અખબાર અને રેડિયો પર અમારા સમાચાર આવશે જ એવી સંતર્પક પ્રતીતિથી બળેવના દિવસે કેદીઓના રક્ષા બાંધવા જનારાઓને જોવાની સ્પૃહા ન હોય તોયે લીમડા દેખાયા વિના રહે જ નહીં એટલી બધી સંખ્યામાં ત્યાં છે, હજીયે હશે. પૂરી પ્રૌઢતાથી, આવનારને સત્કારવા માટે માર્ગમાં એ ઊભેલા છે. મેઘાણીભાઈની એક કવિતા રાજકીય કેદીઓ ધમકભેર ગાતા, ભાઈ, જેલની ઊંચી દીવાલો કરતાં તો તું બહુ ઊંચે છે, તારી લાંબી નજર મારા ગામ અને ખોરડા સુધી પહોંચે છે, તો મારા ઘરવાળાંને મારી ખબર પહોંચાડ અને એના સમાચાર મને આપ, એવો એનો ભાવ છે. જેલના લીમડાને ઉદ્દેશેલું એ ગીત યાદ હશે તેમને જેલના લીમડાયે સાંભરશે જ,
જેલની હવાને નિરોગી રાખનારા લીમડાઓથી સાબરમતીની જેલ હરીભરી હતી અને હજીયે હશે પણ ડમરાના છોડ ક્યાં? જેલમાં વળી બગીચાનો વૈભવ હોય? હોય તો જેલરના બંગલે હોય! બગીચો જ શા માટે? મફતિયાં શાકભાજીની નાની વાડી પણ હોય!
કોલમ્બસ નવા પ્રદેશની ખોજમાં નીકળ્યો અને કોઈ ટાપુ પર આપણે લીલી ચા કહીએ છીએ એવું સુવાસિત ઘાસ જોઈને એ હરખાયો, એવો જ ઉલ્લાસ જીવનમાં પ્રથમ વાર એ જેલમાં ડમરાના સુવાસિત પાનને જોતાં, એને સ્પર્શતાં અને એથી સુવાસિત થયેલા આંગળીનાં ટેરવાંને સૂંઘી મને થયો હતો. એ પછી તો જાણેલું કે મારા નગરના કબ્રસ્તાનમાં કેટલીયે કબરો પર ડમરાની સુવાસ મહેકે છે. ચાળીસ વર્ષ પરના ગરીબ કુટુમ્બના છોકરાની જીવનલીલાનો વિસ્તાર બેચાર શેરી પૂરતો! અધિક માસ આવે તો સ્નાનપુણ્ય માટે તાપીએ જવાનું ને બળિયા બાપા શપીર પર મહેર કરી દર્શન આપીને પાછા વળે ત્યારે ઉધનાના બળિયા બાપાની દહેરી સુધી ગાલ્લામાં બેસીને જવાનું મળે!
ગરીબો માટે નિકટતા પણ ક્ષિતિજ જેટલી જ દૂર હોય છે.
ચાળીસ-પિસ્તાળીસ વર્ષ પહેલાં લાટપ્રદેશના સુખી લોકો પણ મોતીના દાણા જેવી જુવારના રોટલા ખાનારા. સૂરતી કેદીને જેલના બાજરાના કાળા રોટલાએ લોહીવાળા દસ્તના રોગી બનાવી દીધા. એ નવલોહિયા જુવાને મારી આંખ સામે જીવ છોડેલો. સાબરમતી જેલના બીજા છેડે દીવાલની લગભગ પાસે જેલનું દવાખાનું. એમાં અઢી-ત્રણ માસ ફરજિયાત રહેવું પડ્યું. એનિમા અને યુનિવર્સલ સિરપ જેવું લાલ પાણી એ ઉપચાર! દાદાસાહેબ માવળંકર ન હોત તો મારા જેવા સંખ્યાબંધ દખણી ગુજરાતી આ દુનિયામાં ન હોત.
બસ, અહીં, જીવનમાં પ્રથમ વાર દવાખાનાના કમ્પાઉન્ડમાં ડમરાના મહેકતા છોડ જોયા! મુગ્ધ થઈ ગયો. એના પાનને સૂંઘું, સ્પર્શથી એની સુવાસરજ આંગળાનાં ટેરવાંને વળગી હોય તે મહેક્યા કરે. ઉનાળુ તડકાના દિવસોમાં ડમરાની સુવાસનો વૈભવ અઢી-ત્રણ માસના ખાટલાવશ એકાંતમાં મનને તો જિવાડી ગયો. મેં એને તુલસીના સગાભાઈ રૂપે સ્વીકારી લીધો. એ ભાવસગાઈ પ્રથમ કાવ્યસંગ્રહને ‘ડમરો અને તુલસી’ નામ આપી મારા પૂરતી સ્મરણીય કરી.
મુસ્લિમની પુષ્પપાંદડીમાં ડમરો ને પુષ્પ હોય, હિન્દુની પુષ્પપાંદડીમાં તુલસી ને પુષ્પ હોય. અરબસ્તાનથી આવેલી ગઝલની ડમરાની સુવાસ સાથે તુલસીનું સગપણ તે ગુજરાતી ગઝલ.