ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/શાલભંજિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨. શાલભંજિકા






ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • શાલભંજિકા - ભોળાભાઈ પટેલ • ઑડિયો પઠન: પાર્થ મારુ



ચાલતી ગાડીએ લખું છું. વાત તો ભોપાલની લખવાની હતી. ના, ભોપાલની પેલી ગોઝારી ગેસ દુર્ઘટના વિશે નહીં, એ વિશે તો તું અખબારમાં વાંચતી જ હોઈશ. તેમાંય થોડા દિવસ પહેલાં સર્વોચ્ચ અદાલતે ગૅસપીડિતોના વળતર માટે યુનિયન કાર્બાઇડ પાસેથી જે કેટલાક કરોડની ઉચ્ચક રકમ નક્કી કરી તે વિશે જે ભયંકર વાદવિવાદ સર્જાયો છે, તેની શાહી સુકાઈ નથી. હું તો બીજી વાત લખવાનો હતો. ભોપાલના શામલા હિલ પર ભારતભવન છે, તેની. તને ખબર છે મધ્યપ્રદેશ સરકારે સ્થાપેલી કલા-સાહિત્યની આ વિશ્વપ્રસિદ્ધ સંસ્થાએ જાન્યુઆરીમાં નહેરુ શતાબ્દી નિમિત્તે વિશ્વ-કવિતાનો મહોત્સવ યોજેલો, જેમાં દુનિયાના છ ખંડોના કવિઓએ ભાગ લીધેલો, એ વાત પણ તાજી જ છે. ભોપાલમાં આ બે વસ્તુઓ જાણે સહોપસ્થિતિ ધરાવે છે. ગેસપીડિત ભોપાલ અને સાંસ્કૃતિક આંદોલન જીવંત રાખતું ભોપાલ. મારે આ પાછલા ભોપાલની વાત લખવી હતી. ૭ માર્ચ, પ્રસિદ્ધ હિન્દી કવિ અજ્ઞેયની જન્મતિથિ. એ પ્રસંગે ભારતભવને માર્ચની ૫, ૬, ૭ તારીખોએ કવિ અજ્ઞેય વિશે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરેલું, જેમાં દેશભરમાંથી અજ્ઞેયપ્રેમીઓ અને અજ્ઞેય-અભ્યાસીઓને નિમંત્રિત કરવામાં આવેલાં. આવા નિમંત્રિતોમાં ગુજરાતમાંથી અમે બે હતાઃ હું અને રઘુવીર ચૌધરી. પણ રઘુવીર આવી નહીં શક્યા. ભોપાલના ભારતભવનના એ ‘અજ્ઞેય પ્રસંગ’ની વાત પહેલાં લખવી જોઈએ, પણ કોઈ મનને બીજી જ વાત લખવા વિવશ કરી રહ્યું હતું. ભોપાલના શામલા હિલના ઢોળાવ પર વિશાળ સરોવરમાં પ્રતિબિંબિત થતા ભારતભવનનાં પગથિયાં પર ઊભો હું દૂર જોતો હતો સાંચી તરફ. સાંચી અહીંથી બહુ દૂર નથી. કલાક દોઢ કલાકમાં પહોંચી જવાય. તને તો ખબર છે સાંચીના પેલા ઇતિહાસપ્રસિદ્ધ સ્તૂપોની. એ સ્તૂપો અને એનાં કલામંડિત તોરણો નજર સામે આવ્યાં, અને પછી એકદમ નજર સામે આવી શાલભંજિકા. લોંગશોટથી શરૂ થતું ફિલ્મનું કોઈ દૃશ્ય હોય, અને પછી એકદમ ક્લોઝ-અપ. શાલભંજિકા, તોરણના બ્રૅકેટની ત્રાંસમાં જડાયેલી શાલભંજિકા – એની બંધુર દેહયષ્ટિ. ‘બંધુર’ શબ્દના અર્થની ખબર છે ને? ‘ખાડાટેકરાવાળી ભૂમિ’ એવો શબ્દકોશમાં અર્થ મળી જશે. પણ દેહને વિશે જ્યારે ‘બંધુર’નો અર્થ ખાડા ટેકરા કે એવો કશોક લેવો હોય ત્યારે? તને સમજાઈ જશે હવે - ‘તન્વી શ્યામા’વાળો કાલિદાસનો પેલો રસિકોને પ્રિય શ્લોક, અને તેમાંય ખાસ આ લીટીઓ યાદ કર -- મધ્યેક્ષામા ચકિત હરિણીપ્રેક્ષણે નિમ્નનાભિ શ્રોણીભારાદલસગમના સ્તોકનમ્રા સ્તનાભ્યામ્ || શાલભંજિકાની મૂર્તિઓ ઇલોરાની ગુફાઓમાં, ભુવનેશ્વરના અને ખજૂરાહોના મંદિરોની દીવાલો પર, રાણકપુરના મુખ્ય જિનાલય ધરણવિહારથી થોડે દૂર મઘાઈ નદીને કાંઠે વેશ્યાના મંદિર તરીકે ઓળખાતા નેમિનાથના મંદિરની દીવાલો પર છે. શાલભંજિકાની મૂર્તિઓની ઓળખ એક એ કે તે એકાદ વૃક્ષની ડાળી પકડીને ઊભી હોય, વક્ર અંગભંગિ સાથે. વૃક્ષ અને નારીનો શો સંબંધ હશે? ‘ફર્ટિલિટી કલ્ટ’ સાથે આજના નૃતત્ત્વવિદો એનો સંબંધ જોડે. કદાચ આ બધી યક્ષિણીઓ હોય, અને વૃક્ષમાં યક્ષનો નિવાસ હોય એવી પુરાણી માન્યતા વિશે પણ ક્યાંક જાણ્યું છે. આપણી ગુજરાતીમાં એનું રૂપ થઈ ગયું છે જક્ષણી. ‘શેષ’ની વાર્તા વાંચી છે ને – ‘જક્ષણી?’ પણ એ તો સાબરમતી તીરેના સાદરાની એક માતા છે. શાલભંજિકાઓ યક્ષિણીઓ હોય કે ન હોય, પણ એક વખત જેના પર એનો જાદુ ચાલ્યો, એ પછી એનાથી છૂટી શકે નહીં. વશીકરણનો મંત્ર એમની પાસે હોવો જોઈએ – નહીંતર ભોપાલથી થોડે દૂર પહાડીઓમાં પેલાં ભીમ બેટકાનાં ગુહાવાસી માનવે દોરેલા ચિત્રો પણ છે – હજારો હજારો વરસ જૂનાં. હજી હમણાં એનો પત્તો લાગ્યો છે આધુનિક જગતને. એ આદિમ ચિત્રકલા પણ જોવાની છે – પણ એની એટલી ઉત્સુકતા કેમ નથી? ભારતભવનમાંથી ધીરે ધીરે હલબલતી વિશાળ સરોવરની જળસપાટી પર મને કેમ શાલભંજિકાની છાયા દેખાતી હતી? મનોમન નક્કી કર્યું કે આઠમીએ સવારે જવું રહ્યું સાંચી. મારે તો રાતની માળવા એક્સ્પેસમાં ભોપાલથી પછી દિલ્હી જવાનું હતું. આખો દિવસ ખાલી હતો. એ નિર્ણય થયો પછી શાલભંજિકાની પકડ છૂટી. પરંતુ પછી માળવાના આકાશમાં વાદળ ઘેરાવા લાગ્યાં. દુર્દિન, અકાલ વર્ષા થાય સંસ્કૃતમાં એને કહેવામાં આવે છે ‘દુર્દિન’ – શુદ્ધ ગુજરાતીમાં કહેવું હોય તો માવઠું. આ બાજુની માળવીમાં પણ ‘માવઠા’ શબ્દ છે. શિષ્ટ હિન્દીમાં એ નથી. પણ નરેશ મહેતાએ એમની નવલકથાઓમાં એ લીધો છે. ‘દુર્દિન’નો નાટ્યાત્મક ઉપયોગ નાટકકાર શૂદ્રકે અદ્ભુત કર્યો છે. એના ‘મૃચ્છકટિક’ નાટકમાં આવી ‘દુર્દિન’ની વેળામાં વસંતસેના ચારુદત્તને ત્યાં જવા નીકળે છે, એ પ્રસંગ આવે છે. અકાળે વાદળાં ઘેરાઈ વરસાદ પડે છે. શૂદ્રકે આવા વરસાદમાં ભીંજાયેલી નાયિકાને જે પુરુષ ભેટે એને જીવનમાં ધન્ય ગણ્યો છે. કહે છે કે મુંબઈમાં ‘મૃચ્છકટિક’ નાટક જોતાં એક ડૉક્ટરે ભીંજાયેલી વસંતસેનાને લાંબો સમય ભેટી રહેતા ચારુદત્તને જોઈ કહેલું, ‘મૂરખ છે, એને ભેટીને ઊભો છે! એને જલદી કપડાં બદલાવવાં જોઈએ, નહીંતર ન્યુમોનિયા થઈ જશે!’ નાટકવાળાને તો ઠીક સૂઝી ગયું ‘દુર્દિન’નો ઉપયોગ કરવાનું, પણ ભોપાલમાં દુર્દિનના વાતાવરણથી ક્યાંય બહાર જવાનો મારો ઉત્સાહ મોળો પડી ગયો. નક્કી કર્યું – સાંચી નથી જવું. ભીમબેટકા પણ નથી જવું. દિલ્હીની મિટિંગનું કામ હાથ પર લીધું. થોડી પૂર્વતૈયારીની જરૂર હતી. મનને મનાવ્યું કે મિટિંગ એ પહેલી પ્રાયોરિટી છે. સાંચી પછી. ત્યાં તો શાલભંજિકાએ પકડ જમાવી. હું લગભગ એનો વિરહ અનુભવવા લાગ્યો. સંસ્કૃતના કવિઓ ભલે કહેતા હોય કે પ્રિયતમાનો સંગમ અને પ્રિયતમાનો વિરહ એ બેમાંથી પસંદગી કરવી હોય તો એના વિરહની પસંદગી સારી. (સંગમવિરહ વિકલ્પ વરમિહ વિરહો ન સંગમસ્તસ્યાઃ...) પ્રિયતમાનો સંગ હોય ત્યારે માત્ર એનામાં જ પ્રિયતમા દેખાય, પણ વિરહની અવસ્થામાં તો આખું જગત પ્રિયતમામય બની જાય છે. (વિરહે તુ તન્મયં જગતમ્) પણ ખરેખરો વિરહ આવીને ઊભો રહે ત્યારે જે છટપટાહટ થાય છે તસ્ય કા કથા? તને થશે કે હું પત્ર લખવા બેઠો છું કે લલિત નિબંધ? શી વાત કરવા માગું છું, તે પકડમાં આવતું જ નહીં હોય. એક વાતમાંથી બીજી વાત નીકળતી જાય છે–ભોપાળની ગેસટ્રેજેડી, અજ્ઞેયપ્રસંગ અને ભારતભવન, શાલભંજિકા અને સાંચી, વળી પાછો દુર્દિન અને શૂદ્રકનું મૃચ્છકટિક, એમાંથી પાછા પ્રિયતમાના સંગમવિરહની પસંદગીની વાત પર ચઢી ગયા. દુર્દિનની અસર થઈ ગઈ કે શું? ના, આ બધું ખરું પણ મૂળ કારણ તો એક જ છે, શાલભંજિકા. તું નહીં માને, પણ યુજીસી દ્વારા પ્રકાશિત હિન્દી અભ્યાસક્રમનો રિપોર્ટ (જે માટે દિલ્હીમાં એક્સપર્ટ કમિટીની મિટિંગ હતી) વાંચતાં પાનાં વચ્ચે યક્ષિણીની, એ શાલભંજિકાની છબી ઊપસી આવતી હતી. તને થશે, એક પથ્થરની શિલ્પમૂર્તિ માટે આવો માનુષી વિરહભાવ? એણે મારા પર અભિચાર કર્યો છે કે શું? મને બધે સાંચીની એ રમ્યકાય શાલભંજિકા દેખાતી હતી. એ ત્યાં વચ્ચે વચ્ચે દુર્દિનમાં વરસી જતી ધીમી ઝરમરમાં ભીંજાતી હશે. એના દેહ પરથી જળની સાથે લાવણ્ય પણ નીતરતું હશે. છેવટે ન જવાયું. સાંજે વિચાર કર્યો, માળવા એક્સ્પ્રેસમાં જવાને બદલે મદ્રાસથી આવતા જી.ટી.એક્સ્પ્રેસમાં દિલ્હી જાઉં તો મિટિંગમાં સમયસર પહોંચાય. સમય પહેલાં સ્ટેશને પહોંચી જઈ રિઝર્વેશનમાં તપાસ કરી, કહે જગ્યા નથી. ભારતભવનના નિયામક અશોક વાજપેયી કવિ શમશેરને વિદાય આપવા સ્ટેશને આવેલા. કવિશ્રી સાથે ડૉ. બિન્દુ અને ડૉ. રંજના હતાં. અશોકજીએ પૂછ્યું, ‘તમે કેમ વહેલા સ્ટેશને આવ્યા?’ મેં કહ્યું, ‘જી.ટી.માં જગ્યા મળે એની તપાસ કરવા. માળવા તો મોડી ઊપડે છે પણ જગ્યા નથી.’ એમના એક ઓફિસરે કહ્યું, ‘જી.ટી.માં જરૂર જગ્યા મળી જશે.’ અને સાચ્ચે જ સુપરફાસ્ટ જી.ટી.ના પ્રથમ વર્ગમાં જગ્યા મળી, એટલું જ નહીં, કૂપેમાં. હું એકલો યાત્રી છું! ગ્વાલિયરના સિંધિયા રેલવેમિનિસ્ટર થયા પછી ભોપાલ થઈને જતી ગાડીઓ વધી ગઈ છે. સરસ ગાડી. રાત્રે આઠેક વાગ્યે ઊપડી છે. વરસાદ પડવા લાગ્યો હતો. કાચની બારી બંધ કરી હું બહાર જોવા લાગ્યો. અંધકારમાં શું ભળાય? ત્યાં એકાએક બહાર વીજળી ઝબકી. એ સાથે મારા ચિત્તમાં પણ ઝબકારો થયો. આ ગાડી તો સાંચી થઈને જવાની – અને સાંચી પછી વિદિશા પણ આવશે! સાંચી, વિદિશા! હું ઉન્મત્ત બનતો જતો હતો. સારું હતું કૂપમાં હું એકલો હતો તે. આ ગાડી મને લઈ જતી ન હતી, મને જાણે શાલભંજિકા ખેંચતી હતી. આ વરસાદમાં એ ભીંજાતી હશે, ભીંજાયેલી શાલભંજિકાના અને એ સાથે ‘મૃચ્છકટિક’ની ભીંજાયેલી વસંતસેનાના મને વિચાર આવવા લાગ્યા. આ સાંચી એક વાર ગયેલો. સાંચીનું સ્ટેશન ગમી ગયેલું. જાણે તીર્થસ્થળ. અશોકના સમયની બ્રાહ્મી લિપિમાં પણ સાંચી સ્ટેશનનું નામ એક સ્થળે લખેલું. સ્ટેશનને અડીને જ છે બૌદ્ધ ધર્મશાળા અને મંદિર. ત્યાંથી બરાબર દક્ષિણે વૃક્ષોની હારવાળો રસ્તો વટાવો એટલે સાંચીની પહાડી. પહાડી પરના સ્તૂપ ગાડીમાંથી જ દેખાયા હતા. રાજા અશોકની એક રાણી સાંચી પાસેની પ્રસિદ્ધ વિદિશા નગરીની હતી, એટલે એણે આ પહાડી પસંદ કરી હોવી જોઈએ. પણ ના, એ પહાડી પર ગયા પછી લાગેલું કે આ ભૂમિ જ એવી છે કે માણસ અહીં આવતાં શાતાનો અનુભવ કરે. ઘણાં સ્થળે જેમ કારણ વિના ભેંકાર લાગે છે, ઘણાં સ્થળે પરમ શાંતિ, સાંચી એટલે શાંતિ. કદાચ હજારો ઉપાસકોએ સેંકડો વર્ષ અહીં ધ્યાન-ધારણા કર્યાં હતાં, એટલે પણ આ સાંચી શાંતિનું અધિષ્ઠાન હોય એમ બને, ભલે આજે એ વેરાન હોય. સ્તૂપનાં તોરણોમાં જે શિલ્પ છે તે તો પથ્થરોમાં છે, પણ એ વિદિશા નગરીના દંતકારો એટલે કે, હાથીદાંતમાં કોતરકામ કરનાર શિલ્પીઓએ કરેલું છે. પથ્થરમાં પણ હાથીદાંતના માધ્યમનું કામ લઈ ઝીણું કોતરકામ કર્યું છે. આ શિલ્પને ભીમબેટકાનાં ચિત્રો સાથે સરખાવીએ તો સમજાય કે આદિમ કલા એટલે શું અને પ્રશિષ્ટ કલા એટલે શું? સાંચીનાં શિલ્પોમાં બુદ્ધના જીવનના પ્રસંગો છે, સાધારણ જનજીવનનાં સમૂહદૃશ્યો પણ છે. એ વખતે બુદ્ધની મૂર્તિઓ કોતરાતી નહોતી, એને સ્થાને પ્રતીક રહેતું–બોધિવૃક્ષનું. શાલભંજિકા એટલે શાલ વૃક્ષ નીચે સુંદરીઓની ઉદ્યાનક્રીડા. સુંદરીઓ શાલની ડાળી તોડી તેનાથી એકબીજાને પ્રહાર કરતી ક્રીડા કરતી. બૌદ્ધ સાહિત્યના અવદાનશતકમાં શાલભંજિકા–ક્રીડાનું વર્ણન છે. એક વાર ભગવાન બુદ્ધ અનાથ પિંડદના ઉદ્યાનમાં જેતવનમાં વિહાર કરતા હતા ત્યારે શ્રાવસ્તી નગરીમાં શાલભંજિકા ઉત્સવ હતો. પણ લાગે છે કે બૌદ્ધ શિલ્પમાં એનું સ્થાન ગૌતમનો જન્મ આવા એક લુમ્બિનીના શાલવનમાં થયેલો તેને લીધે છે. માયાદેવી જ્યારે આ શાલવનમાંથી પસાર થયાં ત્યારે એમને શાલવનમાં ક્રીડા કરવાની ઇચ્છા થઈ. તેઓ એક મંજરિત શાલની નીચે આવી ઊભાં કે શાલવૃક્ષે પોતાની એક શાખા નીચે નમાવી. માયાદેવીએ જેવી એ ડાળ પકડી કે એમને પ્રસવ પીડા શરૂ થઈ. અને ગૌતમનો જન્મ. કદાચ એથી બૌદ્ધ ધર્મમાં અને પછી ભારતીય શિલ્પકલામાં શાલભંજિકાની પરંપરાને વિશેષ મહત્ત્વ મળ્યું હોય – પણ નગ્ન શાલભંજિકાઓ? કદાચ શિલ્પની એવી પરંપરા હશે. પ્રાચીન સંદર્ભની વાત નીકળી છે, તો તને સંસ્કૃતની એક નાટિકાની યાદ દેવડાવું? નાટિકાનું નામ જ છે ‘વિદ્ધ શાલભંજિકા’, એટલે કે, સ્તંભે કે દીવાલે જડાયેલી શાલભંજિકા. અહીં શાલભંજિકા કાષ્ઠમાં કોતરાયેલી પ્રતિમા છે – પૂતળી કહી શકાય. આ નાટિકા નવમી સદીના કવિ રાજશેખરે લખી છે. મારે અહીં એ અંતઃપુરના આખા નાટકની વાત કરવી નથી, પણ એમાં એ નાટિકાના નાયકને ક્વચિત્ પ્રાસાદને કોણે જડેલી શાલભંજિકામાં, એ જેના પ્રેમમાં પડ્યો છે, તે રાજકુમારી મૃગાંકવતી દેખાય છે, ક્વચિત્ રાજકુમારીમાં શાલભંજિકા. ચલ-અચલની રૂપભ્રાન્તિની પ્રયુક્તિનો રાજશેખરે ઉપયોગ કર્યો છે. રૂપાંધ આંખોને આવું થતું હશે. મંદિરોની દીવાલોમાં મોહનભંગીમાં જડાયેલી શાલભંજિકામાં કોઈ માનુષી દેખાય, તો ક્યારેક કોઈ સ્તંભને અઢેલીને ઊભેલી માનુષીમાં શાલભંજિકાની ભ્રાન્તિ થાય, અને એમાંય સ્તંભે વેલી ચઢી હોય તો અદ્દલ શાલભંજિકા. તને ખબર હશે કદાચ, આ શાલભંજિકાઓને શિલ્પની પરિભાષામાં અલસકન્યાઓ પણ કહે છે. સુંદરતા સાથે અલસતાનો કશોક સંબંધ હશે. જેમ કે, અલસગમના, અને એ સ્નાતાકર્પૂરમંજરી, શુચિસ્મિતદર્પણા જેવાં વૈભવી નામ ધરાવતી હોય છે. ટૂંકમાં કહી દઉં તો શાલભંજિકા એટલે સૌંદર્યનો પર્યાય. તો શું હું સૌંદર્ય વિદ્ધ છું? ગાડી ઊભી રહી. કયું સ્ટેશન છે? મેં કાચ ચઢાવી જોયું. સ્ટેશનના દીવાના આછા અજવાળામાં સાંચીનું નામ વંચાયું. બાકી અંધકાર હતો. ઝીણો વરસાદ પડતો હતો. છતાં મેં દૂર દક્ષિણ તરફ નજર કરી. અંધકારમાંય પહાડીનો કંઈક આકાર જો જોઈ શકાય, પણ અંધકારમાં બધું એકાકાર થઈ ગયું હતું, પેલી શાલભંજિકાઓ પણ અંધકાર ઓઢીને ઊભી હશે છતાં પલળતી હશે, કંઈ દેખાય નહીં. ત્યાં પરમ આશ્ચર્ય! દૂર એ પહાડી પર વીજળી ચમકી ઊઠી. ક્ષણાંશ. હું કંઈ જોઈ શક્યો નહોતો, પણ એ ક્ષણાંશમાં પહાડીનો આકાર છતો થઈ અંધકારમાં ઓગળી ગયો. એવું મનમાં કેમ થયું – ઊતરી જાઉં? ગાડી ઊપડી હતી. શાલભંજિકાની દિશામાં જોતો રહ્યો. વ્યગ્ર ચિત્તે જોનાર એવા મને કોઈ જોતું નહોતું એ સારું હતું. હવે આવશે વિદિશા. તેષાં દિક્ષુ પ્રથિત વિદિશા... કાલિદાસની એ નગરી. વિદિશાની એ વેત્રવતી નદી. વરસાદની ઝરમર રીતસરનો વરસાદ બની ગઈ. વિદિશાના પાદરમાં ગાડી ધીમી પડી. મેં બારી ખુલ્લી રાખી હતી. વાછટ અંદર આવી મને ભીંજવે છે, પણ કાલિદાસની નગરીમાં ગાડીમાં બેઠાં બેઠાં ભીંજાવાની તક ક્યારે મળવાની? બીજા પૅસેન્જરો સાથે હોત તો ડાહ્યાડમરા થઈને બેસવું પડત અને બારી પણ બંધ રાખવી પડત. એમને અને વિદિશાને શું? વિદિશા આવી ગયું. ગાડી ઊભી રહી. હું કૂપેનું બારણું ખોલી બહાર નીકળી વિદિશાના પ્લૅટફૉર્મ પર ઊતરી પડ્યો. વિદિશાના વરસાદમાં ભીંજાતાં પાણીના નળ તરફ ગયો. એક ઘૂંટ પાણી પી પાછો આવી ગયો. વિદિશાનું પાણી. ઘેલછા જ. ગાડી ઊપડી. શહેરના દીવા દેખાતા બંધ થતાં સૂચિભેદ્ય ભીનો અંધકાર. વિદિશા નગરીની રાત્રિનો અંધકાર. ‘પુરાણી વિદિશા નગરીની રાત્રિના અંધકાર જેવા કેશ હતા’ બંગાળી કવિ જીવનાનંદદાસની વનલતા સેનના. વેગથી દોડતા જી.ટી. એક્સ્પ્રેસની બારીમાંથી જે ભીના અંધકારમાં હું તાકી રહ્યો છું એ ક્યા ઉપમેયનું ઉપમાન બની શકે? વરસાદથી બચવા મેં બારી બંધ કરી દીધી છે. બંધ કૂપેમાં ફરી શાલભંજિકાની ભ્રમણા. એના હાથમાં ભીનાં પાંદડાંવાળી શાલવૃક્ષની શાખા છે. મેં કહ્યું, ‘જતી રહે હવે, ગુડનાઇટ.’ સુપરફાસ્ટ ગાડી વેગમાં આવી ગઈ હતી. લાગ્યું; હવે શાલભંજિકાનો અભિચાર ઓસરવા લાગ્યો છે. મને થયું લાવ તને આ વિચિત્ર અનુભવ લખી દઉં. તને તો જરૂર થવાનું કે આવું બધું તમને બહુ વળગે છે! ચાલતી બસે કે ચાલતી ગાડીએ લખવાની રઘુવીર જેવી ફાવટ મને નથી, ક્યાંક અક્ષર વાંકાચૂકા થઈ ગયા છે, પણ વાંચી શકાશે. બસ ત્યારે, તનેય ગુડનાઇટ.


[શાલભંજિકા, ૧૯૯૨]