ગુજરાતી બાળવાર્તા સંપદા/દુનિયાનો મોટો ઢ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
દુનિયાનો મોટો ઢ

જયભિખ્ખુ

જોશીડા જોશ જોવા આવ્યા. દેશ દેશ ફરતા આવ્યા. લાંબાં લાંબાં ટીપણાં લાવ્યા. મોટી મોટી પાઘડીઓ ડોલાવતા આવ્યા. કાને સોનાની, રૂપાની ને બરૂની કલમો ખોસી છે! ખભે ખડિયા રહી ગયા છે. એક ખડિયામાં કંકુ છે. એકમાં શાહી છે. નસીબવાનના લેખ કંકુથી ને સોનાની કલમથી લખે છે; બીજાના શાહીથી અને બરૂની કલમથી લખે છે. જોશીડા કહે છે, ‘કોઈ જોશ જોવરાવો. અમે અગમનિગમના ભેદ ભાખીએ છીએ.’ એક ડોશી ઓટલે બેઠાં બજર ઘસે. આંગણામાં દીકરો રમે : દીકરાનો દીકરો – વંશવેલો. પોતાનો દીકરો તો જુવાનીમાં ગુજરી ગયેલો. મૂડીના વ્યાજ જેવો આ એક દીકરો. ડોશી કહે, ‘પધારો જોશી મહારાજ! મારા દીકરાના જોશ જુઓ.’ જોશીડા તો બેઠા. ટીપણાં કાઢ્યાં. આંગળીના વેઢા ગણવા લાગ્યા : ‘ધન, મકર ને કુંભ! માજી, મૂકો દક્ષિણા!’ ડોશી કહે, ‘પહેલાં દક્ષિણા કે પહેલાં જોશ? પહેલાં કામ કે પહેલાં દામ?’ જોશીડા કહે, ‘પહેલાં દક્ષિણા ને પછી જોશ.’ ડોશી કહે, ‘મારી પાસે નાણાં નથી. કોઠીમાં થોડાઘણા દાણા છે. એમાંથી થોડા તમને આપું. દીકરો મારો કેવો થશે એ મને કહો.’ જોશીડા નારાજ થયા. એમને તો નાણું જોઈએ, દાણાને શું કરે? પણ પહેલા પહોરની બોણી હતી. જે મળે તે લઈ લેવું જોઈએ, નહિ તો આખો દહાડો વાંઝિયો જાય. કહ્યું : ‘હશે માવડી! જે હોય તે આપજો.’ જોશીઓએ જોશ જોવા માંડ્યા; થોડી વારે કહ્યું : ‘માજી! તમારા દીકરામાં ઝાઝો શકરવાર નથી. પંડ રળશે, ને પેટ ભરશે!’ ડોશી કહે, ‘પૈસો તો હાથનો મેલ છે. મારે પૈસો નથી જોઈતો. એને વિદ્યા કેવીક છે? માણસ પૈસાથી અમર થતો નથી, ભણતરથી અમર થાય છે. કહ્યું છે ને કે રાજા પોતાના રાજ્યમાં પૂજાય છે, વિદ્યાવાન આખી દુનિયામાં પૂજાય છે.’ જોશી મહારાજને ડોસીની જીભ લાંબી લાગી. માએ દીકરાના જોશ જોવાનું કહ્યું. જોશીએ છોકરાને કહ્યું : ‘બતાવ પાણી!’ છોકરાએ તો ઊભા થઈને જે કૂદકો માર્યો, ક્યાંનો તે ક્યાં જઈ પડ્યો! અડફેટમાં એક જોશીની પાઘડી ઊડી ગઈ. છોકરાએ પોતાનું પાણી બરાબર બતાવ્યું! જોશી કહે, ‘અરે મૂર્ખ! હું તો તને ‘પાણિ’ એટલે હાથ બતાવવાનું કહું છું.’ છોકરો કહે, ‘તમે ‘પાણિ’નો ‘ણી’ દીર્ઘ બોલ્યા, એટલે એનો અર્થ પાણી-જળ થાય. હાથ માટે તો ‘પાણિ’નો ‘ણિ’ હ્રસ્વ બોલવો જોઈએ!’ જોશીઓ કહે, ‘જા રે મૂરખ! તું અમને સમજાવનાર કોણ!’ છોકરો કહે, ‘હજી તો તમને શુદ્ધ બોલતાંય આવડતું નથી. ચોખ્ખું બોલતાં તો શીખો, પછી જોશ જુઓ!’ જોશી બધા ગુસ્સે થઈ ગયા, ‘તું કોણ અમને શીખવનાર!’ મા વચ્ચે પડી અને દીકરાને વાર્યો. જોશીઓને હાથ જોડતાં ડોશીએ કહ્યું, ‘ભલા થઈને બાળક સાથે બાળક ન બનો. મહેરબાની કરીને કહો કે મારા દીકરાને વિદ્યા કેવી ચઢશે?’ જોશી દાઢમાંથી બોલ્યા : ‘માજી! તારો દીકરો મહામૂરખ થશે.’ મા કહે : ‘કેવી રીતે?’ જોશી કહે, ‘જુઓ ને! એના હાથમાં વિદ્યાની સમૂળગી રેખા જ નથી! રેખા વગર વિદ્યા ક્યાંથી આવે?’ છોકરો કહે, ‘વિદ્યાની રેખા ક્યાં હોય?’ જોશી કહે, ‘હથેળીની વચ્ચોવચ્ચ.’ છોકરો એકદમ અંદર દોડ્યો; તરત બહાર આવ્યો અને હથેળી બતાવતો બોલ્યો, ‘જુઓ, આ રહી વિદ્યાની રેખા!’ જોશીઓએ એની હથેળી જોઈ. હથેળીમાં તાજો કાપ હતો. છરીથી એ કાપો કર્યો હતો. લોહી ટપકતું હતું. જોશી છોકરા પર નારાજ થયા અને ટીપણાં સંકેલતાં બોલ્યા, ‘માડી! તારો છોકરો દુનિયાનો મોટો ‘ઢ’ થશે!’ ‘ઢ! હું ઢ?’ છોકરો બોલ્યો ને ઘરમાં જઈને બિલાડી લઈ આવ્યો ને જોશી પર ફેંકી. બિલાડી જોશીની પાઘડી પર પડી. તે બૂમ પાડતી મોંમાં જોશીજીની પાઘડીને ઉપાડી ગઈ! પાઘડી લઈને ભાગી ગઈ! જોશીની ચોટલી ફગફગી રહી. બિલાડીને થયું કે આ જોશીનું માથું નથી, પણ માળિયું છે; અને આ ચોટલી નથી પણ ઊંદર છે! આજ એને માળિયા માથેથી ઊંદર જડ્યો! જોશી અકળાઈ ગયા. બોલ્યા : ‘માજી! આ તમારી બેવકૂફ બિલાડી! આ મોટામાં મોટા ઢ જેવો તમારો છોકરો!’ છોકરો બોલ્યો : ‘બિલાડી નહિ, બિલાડો કહો.’ ને એ ગાવા લાગ્યો : ધન, મકર ને કુંભ, બિલાડો પાડે બૂમ! ‘બિલાડો માને ઊંદર, જોશીજીની ચોટલી સુંદર!’ જોશી દક્ષિણા લીધા વિના જ ચાલતા થયા! માએ દીકરાને ઠપકો આપ્યો. દીકરો કહે : ‘મા! આ તો વિદ્યાના વેપારી હતા, ખોટા હતા. વહેમ ઘાલનારા હતા. પૈસાના યાર હતા. યાદ રાખજે, હું સાચી વિદ્યા ભણીશ, મોટો પંડિત થઈશ અને આ જોશીના જોશ જૂઠા પાડીશ.’ એ છોકરો ત્યારથી ભણવા બેઠો. દહાડે ભણે એથી રાતે વધુ ભણે. રાતે ભણે એથી દહાડે વધુ ભણે. બધો વખત ભણ ભણ જ કરે! એ તો મોટા મોટા પંડિતો પાસે જાય અને ભણે. પણ ત્યાંય એ સખણો ન રહે. એ તો પંડિતો સાથેય માથાકૂટ કરે, અને કહે : ‘તમે બોલો છો, એનું કંઈ બંધારણ નથી. વાડીને વાડ જોઈએ, તો જ પાકનું રક્ષણ થાય. વાણીને વ્યાકરણ જોઈએ, તો જ વાણી ચોખ્ખી રહે.’ ‘રે ઢ! બોલવામાં વળી બંધારણ શું?’ પંડિતો ગુસ્સે થઈ જતા. પેલો છોકરો કહેતો : ‘પાણીને જેમ પાળ જોઈએ, નહિ તો પાણી વહી જાય, એમ ભાષાને પણ બંધારણ હોય. તમે પુરુષને ‘કેવી’ કહો ને સ્ત્રીને ‘કેવું’ કહો, એ ન ચાલે.’ પંડિતો પોતાની પાસે ભણતા વિદ્યાર્થીની આ વાતો સાંભળી ગુસ્સે થઈ જતા. આ તે નાના મોઢે મોટી વાતો! એમણે એને કાઢી મૂક્યો, કહ્યું : ‘તું તો દુનિયાનો મોટો ‘ઢ’ છે!’ આ છોકરો આગળ જતાં મોટો વિદ્વાન થયો. એણે જોશીના જોશ ખોટા પાડ્યા. એ છોકરાએ ઢીલી ભાષાને વ્યાકરણના બંધનથી બાંધી. ભારતમાં અજબ વિદ્વાન તરીકે એ પંકાયો. પછી તો મોટા મોટા આચાર્યો એની પાસે ભણવા આવવા લાગ્યા. આ મહા વિદ્વાનનું નામ પાણિનિ! પાણિનિએ વ્યાકરણ રચ્યું. વ્યાકરણ તે કેવું? આજે પણ અજોડ છે. પાણિનિએ એવું કામ કર્યું કે મહાન શંકરાચાર્ય એમને ‘ભગવાન પાણિનિ’ કહીને બોલાવે છે!