ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અવિચલદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અવિચલદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. નડિયાદના આભ્યંતર નાગર બ્રાહ્મણ. વિષ્ણુજી/વિષ્ણુદાસના પુત્ર. હરજીસુત ધરણીધર તથા કોઈ ભીમ-કવિના પુત્ર - એ ૨ ભટ્ટો-પુરાણીઓ પાસેથી મૂળ સંસ્કૃત કથાઓ સાંભળીને કાવ્યરચના કરનાર આ કવિનો ‘ભાગવત-ષષ્ઠસ્કંધ’ (ર. ઈ.૧૬૨૮/સં. ૧૬૮૪, પોષ વદ ૧૦) મૂળનો અધ્યાયવાર અનુવાદ છે. ભાગવતની ‘કઠિન કથા’ સમજવામાં પોતાને સહાયરૂપ નીવડેલી શ્રીધરી ટીકામાંના અધ્યાયસારના શ્લોકોનો અનુવાદ પણ કવિએ કૃતિમાં ઉમેર્યો છે. કેટલાક અધ્યાયોના આરંભે એમણે સંસ્કૃત શ્લોકો મૂકેલા છે, જે એમને મૂળ કથા કહેનાર ભટ્ટે રચી આપ્યા હોવાનો તર્ક થયો છે. ‘આરણ્યક-પર્વ’(ર. ઈ.૧૬૩૯/સં. ૧૬૯૫, શ્રાવણ વદ ૧૧, શનિવાર) મૂળના લગભગ સારરૂપ અન ેકેટલાક પ્રસંગોને રોચક રીતે આલેખતું ૭૫ કડવાં અને ૭૦૭૦ કડીનું આખ્યાન છે. આ કૃતિ, નડિયાદના બળદેવરામ કૃષ્ણરામ ભટ્ટે સુધારાવધારા કરી ૯૭ કડવાંના ‘વનપર્વ’ નામે પ્રગટ કરી છે. ‘અષ્ટમસ્કંધ’ નામની એક અન્ય કૃતિ પણ આ કવિની હોવાનો ઉલ્લેખ મળે છે. કૃતિ : વનપર્વ, સં. બળદેવરામ કૃ. ભટ્ટ, ઈ.૧૮૯૦. સંદર્ભ : ૧. કવચરિત : ૧-૨; ૨. વિષ્ણુદાસ, ભાનુસુખરામ મહેતા, ઈ.૧૯૨૦;  ૩. ગૂહાયાદી. [ર.સો.]