ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કીર્તિવર્ધન કેશવ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કીર્તિવર્ધન/કેશવ(મુનિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની આદ્યપક્ષીય આચાર્યશાખાના જૈન સાધુ. જિનહર્ષના શિષ્ય દયારત્નના શિષ્ય. એમની ‘સદયવત્સ-સાવલિંગા-ચોપાઈ/રાસ’(મુ.)ની ઘણીખરી હસ્તપ્રતો કર્તાનામ મુનિ કેશવ આપે છે, ત્યારે મુદ્રિત પાઠ તેમ જ કોઈક હસ્તપ્રતમાં કીર્તિવર્ધન નામ પણ મળે છે. કૃતિનો રચનાસમય મુદ્રિત પાઠ તેમ જ મોટા ભાગની પ્રતોમાં ઈ.૧૬૨૩/સં. ૧૬૭૯, વિજ્યાદશમી/આસો સુદ ૧૦, સોમવાર મળે છે જ્યારે કોઈક પ્રત ઈ.૧૬૪૧/સં. ૧૬૯૭, વિજ્યાદશમી/આસો સુદ ૧૦, રવિવાર બતાવે છે. જોકે, જિનહર્ષના આચાર્યકાળ (ઈ.૧૬૩૭-ઈ.૧૬૬૯) - જે દરમ્યાન આ કૃતિ રચાયેલી છે - તથા દયારત્નના હયાતીકાળ (ઈ.૧૬૩૯) સાથે ૨.ઈ.૧૬૪૧નો જ મેળ બેસે. દુહાચોપાઈબદ્ધ પણ ક્વચિત્ ચંદ્રાયણા, કવિત્ત વગેરેનો વિનિયોગ કરતી ૪૦૦-૫૦૦ જેટલી કડી-સંખ્યામાં વિસ્તરતી ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ સદયવત્સ અને સાવલિંગાની લોકપ્રચલિત પ્રેમકથાને આલેખતી શૃંગારરસપ્રધાન કૃતિ છે. પરંપરાગત વર્ણનની છટા પ્રગટ કરતી આ કૃતિમાં અન્યોક્તિ, અર્થાંતરન્યાસ વગેરે પ્રકારના સંસ્કૃત, પ્રાકૃત તેમ જ લોકભાષાનાં સુભાષિતોની પ્રચુરતા ધ્યાન ખેંચે છે અને કંઠસ્થ પરંપરામાંથી કવિએ કરેલા સંકલનની છાપ પડે છે. આ કવિનું રાજસ્થાની ભાષાની અસર દેખાડતું ૫ કડીનું ‘જિનહર્ષસૂરિ-ગીત’(મુ.) પણ મળે છે. જુઓ કેશવવિજય. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. (ભીમવિરચિત) સદયવત્સવીર-પ્રબંધ, સં. મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૬૧-(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.સો.]