ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/‘કરસંવાદ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘કરસંવાદ’ [ર.ઈ.૧૫૧૯] : લાવણ્યસમયની દોહરા-ચોપાઈબદ્ધ ૭૦ કડીની આ સંવાદરચના(મુ.)માં વરસીતપના પારણા પ્રસંગે ભગવાન ઋષભદેવને ઇક્ષુરસ વહોરાવતા શ્રેયાંસકુમારના ૨ હાથ એકબીજાથી પોતાનું ચડિયાતાપણું પ્રગટ કરતો વિવાદ કરે છે. અંતે ભગવાન ઋષભદેવ બંનેની મહત્તા દર્શાવી એમની વચ્ચે સમાધાન કરાવે છે, અને એ દ્વારા સંપનો મહિમા કરે છે.પોતાનું અધિકપણું સમર્થિત કરવા રજૂ થયેલી હકીકતો રસપ્રદ છે. જેમ કે જમણો હાથ : જમણો હાથ થાળમાં પિરસાયેલાં પકવાનનાં ભલાં ભોજન કરે છે; ડાબો હાથ : હાથ ધોવાનું જળ ત્યારે કોણ આપે છે ?; જમણો હાથ : જપમાળા ધરવાનું ને પરમેશ્વરની સેવા કરવાનું કામ હું જ કરું છું; ડાબો હાથ : પણ પ્રભુ સંમુખ જેવા ૨ હાથ જોડાયા કે અમે અળગા ક્યાં છીએ ? કૃતિમાં વ્યક્ત થતા સમાજનિરીક્ષણ, વિનોદચાતુરી તથા ઝડઝમકયુક્ત રચનાશૈલીથી આ સંવાદરચના ધ્યાનાર્હ બને છે. કૃતિના પાઠમાં “ચમોતરે” પાઠ ક્યાંક નોંધાયેલો મળે છે એ આધારભૂત લાગતો નથી. [કા.શા.] કરુણાચંદ(મુનિ) [ઈ.૧૬૫૯/૧૭૫૯માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘જંબૂસ્વામી-સઝાય’ (મુ.) અને ૧૫ કડીની ‘સુદર્શન-શેઠની સઝાય’ (ર.ઈ.૧૬૫૯ કે ૧૭૫૯/સં. ૧૭૧૫ કે ૧૮૧૫, “ઇષુશશીનાગમહી”, શ્રાવણ - ; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. રત્નસાર:૨, મુ. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩. [પા.માં.]