ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જેમલ ઋષિ-જયમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જેમલ(ઋષિ)/જયમલ [જ.ઈ.૧૭૦૯/૧૭૧૦-અવ. ઈ.૧૭૯૭/સં. ૧૮૫૩, વૈશાખ સુદ ૧૩] : લોંકાગચ્છના જૈન સાધુ. ભૂધરજીના શિષ્ય. જન્મ રાજસ્થાનમાં લાંબિયા ગામમાં. જ્ઞાતિએ વીસા ઓસવાલ. ગોત્ર સમદડિયા મહેતા. પિતા મોહનદાસ. માતા મહેમાદે. દીક્ષા લગ્ન પછી ટૂંક સમયમાં જ પત્ની લક્ષ્મી સહિત ઈ.સ.૧૭૩૧/૧૭૩૨માં. આ મુનિએ ૧૩/૧૬ વર્ષ સુધી એકાંતર ઉપવાસ કર્યા હતા અને ૫૦ વર્ષ સુધી સૂઈને નિદ્રા ન લેવાનો મહાસંકલ્પ પાળ્યો હતો. અવસાન અનશનપૂર્વક નાગોરમાં. ‘નેમચરિત્ર-ચોપાઈ/નેમ-રાસ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, ભાદરવા સુદ ૫), ૨૨ ઢાળનો ‘પરદેશી રાજાનો રાસ’ તથા ‘ઉદાયીનૃપ-ચરિત્ર’ એ એમની દીર્ઘ રાસાત્મક કૃતિઓ છે, તો ૬ ઢાળની ‘અર્જુનમાળીની ઢાળ’ (ર.ઈ.૧૭૬૪/સં.૧૮૨૦; કારતક સુદ ૧૫), ‘અવંતીસુકુમાલ ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૭), ૬૭ કડીની ‘ખંધક-ચોપાઈ ખંધકચોઢાળિયું’ (ર.ઈ.૧૭૫૫/સં.૧૮૧૧, વૈશાખ સુદ ૭), ‘કમલાવતી-સઝાય’, ‘સ્થૂલિભદ્ર-સઝાય’ એ ચરિત્રાત્મક પ્રકારની તેમની અન્ય કૃતિઓ છે. તેમણે કાર્તિકશેઠ, તેતલીપુત્ર, મહારાણી દેવકી, મેઘકુમાર, સતી દ્રૌપદી, સુબાહુકુમાર વગેરે વિશે પણ આવી રચનાઓ કરી હોવાનું નોંધાયું છે. ‘આત્મિક-છત્રીસી’, ‘ઉપદેશ-ત્રીસી’, ‘ઉપદેશ-બત્રીસી’, ‘જીવા-પાંત્રીસી’(મુ.), ‘પુણ્ય-છત્રીસી’, વૈરાગ્ય-બત્રીસી’, ‘શલ્ય-છત્રીસી’ (મુ.), ૩૭ કડીની ‘આલોયણ-સઝાય’ ‘કાયાની સઝાય’ (મુ.), ૪૩ કડીની ‘મૂરખ જીવડાની સઝાય/શિખામણની સઝાય’ (મુ.) એ એમની ઉપદેશાત્મક કૃતિઓ છે. એમનાં ઉપદેશાત્મક કાવ્યો ૩૭ હોવાનું નોંધાયું છે. ‘ચોવીસી’, ‘વીસી’, ૧૧૦ કડીની ‘સાધુવંદના’ (ર.ઈ.૧૭૫૧; મુ.), ‘ચોસઠ યતિઓની સઝાય’, ૨૬ કડીની ‘શાંતિનાથનો છંદ’ (મુ.) તથા અન્ય સ્તુતિ-સ્તવનાદિ તેમ જ ‘ગૌતમપૃચ્છા’, ‘બાલ-પચીસી’, ૪૩ કડીની ‘દિવાળી-સઝાય’ અને ૩૫ કડીની ‘ચંદ્રગુપ્ત-સોળ-સ્વપ્ન-સઝાય’ વગેરે પ્રકીર્ણ રચનાઓ આ કવિની મળે છે. આ કવિની કૃતિઓની ભાષામાં હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ છે. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૧ અને ૨, સં. મુનિ શ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. જૈસમાલા : ૨ (શા.); ૩. જૈસસંગ્રહ (ન.); ૪. મોસસંગ્રહ; ૫. વિવિધ પુષ્પવાટિકા : ૨, સં. મુનિ શ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨, (સાતમી આ.); ૫. શ્રાવક સ્તવનસંગ્રહ : ૩, પાનમલ ભૈરોદાનજી સેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. જૈનધર્મ કે પ્રભાવક આચાર્ય, સાધ્વી સંઘમિત્રા, ઈ.૧૯૭૯; ૨. હિસ્ટરી ઑવ્ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ માહેશ્વરી, ઈ.૧૯૮૦;  ૩. ડિકૅટેલૉગભાઈ : ૧૯(૨); ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. મુપુગૂહસૂચી.[ર.ર.દ.]