ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મસાગર ઉપાધ્યાય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ધર્મસાગર(ઉપાધ્યાય)-૨ [ ] : ‘સુરતનગરમાં આંચલિક આચાર્યને પૂછેલા બત્રીસ પ્રશ્નોનો વિચાર’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ નામની એમની જે કૃતિ મળે છે તેમાં અંચલમતનું ખંડન અને તપગચ્છનું સમર્થન છે. આથી આ કૃતિ તપગચ્છના મહોપાધ્યાય ધર્મસાગર (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ-અવ. ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, કારતક સુદ ૯)ની હોવા સંભવ છે. આ ધર્મસાગર પ્રખર સ્વસંપ્રદાયી હતા અને એમણે બીજા ગચ્છોનું ઉગ્ર ખંડન કરતા ગ્રંથો સંસ્કૃતમાં રચ્યા છે, તેથી ‘દ્વાત્રિંશત્પ્રશ્નવિચાર’ એવું અપરનામ ધરાવતી આ કૃતિ મૂળ સંસ્કૃતમાં હોય અને એનો આ કોઈ અજ્ઞાતકર્તૃક અનુવાદ હોય એમ પણ બને. આ ધર્મસાગર લાડોલના ઓસવાલ હતા. ઈ.૧૫૩૯માં તેમણે ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. વિજ્યદાનસૂરિ પાસે અભ્યાસ કરનાર અને અનેક વાદવિવાદો કરનાર આ ઉપાધ્યાયને જુદા જુદા ગચ્છના આચાર્યોએ જિનશાસનથી બહિષ્કૃત કર્યા હતા. ઈ.૧૫૬૫માં તેમણે માફી માગી ગચ્છશાસન સ્વીકાર્યું હતું અને ઈ.૧૫૯૦માં હીરવિજ્યસૂરિના બારબોલમાં એમણે સંમતિ આપી હતી. તેમનું અવસાન ખંભાતમાં થયું હતું. ‘પ્રવચનપરીક્ષા’ (ર.ઈ.૧૫૭૩), ‘ગુર્વાવલિ/પટ્ટાવલિ’, ‘સર્વજ્ઞ શતક્સવૃત્તિ’, ‘તત્ત્વતરંગિણી’ તેમ જ અન્ય કેટલાક ગ્રંથોની વૃત્તિઓ, ‘ઇરિયાપથિકા-ષટત્રિંશિકા’ વગેરે અનેક કૃતિઓ તેમણે સંસ્કૃતમાં રચી છે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. મુપુગૂહસૂચી.[કી.જો.]