ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મદનમોહના’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘મદનમોહના’ : રચ્યાસાલના ઉલ્લેખ વિનાની, શામળની સ્વતંત્ર કહેવાય એવી, છતાં વસ્તુત: પરંપરાપ્રાપ્ત વાર્તાભંડારમાંથી અનુકૂળ કથાઘટકો ઉપાડી તેના સંયોજનથી રચાયેલી, તેની વાર્તાકળાની પ્રતિનિધિરૂપ ગણાય એવી દુહા-ચોપાઈ-છપ્પામાં નિબદ્ધ ૧૩૧૭ કડીની વાર્તા(મુ.). યુક્તિપૂર્વક રાજકુંવરી મોહનાની નજરથી અદીઠ રખાયેલા પંડિત સુકદેવ વડે વિદ્યાભ્યાસને અંતે થતી મોહનાની પરીક્ષા વેળા જામી પડેલી તકરારનું ત્યાં આવી ચડતા વણિક પ્રધાનપુત્ર મદને બેઉને સાચાં ઠરાવી કરી આપેલું સમાધાન, મદનના દર્શન સાથે જ તેને વરવાનો મોહનાનો નિશ્ચય, સમજાવટ છતાં અડગ રહેતાં થતું એમનું સ્નેહલગ્ન, એની જાણ થતાં રાજા તરફથી મળતાં દેશવટામાં ગણિકાના પંજામાંથી છટક્યા બાદ બળતા નાગને બચાવ્યા બદલ મળતા મણિના ઉપયોગથી કરેલા પાંચ ઉપકારના બદલામાં કન્યાઓ સાથે થતાં પુરુષવેશી મોહનાનાં લગ્ન, મદનની ભાળ માટેના તેના પ્રયાસ, મદનનું રાજકન્યા અરુણા સાથેનું લગ્ન, અને મદન તથા મોહનાનું મિલન અને ગૃહાગમન : આટલું રજૂ કરતી આ વાર્તાનું પદ્ગળ દૃષ્ટાંત તરીકે કહેવાતી ૬ ઉપકથાઓ, મોહનાનાં ૫ લગ્નોની કથા દ્વારા મળતી ૫ વાર્તાઓ, ૨ લાંબી સમસ્યાબાજી અને કથામાં જરાક તક મળી કે ઠાલવાતાં વ્યવહાર-નીતિ-બોધક-સુભાષિતાભાસી અનુભવવાક્યોને લીધે ઠીક ઠીક વિપુલ બની ગયું છે. વાર્તામાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી આલેખાયું છે. વાર્તામાં શામળનું કવિત્વ ક્યાંક ક્યાં આગિયાના જેવા ચમકારા બતાવે છે.[અ.રા.]