ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/‘મામેરું’-૨
Jump to navigation
Jump to search
‘મામેરું’-૨ : સ્વજીવનના પ્રસંગને વિષય તરીકે લઈ ‘મામેરું’ શીર્ષકથી આત્મચરિત્રાત્મક ૨૦/૨૫ પદની પદમાળા(મુ.) નરસિંહને નામે મળે છે. ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા ગાવા કવિએ આ કૃતિ રચી હોય એમ મનાય છે. નરસિંહની પુત્રી કુંવરબાઈને સીમંત આવ્યું તે વખતે ઈશ્વરે મામેરું પૂરી નિર્ધન નરસિંહને કેવી સહાય કરી એ ચમત્કારિક પ્રસંગ એનો મુખ્ય વિષય છે. વેવાઈને ઘરે નરસિંહની નિર્ધન સ્થિતિની ઉડાવવામાં આવતી ઠેકડી, નરસિંહની ભક્તિની મજાક કરવાના પ્રયત્નો ઇત્યાદિના આલેખનથી કૃતિમાં ભક્તિરસથી સાથે બીજા રસ પણ ભળે છે. ‘હારમાળા’ની જેમ આ કૃતિના નરસિંહકર્તૃત્વ વિશે પણ વિદ્વાનોમાં શંકા પ્રવર્તે છે. જયંત કોઠારીએ મધ્યકાલીન ગુજરાતી કવિતામાં મામેરાવિષયક અન્ય કવિઓની કૃતિઓ સાથે તુલના કરી એવું પ્રતિપાદિન કર્યું છે કે આ કૃતિનું કર્તૃત્વ નરસિંહનું હોવાની સંભાવના ઓછી છે.[જ.ગા.]