ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/‘વિધિ-રાસ’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘વિધિ-રાસ’ : ચોપાઈબંધની ૧૦૭ કડીની સમાચારીવિષયક આ કૃતિ (મુ.)ના કર્તૃત્વના તથા રચનાવર્ષના પ્રશ્નો છે. કૃતિમાં ૯૫મી કડીમાં “શ્રી ધર્મમૂર્તિસૂરિ ગુણિ ભંડાર (ગંભીર), બહુદિન દીપઈ” એ શબ્દો મળે છે અને પછી ‘ઇતિશ્રી વિધિરાસ સમાપ્ત’ એમ લખેલું છે. ત્યારપછી ચૂલિકા છે, જે ૧૦૭ કડીએ પૂરી થાય છે. ૧ પાઠમાં “છાજૂકૃત” એમ લખેલું અને એ પછી “ઇતિશ્રી વિધિરાસ ચૂલિકા સમાપ્ત” એવા શબ્દો મળે છે. આ જાતની સ્થિતિ કેટલાક પ્રશ્નો ઊભા કરે છે : છાજૂ આખા ‘વિધિ-રાસ’ના કર્તા છે કે ચૂલિકાના? બધા પાઠમાં છાજૂનો કર્તા તરીકે ઉલ્લેખ મળતો ન હોય તો એ કેટલો અધિકૃત માનવો? છાજૂ કર્તા ન હોય અથવા તો માત્ર ચૂલિકાના કર્તા હોય તો ધર્મમૂર્તિસૂરિને કર્તા ગણવા કે એમનો જે રીતે ઉલ્લેખ થયો છે તે રીતે જોતાં કૃતિ તેમના કોઈ શિષ્યની છે એમ માનવું? એ નોંધપાત્ર છે કે ‘જૈન ગૂર્જર કવિઓ’ આ કૃતિ ધર્મમૂર્તિસૂરિશિષ્યની હોવાનું માને છે ને એને છાજૂના નિર્દેશવાળો પાઠ મળ્યો નથી. કૃતિ ભાદરવા સુદ ૧૧ના દિવસે રચાયેલી છે પરંતુ રચનાવર્ષનો કોયડો છે. ‘સંવત સોલ છિલોત્તરે’ (સં. ૧૬૦૬/ઈ.૧૫૫૦) તથા ‘સંવત સોલ બિહુંતરઇએ’ (સં.૧૬૭૨/ઈ.૧૬૧૬) એમ ૨ પાઠ મળે છે. સં. ૧૬૭૨ની રચના માનીએ તો એ ધર્મમૂર્તિસૂરી (અવ.સં.૧૬૭૦)ની કૃતિ ન હોઈ શકે, તેથી “સોલ બિહુંતરઈ”નું અર્થઘટન સં. ૧૬૦૨ કરી ધર્મમૂર્તિસૂરિની કૃતિ હોવાનો તર્ક કરવામાં આવ્યો છે. પંરતુ બધું વિચારતાં એ તર્ક યથાર્થ લાગતો નથી. કૃતિ : આર્ય કલ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯-‘વિધિપક્ષ (અંચલ)ગચ્છના સમાચારી ગ્રંથો અને વિધિરાસ-એક સમીક્ષા’, સં. કલાપ્રભસાગરજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).[કી.જો.]