ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શેધજી-શેઘજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શેધજી/શેઘજીશેધજી/શેઘજી [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આખ્યાનકાર. ખંભાતના વતની. જ્ઞાતિએ બંધારા. પિતાનું નામ કાશી. નાગજી ભટ્ટનો તેઓ પોતાના ગુરુ તરીકે ઉલ્લેખ કરે છે, એના પરથી લાગે છે કે આ પુરાણી પાસેથી પૌરાણિક કથાઓ સાંભળી એમણે પોતાનાં આખ્યાનો રચ્યાં હશે. વિષ્ણુદાસના સમકાલીન આ કવિએ પૌરાણિક કથાઓ પર આધારિત આખ્યાનો મૂળ પ્રસંગમાં કેટલાક ફેરફાર કરીને વિશેષત: કથાતત્ત્વ જાળવી રચ્યાં છે. અંબરિષ રાજા અને પ્રહ્લાદની કૃષ્ણભક્તિનો મહિમા કરતું ૧૪ કડવાંનું ‘અંબરિષ-આખ્યાન’ (ર.ઈ.૧૫૮૭/સં.૧૬૪૩, ચૈત્ર સુદ ૩, શનિવાર) ને ૧૮ કડવાં સુધી ઉપલબ્ધ થતું અપૂર્ણ ‘પ્રહલાદ-આખ્યાન’ તથા દ્વારિકાવર્ણન ને વિપ્રના પાત્રાલેખનથી ધ્યાન ખેંચતું ૧૨ કડવાંનું ‘રુક્મિણીહરણ’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર સુદ ૫, રવિવાર; મુ.) કવિની ભાગવત આધારિત કૃતિઓ છે. એમનું રામાયણ આધારિત ૧૮ કડવાનું ‘હનુમાન-ચરિત્ર’ (ર.ઈ.૧૫૯૧/સં.૧૬૪૭, માગશર વદ ૨, રવિવાર) હનુમાનનાં પરાક્રમો ને તેની રામભક્તિને આલેખે છે. ૧૩ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, માગશર સુદ ૫, ગુરુવાર), ભીમ-કીચકયુદ્ધ અને દ્રૌપદીની ભયભીત મનોદશાને સારી રીતે વર્ણવતું ૨૧ કડવાનું ‘વિરાટપર્વ’ (ર.ઈ.૧૫૯૨/સં.૧૬૪૮, અસાડ સુદ ૫, રવિવાર), મધ્યકાલીન કવિતામાં સ્વતંત્ર કૃતિ રૂપે પહેલી વખત મળતું, પાંડવોને પજવવા માટે આવેલા કૌરવોને ગંધર્વો સાથે થયેલા યુદ્ધની કથાને આલેખતું ‘વનપર્વ’ પર આધારિત ૧૧ કડવાંનું ‘ઘોષયાત્રા/ચિત્રસેનનું આખ્યાન’ (ર.ઈ.૧૫૯૪/સં.૧૬૫૦, જેઠ સુદ ૧૫, સોમવાર; મુ.) તથા વર્ણનોમાં કવિત્વના ચમકારા બતાવતું અને કવિનાં અન્ય આખ્યાનોને મુકાબલે વિશેષ પ્રૌઢિવાળું ૧૩ કડવાંનું ‘સભાપર્વ/રાજસૂયયજ્ઞની કથા’ (ર.ઈ.૧૫૯૫) કવિની મહાભારત આધારિત રચનાઓ છે. કૃતિ : ૧. કાશીસુત શેધજી-એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪ (+સં.); ૨. ઘોષયાત્રા અને ચિત્રસેનનું આખ્યાન, સં. જશભાઈ કા. પટેલ, ઈ.૧૯૫૭. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાકકૃતિઓ; ૪. સંશોધન અને અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૬;  ૫. ગૂહાયાદી. [બ.પ.]