ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/‘સુદામાચરિત્ર-સુદામાજીના કેદારા’

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’ : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ કથાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે. ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને કથનવર્ણન તરફ ઓછું છે, તો પણ “અંગોઅંગ કમકમે, ધમણ મોંએ ધમે; ગ્રસિત ઝરવાળિયે નાક લોહતો” જેવી સુદામાના દેહને કે “કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા” જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંક્તિઓમાં કવિની વર્ણનકૌશલની શક્તિ દેખાય છે. ૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપ મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે.[જ.ગા.]