ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખંડઆનંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અખંડઆનંદઃ ભિક્ષુ અખંડાનંદજીએ ઘર ઘરમાં હોંશે હોંશે વંચાય એવું માસિક પ્રગટ કરવા સેવેલા સ્વપ્નને સાકાર કરવા સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે અમદાવાદથી નવેમ્બર ૧૯૪૭માં આ માસિક સામયિક આરંભેલું. પ્રારંભે ૧૯૪૭થી ૧૯૫૬ સુધી તેનું તંત્રીપદ મોહનલાલ મહેતા ‘સોપાને’ સંભાળેલું. ‘અખંડઆનંદ’ને જાન્યુઆરી ૧૯૫૭થી ડિસેમ્બર ૧૯૮૬ સુધીની દીર્ઘકાલીન સંપાદકીય સેવા ત્રિભુવનદાસ ઠક્કરની મળી છે. ત્યારબાદ જાન્યુઆરી ૧૯૮૭થી રમણલાલ માણેકલાલ ભટ્ટે સંભાળ્યું. તે ૧૯૯૦માં બંધ પડ્યું. વ્યાપક અર્થમાં ધાર્મિક માસિક તરીકે પ્રગટ થતા ‘અખંડઆનંદ’નું લક્ષ્ય, જીવનમાં જે કંઈ શુભ છે તેનો વિકાસ અને જે કંઈ અશુભ છે તેનો ક્ષય થાય તેવા મૂલ્યબોધને સુસ્થિર કરવાનું રહ્યું છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, કેળવણી, અર્થકારણ, ખગોળ જેવા વિષયોની પ્રશ્નોત્તર, વાર્તાલાપ, વાર્તા, કવિતા, નિબંધ, ચરિત્ર, પ્રસંગકથા જેવાં સાહિત્યસ્વરૂપોમાં સંપાદિત સામગ્રી દ્વારા ‘અખંડઆનંદ’ મુખ્યત્વે પ્રૌઢ વાચકવર્ગની સાત્ત્વિક વાચનની અપેક્ષા સંતોષતું રહ્યું છે. ૪૩ વર્ષના સુદીર્ઘ પ્રકાશન પછી ૧૯૯૦માં બંધ પડેલું ‘અખંડઆનંદ’ ૧૯૯૧માં ભિક્ષુ અખંડાનંદ ટ્રસ્ટ દ્વારા પ્રકાશ ન. શાહના તંત્રીપદે નવાં રંગરૂપ ધારણ કરી દ્વિજાવતાર પામ્યું. જાન્યુઆરી ૧૯૯૯થી દિલાવરસિંહ જાડેજાના અધ્યક્ષપદે સંપાદન સમિતિ કામ કરતી થઈ. દિલાવરસિંહના અવસાન પછી ૨૦૦૫માં મુકુન્દ શાહ ને એ પછી આજ સુધી (૨૦૨૧) પ્રકાશ લાલા એનું સંપાદન સંભાળે છે, એના કવિતા-વિભાગનું સંપાદન ૧૯૯૯થી હરિકૃષ્ણ પાઠક કરે છે. સૂચિત નવસંસ્કરણ દ્વારા ‘અખંડઆનંદ’ માત્ર પ્રૌઢ વાચકવર્ગનું માસિક મટી જઈને આબાલવૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે. ર.ર.દ.; ઈ.કુ.