ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલાનું નિર્માનવીકરણ
કલાનું નિર્માનવીકરણ (Dehumanisation of art) : સ્પેનિશ ફિલસૂફ અને વિવેચક હોસે ઓર્તેગા ઇ ગાસેતે નવી કલાનું નિદાન કરતાં કહ્યું છે કે એ જૂજ વર્ગ માટે છે અને સ્પષ્ટ કબૂલ્યું છે કે એ લોકો માટે દુર્ગમ બની છે. નવી કલાને ઓર્તેગાએ ભૂતકાલીન માનવતાવાદથી થતા વિચ્છેદ રૂપે જોઈ છે. ઓર્તેગાને મતે દેબ્યૂસીએ સંગીતનું, મલાર્મેએ કવિતાનું, પિરાન્દેલોએ નાટકનું, દાદાવાદીઓએ કલાનું નિર્માનવીકરણ કર્યું છે. નિર્માનવીકરણની રચનારીતિઓ પરાવાસ્તવવાદથી અંગતવાદ સુધીની વિવિધતા ધરાવે છે. આથી નવી કલા વાસ્તવવાદ અને માનવીય નિરૂપણથી હટીને ક્રીડા કે આહ્લાદક છલ તરફ વળી છે. ઓર્તેગા ‘નિર્માનવીકરણ’ને સૌંદર્યાનુભૂતિની અનિવાર્ય શરત ગણે છે. કલાકૃતિના સ્તરે નિર્માનવીકરણ કે અમાનવીકરણ એટલે વર્ણન યા ચિત્રણનું એના વ્યવહારિક વાસ્તવિકરૂપથી વિચ્છેદન ને ભાવનાના સ્તરે નિર્માનવીકરણ એટલે કલાકૃતિના અનુભવનું વૈયક્તિકતા અને સંવેગોથી પાર્થક્ય. ટૂંકમાં, ઓર્તેગાનો સિદ્ધાન્ત વાસ્તવવાદ સામેની પ્રતિક્રિયા રૂપે આવેલો સિદ્ધાન્ત છે.
ચં.ટો.