ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગદ્યકાવ્યભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગદ્યકાવ્યભેદ : સંસ્કૃત આચાર્યોએ કાવ્યને ગદ્ય અને પદ્યમાં વહેંચી નાખ્યા પછી ગદ્યકાવ્યના અનેક પ્રકારો દર્શાવ્યા છે. વામને છંદોબંધયુક્ત વાક્યસહિતનો વૃત્તગન્ધિ, સમાસરહિત અને લલિત વાક્યસહિતનો ચૂર્ણ અને દીર્ઘસમાસ તથા ઉદ્ધતપદપ્રયોગ યુક્ત ઉત્કલિકાપ્રાય-એવા ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. તો વિશ્વનાથે એમાં સમાસરહિતરચનાનો મુક્તક પ્રકાર ઉમેર્યો છે. હેમચન્દ્રે દસેક ગદ્યકાવ્યપ્રકારની ચર્ચા કરી છે : આખ્યાન, નિદર્શન, પ્રવહલિકા, મતલ્લિકા, મણિકુલ્યા, પરિકથા, ખંડકથા, સકલકથા, ઉપકથા અને બૃહત્કથા. મુખ્યપ્રબંધમાં અન્યને સમજાવવા આખ્યાનનો પ્રવેશ કરાવવામાં આવે છે; નિદર્શનમાં પશુપક્ષીઓની ચેષ્ટાઓ દ્વારા કાર્યકારણનો નિર્ણય કરાય છે; પ્રવહલિકામાં પ્રધાનપાત્ર અંગે બે વ્યક્તિનો પ્રાકૃતમાં વિવાદ હોય છે; મતલ્લિકા એ પ્રેતભાષા કે મહારાષ્ટ્રભાષામાં લખાયેલી લઘુકથા છે; મણિકુલ્યામાં પહેલાં જોવાની વસ્તુ પછી પ્રકાશિત થાય એવી રચના હોય છે; પરિકથા ચારપુરુષાર્થોમાંથી કોઈએકને લક્ષ્ય કરી વૃત્તાંત આપે છે; ખંડકથામાં કોઈ પ્રસિદ્ધ ઇતિવૃત્તનું મધ્ય કે અંતમાંથી વર્ણન શરૂ થાય છે; સકલકથા ચારે ય પુરુષાર્થોના વર્ણનને સમાવે છે. ઉપકથામાં કોઈએક ચરિત્રમાં પ્રસિદ્ધ કથાન્તરનું ઉપનિબંધન હોય છે; તો બૃહત્કથા અદ્ભુત અર્થોને આગળ ધરે છે. અગ્નિપુરાણે આખ્યાયિકા, કથા, ખંડકથા, પરિકથા અને કથાનિકા – એમ પાંચનો જ પુરસ્કાર કર્યો છે. ચં.ટો.