ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તખલ્લુસ
તખલ્લુસ (Pseudonym) : પોતાના મૂળ નામ ઉપરાંત લેખકે પોતે ધારણ કરેલું અન્ય નામ. આ અંગે ગુજરાતીમાં ‘આડનામ’, ‘કલ્પિતનામ’ ‘ઉપનામ’, ‘કલમનામ’ વગેરે સંજ્ઞાઓ પણ સૂચવાયેલી છે. તખલ્લુસ યોજવા પાછળ જાતજાતનાં કારણો હોઈ શકે છે. ન્હાનાલાલ જેવા, દલપતરામ પરત્વેના અન્ય લેખકોના પૂર્વગ્રહોને કારણે પોતાને અન્યાય ન થાય એ માટે ‘પ્રેમભક્તિ’ ઉપનામથી શરૂમાં લખે છે; તો કનૈયાલાલ મુનશી જેવાએ ધંધામાં સોલિસિટરો તરફથી બ્રીફ ન મળે એ ભયથી ‘ઘનશ્યામ’ જેવું ઉપનામ ઓઢી લીધેલું એવો એકરાર કર્યો છે. રવીન્દ્રનાથે સફળતા મેળવવા સોળમી સદીના ઉપજાવેલા કવિ ‘ભાનુસિંહ’ને નામે પોતાનાં કાવ્યો વહેતાં કરેલાં એ જાણીતી વાત છે. કેટલાક પોતાનાં લખાણો વિશે સાશંક હોવાથી એ લખાણો પ્રજામાં કેવી રીતે ઝિલાય છે તે જોવા માટે તખલ્લુસ રાખે છે. ગુજરાતીમાં ‘સુન્દરમ્’ ‘સ્નેહરશ્મિ’ કે ‘ઉશનસ્’ જેવાં તખલ્લુસો વ્યક્તિના પર્યાય જેવાં બની ગયાં છે.
ચં.ટો.