ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તિલસ્માતી વાસ્તવવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


તિલસ્માતી વાસ્તવવાદ (Magic Realism) : વસ્તુલક્ષી વાસ્તવિક્તાના પ્રમાણિત કાકુ સાથે કરેલા નિરૂપણમાં તરંગી અને કપોલકલ્પિત ઘટનાઓને આમેજ કરીને ચાલતી આધુનિક નવલકથાઓને આ સંજ્ઞા સ્પર્શે છે. ૧૯૫૦ પછીની કેટલીક જર્મન નવલકથાઓને લક્ષ્ય કરીને આ સંજ્ઞા પહેલાં ઉપયોગમાં લેવાયેલી પણ હવે મધ્ય અને દક્ષિણ અમેરિકાના મિગલ એન્જલ અસ્તૂર્યાસ, માર્ક્વિઝ ગેબ્રિયલ ગાર્સિયા જેવા નોંધપાત્ર અને અગ્રણી નવલકથાકારો માટે પણ યોજવામાં આવે છે. વિવિધ સંસ્કૃતિની સાહિત્યકૃતિઓને આ સંજ્ઞા લાગુ પાડવામાં આવે છે. એમાં આધુનિક નવલકથાની વાસ્તવિકતાની સીમાઓને અતિક્રમી જવાનુ અને સાંપ્રત સામાજિક સંગતિને દૃઢપણે જાળવીને પ્રાણીકથા પરીકથા જેવી સામગ્રીને આમેજ કરવાનું વલણ સ્પષ્ટ જોઈ શકાય છે. જ.ગા.