ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નવી નવલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નવી નવલ(Nouveau Roman) : છઠ્ઠા દાયકાના મધ્યભાગમાં કેટલાક ફ્રેન્ચ લેખકો દ્વારા લખાવી શરૂ થયેલી પ્રયોગશીલ અને એક પ્રકારની પ્રતિવાસ્તવવાદી આ નવલકથા પારંપારિક તત્ત્વોને બાદ કરીને નિષેધાત્મક શૈલી અખત્યાર કરે છે અને નવલકથાની ભૂતકાળની સ્થાપિત પ્રણાલિઓ અને પદ્ધતિઓને કારણે વાચકમાં સ્થાપિત અપેક્ષા ક્ષેત્ર પર પ્રહાર કરે છે. સામાજિક નિસ્બત ધરાવતા આનુક્રમિક, રૈખિક, સંગતિપૂર્ણ કથાનકનો અને સર્વવ્યાપી લેખક દ્વારા થતા પાત્રવિશ્લેષણનો અહીં લોપ છે. ઘટનાવિશ્લેષણ અને પાત્રાલેખનને સ્થાને સંવેદનો અને વસ્તુઓની તટસ્થ નિરૂપણની તરફદારી કરાયેલી છે, અને ઝનૂનપૂર્વકનાં ભૌતિક વસ્તુઓનાં વિગતપૂર્ણ વર્ણનોને ઉપસાવવામાં આવ્યાં છે. વસ્તુઓના નિર્જીવ જગતમાં પાત્રો ક્યારેક ચેતનાના ખંડિત ટુકડા જેવાં લાગે છે. કામૂ અને સાર્ત્ર તો પ્રમાણમાં પારંપરિક નવલકથાકારો ગણાય. એનાથી વિરુદ્ધ આ લેખકો નવલકથાનું સ્વરૂપ પોતે જ જગતના યુદ્ધોત્તર અસ્તિત્વવાદી દર્શનને સ્વતંત્રપણે વ્યક્ત કરે એમ ઇચ્છે છે. આ લેખકોમાં આલાં રોબ્બ ગ્રિયે, નાતાલિ સારોત, મિશેલ બુતોર વગેરે મુખ્ય છે. નાતાલિ સારોતની નવલકથાને ઓળખાવવા માટે સાર્ત્રએ આપેલી ‘પ્રતિ નવલ’ (Anti novel) સંજ્ઞા પણ નવી નવલને લાગુ પડે છે. આ સંજ્ઞા ફ્રેન્ચ સંદર્ભબહાર વધુ વ્યાપક અર્થમાં પણ વપરાય છે. વસ્તુ અને સ્વરૂપ વિશે વાચકોના ખ્યાલોનો ભંગ કરતી અને સ્થાપિત વલણોને ચાતરતી આધુનિક નવલકથાઓ આ સંજ્ઞા હેઠળ લઈ શકાય. ગુજરાતીમાં શ્રીકાન્ત શાહ (‘અસ્તિ’), મુકુન્દ પરીખ (‘મહાભિનિષ્ક્રમણ’), રાધેશ્યામ શર્મા (‘ફેરો’) જેવા નવલકથાકારોએ આ દિશામાં પ્રદાન કર્યું છે. ચં.ટો.