ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્તકવિતા
મૂર્તકવિતા/દૃશ્યકવિતા (Concrete poetry) : દૃશ્યકવિતા આધુનિક ચિત્રકલા અને સંગીતને સમાન્તર થવાનો ઉદ્યમ કરે છે. પાના ઉપર રજૂ થયેલ પદાર્થ રૂપે અહીં કવિતાને જોવાની છે. આ કવિતા જોવાય અને સંભળાય. એ રીતે જોઈએ તો ચિત્રાત્મક અક્ષરાંકન સાથેની આ દૃશ્યકવિતા છે. ઘણી વાર દૃશ્યકવિતા વાચકને મૂંઝવણમાં મૂકે : એની સામે જે કવિતા છે તે વાંચવા માટેનું ચિત્ર છે કે જોવા માટેની કવિતા છે. અહીં શબ્દ ભૌતિક સ્થલગત પદાર્થ તરીકે ઊભો રહે છે અને યુગપત હયાતી ધરાવતા અર્થોની બહુલતા દર્શાવે છે. ફ્રેન્ચ કવિ મલાર્મે સ્થલગત ‘વ્યાકરણ’ દ્વારા બહુઅર્થતાની અશ્રેણીબદ્ધ અને અ-રૈખિક યુગપતતા એના પ્રસિદ્ધ કાવ્ય ‘પાસાફેંક’ (Un coup des)માં સાપેક્ષ રીતે સિદ્ધ કરે છે. અહીં શાબ્દિક સંસ્કૃતિ દૃશ્યસંસ્કૃતિ તરફ ઢળી એનો સંકેત છે. મુદ્રિત પાના પરની કવિતાનાં સંમૂર્તિપરક લક્ષણો પર વધતી જતી સભાનતાએ કાવ્યકૃતિઓનું ‘સ્થલીકરણ’ કર્યું છે; અને ભાષાપરક સંરચનાઓનાં ચિત્રાત્મક અને સ્થલગત પાસાંઓની શક્તિઓને બહાર આણી છે. આ પ્રકારનું કાવ્યશાસ્ત્ર સ્વરૂપગત મૂલ્યોની તેમજ કવિતાના તાણાવાણામાં ચિત્રાત્મક સંરચનાઓને વણી લેવાની વધુ ખેવના કરે છે. આ મૂર્ત કાવ્યશાસ્ત્ર (Concrete poetics) કે ચિત્રમૂલક કાવ્યશાસ્ત્ર (Pictorial poetics) તરીકે ઓળખાય છે. સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં પણ વર્ણો દ્વારા પદ્મ, ખડ્ગ મુરજ વગેરે ચિત્ર નિર્મિત કરતો ચિત્રાલંકાર નામે જાણીતો શબ્દાલંકાર છે. એમાં રચનાકૌશલ પ્રગટતું હોવા છતાં રસસિદ્ધિ નથી હોતી આથી એની ચિત્રકાવ્ય તરીકે ગણના થાય છે. સંસ્કૃત અલંકારશાસ્ત્ર એને કેવળ બુદ્ધિનો વ્યાયામ લેખે છે. કદાચ મમ્મટ જેવાએ આથી એને કષ્ટકાવ્યની સંજ્ઞા આપી છે. ચં.ટો.