ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યૂલિસીસ
યૂલિસીસ : જેમ્સ જોય્સકૃત વિશિષ્ટ અને પ્રસિદ્ધ નવલકથા. ૧૯૦૪ના જૂનની ૧૬મીની સવાર છે. એક જૂનો મિનાર ચઢીને તબીબી-વિદ્યાશાખાનો વિદ્યાર્થી બક મલિગન હજામત કરતો હોય છે ત્યાં એક યુવાન આયરીશ લેખક સ્ટીફન ડિડેલસ આવી પહોંચે છે. દૂર ડબ્લિનના અખાતનાં ચળકતાં પાણી જોઈ સ્ટીફનને મૃત્યુશય્યા પર પડેલી માએ પ્રાર્થના કરવા કહ્યું હતું અને પોતે તેનો વિરોધ કર્યો હતો તે દૃશ્ય યાદ આવી જાય છે. સ્ટીફનને લાગે છે કે મલિગન જેવાઓના સંગમાં એનું જીવન નિર્હેતુક અને નફ્ફટ બની રહ્યું છે. મોડેથી એ સાગરતટે લટાર મારતો હોય છે ત્યારે અકિંચન અને આફતોથી ભરેલા પોતાના સંસારની યાદ આવે છે. દરમિયાનમાં એક યહૂદી લિઓપોલ્ડ બ્લૂમ પોતાની પત્ની માટે નાસ્તો તૈયાર કરી રહ્યો હોય છે તેને તેની ગાયક પત્નીના અન્ય સાથેના સંબંધની યાદ આવી જાય છે ને દુઃખી દુઃખી થઈ જાય છે. બ્લૂમ સવારે ચાલવા નીકળી પડે છે અને પોસ્ટ ઑફિસેથી કોઈ સ્ત્રીની સહીવાળો પત્ર ઉઠાવે છે. પત્નીથી અસંતુષ્ટ’ બ્લૂમ જુદા નામે પ્રેમકેલી રચતો હોય છે. ચર્ચમાં થઈ, કોઈની સ્મશાનયાત્રાનો સાક્ષી બની તે પોતાના કાર્યાલયે પહોંચે છે, જ્યાં સ્ટીફન પણ આવે છે. બન્ને એકબીજાને જુએ છે, પણ બોલતા નથી. બ્લૂમ ત્યાંથી નીકળી દારૂપીઠામાં જાય છે. ત્યાં સ્ટીફન મલિગન સાથે સાહિત્યિક ચર્ચામાં પડ્યો છે, બ્લૂમ ઊઠીને ચાલ્યો જાય છે ને સાંજનું ભોજન લઈ સૅન્ડિમાઉન્ટ-તટે લટાર મારે છે, સ્મરણોને વાગોળે છે, ને બાજુના ગિરજાઘરમાં ઘડિયાળના ડંકા પડે છે. એની સ્મરણશૃંખલા તૂટે છે. એક બાઈની પ્રસૂતિના સમાચારથી એની ખબર કાઢવા બ્લૂમ હૉસ્પિટલ જાય છે તો ત્યાં સ્ટીફન અને મલિગનને દારૂ ઢીંચતા જોઈ પોતાના મિત્રનો પુત્ર સ્ટીફન આવા રવાડે ચડ્યો છે એ જાણી દુઃખ અનુભવે છે. ત્યાંથી વિખરાયા બાદ સ્ટીફન ડબ્લિનની ઝૂંપડપટ્ટીમાંના એક કૂટણખાને પહોંચે છે. બ્લૂમ એની પાછળ પાછળ જાય છે ને પછી પીધેલા સ્ટીફનને પોતાને ત્યાં લઈ આવે છે. મલિગન જેવાનો સાથ ત્યજી પોતાની સાથે રહેવા બ્લૂમ સમજાવે છે, પણ વ્યર્થ! સ્ટીફન નીકળી પડે છે. બ્લૂમ પત્નીને સવારે નાસ્તો તૈયાર કરવાનું કહી પથારીમાં પડે છે. પત્ની જૂના પ્રણયપ્રસંગો સાથે બ્લૂમનો લગ્નપ્રસ્તાવ યાદ કરી સ્મરણો વાગોળે છે અને પડખે બ્લૂમ નસકોરાં બોલાવે છે. માત્ર ૨૪ કલાકની ઘટના દર્શાવી જોય્સ આ નવલકથામાં સ્મરણો દ્વારા માનસશાસ્ત્રીય સમયનો ફલક ભૂતભવિષ્યમાં વિસ્તારી રહે છે. હોમરના નાયક યૂલિસીઝ સાથે આ આધુનિક બ્લૂમનું મળતાપણું છે, જેમાં આજના મનુષ્યની વેદના નિરાશાને વાચા મળી છે. આ અંત :ચેતનાના પ્રવાહની આધુનિક શૈલીએ લખાયેલી નવલકથાનો આપણે ત્યાં ૧૯૫૫ પછીના નવલકથાલેખન પર પડેલો પ્રભાવ સ્પષ્ટ અનુભવાય છે. ધી.પ.