ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રસાભાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રસાભાસ : રસઘટકો ઔચિત્યપૂર્વક પ્રવૃત્ત ન થવાથી ભાવકને રસની અનુભૂતિ ન થતાં એનો આભાસ થાય છે; અને રસ પરિપાક થઈ શકતો નથી. આ સ્થિતિને સંસ્કૃત કાવ્યશાસ્ત્ર ‘રસાભાસ’ તરીકે ઓળખે છે. અભિનવગુપ્તે છીપમાં થતા રજતના આભાસ સાથે આ સ્થિતિને સરખાવી છે. વિદ્વાનોમાં, રસાભાસ થતાં રસદશા ટકે છે કે નષ્ટ થાય છે એ વિશે વિવાદ છે. છતાં અભિનવગુપ્ત અને જગન્નાથ જેવા આચાર્યોએ અનેક તર્કથી સિદ્ધ કર્યું છે કે રસાભાસમાં પૂર્ણતયા રસનો અભાવ નથી હોતો. પ્રીતીતિકાળમાં અનૌચિત્ય બહાર આવતાં અનુભૂતિ આભાસી બની જાય છે. અભિનવગુપ્તને મતે અનુચિત રૂપથી પ્રવૃત્ત સ્થાયીભાવનો આસ્વાદ, રસાભાસ છે. તો મમ્મટ રસ અને ભાવોના અનુચિત પ્રવર્તનને રસાભાસ કહે છે. જગન્નાથ અનુચિત ભાવના સંવેદનને રસાભાસ કહે છે; તો વિશ્વનાથે અનૌચિત્યના ઉદાહરણ રૂપે શૃંગારાભાસ હેઠળ ઉપનાયકરતિ, ગુરુપત્નીરતિ, બહુનાયકરતિ, પશુપક્ષીનિષ્ઠ રતિને સમાવી લીધી છે. વાસ્તવમાં અનૌચિત્યનો આધાર લોકવ્યવહાર, લોકાદર્શ કે શાસ્ત્ર છે. એનાથી વિપરીત આચરણ અનૌચિત્યનું કારણ બને છે. એટલે રસાભાસનું નિરૂપણ રસના સામાજિક મહત્ત્વને પ્રતિષ્ઠિત કરે છે. બીજી રીતે કહીએ તો રસાભાસની અભિધારણા સમાજસાપેક્ષ સિદ્ધ થાય છે. તેરમી સદીમાં શિંગભૂપાલે ‘રસાર્ણવસુધાકર’ ગ્રન્થમાં આને વિશે વિસ્તૃત વિચાર કર્યો છે. ચં.ટો.