ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લોચન
લોચન : આનંદવર્ધનના ‘ધ્વન્યાલોક’ અથવા કાવ્યાલોક ઉપરની અભિનવગુપ્તપાદની વિદ્વત્તાપૂર્ણ ટીકા. કાશ્મીરના શૈવસંપ્રદાય અને પ્રત્યભિજ્ઞાદર્શનના શુદ્ધ આનંદવાદી આચાર્ય અભિનવગુપ્તપાદે ચાલીસ જેટલા નાનામોટા ગ્રન્થો રચ્યા છે. તેમાં સૌન્દર્યશાસ્ત્રને લગતા બે ગ્રન્થોમાંનો એક તે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપરની એમની ‘અભિનવભારતી’ અથવા ‘નાટ્યવેદવિવૃત્તિ’ નામની ટીકા અને બીજો ગ્રન્થ તે ‘ધ્વન્યાલોક-લોચન.’ ધ્વનાલોક ૧.૪, ઉપરના લોચનમાં તેમણે વ્યંજનાસ્થાપન કર્યું છે અને ૨.૪, ઉપરના લોચનમાં રસનિષ્પત્તિ અંગેના લોલ્લટ વગેરના મતો વિચાર્યા છે જેનો તાળો નાટ્યશાસ્ત્રના છઠ્ઠા રસાધ્યાય પરની અભિવનભારતીમાંથી મળી રહે છે. આનંદવર્ધને જે ફોડ પાડીને કહ્યું નહોતું તે વાત – રસધ્વનિ એ ધ્વનિનો ય ધ્વનિ છે, તે જ વસ્તુત : કાવ્યાત્મા છે તથા વસ્તુ ધ્વનિ અને અલંકારધ્વનિનું પર્યવસાન રસધ્વનિમાં થાય છે – તેમણે સ્પષ્ટ રીતે કહી છે. ધ્વનિસિદ્ધાન્તોનું સ્પષ્ટીકરણ અને ધ્વનિવિરોધીઓના મતનું નિરસન કરતાં આ ગ્રન્થમાં શૈવાદ્વૈતના આધાર પર રસને આનંદસ્વરૂપ માન્યો છે. રસને કારણે જ ધ્વનિનું મહત્ત્વ છે એ એમનું મહત્ત્વનું પ્રતિપાદન છે. ત.ના.