ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂચિકરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સૂચિકરણ(Indexing) : ગ્રન્થાલયવિજ્ઞાનના નિર્ધારિત નિયમો પ્રમાણે ગ્રન્થાલયસૂચિ તૈયાર કરવાની પ્રક્રિયા. આ દ્વારા પુસ્તકો, સામયિકો, ફિલ્મપટ્ટી, ગ્રામોફોન રેકોર્ડ્સ, કેસેટ વગેરે તમામ પ્રકારનાં દૃશ્ય-શ્રાવ્ય અને વાચન-સાધનો અંગેની આવશ્યક માહિતી સુનિયોજિત પદ્ધતિએ સૂચિબદ્ધ કરવામાં આવે છે. આ પ્રકારની ગ્રન્થાલયસેવા મારફત સામગ્રીને ઓળખવા ને મેળવવાની એક વ્યવસ્થા ઊભી થાય છે. ગ્રન્થાલયની સૂચિઓમાં સામાન્યપણે ગ્રન્થકર્તાનામ, ગ્રન્થ-શીર્ષક અને એ સામગ્રીના વિષય માટે અલગ-અલગ સૂચિ-સંલેખોનાં કાર્ડ્સ એ રીતે ગોઠવવામાં આવે છે કે સામગ્રીશોધનાં આ ત્રણેય માધ્યમો વડે જોઈતી સામગ્રીની ભાળ મેળવવી સરળ થઈ પડે. આ સૂચિઓમાં સામગ્રીશોધ માટે ઉપયોગી નીવડતાં શીર્ષકો ઉપરાંત સામગ્રીની ઓળખ ને પસંદગી માટે પ્રકાશક, પ્રકાશન-સ્થળ, પ્રકાશનવર્ષ, આવૃત્તિક્રમાંક, પૃષ્ઠસંખ્યા, સામગ્રીનું કદ, આકૃતિઓ કે ચિત્રો, અનુવાદક, સંપાદક, શ્રેણીશીર્ષક જેવી અનેક માહિતી દર્શાવેલી હોય છે. એમાં સામગ્રીનું સ્થાનાંક વર્ગીકરણ પણ આપેલું હોય છે જેના વડે વાચક પોતાની પસંદગીની સામગ્રી સુધી પહોંચી શકે છે. આ પદ્ધતિને આધારે અનેક પ્રકારની વાઙ્મયસૂચિઓ તેમજ સંદર્ભસૂચિઓ સંપાદિત કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય ગ્રન્થ-સૂચિનો સમાવેશ થાય છે. અભ્યાસગ્રન્થોમાં જોવા મળતી શબ્દસૂચિ(Index)માં કર્તા, ગ્રન્થનામ અને વિષયશીર્ષકોમાં પણ સૂચિકરણની કેટલીક માન્ય પદ્ધતિનો ઉપયોગ થાય છે. એમાં અને ગ્રન્થાલયસૂચિઓમાં એ તફાવત છે કે શબ્દસૂચિઓ માત્ર એક પુસ્તકની સામગ્રીનું વિશ્લેષણ કરે છે ને એમાં માત્ર શીર્ષકો અને સ્થાનાંક એ બે જ વીગતો અપાય છે જ્યારે ગ્રન્થાલયની સૂચિઓમાં ગ્રન્થાલયની તમામ સામગ્રીનો પરિચય સમાયેલો હોય છે. પ્ર.વે.