ગુજરાતી સાહિત્યસૂચિ (મધ્યકાળ)/સૂચિપરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૂચિપરિચય

મધ્યકાલીન એટલે ઈ. ૧૮૫૦ સુધીના ગુજરાતી સાહિત્યના કર્તાઓ અને કૃતિઓ વિશેની આ સંદર્ભસૂચિ છે. મુખ્યત્વે મધ્યકાલીન સાહિત્યની સામગ્રીને સમાવતા ગ્રંથોને આધારે આ સૂચિ કરી છે, છતાં એવા કેટલાક ગ્રંથોમાં અર્વાચીન કર્તાઓ પણ આમેજ થઈ ગયા હોવાનું જણાય છે. આથી આ સૂચિમાં પણ એ કર્તાઓ આવી જાય એ સ્વાભાવિક છે. પણ એવા કિસ્સા પ્રમાણમાં જૂજ હશે. ડિસે. ૧૯૭૯ સુધીમાં પ્રકાશિત સાહિત્યનો અહીં ઉપયોગ કર્યો છે. આ સૂચિ મુદ્રિત કૃતિસંપાદનો, સંચયો, ચરિત્રાત્મકવિવેચનાત્મક ગ્રંથો ને લેખોને આધારે કરી છે. એમાં અપવાદ માત્ર અમુદ્રિત મહાનિબંધોનો છે. સામયિકોની સામગ્રીને પણ ઉપયોગમાં લીધી છે. સાંપ્રદાયિક ગ્રંથસંગ્રહો કે સામયિકો સુધી જવાનું ખાસ બન્યું નથી. હસ્તપ્રત યાદીઓને પણ અહીં બાકાત રાખી છે, કેમકે એથી ક્ષેત્ર ઘણું વિસ્તરી જતું હતું. એ ગ્રંથો તથા સાહિત્યના ઇતિહાસગ્રંથોનો અભ્યાસીઓ સીધો ઉપયોગ કરે જ. એટલે સાહિત્યના ઇતિહાસગ્રંથોનો પણ ખાસ આધાર લીધો નથી. સ્વતંત્ર શીર્ષકથી દર્શાવાયેલાં કર્તાનામો પૂરતી સામગ્રી ક્વચિત્ સમાવી છે, પણ એ નીતિ એકધારી અમલમાં મૂકી શકાઈ નથી. આ સૂચિ તૈયાર કરવા માટે મુખ્યત્વે ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલય, ભો. જે. વિદ્યાભવન ગ્રંથાલય તેમજ મા. જે. સાર્વજનિક ગ્રંથાલયનો ઉપયોગ કર્યો છે. કેટલાંક ગ્રંથો ને સામયિકો મને મળ્યાં નહીં હોય. એ દૃષ્ટિએ આ સૂચિ અપર્યાપ્ત હોવાની જ. એ ઉપરાંત પ્રાપ્ત ગ્રંથો ને સામયિકોમાં ઉલ્લિખિત સંદર્ભોને પણ અહીં સ્થાન આપ્યું છે (જ્યાં પૃષ્ઠસંખ્યા, પ્રકાશનવર્ષ વગેરે અંગેની માહિતીનો અભાવ હોય ત્યાં સંદર્ભ આ રીતે પ્રાપ્ત થયો છે એમ સમજવું). મુખ્ય સૂચિસામગ્રી બે વિભાગોમાં વહેંચી છે: ૧. કર્તાસૂચિ અને ૨. કૃતિસૂચિ. બન્ને વિભાગોમાં નામનો અકારાદિક્રમ રાખ્યો છે. કર્તાસૂચિમાં દરેક કર્તા અંગેની સામગ્રી નીચેના ૭ પેટાવિભાગોમાં વહેંચીને આપી છે:

ક. કર્તાના જીવનકવન વિશેના સ્વતંત્ર ગ્રંથો
ખ. કર્તાના જીવનકવન વિશેના લેખો – ગ્રંથોમાં કે સામયિકોમાં
ગ. કર્તાની કૃતિઓના સંચયો ને એ સંચયોનાં અવલોકનો
ઘ. કર્તાની ગુજરાતી કૃતિઓનાં પ્રકાશનવિવેચનનાં સ્થાનનિર્દેશ–ગ્રંથોમાં કે સામયિકોમાં: કૃતિનું સંપાદનવિવેચન સ્વતંત્ર ગ્રંથ રૂપે થયું હોય ત્યાં એનાં અવલોકનો
ચ. કર્તાની અન્ય ભાષાની કૃતિઓના સંદર્ભો‘ઘ’ની પદ્ધતિએ
છ. કર્તાની કાવ્યકૃતિઓના રસાસ્વાદો
જ. અન્ય સંદર્ભો.

દરેક વિભાગમાં અકારાદિક્રમ રાખ્યો છે. એક જ કૃતિ કે ગ્રંથનાં સંપાદનો કે અવલોકનો નોંધાય ત્યારે સંપાદક-અવલોકનકારની ઓળખનો અકારાદિક્રમ રાખ્યો છે. પેટાવિભાગોનો નિર્દેશ ‘ક’ વગેરે સંજ્ઞાથી જ કર્યો છે. પણ જે કર્તા પરત્વે એક જ પેટાવિભાગમાં માહિતી આપવાની થઈ છે ત્યાં પેટાવિભાગની સંજ્ઞા મૂકી નથી. ‘ક’ અને ‘ગ’ વિભાગના ગ્રંથોનો અન્ય વિભાગમાં નિર્દેશ કરવાનો થયો છે ત્યાં આ વિભાગસંજ્ઞા અને ક્રમાંકનો જ ઉપયોગ કર્યો છે. કૃતિસૂચિમાં અજ્ઞાતકર્તૃક કૃતિઓ વિશેના તથા જ્યાં એકથી વધુ કર્તાની એક જ નામ કે વિષયની કૃતિની ચર્ચા હોય તે સંદર્ભો સમાવ્યા છે. એમાં ઉપરના ‘ઘ’ વિભાગની પદ્ધતિ અપનાવી છે. કર્તા કે કૃતિસૂચિમાં જે સંદર્ભગ્રંથોનો વારંવાર ઉલ્લેખ આવે છે તેમને માટે સંકેતાક્ષર ને સંક્ષેપ યોજ્યા છે તે ‘સંદર્ભગ્રંથોની સૂચિ’ એ શીર્ષક નીચે આપવામાં આવ્યા છે. કર્તા ને કૃતિસૂચિમાં, પછી, આ ગ્રંથો માટે નિયત સંકેતાક્ષર ને સંક્ષેપનો જ ઉપયોગ કર્યો છે. છેલ્લે કૃતિનામસૂચિ આપી છે, જે આખા ગ્રંથમાંના કૃતિનિર્દેશોને સાંકળી આપે છે. કૃતિનામને આધારે કામ કરવાનું હોય તેમની સગવડ આ સૂચિથી સચવાશે. ઇતિહાસરૂપ જે ગ્રંથો ને જે હસ્તપ્રતયાદીઓની સામગ્રીનો અહીં સમાવેશ કર્યો નથી કે મર્યાદિત અંશે કર્યો છે તેની સૂચિ પણ આપી છે, જેથી અભ્યાસીઓ એનો ઉપયોગ કરીને મધ્યકાલીન સાહિત્યના કર્તાઓ અને કૃતિઓ વિશેના પૂરા સંદર્ભો સુધી પહોંચી શકે. આ સૂચિમાં કેટલેક સ્થાને માન્ય જોડણી ને લેખનપદ્ધતિ જોવા નહીં મળે. મૂળ સંદર્ભને યથાવત રાખવાના ખ્યાલથી આમ થયું છે, પણ બધે જ આવી જોડણી ને લેખનપદ્ધતિ મૂળ સંદર્ભને કારણે જ હશે ને સંપાદકની ભૂલ થઈ નહીં હોય એમ ખાતરીથી કહી શકાય તેમ નથી. આ બધી સ્પષ્ટતાઓને અભ્યાસીઓ ખાસ લક્ષમાં લેશે એવી આશા છે.