ગુજરાતી સૉનેટકાવ્યો/પધારો પાછા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨૧. પધારો પાછા

માણેકલાલ પટેલ

તમારાથી સૂના સકળ ભવન મૌન વરસે,
અનામી ખાલીપે કુતૂહલ વધે, યાદ ઉમટે!
તમારા વાસંતી સ્મિતપરિમલોથી ઝલમલ
ચહેરાની રેખા અવ નવ કળાયે; છલબલ
થયાં હૈયાંનાં કો નવલ સ્વરૂપોને પ્રગટતો
અરીસોયે આછાં રજકણ ધરી મૂક બનતો!
ત્રણે પ્હોરે ઝંખી શિશુ સમ મુખે વાછરું ખડાં,
અટૂલા ઓટેથી અચરજ રડી જાય કૂતરાં,
ઝરૂખાની ખાલી પરબ તરસ્યું તરફડે,
બધા ખૂણા જાળે કૃશવત બગાસે વલવલે!
ઉષાઓ સંધ્યાઓ તવ સ્મરણમાં ખંડિત બને,
સગૂઢા સંતાપે તલસન વધે, આરત તપે!
પધારો પાછાં હા, સ્મરણ ઝરતાં, સ્વપ્ન રચતાં
તમારાં ચાહ્યાં સૌ વીંટળઈ જવા ઉત્સુક બન્યાં!