ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/(જૈનાચાર્ય શ્રીમદ્) બુદ્ધિસાગરજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરજી

સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરજી જૈન મુનિ સાંસારિક સ્થિતિમાં ગુજરાતના વીજાપુરના પાટીદાર (કૂર્મક્ષત્રિય) હતા. તેમનુ નામ બહેચરદાસ હતું, પિતાનું નામ પટેલ શિવરામ હતું અને માતાનું નામ અંબાબાઈ હતું. તેમનો જન્મ સં.૧૯૩૦ના મહા સુદી ૧૪ને રોજ થએલો. તેમણે પ્રાથમિક કેળવણી વીજાપુર, મહેસાણા અને આજોલમાં લીધી હતી. નાની વયથી તે સંતસમાગમના રસિયા હતા. અવધૂત રવિસાગરજીનાં દર્શન થયા પછી તેમને સંતસમાગમ વધુ પ્રિય થયો હતો. અને સંસાર પ્રતિ ઉદાસીનતા તથા ત્યાગ. ધર્મ પ્રતિ પ્રેમ જાગ્યો હતો. શ્રી રવિસાગરજીના શિષ્ય શ્રી. સુખસાગરજી મહારાજ પાસે તેમણે ૧૯૫૭ના માગશર માસમાં જૈન સાધુત્વની દીક્ષા લીધી હતી. પ્રથમ ચાતુર્માસ તેમણે સુરતમાં કરેલું અને પુસ્તકલેખનનો પ્રારંભ પણ ત્યાં જ કરેલો. તેમનું પ્રથમ પુસ્તક હતું: “જૈન ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો મુકાબલો.” દીક્ષા પછી અધ્યયન, વિદ્વાનો-સંતો-ફીલસુફોનો સમાગમ અને ચર્ચા વગેરેમાં તે ખૂબ આગળ વધવા લાગ્યા હતા. સુપ્રસિદ્ધ મુસ્લીમ સંત કાજી અનવરમીયાં તેમના સમકાલીન હતા. વૈદ, ગીતા, કુરાન, કલ્પસૂત્ર, જૈનાગમો વગેરેના જ્ઞાનનો સુંદર સમન્વય તેઓ કરતા અને પોતાનાં જાહેર વ્યાખ્યાનોમાં તે ઉતારતા. સંવત ૧૯૭૦માં તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. શ્રી. બુદ્ધિસાગરજી તત્ત્વજ્ઞાન અને યોગના પરમ અભ્યાસી હતા. નદીતટ કે સાગરકાંઠો, જંગલ, કોતર કે ગુહાઓમાં નિવાસ તેમને પ્રિય હતો. તેમની યોગ-ધ્યાનપ્રિયતા તેમની ગ્રંથરચનાઓમાં અને ઉપદેશોમાં પ્રતીત થતી. ૨૪ વર્ષ સુધી સાધુદશા પાળીને સં.૧૯૮૧ના જેઠ વદ ૩ને રોજ તે કાળધર્મને પામ્યા હતા. તેમની પ્રેરણાથી સં.૧૯૬૪માં અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ સ્થપાયું હતું. તેમની જન્મભૂમિમાં એક વિશાળ જ્ઞાનમંદિર તેમની પ્રેરણાથી બંધાયું હતું જેમાં છાપેલા અને હસ્તલિખિત મૂલ્યવાન પુસ્તકોનો સંગ્રહ વિદ્યમાન છે. તે એક સારા કવિ પણ હતા અને અત્યંત સરલતાથી કવિતારચના કરી શકતા હતા. તેમણે સો ઉપરાંત નાનામોટા ગ્રંથો લખ્યા તથા પ્રસિદ્ધ કરાવ્યા હતા. સં.૧૯૮૧માં જ્યારે તેમને લાગતું હતું કે હવે પૃથ્વી પરથી પ્રસ્થાન કરવાનો તેમનો સમય નજીક આવે છે તે વર્ષમાં તેમણે એકી સાથે ૨૭ પુસ્તકોનું પ્રકાશન આરંભ્યું હતું. તે પોતાની જન્મભૂમિમાં જ સ્વર્ગવાસ પામ્યા હતા. સંખ્યાબંધ ગ્રંથો પ્રસિદ્ધ થવા છતાં તેમનું પુષ્કળ લખાણ હજી અપ્રસિદ્ધ રહ્યું છે. તેમણે રચેલાં ગુજરાતી તથા સંસ્કૃત પુસ્તકોની સંખ્યા મોટી છે, જેમાંથી મહત્ત્વનાં ગુજરાતી પુસ્તકોની નામાવલિ અત્રે આપી છે: કાવ્યગ્રંથો-ભજનસંગ્રહ ભાગ ૧ થી ૧૧ (આશરે ૩૫૦૦ પૃષ્ઠ), અધ્યાત્મ ભજનસંગ્રહ, પૂજાસંગ્રહ, ભાગ ૧-૨, ગહુંલી સંગ્રહ ભાગ ૧-૨, ગુરુગીત ગહુંલીસંગ્રહ, સાબરમતી ગુણ શિક્ષણકાવ્ય, દેવવંદન સ્તુતિ-સ્તવન સંગ્રહ, કક્કાવલિ સુબોધ, ભારત સહકાર શિક્ષણ કાવ્ય, મિત્ર મૈત્રી, ગદ્ય ગ્રં–કગ (મૂલ સંસ્કૃત સાથે), પરમાત્મદર્શન, પરમાત્મ- જ્યોતિ, પત્રસદુપદેશ ભાગ ૧-૨-૩, બૃહત્ વીજાપુર દત્તાંત, બહત્ વચનામૃત, ગુરુધ, શેકવિનાશક, શ્રી. રવિસાગરજી મહારાજનું ચરિત્ર, સત્ય સ્વરૂપ, ચિંતામણિ, અધ્યાત્મશાન્તિ, ગચ્છમત પ્રબંધ, શ્રીમદ્ યશેવિજયછ નિબંધ, સુખસાગર ગીતા, તપગચ્છ પટાવલિ, પ્રતિજ્ઞાપાલન, આત્મતત્ત્વદર્શન, જૈનોપનિષદ્, શિષ્યોપનિષદ્, તત્ત્વવિચાર, ષટ્પદ્રવ્યવિચાર, આત્મપ્રકાશ, જૈન-ખ્રિસ્તી ધર્મનો મુકાબલો અને સંવાદ, તત્ત્વબિંદુ, લાલા લજપતરાય અને જૈન ધર્મ, અનુભવ પચ્ચીશી, તત્ત્વજ્ઞાન દીપિકા, કન્યાવિક્રય દોષ તથા બાળલગ્ન નિબંધ, આત્મશક્તિ પ્રકાશ, યોગદીપક, ધાર્મિક ગદ્યસંગ્રહ. વિવેચન ગ્રંથો-આનંદધન પદસંગ્રહ, આત્મદર્શન, સમાધિશતક, ગુણાનુરામ કુલક, શ્રાવકધર્મ સ્વરૂપ ભાગ ૧-૨, આત્મશિક્ષા ભાવનાપ્રકાશ, ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ. સંપાદિત ગ્રંથો-શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૧-૨, જૈન રસમાળા, જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧-૨, મુદ્રિત જૈન શ્વે. ગ્રંથ નામાવલિ, જૈન સ્વાદ્વાદ મુક્તાવલિ, કર્મપ્રકૃતિ. મુખ્ય સંસ્કૃત ગ્રંથો-સુદર્શનાબોધ, આત્મપ્રદીપ, પ્રેમગીતા, શુદ્ધોપયોગ. શ્રી. બુદ્ધિસાગરજીએ આરંભેલી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ગ્રંથમાળામાં ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજાં મળીને આશરે ૧૨૫ પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે.

***