ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જહાંગીરજી નસરવાનજી પટેલ ('ગુલફામ´)

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જહાંગીરજી નસરવાનજી પટેલ–“ગુલફામ”

પારસી સાહિત્ય જગતમાં ‘ગુલફામ’ના તખલ્લુસથી જાણતા લગભગ પોણોસો જેટલાં પુસ્તકો (નાટકો અને નવલો)ના લખનાર અને એટલો જ એકધારો ફાળો પારસી પત્રકારત્વમાં આપનાર સ્વ. જહાંગીરજી નસરવાનજી પટેલ મુંબઈના એક વિખ્યાત કુટુંબના નબીરા હતા. જેમના નામ પરથી મુંબઈમાં સી. પી. ટેંક(કાવસજી પટેલ ટેંક)ના મહોલ્લાનું તથા કોટમાં કાવસજી પટેલ સ્ટ્રીટનું નામ પડેલું તે કાવસજી રુસ્તમજી પટેલ એમના પ્રપિતામહ થાય. એ કાવસજી પટેલે કોળીઓની સરદારી લઈને મુંબઈને જંજીરાના સીદીઓના હુમલામાંથી બચાવેલું. જહાંગીરજીનો જન્મ ઈ.સ.૧૮૬૧ના જુલાઈની ૧૪મી તારીખે મુંબઈમાં થેએલો. એમના પિતાનું નામ નસરવાનજી જહાંગીર પટેલ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ તેમણે મુંબઈમાં જ લીધેલું. અને કોટની અંગ્રેજી સ્કૂલમાંથી ચારેક ધોરણ અંગ્રેજી ભણી અભ્યાસ છોડી દીધેલો. પણ લેખન-વાચન અને ખાસ કરીને નાટકનો નાદ એમને નાનપણથી જ લાગેલો. છેક ૧૫ વર્ષની ઊગતી વયથી એમણે લખવા માંડેલું અને ‘ગુલ અફશાન', 'ગપસપ', 'જ્ઞાનવર્ધક', 'ઢોંગસોંગ’, ‘ફુરસદ', ‘મધુર વચન', 'માસિક મજાહ', 'લક્ષ્મી', આદિ અનેક પુત્રોમાં તે લખતા. શાળામાં એક નાટકમાં 'ગુલફામ'નું પાત્ર પોતે ભજવેલું એ જ 'તખલ્લુસ’ થી લખવું શરુ કરેલું જે જીવનસુધી એમણે ચાલુ રાખ્યું. 'મુંબઈ સમાચાર' અને 'અખબારે સોદાગર'માં પત્રકાર તરીકે એમણે જીવનની શરૂઆત કરી અને જીવનભર એમનો વ્યવસાય એ જ રહ્યો. ઈ.સ.૧૯૦૩થી તે ‘જામે જમશેદ’ પત્રમાં જોડાએલા તે છેક ઈ.સ.૧૯૩૫માં કામકાજ છોડ્યું ત્યાંસુધી તેના તંત્રીમંડળમાં રહેલા. ઈ.સ. ૧૯૩૬ના ઑગસ્ટની ૨૪મી તારીખે મુંબઈમાં એમનું અવસાન થયું. એમનાં પત્ની પીરોજા તે પીરોજશા દીનશાજી મુકાદમ (બુકસેલર)નાં બહેન થતાં હતાં. એમની પહેલી નવલકથા ‘સોનારગઢ' ઈ.સ.૧૮૭૬માં પ્રકટ થએલી; ત્યારપછી “ખંડેરાવ ગાયકવાડ અથવા તાત્યાની જાગીર કોણની?” એ ઈ.સ.૧૮૯૦માં, “બાનુ અને સજીવન થએલો આશક” ૧૮૯૭માં અને "રૂશીની આગાહી" તથા "રજપુતાંણી અને લક્ષ્મી” ૧૯૦૦માં પ્રકટ થઈ હતી. એમનાં પુસ્તકોની મળી તેટલી યાદી આ નીચે આપી છે : નવલકથાઓ:–સોનારગઢ, દુબાશનો વારસ, રંગેલું લાછણ, શાપુરનું કિસ્મત, પાંડુરંગ હરિ, સરોવરની સુંદરી, મહેલ્લુજી અને સુના વહુ, ઓ ધન તું ક્યાં છે?, દિલસોઝ દોસ્ત, નવલ નાણાવટી, કાળો નાગ, એક ઝેરનો કટોરો, જરની જંજાળ, બેજન મનીજેહ, કજિયાનું કાળબુદ, મહોબતી બજાર, ગુલદસ્તે રમૂજ, જબરદસ્તીનાં લગન, ગાંડા પટેલ, એ કહાનજી કોણ? મોટે ઘરનાં બાઈસાહેબ, ઉઠાવગીર, હમીદા યાને તકદીરનો તોર, આલી માસીનાં ઓચરિયાં, પ્રતાપી લક્ષ્મી-પ્રતાપ, સૂરજ પૂજનારી પ્રજા યાને અદેખી હમશીર, જૅક ટ્રેવર્સ, ખુદાએ બનાવી જોડી, ખેંણકોટક, તફરમચી ત્રગડી, મૂર્તિની આંખનો હીરો, તલેસ્માતી વીંટી, જગધર પુજારી, હૈદ્રાબાદનો હજામ, મારી બચગીના દહાડા, નરગીસ, હરીફનું કાવત્રું, રાજમાતાની સેવા, ઘેલો ગણેશ, પવિત્ર તાવીઝ, દરિયાની ડાકણ, હકદારને હક યાને જુલ્મી જાફર, ફિતૂરી દિલાવર, જફાકાર, સ્વપનાંની તાસીર, ચશ્મ ચોર, જંગલમાં મંગલ. નાટકો:-આંધળે બહેરું, ચંડાળ ચોકડી, કાંટાનું કટેસર, જોહાકી દોર, મસ્તાન મનીજેહ, જેન્ટલમેન લોફર, કડકા બાલુસ, ધણિયાણીનો ધાક, ગરબડ ગોટો, પાતાળ પાણી, મધરાતનો પરોણો, બુઢ્ઢા બુબખ, ધસેલો ઘાંખરો, ટૉપ્સીટર્વી, ફાંકડો ફિતુરી, ભમતો ભૂત, ચટાપટી, બહેન કે બલા, હાંડા માસ્તર, ઓ મારો માટી, ચાનજી ચક્કર, ઘરનો ગવર્નર, ધનધન ધોરી, સુખલો જામાસ, કુંવારું માળ, વાજતો ઘુઘરો, ખૂબીનું ખેળિયું, લફંગો લવજી.

***