ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/માધવરાવ બાબારાવ દિવેટિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
માધવરાવ બાબારાવ દિવેટિયા

અમદાવાદમાં વડનગરા નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં, ઈ.સ.૧૮૭૮ના ડિસેમ્બરની ૨૦ મી તારીખે સરદાર ભોળાનાથ સારાભાઈ દિવેટિયાના જ્યેષ્ઠ પુત્ર બાબારાવ ભોળાનાથને ત્યાં એમનો જન્મ થયો. એમનાં માતાનું નામ પ્રસન્નલક્ષ્મી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદની સરકારી શાળાઓમાં લઈ ગુજરાત કૉલેજમાં પ્રીવિયસ સુધી અભ્યાસ કર્યા બાદ એમણે સરકારી રજિસ્ટ્રેશન ખાતામાં સબરજીસ્ટ્રારની નોકરી લીધી અને જીવનભર એકનિષ્ઠાથી બજાવી. વાચનનો શોખ અભ્યાસકાળથી જ હોવાથી જીવનઘડતરમાં તેની સારી અસર થઈ અને ગુજરાતીમાં ગોવર્ધનરામ તથા નરસિંહરાવ અને અંગ્રેજીમાં વિક્ટર હ્યુગો આદિ લેખકોએ ખૂબ છાપ પાડી. મૂળથી જ સત્યપૂજક અને દયાવૃત્તિવાળા હોઈ શુદ્ધ ધાર્મિક જીવનનો આગ્રહ પહેલેથી જ ધરાવેલો અને તેથી બીજા વાચનની સાથોસાથ ધાર્મિક પુસ્તકો એમના અભ્યાસનો મુખ્ય વિષય બનતાં ગયાં, જેની છાપ એમનાં લખાણોમાં સ્પષ્ટ છે. સ્વામી રામતીર્થ, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના તે ખાસ ઉપાસક હતા. ઈ.સ.૧૯૦૪માં શ્રીમતી તાગમતી જોડે એમનું પ્રથમ લગ્ન થયું; બીજું લગ્ન પેટલાદમાં ૧૯૧૩માં શ્રીમતી સુશીલાબ્હેન જોડે થયું, જેનાથી એમને બે પુત્રો તથા એક પુત્રી છે. બંને પુત્રો ગ્રૅજ્યુએટ છે. મોટા રાજકોટ એજન્સીમાં અને નાના અમદાવાદની ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક છે, ધોળકામાં ઈ.સ.૧૯૨૬ની ૨૯મી મેના રોજ એમનું અવસાન થયું. એમનું પહેલું પુસ્તક ‘જ્યોતિપુંજ' નામની નવલકથા ઈ.સ.૧૯૦૯માં 'ગુજરાતી પંચ'ની ભેટ તરીકે તે બહાર પડી. બીજી નવલકથા 'શ્વેતભાનુ’ એ જ પત્રની ભેટ તરીકે ઈ.સ.૧૯૧૨માં બહાર પડી. ત્યારપછી એમનું લખાણ ધાર્મિક સાહિત્ય તરફ જ વળ્યું. એમના ગ્રંથોની યાદી: જ્યોતિપુંજ (નવલકથા ) ઈ.સ.૧૯૦૯. શ્વેતભાનુ (નવલકથા) ઈ.સ.૧૯૧૨. સ્વામી રામતીર્થ (ભાગ ૫) એમના સદુપદેશ, સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયની વિવિધ ગ્રંથમાળામાં (અનુવાદ) ઈ.સ.૧૯૧૨. સહજાનંદ સુબોધિની (સહજાનંદ સ્વામીનું જીવનચરિત્ર તથા વચનામૃત) ઈ.સ.૧૯૧૬

***